હિયાન - ૨૨ - છેલ્લો ભાગ Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિયાન - ૨૨ - છેલ્લો ભાગ

"એની પાછળ પણ એક કારણ હતું જે હવે માલવિકા દીદી જણાવશે."

"એક દિવસ આયાન બહાર જતો હતો ત્યારે એણે ઘરની બહાર એક માણસને જોયો હતો. પણ તેણે ધ્યાન પર લીધું ના હતું. પણ પછી બીજા બે ત્રણ દિવસ એ જ વ્યક્તિ જોવા મળ્યો એટલે આયાન એ મને વાત કરી. અમે એ વ્યક્તિને પકડીને એની પાસે માહિતી કઢાવી તેમાં ખબર પડી કે અનુજ એ તને મારવા માટે એ વ્યક્તિને પાછળ લગાડ્યો છે. પહેલા તો અમને થયું કે અમારી કોઈ ભૂલ થતી હશે. કારણકે દેશના ગૃહમંત્રી ને હિયા સાથે શું લેવા દેવા? પણ પછી અમને રેલવે સ્ટેશન વાળી ઘટના યાદ આવી. કદાચ એમાં જ કોઈ કારણ છુપાયેલું હશે એવું અમને લાગ્યું. પછી અમે પેલા માણસને અમારી નજરમાં જ રાખ્યો અને અનુજને કશું ખબર પડવા દીધી નહી કે અમે તેનો પ્લાન જાણી ગયા છે. હવે અમારે આ બધું ખુબજ ઝડપથી પૂરું કરવું હતું. કારણકે અનુજ એક માણસના ભરોસે બેસી રહે એવો ના હતો. પણ હું એ પણ જાણતી હતી કે જો કોઈ વ્યક્તિ એને નડે નહિ એવી એને ખાતરી થઈ જાય તો એ એ વ્યક્તિને મારતો નથી. એટલે જ અમે આ લગ્નનું નાટક કર્યું. જેથી તું તૂટી જાય અને આગળનું બધું ભૂલીને અમે આપેલા દગા વિશે જ વિચારે. અને થયું પણ એવું જ. તું આમાં ગૂંચવાઈ ગઈ એટલે અનુજ એ તને છોડી દીધી. પણ અમારે આનું પરમેનન્ટ સોલ્યુશન લાવવાનું હતું. લગ્નનું નાટક કરવા પાછળનું એક કારણ આ પણ હતું. અમારે અનુજ વિરૂદ્ધ પુરાવા ભેગા કરીને એને સજા અપાવવી હતી. જેથી એ ફરીવાર મુસીબત ઉભી ના કરે. પણ જો અહીંયા રહીને એવું કરીએ તો આખું ફૅમિલી જોખમ માં આવી જાય. એટલે અમે લગ્નનું નાટક કર્યું. જેથી અમને ઘરમાંથી કાઢી મૂક્યા. અને અમે બીજા શહેરમાં જઈ એના વિરૂદ્ધ પુરાવા ભેગા કરવા લાગ્યા. પણ અમે જે એક વર્ષમાં ના કરી શક્યા તે કામ તેં ચાર મહિના માં કરી નાખ્યું." માલવિકા બધું વિસ્તારથી સમજાવે છે.

"અચ્છા હવે આખી રમત વિશે મને ખ્યાલ આવ્યો. પણ તમે નાના છોકરાઓ સમજે છે શું પોતાની જાતને. આટલું બધું થયું અને એકલા એકલા જ હેન્ડલ કરવા દોડી પડ્યા. એકવાર જો અમને કહ્યું હોત તો કદાચ આટલું બધું લાંબું ના થાત." સુનિલભાઈ થોડા ગુસ્સામાં કહે છે.

"છોડોને એ વાત. હવે તો બધું સરખું થઈ ગયું છે. હવે એ લોકોને મોજથી જીવવા દો." શાલિની બેન કહે છે.

"હું આ વાત એમનેમ ના છોડું. એમણે જે ભૂલ કરી છે એની સજા બદલ હવે આયાન અને માલવિકા એ બધાની વચ્ચે લગ્ન કરવા પડશે."

બધા એમની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. બધા એકબીજાને જોવા લાગ્યા.

"આ શું બોલો છો? હવે તો બધું સરખું થઈ ગયું છે તો તમે કેમ બધું બગાડવા માંગો છો?" શાલિની બેન કહે છે.

"હું કહું છું તે થઈને જ રહેશે. બધાને મારી કસમ છે."

આયાન, હિયા અને માલવિકા તો ત્યાંજ થીજી જાય છે. તેઓ કશું બોલતા નથી. અને હિયા તો જાણે હમણાં જ રડી પડશે એવું મોઢું બનાવી દે છે.

"અરે હીયું બેટા બસ કર.કેટલું રડશે હજી. મારો કહેવાનો મતલબ હતો કે આયાન ના લગ્ન તારી સાથે અને માલવિકા ના લગ્ન એના પતિની સાથે ફરીથી થશે. કારણકે વિધીસર લગ્ન તો એના પણ બાકી જ છે ને?"

સુનિલભાઈ ની આ વાત સાંભળતા જ બધા હસી પડે છે. અને હિયા અને આયાન ને તો જાણે જીવમાં જીવ આવે છે.

પછી પંદર દિવસ પછી તેમના લગ્ન નક્કી કરવામાં આવે છે.

(પંદર દિવસ પછી)

એક જ મંડપ માં બંને બહેનો ના લગ્ન થતાં હોય છે. માલવિકા ને ગર્ભાવસ્થા ને લીધે તકલીફ પડે છે પણ તેનો હસબન્ડ બધું સંભાળી લે છે.
લગ્ન પત્યા પછી આયાન અને હિયા પોતાના રૂમમાં હોય છે.

