Unnatural ઇશ્ક - 2 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Unnatural ઇશ્ક - 2

પ્રકરણ -૨/બે

ગતાંકમાં વાંચ્યું....

રવિશને યુનિટેક ટેકનોલોજીના એમ.ડી. એક સિક્રેટ મિશનની મિટિંગ માટે બોલાવે છે જ્યાં એની મુલાકાત આ મિશનમાં સામેલ થનારી અન્ય વ્યક્તિઓ સાથે થાય છે અને સાથે શાલ્વી સાથે પણ થાય છે....

હવે આગળ......

"હવે આપણે મિટિંગ સ્ટાર્ટ કરીએ. આપણી પાસે સમય પણ ઓછો છે. તમારા દરેકની ડેસ્ક પર જે ફાઈલ મુકવામાં આવેલ છે એમાં મિશનને લગતી શોર્ટ ઇન્ફોર્મેશન સાથે દરેકને એના ભાગે આવેલ કામની ડિટેલ પણ છે. એકવાર તમે બધા એ વાંચી લો પછી આપણે આગળ વધીએ," મિસ્ટર વાધવાએ દરેકને રેડ બટન પ્રેસ કરવાનો નિર્દેશ આપ્યો એટલે બધા એ સુચનાને અનુસરી રેડ બટન પ્રેસ કર્યું એની સાથે જ ફાઇલ ખુલી ગઈ અને સિલિંગમાંથી આવતા લેઝર કિરણોથી ફાઈલમાં રહેલી વિગત એમ્બોસ થઈ એટલે દરેકે પોતપોતાની ફાઈલમાં ધ્યાન કેન્દ્રિત કર્યું.

"આગળ જણાવ્યું એમ દરેક ફાઈલની વિગત જુદી-જુદી છે. ટૂંકમાં હું એના વિશે માહિતી આપી દઉં. મિસ્ટર ખુરાના, તમારી ફાઈલમાં આ દરેક વ્યક્તિઓની પર્સનલ ઈન્ફોર્મેશન છે, તમે આ મિશનના સુપરવાઈઝર છો. મિસ્ટર શર્મા, તમારી ફાઈલ અનુસાર તમારે મિસિસ કૃષ્ણન સાથે રિસર્ચ કરવાનું છે અને ફાઇનલ પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે, મિસિસ શેફાલી, તમારે મિસ્ટર શર્માને એસિસ્ટ કરવાના છે સાથે સાથે થિયરી પણ રેડી કરવાની છે. મિસ્ટર દવે તમારે ફાઇનલ પ્રોજેક્ટ પર સ્ટડી કરી એને અનુસાર બજેટ બનાવવાનું છે, મિસ્ટર સેન તમારે મિસ શાલ્વી સાથે આપણા મિશન માટે એક એવું સ્પેસક્રાફટ ડિઝાઇન કરવાનું છે જે બધી રીતે અનોખું હોય. મિસ કશ્યપ, અંડરસ્ટુડ?"

બધાને ટૂંકમાં સમજાવી મિસ્ટર વાધવા પાછા એમની ચેરમાં ગોઠવાયા, "અને એક મેઈન વાત, તમારામાંથી કોઈપણ આ ફાઇલને સ્કેન નહીં કરી શકે તેમ જ એનો ફોટો પણ નહીં પાડી શકે કેમકે એ બધું કરવા જતાં જ ફાઇલ બ્લેન્ક બની જશે અને આ ફાઇલને આ ચેમ્બરથી બહાર પણ નહીં લઈ જઈ શકો એટલે તમારે દરેકે આ પ્રોજેક્ટ અહીં, આ ચેમ્બરમાં જ તૈયાર કરવો પડશે. તમારે દરેકે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી અહીં જ રહેવું પડશે. મિસ શાલ્વી, શાર્પ દસ વાગે તમારી હાજરી મને અહીં જોઈએ અધરવાઇઝ યુ વિલ બી ફાયર્ડ." એકધારું બોલીને મિસ્ટર વાધવા હાંફી રહ્યા હતા એમણે બોક્સમાંથી એક ચયુએબલ ગોળી મોમાં મૂકી ને નિરાંતનો શ્વાસ લઈ ચગળવા લાગ્યા.

"યસ સર," બધા એકીસાથે બોલી ઉઠ્યા.

"ઓકે ગાયઝ, આજનો દિવસ તમે એકબીજા સાથે વાત કરી બધું ક્લીઅર કરી લો, કોઈ ડાઉટ હોય તો પૂછી લો અને બીજી એક વાત, કાલથી તમારું લંચ પણ અહીં જ રહેશે સો કિપ ઇટ ઇન માઈન્ડ એન્ડ બી પ્રીપેર્ડ ફોર ટુમોરો એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ તમારી પાસે ફક્ત છ મહિનાનો ટાઈમ છે. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. સી યુ ટુમોરો." દુષ્યંત વાધવા આટલી સુચના આપી ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા.

