પ્રકરણ - ૩/ત્રણ
ગતાંકમાં વાંચ્યું.....
દુષ્યંત વાધવા બધાને સિક્રેટ મિશન માટેની માહિતી અને છ મહિનાનો ટાઈમ આપે છે. બધા પોતપોતાની ફાઇલ વાંચી ચર્ચા કરી બીજા દિવસથી મિશનની કામગીરી સ્ટાર્ટ કરવાનું નક્કી કરી છુટા પડે છે. શાલ્વીનું ટુ વ્હીલર બગડી જવાને કારણે એ રવિશને પોતાની મદદ કરવાનું કહી કોફી પીવા લઈ જાય છે અને પછી કેબ બુક કરી રવિશને એના ઘર પાસે ડ્રોપ કરી પોતાના ઘરે જાય છે ત્યારે અચાનક વરસાદ તૂટી પડે છે...
હવે આગળ.....
ઘરથી સોએક મીટરનું અંતર બાકી હશે ત્યાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. શાલ્વીના નાનકડા બેઠા ઘાટના બંગલાના ગેટ પાસે ડ્રાઇવરે કેબ રોકતાં જ કેબમાંથી બહાર નીકળતા પહેલા જ શાલ્વીએ પોતાના ક્રેડિટકાર્ડ દ્વારા કેબનું બિલ પે કર્યું અને પોતાની સ્લિંગ બેગ માથા પર મૂકી દોડતી જઈ દરવાજે લાગેલા ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન મશીન પર આંગળી મુકતા જ દરવાજો ઓપન થતા આજુબાજુ કે આગળ પાછળ જોયા વિના આંખોમાં એક અજાણ્યો ડર લઈ પોતાના બેડરૂમમાં જઈને દરવાજો ધડામ કરતો બંધ કર્યો અને બેડ પર ફસડાઈ પડી.
રવિશ ઘરે પહોંચ્યો અને એણે શાલ્વીને મેસેજ કર્યો અને એના રીપ્લાયની રાહ જોયા વગર બાથરૂમમાં જઈ ફ્રેશ થઈ ડાઇનિંગ ટેબલ પર મૂકેલા કેસેરોલ બોક્સને માઇક્રોવેવમાં મૂકી, ગરમ કરી, આરોગી, ખાલી બોક્સ ડિશવોશરમાં મૂકી પોતાના બેડરૂમમાં જતો રહ્યો. બેડ પર પડ્યા પડ્યા જ એણે રિમોટ વડે ટીવીનું બટન ઓન કર્યું એટલે સાફ શ્વેત સિલિંગ પર રંગોની આભા છવાઈ ગઈ. એની આંખો ટીવી સ્ક્રીન પર સ્થિર હતી પણ એના માનસપટલ પર શાલ્વી એવી છવાઈ ગઈ હતી કે ટીવી સ્ક્રીન પર આવતા ન્યુઝરીડરના ચહેરામાં પણ એને શાલ્વી જ દેખાઈ રહી હતી. એની માસૂમિયત અને નાદાનીયત ભરી વાતોના અંદાજને વાગોળતા વાગોળતા રવિશની આંખ લાગી ગઈ જે સવારે સાત વાગ્યે સ્માર્ટવૉચનું એલાર્મ વાગતાં ખુલી. રોજીંદો નિત્યક્રમ પતાવી, ફટાફટ અલમોન્ડ હની કોર્ન ફ્લેક્સ અને મિલ્કનો બ્રેકફાસ્ટ કરી, બાઉલ ડિશવોશરમાં મૂકી એ યુનિટેક ટેકનોલોજીની હેડઓફિસ જવા નીકળ્યો ત્યારે સમય થયો હતો સવારના પોણાનવનો એટલે એણે પોતાના શુ-વ્હીલરની ઝડપ વધારી સ્ટેશને પહોંચ્યો અને જેવી બુલેટ ટ્રેન આવતાં એમાં ચડી ગયો. એના ગયા પછી તનુજાએ ઓટોમેટિક વેક્યુમ ક્લીનર ઓન કરી રૂમમાં મૂકી રોજિંદી દિનચર્યા પતાવી બહાર આવી ત્યાં સુધીમાં ઘર ક્લીન થઈ ગયું હતું એટલે વેક્યુમ ક્લીનર સાફ કરી પાછું સ્ટોરેજ યુનિટમાં મૂકી એ પણ પોતાની કાર ડ્રાઇવ કરી કોલેજ જવા નીકળી.
