છોડી મહેલોની લાલસા, તેને વૈરાગ્ય પસંદ કર્યું, વિચારો તો સહી, કેવો હતો એ મહાન?
જેને લાખોના દાનને રજ સમ ગણી, એક જૂઠાં ફળને સર્વશ્રેષ્ઠ કહ્યું!
ઘણાં સમય પહેલાંની વાત છે. દિવ્યનર એવા ભગવાન બુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ પછી દુનિયાને પ્રકાશિત કરવા ભ્રમણે નીકળ્યા હતાં. આ સમયનો એક પ્રસંગ છે. ભગવાન બુદ્ધ એક ગામમાં આવી પોતાના ઉદ્દેશો લોક હૈયા સુધી પહોંચાડી રહ્યાં હતા. ભગવાનનું સ્વર્ણ જેવું તન, હજારો કાળરાત્રિઓ પછી ભાસ્કર ઉગ્યા હોય તેવું સ્મિત અને હજારો કોયલોના સ્વરને મધ સાથે ભેળવી જાણે આમના કંઠમાં જ નાખ્યો હોય તેવી મંત્રમુગ્ધ કરનારી વાણી. નયનોની તો વાત જ શું કરું? દિવાકરની પ્રથમ રસ્મિ સાથે જાણે ખીલેલા સૂર્યમુખીના પુષ્પો! ભગવાન બુદ્ધના આગમનની ખબર સાંભળી દૂર દૂરથી લોકો તેમના ઉદ્દેશ સાંભળવા આવતાં. ભાગવાની દિવ્યવાણી સૌ પર ઊંડી અશર કરી હતી. ભગવાન બુદ્ધ પ્રવચનો સાંભળી ભગવાન હવે મૂર્તિઓમાંથી લોકોના હૃદયમાં વસી ગયા હતાં. લોકો ઈશ્વરના દર્શન માટે આવે એટલે અચૂક ભેટો લઈ આવે પણ ભગવાને ભેટ સ્વીકારવાની ના કહી દીધી હતી. ભગવાન બુદ્ધે લોકોને કહ્યુ," હું સાચા સમયે ભેટોનો સ્વીકાર કરીશ." લોકો ભગવાનની આજ્ઞાની રાહ જોવા લાગ્યા. ઉદ્દેશો ઘણાં દિવસો સુધી ચાલ્યા. દરરોજ લોકો ઉદ્દેશ સાંભળવાની એક નવી તાલાવેલી સાથે આવે. રાજા પણ સૌની સમાન દરરોજ ઉદ્દેશ સાંભળવા આવે, સૌની માફક ધરા પર બેસી ભગવાનની અમૃતવાણીનું પાન કરે.
એક દિવસ પરોઢનાં ખુશનુમા વાતાવરણમાં ભગવાન બુદ્ધ વડ નીચે ધ્યાન ધરી બેઠા હતા. ભગવાનના મસ્તકમાં આજ કઇંક અલગ પ્રકારની સરિતા વહી રહી હતી. ઉદ્દેશનો સમય થઈ ગયો હતો. લોકોના ટોળાં આવવાની શરૂઆત થઈ ગઈ હતી. ભગવાન હજુ સમાધિમાં જ હતાં. લોકો ટોળાં વધતાં ગયા. રાજાજી પણ આતુરતાપૂર્વક હાજર થઈ ગયા. સૌ કોઈ ભગવાનની સમાધિમાંથી બહાર આવે અને ઉદ્દેશ કહે તેની રાહ જોઈ રહ્યાં હતા. સવારથી બપોર થઈ ગયો. ભગવાન હજુ સમાધીમાં જ હતા. લોકોમાં વાતો થવા લાગી," ભગવાન શું આપણાથી રૂઠી ગયા છે?" "શું ભગવાન બુદ્ધને કોઈએ કડવા વેણો કહ્યાં છે?" "શું આપણાથી કોઈ ગફલત થઈ છે?" આવા અનેક પ્રશ્નો ફેલાવા લાગ્યા. સૌ કોઈ ભગવાન બુદ્ધના આવા વ્યવહારથી દુઃખી હતા. ભગવાનને તેમની દિવ્યદ્રષ્ટિથી સૌનું દુઃખ જોય લીધું હતું. થોડી વાર પછી ભગવાન બુદ્ધે આંખો ખોલી, ટોળામાં આ જોઈ એક શાંતિ પથરાઈ ગઈ.સૌની નજર ભગવાન પર હતી. ભગવાન નેત્રો ખોલતાંની સાથે બોલ્યાં,"હું આજ ભેટોનો સ્વીકાર કરીશ."આ સાંભળતાની સાથે ટોળામાં એક હડકમ મચી ગયો. સૌ કોઈ ભગવાન બુદ્ધને દાન આપવા માટે આતુર હતા. થોડાજ સમયમાં લોકો ભેટો લઈ હાજર થઈ ગયા. લોકો ભગવાનને ભેટ ધરવા સોના-ચાંદીના આભૂષણો, પશુઓ, આનાજ, હીરા-મોતીઓ વગેરે કિંમતી વસ્તુઓ લઈ આવ્યા. લોકો એ સીધી કતારમાં ઊભા રહી ગયા. એક-એક કરી સૌ પોતાની ભેટો લઇ ભગવાન પાસે આવે પછી ચરણ સ્પર્શ કરી ભગવાન બુદ્ધનાં ચરણોમાં ભેટ ધરે.ભગવાન બુદ્ધનાં ચરણોં પાસે સંપત્તિનો ઢગ થઈ ગયો, પણ ભગવાન બુદ્ધે એક પણ વાર આંખો ન ખોલી. સમાધિમાંજ લીન રહ્યાં. લોકોને લાગ્યું પ્રભુની તૃષ્ણા હજુ શાંત નથી થઈ. લોકોનું માનવું એક જોતા સાચું પણ હતું. વૈરાગીને ધન દોલત ની શી કામના? લોકો પણ આ વાત ક્યાં સમજે?
