Unnatural ઇશ્ક - ૧ Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Unnatural ઇશ્ક - ૧

પ્રકરણ -૧/એક

સરરરરરરર..... સરતી જતી બુલેટ ટ્રેનના ઇકોનોમી કોચમાં બેઠેલા રવિશની સ્માર્ટવૉચમાંથી બીપ....બીપ...નો અવાજ આવતા રવિશે વોચનું બટન પ્રેસ કરી મેસેજ વાંચ્યો ત્યારે એને યાદ આવ્યું કે આજે એણે રિમાઇન્ડર સેટ કર્યું હતું જે એને યાદ અપાવી રહ્યું હતું કે યુનિટેક ટેકનોલોજીના મેનેજીંગ ડાયરેકટર સાથે સાંજે પાંચ વાગે એની મિટિંગ ગોઠવેલી હતી, એણે વૉચમાં જોયું તો સમય હતો બપોરના ૩-૩૫ નો. એપ્રિલ મહિનાની બપોર હતી એણે ટ્રેનની વિન્ડોમાંથી બહાર જોયું તો ટ્રેન સી-લિંક બ્રિજ ક્રોસ કરી રહી હતી. એણે ફરીથી સ્માર્ટવૉચનું બટન પ્રેસ કર્યું અને બ્રિફકેસ ખોલી, બ્રિફકેસની અંદરની બાજુની ઉપરની સાઈડ એક સ્ક્રીન ઓપન થઈ અને રવિશે બનાવેલું પ્રેઝન્ટેશન પ્રોજેકટ સ્ટાર્ટ થયું. જેમ જેમ પ્રેઝન્ટેશન આગળ વધતું ગયું તેમ તેમ રવિશના ચેહરા પર પરસેવાની સાથે નર્વસનેસ પણ વધતી ગઈ. એણે બ્રિફકેસના સાઈડ પોકેટમાંથી એક કેપસ્યુલ શેપની નાનકડી બોટલ કાઢી અને એને ખોલી પોતાના મોઢા પર કોલોન સ્પ્રે છાંટયું એટલે એની ઠંડકથી એને થોડું રિલીફ થયું. પ્રેઝન્ટેશન પૂરું થયા પછી રવિશે બ્રિફકેસ પાછી લોક કરી અને માથામાં હાથ ફેરવી વાળ સરખા કરી ઉભો થયો. સ્ટેશન આવતાં ટ્રેન ઉભી રહી અને ઓટોમેટિક દરવાજો ઓપન થયો એટલે રવિશ ટ્રેનમાથી ઉતરી પૂર્વ તરફના બ્રિજ તરફ ચાલવા લાગ્યો. બ્રિજ પાસે બે મોટી કેપસ્યુલ લિફ્ટ હતી અને બે એલિવેટર હતા, એ ઝડપથી લિફ્ટમાં એન્ટર થયો અને લિફ્ટ સડસડાટ ઉપર ગઈ, ઉપર જઈ લિફ્ટ ઉભી રહેતાં, બીજા પેસેન્જરો સાથે એ પણ બહાર નીકળી, પેવમેન્ટની લેન પાસે ઉભો રહી પાછું સ્માર્ટવૉચનું બટન પ્રેસ કરતાં જ એના સ્પોર્ટ્સ શૂઝની નીચેથી બે-બે ની જોડીમાં નાના વ્હિલ બહાર નીકળ્યા અને રવિશ પણ એરો કરેલી લેનમાં બીજા છ-સાત પેસેન્જરની જેમ સરકવા લાગ્યો. સ્માર્ટવૉચના બટન પ્રેસ કરતો પગને વળાંકોની દિશામાં વાળતો રવિશ દસેક મિનિટ પછી યુનિટેક ટેકનોલોજીની મલ્ટીસ્ટોરીડ બિલ્ડીંગના મેઈન ગેટ પાસે આવીને ઉભો રહ્યો. ગેટના એન્ટ્રન્સ પર ઉભા રહેલા રોબોટે એની વિશિષ્ટ આંખો દ્વારા રવિશની બોડીનું ટોપ ટુ બોટમ સ્કેનિંગ કર્યું અને કોઈ વાંધાજનક સ્થિતિ ન જણાતાં એણે રવિશના ડાબા હાથે નંબર ધરાવતું એક હોલોગ્રામ સ્ટીકર લગાડ્યું અને રવિશ પોતાનો ડાબો હાથ એક બિલ્ડીંગના ગેટ પર લાગેલા મશીન પર મુક્યો એટલે બિલ્ડીંગનો ટ્રાન્સપરન્ટ કાચનો દરવાજો ખુલતા જ રવિશ આલીશાન અને અદ્યતન ટેકનોલોજી ધરાવતી ઓફિસના કોરિડોરમાં દાખલ થયો.