નિયત સમયે રવિશ યુનિટેક ટેકનોલોજીની અદ્યતન સુવિધાઓથી સજ્જ ચેમ્બરમાં પહોંચી ગયો અને બધાને સુખદ આશ્ચર્યનો આંચકો આપતી શાલ્વી પણ સમયસર આવી પહોંચી. આકાશ ખુરાના, કુલદીપ શર્મા, શેફાલી કૃષ્ણન અને ગૌરાંગ દવેની સાથે સાથે રવિશ અને શાલ્વી પણ પોતાની ડેસ્ક ચેર પર બેસીને પ્રોજેક્ટની પ્રીપેરેશનમાં લાગી ગયા. આકાશ અને ગૌરાંગ પ્રોજેકટના બજેટના આંકડાઓ માંડવા લાગ્યા, કુલદીપ અને શેફાલી પ્રોજેકટમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એની ઇન્ફોર્મેશન માટે નેટ પર સર્ચ કરવા લાગ્યા તો રવિશ અને શાલ્વી ડિઝાઇનના રફ સ્કેચ બનાવવા લાગ્યા. દુષ્યંત વાધવાએ આધુનિક શસ્ત્રોથી સજ્જ બે રોબો સિક્યોરિટી ગાર્ડ સ્વરૂપે ચેમ્બરની ચોકી કરવા તૈનાત કર્યા હતા.
પ્રથમ ત્રણ મહિના પ્રોજેક્ટની પૂર્વ તૈયારીમાં નીકળી ગયા. આ ત્રણ મહિના દરમિયાન બજેટ, ડિઝાઇન અને એમાં વાપરવા યોગ્ય ટેકનોલોજી માટે રિસર્ચ કરી નવી ટેકનોલોજીના પ્રયોગ કરી આ છ જણે મળીને એક રફ માળખું તૈયાર કર્યું અને આ માળખાની ડિઝાઇન બનાવતા બનાવતા રવિશ અને શાલ્વીના હૈયા પણ જોડાતા ગયા અને એટલા નજીક આવી ગયા કે એક શ્વાસ લે તો એનો એહસાસ બીજાને થાય.
રવિશે ગાર્ડનના ડેક પર લગાડેલા મોનીટરની સ્ક્રીન પર બટન પ્રેસ કરી, કલર અને શેપ સિલેક્ટ કર્યું એટલે ડેક નીચેથી હળવેથી મશરૂમ શેપની ટ્રાન્સપરન્ટ ફાઈબરની બનેલી રિમોટ સંચાલિત ટુ સીટર ઇલેક્ટ્રોનિક ફેરીબોટ પાણીની સપાટી પર આવી અને સ્માર્ટવૉચમાં આવેલો પાસવર્ડ એન્ટર કરતા જ ફેરીનો દરવાજો ખુલ્યો એટલે ફેરીની પર રવિશ અને શાલ્વી સામસામે બેઠા, રવિશે ફેરીના સાઈડ સ્ટેન્ડમાં મુકેલા રિમોટ વડે ફેરી સ્ટાર્ટ કરી એટલે ફેરી પાણીની લહેરો પર વિહરવા લાગી. પાણીમાં આવી જ બીજી પાંચ-છ ફેરીઓ ધીમે ધીમે સરી રહી હતી. થોડાક રૂપિયામાં અમુક કલાક સુધી પાણીમાં પોતાની અંગત વ્યક્તિ સાથે રોમેન્ટિક ક્ષણોને માણવા માટે વિકેન્ડમાં પ્રેમીયુગલોનો ધસારો રહેતો. આજે શનિવાર હોવાથી રવિશ અને શાલ્વી પણ ઓફિસથી વહેલા નીકળી રિલેક્સ થવા અહીં આવ્યા હતા. બંનેએ પાનીની સેન્ડવિચ સાથે મિન્ટ લેમનેડનો સ્વાદ લેતા પ્રેમગોષ્ટીમાં રચી રહ્યા.
"રવિશ, મેં સ્વપ્નેય નહોતું વિચાર્યું કે હું તારા લવલેકમાં ડૂબી જઈશ અને તારા લવમાં તરબોળ થઈ જઈશ." શાલ્વીએ રવિશના ખભે માથું ઢાળી દીધું અને એની આંગળીઓમાં એક હાથની આંગળીઓ ભેરવી બીજા હાથની આંગળીઓ રવિશના વાળમાં ફેરવવા લાગી.