દુષ્યંત વાધવાના ગયા બાદ બધાએ પોતપોતાની ફાઇલ ખોલી અને વાંચવા લાગ્યા. વચ્ચે વચ્ચે એકબીજા સાથે મસલત કરી જરૂરી લાગતા પોઇન્ટ્સ પોતાના સ્માર્ટવૉચના નોટસ એપ્લિકેશનમાં સ્ટોર કર્યા. ચર્ચા-વિચારણામાં જ સમય નીકળી ગયો અને સાંજ પડી ગઈ એટલે બધા એક પછી એક ચેમ્બરમાંથી બહાર નીકળ્યા અને કોરિડોર વટાવી ઓફિસની બહાર નીકળ્યા. આકાશ ખુરાના પોતાની કારમાં બેસી ઘરે જવા રવાના થયા, કુલદીપ અને ગૌરાંગ પોતાની ટુ સીટર મોબાઈકમાં નીકળ્યા. શેફાલીનું ઘર નજીક હોવાથી એણે પણ સ્માર્ટવૉચનું બટન પ્રેસ કરતાં જ એના શૂઝના સોલમાંથી વ્હીલ બહાર નીકળ્યા એટલે એ એના આધારે પેવમેન્ટ લેન પર સરકતી નીકળી ગઈ. હવે રહ્યા રવિશ અને શાલ્વી. રવિશને ટ્રેનમાં જવાનું હોવાથી એ પણ શુ-વ્હીલર દ્વારા રેલવે સ્ટેશન તરફ જવાની તૈયારીમાં હતો.

"લિસન, મિસ્ટર રવિશ, મને એક હેલ્પ કરશો? પ્લીઝ," શાલ્વીની વિનંતી કરવાની અદા જોઈ રવિશ એને ઇનકાર ન કરી શક્યો.

"યસ, બોલો,"

"મારા ટૂ વ્હીલરનું ફ્લાય ફેન આજે બંધ પડી ગયું છે અને પિક અવર્સ હોવાથી ટ્રાફિક પણ બહુ જ હશે તો મને કોફીમાં કંપની આપશો ત્યાર સુધી ટ્રાફિક પણ થોડો ઓછો થઈ જશે એટલે મને પણ જવા માટે સરળતા રહેશે. જો તમને કોઈ વાંધો ન હોય તો........?" પોતાની કાળી લાંબી પાંપણ પટપટાવી અને ઝુલ્ફોને એક હલકો ઝટકો આપી શાલ્વીએ મોહક સ્મિત આપ્યું.

"ઓકે.... લેટ્સ ગો,"

ટૂંકાણમાં પ્રત્યુત્તર આપી ઓફિસની સામે આવેલી કેફેટેરિયામાં જવા માટે રવિશ અને શાલ્વીએ પગ ઉપાડ્યા.

કેફેટેરિયામાં જઈ એક કોર્નરની સીટ પસંદ કરી બંને સામસામે બેઠા. રોબો વેઇટરે આવીને એક ડિજિટલ મેનુ કાર્ડ ટેબલ પર મૂક્યું એટલે શાલ્વીએ એમાંથી બે ફ્રેપુચીનો વિથ આઈસ્ક્રીમ અને બેકડ ફ્રેન્ચ ફ્રાઇઝ વિથ ચીઝપેરી ડીપ સિલેક્ટ કરીને ઓર્ડર આપ્યો એટલે રોબો મેનુ કાર્ડ લઈ બીજા કસ્ટમરના ઓર્ડર લઈ કેફેના કેબિન કિચનમાં જઈ રોબોશેફને ઓર્ડર લિસ્ટ સેન્ડ કરી અને અગાઉ જે ઓર્ડર આપેલા હતા એ રેડી થઈ જતા ટ્રેમાં ગોઠવી જેમણે ઓર્ડર આપ્યા હતા એમને સર્વ કરવા ગયો. કેફેટેરિયામાં એક યુવાન પોતાની ડિજિટલ ઇલેક્ટ્રોનિક ગિટાર વગાડતો ગીત ગાઈ રહ્યો હતો અને એનો સાથી કીબોર્ડ પર આંગળીઓ ફેરવતો વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટના સુર વગાડી સાથ આપી રહ્યો હતો. રવિશ અને શાલ્વી એ મ્યુઝિકની મજા માણી રહ્યા હતા.