કોરિડોર વટાવી રવિશ જમણી બાજુએ આવેલી કાચના દરવાજાવાળા ચેમ્બર પાસે આવી ફરીથી પોતાનો ડાબો હાથ દરવાજા આગળ ધર્યો એટલે દરવાજો ખુલી ગયો અને એ અંદર પ્રવેશ્યો. લગભગ ૧૫-૨૦ જણ આરામથી બેસી શકે એટલી વિશાળ ચેમ્બરમાં પહેલેથી જ ચાર વ્યક્તિઓ પોતાની ડેસ્ક ઓપન કરી સ્ક્રીન પર પ્રોજેક્ટની ડિટેલ વાંચી રહી હતી. જેવો રવિશ ચેમ્બરમાં એન્ટર થયો એટલે કંપનીના એમ.ડી. મિસ્ટર દુષ્યંત વાધવાએ પોતાના સ્માર્ટ ગ્લાસ પહેરી રવિશને સ્કેન કરી બધું બરાબર હોવાની ખાતરી કરી એના માટે રિઝર્વ મુકેલી ડેસ્કચેર પર બેસવા નિર્દેશ કર્યો એટલે રવિશ ત્યાં બેઠેલા દરેક મહાનુભાવોનું અભિવાદન કરી ચેરમાં બેસી ગયો. લંબગોળ ટેબલ ફરતે ગોઠવાયેલી દરેક ડેસ્કની સામે એક-એક ફાઇલ મુકેલી હતી અને સાથે નાનકડા બોક્સમાં વિવિધ કલર અને ફ્લેવરની સોપારી કરતા થોડી મોટી સાઇઝની ત્રણ-ચાર ટ્રાન્સપરન્ટ ચ્યુએબલ ગોળીઓ મુકેલી હતી જેથી મિટિંગ દરમ્યાન જો કોઈને તરસ લાગે તો એમાંની મનગમતા ફ્લેવરની ગોળી મોઢામાં મૂકી પોતાની તરસ છીપાવી શકે એ સાથે જ ફાઇલની બાજુમાં ગ્રીન અને રેડ એમ બે બટન લાગેલા હતા. ગ્રીન બટન પ્રેસ કરવાથી વુડન ફ્લોરિંગમાંથી એક ફાઇબર શીટ બહાર આવતી એને જે ડેસ્કનું બટન દબાવાયું હોય એની ફરતે એક સાઉન્ડપ્રુફ કેબીન જેવું આવરણ તૈયાર થઈ જતું જેથી કોઈને ફોન પર વાત કરવી હોય તો બાજુમાં બેઠેલી વ્યક્તિને ડિસ્ટર્બ ના થાય. રેડ બટન દબાવવાથી સામે મુકેલી ફાઇલ ઓપન થતી અને છતમાંથી આવતા લેઝરબીમ્સથી જ એમાંની વિગત વાંચી શકાતી અન્યથા એ ફાઇલ બ્લેન્ક દેખાતી. દરેક ડેસ્કની નીચે એક બ્લુ બટન હતું જે પ્રેસ કરવાથી ફાઇલની નીચે ફાઇબર પ્લેટ ખુલી જતી અને ફાઇલ એ ખાંચામાં ફિક્સ થઈ જતી અને ઉપર પાછું ફાઇબર કવર લાગી જતું. મહત્વની વાત તો એ હતી કે દરેક ફાઇલમાં જુદી જુદી વિગત હતી અને એ દરેક ફાઇલ ધરાવતી વ્યક્તિ એક સ્પેશિયલ પાસવર્ડ ધરાવતી હતી જે ફાઇલ એ પર્ટીક્યુલર વ્યક્તિ દ્વારા જ ખાંચામાંથી બહાર કાઢી શકાતી. એક સિક્રેટ મિશન માટે જ મિસ્ટર વાધવાએ આ બધી વ્યક્તિઓ સાથે એમની આ સ્પેશિયલ ચેમ્બરમાં મિટિંગ ગોઠવી હતી.