"મેં પણ ક્યારેય નહોતું ધાર્યું કે મારા જેવા અંતર્મુખી યુવાનની લાઈફમાં આટલો મોટો બદલાવ લાવનારી તારા જેવી ચંચળ પણ પ્રેમાળ લવ પાર્ટનર મને મળશે જે મારા જેવા ગંભીર સાગરના પાણીને ખળખળ વહેતી આઝાદ સરિતાના જળપ્રવાહમાં ભેળવી મારામાં પણ ખુશીઓના તરંગો લહેરાવશે." રવિશે પોતાની બંને હથેળીઓ વચ્ચે શાલ્વીનો હાથ ઉષ્માપૂર્વક દબાવ્યો. બંને પોતાની પ્રણયમસ્તીમાં રત હતા ત્યારે એમનાથી થોડા અંતરે બીજી બોલ શેપની ફેરી બોટમાં બેઠેલી બે વ્યક્તિ સ્માર્ટ ગ્લાસ દ્વારા રવિશ અને શાલ્વીની પ્રત્યેક હિલચાલ પર નજર રાખી રહી હતી.
"રવિશ, પાછલા ત્રણ મહિનામાં આપણે આપણી જાત પ્રોજેક્ટ માટે સમર્પિત નાખી છે અને આ મંડેના મિસ્ટર વાધવા આપણી ડિઝાઇન અને થિયરી એકવાર ચેક કરીને એપ્રુવ કરી દે તો આપણી અડધી મહેનત અહીં જ રંગ લાવશે અને પછી આપણે આપણી તન-મનની બધી જ શક્તિ આ પ્રોજેક્ટ પાછળ ખર્ચી દઈશું. આ પ્રોજેક્ટ મારું સ્વપ્ન છે જેને મેં મારા માનસ ગર્ભમાં એક નવજાત શિશુની જેમ ઉછેર્યું છે અને એ સ્વપ્નને જન્મ આપવાનો સમય આવી રહ્યો છે. આ પ્રોજેકટમાં તારો સાથ અને સહકાર બહુ જ જરૂરી છે. આપીશ ને મારો સાથ?" શાલ્વીએ રવિશની આંખોમાં પોતાની આંખો પરોવી સવાલ પૂછ્યો.
"આ સ્વપ્ન ભલે તારા માનસ ગર્ભમાં ઉછર્યું છે પણ એની માવજત મેં પણ મારી મહેનત વડે કરી છે શાલ્વી, હવે કાંઈ પણ થાય આ પ્રોજેકટ પૂર્ણ કરવો એ જ આપણું લક્ષ્ય છે."
"હા.... આઈ એમ સો.... લકી એન્ડ હેપી ટુ....." શાલ્વી રવિશને વેલની જેમ વીંટળાઈ ગઈ.
"હવે આપણે પણ નીકળવું જોઈએ, કાલે મોમ સાથે એમની કોલેજના એક કલ્ચરલ ઇવેન્ટમાં હાજરી આપવાની છે અને પછી પ્રોજેક્ટ માટે કેટલીક ફાઇનલ પ્રીપેરેશન પણ કરવાની છે, ચાલ, હું તને ઘરે ડ્રોપ કરી દઉં, સાંજ પણ ઢળવા આવી છે."
"હું તો ઇચ્છું છું કે મારી દરેક સાંજ તારી બાહોંમાં ઢળે."
"હમમમ... આ પ્રોજેક્ટ પૂરો થયા પછી એટલે કે ત્રણ મહિના પછી આપણે આ અંગે વિચારીશું" રવિશે શાલ્વીની કમર ફરતે હાથ વીંટાળ્યો અને એના કપાળે કિસ કરી.
રવિશ અને શાલ્વી બંને ગાર્ડનમાંથી બહાર નીકળ્યા અને રવિશે નવી લીધેલી ટુ સીટર મોબાઈક પર બેસી શાલ્વીના ઘર તરફ નીકળી ગયા એમની પાછળ પીછો કરી રહેલી બે વ્યક્તિ પણ બહાર નીકળીને એ બંનેથી થોડું અંતર રાખી ફરીથી એમનો પીછો કરવા લાગી.
રવિશે શાલ્વીને એના ઘરે ડ્રોપ કરીને પોતાના ઘરે પાછો ફર્યો. થોડું કામ કરી, જમીને સુઈ ગયો.
રવિવાર હોવાથી રવિશ આરામથી ઉઠ્યો, ઉઠીને મેસેજ બોક્સ ચેક કરતાં જોયું કે શાલ્વીએ દસ થઈ બાર રોમેન્ટિક મેસેજ મોકલ્યા હતા, મેસેજનો રીપ્લાય આપી આળસ મરડી બેડ પરથી ઉભો થઈ બાથરૂમમાં ગયો. ટાઇલ્સ પર લાગેલા બે બટનમાંથી એક પ્રેસ કરતાં જ સામેની ફાઇબર ગ્લાસની કેબીન ખુલી એટલે રવિશ અંદર રહેલી બાથટબમાં બેઠો અને ગરમ પાણીનું બટન પ્રેસ કર્યું એટલે થોડીક જ ક્ષણોમાં ટબ સુગંધી ગરમ પાણીથી ભરાઈ ગઈ એટલે પોતાના શરીર અને મન પ્રફુલ્લિત થયા ત્યાં સુધી રવિશ ટબમાં બેસી નહાતો રહ્યો. કલાકેક સુધી ન્હાયા બાદ બાથરૂમ સાથે અટેચડ ક્લોઝેટમાં તૈયાર થઈ રવિશ બહાર નીકળ્યો.