લગભગ દસેક મિનિટ રાહ જોયા બાદ રોબો બે જુદી જુદી ટ્રેમાં આપેલા ઓર્ડર મુજબ ફ્રેપુચીનો કોફી વિથ આઈસ્ક્રીમના મગ અને બેકડ ફ્રેન્ચ ફ્રાઇઝ સાથે ચીઝપેરી ડીપ લઈ આવ્યો અને ટેબલ પર મૂકી બીજા ઓર્ડર સર્વ કરવા લાગ્યો.

રવિશે ફરી પોતાના સ્માર્ટવોચનું કોલ બટન પ્રેસ કરતાં જ એની સામે એક સ્ક્રીન તરવરી ઉઠી જેમાં એની મમ્મી તનુજાનો ચહેરો દેખાયો.

"મમ્મી, આજે આવતાં લેટ થશે, તું જમી લેજે મારી માટે વેઇટ ના કરતી."

"ઓકે માય સન, હું પણ હમણાં જ ઘરે પહોંચી છું, ટેક કેર, બાય." તનુજાના ચહેરા સાથે સ્ક્રીન ગાયબ પણ થઈ ગઈ.

શાલ્વીએ પણ એના ઘરે વોઇટ્સમેલથી લેટ આવવાનો મેસેજ કરી દીધો.

"લેટ્સ સ્ટાર્ટ મિસ્ટર રવિશ," શાલ્વીએ વુડન ટ્રેમાંથી એક ફ્રાઇઝ ઉપાડી ને ડીપમાં ડીપ કરી મોઢામાં મૂકી.

"બાય ધ વે, તમે આટલા બોરિંગ કેમ છો. મિટિંગ શરૂ થઈ ત્યારથી મેં નોટ કર્યું છે કે તમે ઓછાબોલા છો, મારી સાથે બેઠા છો પણ ટૂંકમાં જ રીપ્લાય આપો છો. એની પ્રોબ્લેમ? મને તો આમ તમારી જેમ મૂંગા બેસી રહેતા જરાય ના ફાવે. ગોડે મોઢું બોલવા માટે આપ્યું છે નહીં કે ઝીપ લોક કરી બંધ રાખવા માટે." અવિરત, એકીશ્વાસે, સડસડાટ બોલતી શાલ્વીને રવિશ પૂતળાની જેમ તાકી રહ્યો.

"રવિશ..... સોરી, મિસ્ટર રવિશ, આમ જ મને જોયા કરશો કે આના પર પણ ધ્યાન આપશો?" શાલ્વીએ ટ્રે તરફ ઈશારો કર્યો અને કોફીનો મગ રવિશને ધર્યો. રવિશે સ્ટ્રો હોઠો વચ્ચે હળવેથી દબાવી કોફી સિપ કરવા માંડી સાથે સાથે ફ્રાઇઝ ખાવામાં શાલ્વીને કંપની આપી રહ્યો.

"એની વે, હું છું જ આવી, ગાર્ડનમાં ઉડતા મુક્ત પતંગિયા જેવી, ફૂલોની વહેતી સુગંધ જેવી, અચાનક વરસતી વાદળી જેવી, સાગરમાં ઉઠતી લહેર જેવી. નોનસ્ટોપ વાગતી રેકોર્ડ છું હું... ચૂપ રહેવાનું તો શીખી જ નથી. તમને જોઈને મને એમ લાગે છે કે મેં કોઈ રોંગ પર્સનને કોફી માટે કંપની આપવા ઇન્વાઈટ કર્યો છે. ક્યારની હું જ બકબક કરી રહી છું જ્યારે તમારા મોંએથી હમમમ, ઓકે...સિવાય બીજું કાંઈ નીકળ્યું પણ નથી. બોલતાં તો આવડે છે ને....?" ફરી એકવાર હાસ્યની સૂરીલી ઘંટડીઓ રણકવા લાગી અને રવિશ ફરી એકવાર એ રણકારમાં રત બની ગયો.

ફ્રેપુચીનો અને કોફી પુરી થયા બાદ રવિશ અને શાલ્વીએ પોતાની જમણી બાજુએ રહેલું એક બટન પ્રેસ કર્યું એટલે ટેબલ નીચેના ખાંચામાંથી નાનકડું વોશબેસીન બહાર આવ્યું જેમાં લાગેલા નળ નીચે હાથ મુકતા જ એક સુગંધી સ્પ્રે હાથ પર છંટાયૂ અને બાજુમાં રહેલા ટીસ્યુપેપર રોલમાંથી એક પેપર નેપકીન લઈ બંનેએ મોં-હાથ સાફ કર્યા અને એ વાપરેલું ટીસ્યુપેપર રિસાઈકલ બિનમાં નાખી દીધું.