રવિશ એક અંતર્મુખી સ્વભાવ ધરાવતો શાંત પણ ટેલેન્ટેડ યુવાન હતો. એની માતા તનુજા સાથે એ મુંબઈના પૂર્વીય પરામાં રહેતો હતો. ઇલેક્ટ્રો મિકેનિઝમ વિથ સ્પેસ સાયન્સમાં એણે એન્જીનીયરીંગ કર્યું હતું. એના પિતા જગદીશ સેન એક કોર્પોરેટ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા પણ રવિશ જ્યારે દસ વર્ષનો હતો ત્યારે જ એના પિતા ઝેરી વાઇરલ ઇન્ફેક્શનનો ભોગ બની આ ફાની દુનિયા છોડી ગયા હતા. રવિશ એના પિતાની બહુ જ નજીક હતો. એના પિતા એના માટે સમસ્ત વિશ્વ હતા અને એટલે જ પિતાના મૃત્યુ બાદ એ અંતર્મુખી બની ગયો હતો. એની માતા તનુજા કોલેજમાં લેક્ચરર હતી. માં-દીકરો બંને સુખેથી રહેતા હતા. એન્જીનીયરીંગ પૂર્ણ કર્યા બાદ રવિશ યુનિટેક ટેકનોલોજીમાં જુનિયર રિસર્ચ ઓફિસરની પોસ્ટ પર નિયુક્ત થયો હતો. એની કાર્યદક્ષતા, નિષ્ઠા અને પ્રામાણિકતા જોઈ કંપનીના એમ.ડી. મિસ્ટર વાધવાએ એને એક સિક્રેટ મિશનમાં સામેલ કરવાનું નક્કી કર્યું હતું અને એની માટે જ આજે મિટિંગ ગોઠવવામાં આવી હતી.

મિસ્ટર વાધવાએ રવિશનો પરિચય બેઠેલી ચાર વ્યક્તિઓ સાથે કરાવ્યો.

"મિસ્ટર રવિશ, આ છે આપણી કંપનીના સિનિયર મોસ્ટ ઓફિસર મિસ્ટર આકાશ ખુરાના," રવિશે એમની સાથે હેન્ડ શેક કર્યા. મિસ્ટર ખુરાના લગભગ પિસ્તાલીસ વર્ષના, બેઠી દડીના થોડા ઘઉંવર્ણા અને આંખોમાં ભારોભાર અનુભવની ચમક ધરાવતા સિદ્ધાંતવાદી વ્યક્તિ હતા.

"આ છે મિસ્ટર કુલદીપ શર્મા, આપણી કંપનીના સાયન્ટિસ્ટ અને રિસર્ચ ઓફિસર," રવિશે નોંધ્યું મિસ્ટર શર્મા પણ આશરે પિસ્તાલીસ-પચાસની વય ધરાવતા આધેડ પણ ઊંચો અને પાતળો દેહ અને ગૌર વર્ણ ધરાવતા હસમુખા વ્યક્તિ હતા.