"ગુડ મોર્નિંગ માય સન," રજા હોવાથી તનુજા પણ બ્રેકફાસ્ટ માટે રવિશની રાહ જોઇને જ બેઠી હતી. બંનેએ સાથે નાસ્તો કર્યો અને ઘરનું વધારાનું કામ પતાવી માં-દીકરો બંને તનુજાની કોલેજમાં થઈ રહેલા કલ્ચરલ પ્રોગ્રામમાં હાજરી આપવા નીકળી ગયા. ત્યાંથી બપોરે લંચ કરીને ઘરે આવ્યા બાદ થોડો આરામ કરી રવિશ શાલ્વીને એના ઘરેથી પિક કરી મલ્ટીપ્લેક્સ મૉલમાં ફાઈવ-ડી મુવી જોવા લઈ ગયો. રિવોલ્વિંગ સ્ક્રીન, જીવનના નવેનવ રસનો અદભુત એહસાસ કરાવતી મુવી જોયા પછી રવિશે શાલ્વીને મૉલના ડિઝાઈનર બુટિકમાંથી એક વનપીસ ડ્રેસ લઈને ગિફ્ટ આપ્યો અને ટ્વીન્કલિંગ લાઈટ ડિનર લઈ શાલ્વીને એના ઘરે મુકવા ગયો.
"શાલ્વી, કેટલાય સમયથી એક વાત પુછવી છે, હું જ્યારે પણ તને ઘરે ડ્રોપ કરવા આવું છું ત્યારે ન તો તેં ક્યારેય તારા પેરન્ટ્સ સાથે મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો છે કે ન તો મને ઘરમાં એન્ટર થવા માટે ઇન્વાઈટ કર્યો છે, આખરે માજરો શું છે? વી આર ઇન લવ વિથ ઈચ અધર. તારા ફેમિલી વિશે હું જ્યારે પણ પૂછું છું તું હમેશા વાત ઉડાડી દે છે. આજે મારે જાણવું છે, પ્લીઝ....?"
"સોરી રવિશ... આઈ કાન્ટ સે એનિથીંગ એબાઉટ ઇટ અને જો આપણી રિલેશનશિપ ટકાવી રાખવી હોય તો આજ પછી આ સવાલ તું મને ક્યારેય નહીં પૂછે." અત્યાર સુધી પ્રસન્નચિત્ત રહેલી શાલ્વીના મનના કોઈ ખૂણે કડવાશ પ્રસરી ગઈ અને આંખની ભીની કોર ટીસ્યુપેપરથી લૂછતી એ કમ્પાઉન્ડનો દરવાજો ખોલી ઘર તરફ દોડી ત્યાં જ સનનનન.... કરતી એક બુલેટ એના કાન પાસેથી પસાર થઈને સામેની દીવાલ આરપાર નીકળી ગઈ. શાલ્વી સુન્ન પૂતળું બની ત્યાં જ ઉભી રહી ગઈ, બુલેટનો અવાજ સાંભળી રવિશે એ દિશા તરફ જોયું તો એક મોબાઈક પર અડધો ચહેરો ઢંકાઈ જાય એવું કલરફુલ માસ્ક પહેરેલી વ્યક્તિ ફૂલ સ્પીડમાં મોબાઈક દોડાવતી અંધારામાં ઓગળી ગઈ. રવિશ શાલ્વી તરફ દોડ્યો અને એને પોતાના આલિંગનમાં જકડી લીધી, શાલ્વી શૂન્યમન્સક હતી, હતપ્રભ અને ડરથી એ રવિશને વળગી પડી. રવિશ એની પીઠ પસવારી રહ્યો અને એને ઘરના દરવાજે છોડી એ ઘરની અંદર ગઈ એટલે એ પાછો કમ્પાઉન્ડની બહાર આવીને પોતાની મોબાઈક પર સવાર થઈ ઘરની દિશામાં રવાના થયો. મોબાઈકની સ્પીડ કરતા એના વિચારો અનેકગણી તેજ ગતિએ દોડતા હતા. 'કોણ હતી શાલ્વી પર હુમલો કરનારી એ વ્યક્તિ?'....
વધુ આવતા અંકે......
'Unnatural ઇશ્ક’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.