"મિસ્ટર રવિશ, આજે મને કંપની આપવા માટે મેં તમને ઇન્વાઈટ કર્યા છે એટલે આજનું બિલ....હું..... નહીં આપું, એ તમારે જ આપવું પડશે." શાલ્વીએ ડાબી તરફનું બટન પ્રેસ કર્યું એટલે બીજો રોબો આવી પહોંચ્યો જેના મશીનનુમા હાથમાં લાગેલા વેન્ડિંગ મશીનમાં રવિશે પોતાનું ક્રેડિટ કાર્ડ પંચ કર્યું અને પિન એન્ટર કરતાં જ કેફેટેરિયાનું બિલ પે થઈ ગયું એટલે બંને ઉભા થઈ બહાર નીકળ્યા.

"હા......શ......હવે ટ્રાફિક થોડો ઓછો થયો, હવે હું શાંતિથી જઈ શકીશ. થેન્ક યુ મિસ્ટર રવિશ, આજની ખુશનુમા સાંજે મને કંપની આપવા માટે અને સોરી પણ.... મારી બકબક સાંભળવા માટે." શાલ્વીએ એના ટુ વ્હીલરના હેન્ડલનું બટન પ્રેસ કર્યું પણ એનું ટુ વ્હીલર રિસાઈ ગયું હોય એમ સ્ટાર્ટ જ ન થયું. ઘણી કોશિશ કરી પણ કેમે કરી એનું ટુ વ્હીલર ચાલુ થવાનું નામ જ નહોતું લેતું. રવિશ હજી ત્યાં જ ઉભો હતો એણે પણ ટ્રાય કરી જોઈ પણ પરિણામ ઝીરો.

"લીવ ઇટ...." શાલ્વીએ સ્માર્ટવૉચથી મિકેનિકને કોલ કરી ટુ વ્હીલર રીપેર કરી ઘરે મૂકી જવા જણાવ્યું અને લોકેશન સેન્ડ કરી બીજો કોલ લગાડી કુલ કેબ બુક કરી અને લોકેશન સેન્ડ કરી કેબની રાહ જોતી ઉભી રહી.

"ઇફ યુ ડોન્ટ માઈન્ડ, કેન આઈ ડ્રોપ યુ એટ યોર હોમ? આમ પણ તમારા ઘર તરફ જઈને જ મારા ઘરે જવાનો રસ્તો છે. આજે મારી ડેસ્ટિનીમાં તમારી બોરિંગ કંપની લખેલી છે મિસ્ટર રવિશ અને તમારી ડેસ્ટિનીમાં મારી ફાલતુ બકબક સાંભળવાનું." રવિશે મુક સંમતિ દર્શાવી. એટલામાં કેબ આવતાં બંને પાછલી સીટ પર બેઠા એટલે ડ્રાઇવરે રિમોટકંટ્રોલ જેવા ડિવાઇસથી કાર સ્ટાર્ટ કરી અને કારની સ્ક્રીન પર આવેલા શાલ્વીના ઘરના મેપ પર નજર કરી એ દિશા સેટ કરી એટલે કાર એ તરફ દોડવા લાગી.

પાંત્રીસેક મિનિટની ડ્રાઇવ પછી રવિશના ઘરથી પાંચ મિનિટના અંતરે શાલ્વીએ ડ્રાઇવરને કેબ ઉભી રાખવાનું કહ્યું.

"મિસ્ટર રવિશ.... તમારું ડેસ્ટિનેશન આવી ગયું અને ડોન્ટ વરી કેબનું બિલ હું પે કરીશ. ગેટિંગ લેટ સો બાય એન્ડ ગુડ નાઈટ," રવિશ કેબનો દરવાજો ખોલી બહાર નીકળી શાલ્વી તરફ હાથ હલાવી ઘર તરફ વળ્યો અને શાલ્વીને લઈ કેબ આગળ વધી.

ઘરથી સોએક મીટરનું અંતર બાકી હશે ત્યાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. શાલ્વીના નાનકડા બેઠા ઘાટના બંગલાના ગેટ પાસે ડ્રાઇવરે કેબ રોકતાં જ કેબમાંથી બહાર નીકળતા પહેલા જ શાલ્વીએ પોતાના ક્રેડિટકાર્ડ દ્વારા કેબનું બિલ પે કર્યું અને પોતાની સ્લિંગ બેગ માથા પર મૂકી દોડતી જઈ દરવાજે લાગેલા ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન મશીન પર આંગળી મુકતા જ દરવાજો ઓપન થતા આજુબાજુ કે આગળ પાછળ જોયા વિના આંખોમાં એક અજાણ્યો ડર લઈ પોતાના બેડરૂમમાં જઈને દરવાજો ધડામ કરતો બંધ કર્યો અને બેડ પર ફસડાઈ પડી.

વધુ આવતા અંકે.....

'Unnatural ઇશ્ક’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.