"આ છે મિસિસ શેફાલી કૃષ્ણન, મિસ્ટર શર્માની આસિસ્ટન્ટ," રવિશે સ્માઈલ સાથે એમનું અભિવાદન કર્યું. મિસિસ શેફાલીનું વ્યક્તિત્વ આકર્ષક હતું, એ લગભગ ચોત્રીસ-પાંત્રીસ વર્ષની સપ્રમાણ દેહયષ્ટિ ધરાવતી હતી.

"અને આ છે મિસ્ટર ગૌરાંગ દવે, આપણા ચિફ એકાઉન્ટન્ટ," રવિશે એમની સાથે પણ હેન્ડ શેક કરી પોતાની ચેરમાં બેઠો. બેસતાં પહેલા એણે નોંધ્યું કે મિસ્ટર દવે પણ લગભગ એની જ ઉંમરનો એટલે કે છવીસેક વર્ષનો તરવરિયો યુવાન હતો.

રવિશ આ બધાને આજે પહેલીવાર જ મળી રહ્યો હતો કેમ કે એ કંપનીની બ્રાન્ચ ઓફિસમાં જોબ કરતો હતો અને આજે પહેલીવાર જ એ કંપનીની હેડ ઓફિસમાં આવ્યો હતો. એને એ વાતની પણ નવાઈ લાગી રહી હતી કે એકસો વીસ જેટલા એમ્પ્લોઈઝ ધરાવતી કંપનીમાં એને જ આ સિક્રેટ મિશન માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો.

બે દિવસ પહેલા જ રવિશને મિસ્ટર વાધવાએ સિક્રેટ મિશનની મિટિંગ માટે સિલેક્શન કર્યાની જાણકારી મેઈલ દ્વારા આપી હતી. છેલ્લા આઠ મહિનાથી એણે ઓફિસ જોઈન કરી ત્યારથી ઓફિસમાં પોતાના કામથી કામ રાખીને જ કામ કરતો હતો. સમયસર આવવું, પોતાનું કામ કરવું ને સાંજે પાછું સમયસર નીકળી જવું. કોઈની સાથે કોઈ જ વાતચીત નહીં. ટોલ અને હેન્ડસમ હોવાથી ઓફિસની કેટલીયે કુંવારી કન્યાઓ એની આસપાસ મંડરાતી અને એને પોતાની મોહજાળમાં ફસાવવાનો પ્રયત્ન કરતી પણ રવિશ જાણે વિશ્વામિત્રનો અવતાર, એણે ક્યારેય કોઈપણ યુવતી તરફ નજર સુધ્ધાં નહોતી કરી, પણ આજે એનો સામનો એવી યુવતી સાથે થવાનો હતો જે એના વ્યક્તિત્વથી તદ્દન વિપરીત સ્વભાવ ધરાવતી હતી અને મિટિંગ માટે રવિશ સિવાય બધા એની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા.

રવિશ સાથે બધાનો પરિચય કરાવી મિસ્ટર વાધવા પણ એમની ચેરમાં ગોઠવાયા. મિસ્ટર વાધવા બેઠેલી બધી જ વ્યક્તિઓમાં વરિષ્ઠ હતા. ગૌર અને પડછંદ વ્યક્તિત્વ ધરાવતા મિસ્ટર વાધવાની ઉંમર પણ પંચાવન વર્ષની હતી તેમ જ આ કંપનીના એ સર્વેસર્વા હતા.

"આ છોકરી ક્યારેય ટાઈમ પર નથી આવતી. એને ટાઇમની કોઈ વેલ્યુ જ નથી પણ એની સ્કિલ અને ટેલેન્ટથી એ અહીંયા ટકી રહી છે. કોણ જાણે ક્યારે આવશે?" મનોમન બબડતાં મિસ્ટર વાધવા ડેસ્ક સ્ક્રીન પર કોઈ માહિતી શોધી રહ્યા હતા. એટલામાં ચેમ્બરનો દરવાજો ખુલ્યો અને એક સુગંધી વાવાઝોડું અંદર ધસી આવ્યું.