"ફાઇનલી આજે આપણે હિયા અને આયાન મટીને હિયાન થઈ ગયા." હિયા ખુશ થતા કહે છે.

"હા હિયું આજે આપણા જીવનનો ખુબજ મોટો દિવસ છે. હું ખુબજ ખુશ છું આજે. પણ હિયું આપણે આ નવું જીવન શરૂ કરીએ તે પહેલાં હું અમુક વાત કહેવા માંગુ છું. જો તને વાંધો ન હોય તો."

"અરે એમાં મને પૂછવાનું શું હોય. હવે આપણે બંને એક જ છે. એટલે તારે મનમાં જે હોય તે કહી દેવાનુ."

"હિયું, મને પ્રોમિસ કર કે હવે બીજી વાર મને જણાવ્યા વિના આવું કોઈ કામ કરશે નહિ. તું એકલી એકલી આ રીતે ગઈ હતી તો તને કંઈ થઈ ગયું હોત તો?" આયાન ચિંતિત સ્વરે કહે છે.

"આયાન, તે પણ તો મને કહ્યું ના હતું. તમે પણ બંને જણએ ભેગા થઈને એકલા એકલા જ બધું નક્કી કરી નાખ્યું હતું ને? તને ખબર છે મને પણ કેટલી તકલીફ પડી હતી."

"અરે એ તો મને તે સમયે જે ઠીક લાગ્યું તે કર્યું હતું. કારણકે મારે બસ તને સુરક્ષિત જોવી હતી. "

"બસ મને પણ આ જ વિચાર આવ્યા હતા. અને મેં પણ તે સમયે મને જે ઠીક લાગ્યુ તે જ કર્યું હતું."

"okk.. જે હોય તે. હવે એ વાત મુક. પણ મને પ્રોમિસ કર કે હવે કોઈપણ વાત હોય મારાથી છુપાવીને આવું પગલું ભરશે નહિ."

"હા પ્રોમિસ કરું છું પણ તું પણ પ્રોમિસ કર કે તું પણ બધી વાત મને જણાવશે."

"હા હું પ્રોમિસ કરું છું. આપણે આપણા પ્રેમ સંબંધમાં જે ભૂલ કરી તે હવે કદી કરીશું નહિ. એમ કહેવાય કે પ્રેમમાં બંને વ્યક્તિ એકબીજાનો પડછાયો હોય છે પણ આપણે તો એકબીજાને જણાવવાનું જ ચૂકી ગયા હતા. કદાચ જણાવ્યું હોત તો આપણે આટલી તકલીફ ભોગવવી પડી ના હોત."

"હા સાચી વાત છે તારી. હવેથી એ ભૂલ ન થાય એ ધ્યાન રાખીશું."

"હા ચાલ છોડ હવે બધું જૂનું. હવે આપણી વાતો કરીએ. મને એ કહે કે તારે વાળ ટૂંકા કરાવવાની શું જરૂર હતી. લાંબા વાળમાં કેટલી સરસ લાગતી હતી."

"તો શું હું હમણાં સારી નથી દેખાતી?" હિયા મોં ફુલાવીને પૂછે છે.

"અરે હમણાં પણ સારી જ દેખાય છે. પણ લાંબા વાળમાં તું એના કરતાં પણ સુંદર દેખાતી હતી."

આમજ બંને વાતો વાતો માં ક્યારે એકબીજામાં ખોવાઈ ગયા તે પણ તેમને ખબર પડી નહિ...

અંતે હિયા અને આયાન ભેગા થઈને હિયાન બન્યા.


(સમાપ્ત)


(આપણે પણ આના પરથી શીખવું જોઈએ કે કોઈપણ મુસીબત આવે તો આપણે આપણા પોતાના વ્યક્તિ ને તો કહેવું જ જોઈએ. કદાચ આયાન અને માલવિકા પહેલેથી ઘરમાં કહી દીધું હોત તો તેમણે આટલી તકલીફ ના ભોગવવી પડી હોત. અને હિયા પણ કહ્યા વિના ગઈ હતી તો કદાચ તે કોઈ મુસીબતમાં મુકાઈ ગઈ હોત તો? એટલે જ દરેક મુસીબતનો સામનો આખા પરિવાર એ ભેગા થઈને કરવાનો હોય છે.)


(અહીંયા મારી પહેલી ધારાવાહિક પૂર્ણ થાય છે. હું મારા વાંચક મિત્રોનો આભાર માનીશ કે તેમના પ્રતિભાવ થી મને સતત લખવાની પ્રેરણા મળી છે. એક સમયએ તો મને આ ધારાવાહિક અધૂરી મૂકી દેવાનુ મન થયું હતું. પણ પછી તમારા પ્રતિભાવ થી પ્રેરિત થઈને પૂર્ણ કરી. મારી બીજી ધારાવાહિક "હું રાહ જોઇશ" પણ અધૂરી છે. જેને પણ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. અને હું હમણાં બીજી એક વાર્તા પર પણ કામ કરી રહ્યો છું. પણ એ વાર્તા આખી લખાઈ જાય પછી જ પ્રકાશિત કરીશ. અને હા આ મારી પહેલી ધારાવાહિક હતી એટલે આમાં ભૂલો પુષ્કળ માત્રામાં હશે. એટલે તમે મને ભૂલો જરૂર બતાવજો. જેથી હું બીજી ધારાવાહિકમાં તે ભૂલો ના કરું.)

આભાર.