"હેલ્લો એવરીવન, આઈ એમ સો સોરી મિસ્ટર વાધવા, આજે ફરી પાછી હું લેટ થઈ ગઈ પણ હું શું કરું? એન્ડ મોમેન્ટ પર મારા ટુ વ્હીલરનું ફ્લાય ફેન બંધ પડી ગયું અને મારે અધવચ્ચે ટ્રાફિકમાં જ લેન્ડ થવું પડ્યું. જેમતેમ આટલા ટ્રાફિકમાંથી રસ્તો કરી હું અહીં પહોંચી છું." બ્લેક કલરના માઈક્રો સ્કર્ટ પર રેડ ટોપ અને બ્લેક હાઈ હિલ સેન્ડલ, ખભા સુધી લહેરાતા વાંકડિયા વાળ, કાળી ભાવવાહી ચમકદાર આંખો, ઝીરો ફિગર, ગોરો વાન ધરાવતી એ યુવતી નોનસ્ટોપ બોલ્યે જતી હતી.

"બ......સ......બસ, મિસ શાલ્વી, ઇનફ....તમારા એક્સકયુઝીસ સાંભળવા જેટલો ટાઈમ નથી મારી પાસે. ઓલરેડી વી આર લેટ ફોર ધી મિટિંગ સો પ્લીઝ ટેક યોર સીટ." મિસ્ટર વાધવાએ એને બેસવા માટે ઈશારો કર્યો.

"આ છે મિસ શાલ્વી કશ્યપ, આપણી કંપનીની એકમાત્ર લેડી એક્ઝીક્યુટીવ ટેકનો-ડિઝાઈનર, જે અવનવી ટેકનોલોજી ધરાવતા રોબોટિક વાહનોની ડિઝાઇન તૈયાર કરવા માટે ફેમસ છે," મિસ્ટર વાધવાએ રવિશને એનો પરિચય આપ્યો,"અને એના માટે સહુથી તગડી સેલેરી પણ લે છે અને મિસ શાલ્વી, આ છે મિસ્ટર રવિશ સેન, આજથી એટલે કે અત્યારથી જ એ તમારા કો-ઓર્ડીનેટર, આસિસ્ટન્ટ, સપોર્ટર, જે સમજો એ... તમારે બંનેએ સાથે કામ કરવાનું છે. આઈ હોપ ધેટ બોથ ઓફ યુ ડોન્ટ માઈન્ડ ફોર ઇટ."

"યસ સર......નો....સર.... આઇ મીન..." રવિશ થોથવાઈ ગયો.

થોથવાઈ ગયેલા રવિશને જોઈને શાલ્વી ખડખડાટ હસી પડી, "ડોન્ટ વરી મિસ્ટર રવિશ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, જસ્ટ રિલેક્સ... અત્યારથી જ આમ ગેગેફેફે થઈ જશો તો આગળ કામ કેમ ચાલશે...અને હું કાંઈ તમને ખાઈ નહીં જાઉં. સો પ્લીઝ, ડોન્ટ વરી." રવિશને લાગ્યું જાણે કેટલીય ઘંટડીઓ એકસાથે રણકી ઉઠી. એને લાગ્યું કે સાંભળ્યા જ કરું, એ નિરુત્તર બની શાલ્વીને એકીટશે જોઈ રહ્યો અને શાલ્વીએ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

શાલ્વીની વાત તરફ બેધ્યાન બની રવિશ શાલ્વી તરફ અનિમેષ નજરે જોઈ રહ્યો પણ આ શાલ્વી નામનું વાવાઝોડું આવનારા દિવસોમાં એની જિંદગીમાં કેવી ઉથલપાથલ લાવશે એ વાતથી એ બેખબર હતો.

વધુ આવતા અંકે.....

'Unnatural ઇશ્ક’ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.