થોડી વાર પછી રાજાજી આવી પાંહોચીયા. લોકોની દ્રિષ્ટિ તમના પર ચોંટી જાય છે. ત્રણ-ચાર બળદ ગાડાઓ, તેમાં ભરેલ અઢળક ધન, હીરાઓ, માણેકો, અનાજ, આભૂષણો, કિંમતી-કિંમતી વસ્ત્રો, અનેક પ્રકારના અત્તરો. આ જોઈ સૌ કોઈ અવાચક બની ગયા.સૌના મનમાં હતું ભગવાન હવે જરૂર સંતુષ્ટ થશે અને સમાધી છોડી રાજાજીને આશીર્વાદ આપશે. રાજાના મનમાં પણ આજ વાત હતી. રાજા થોડાં હરખ અને અભિમાનમાં બોલ્યાં, " હે પ્રભુ મારી આ તુચ્છ ભેટ સ્વીકારો અને મને આશીર્વાદ આપો." આમ કેહતા ભગવાન બુદ્ધના ચરણ સ્પર્શ કરે છે. પણ આ શું! ભગવાન બુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના, પ્રતિમાં સમ્માન ધ્યાનમાં બેસી રહે છે. લોકોને બહું આશ્ચર્ય થાય છે કે આ સાધુને ન જાણે હજુ કેટલી ભૂખ છે? રાજન મિજાજ બગડે છે. પોતાનું આપમાન થયું છે તેવું રાજા સમજે છે. તેના મોં પર ગુસ્સાની રેખાવો જણાય છે. લોકો પણ આ વાત સમજી જાય છે. એક શાંતિ વાતાવણમાં પ્રસરી જાય છે. રાજા જાણતા હતા કે ભગવાન બુદ્ધ એક દિવ્યાનર છે, તેથી તેઓ પોતાનાં ગુસ્સાને શાંત કરી પોતાના સ્થાન પર આવી બેસી જાય છે.
સંધ્યાનો સમય થવા આવ્યો હતો. ચોમેર રાતો પ્રકાશ પથરાયો હતો. મંદ સમીરનો વાયરો વાતાવરણને વધુ સુંદર બનાવી રહ્યો હતો. ભગવાન બુદ્ધ હજુ સમાધિમાં હતાં. લોકોએ પણ આજ ભગવાનનો પ્રતિભાવ સાંભળ્યા વગર ઘરે જવાનો વિચાર સુધ્ધા ન હતો કર્યો. ભેટ ધરવા આવતાં લોકોની કતાર હવે સમાપ્ત થઈ ગઈ હતી. રાજાજી હજુ બેઠા હતાં. તેઓનો ગુસ્સો હવે કઇંક ઓછો થઈ ગયો હતો, પણ મનમાં આપમાનનો ઘા હજુ હતો. સૌ કોઈ શાંતિથી અને મૂંગા મોં એ બેઠા હતા. અચાનક એક ડોસી માં ટોળાંને વીંધી આગળ આવતાં નજરે પડ્યા. મેલી ફાટેલ સાડી, અસ્વછ શરીર, ઝુકેલી પીઠ હતી અને લાકડીના સાહરે ચાલી રહ્યાં હતા. દેખાવ થી તેઓ કોઈ ભિખારી માલૂમ પડતા હતાં. માજી ટોળાંને ચીરી ભગવાન બુદ્ધ જ્યાં બેઠા હતા ત્યાં પોંહચી ગયા. માજી બોલ્યા," પ્રભુ હું પણ તમને ભેટ આપવા ઈચ્છુ છું." આ વાત ટોળા માટે હસીપાત્ર બની. રાજાએ પણ એક અહંકાર ભર્યું સ્મિત આપી બોલ્યા," તારી પાસે શું છે ભેટ ધરવા,આ લાકડી?" આ વાત સાંભળી સૌ હસવા લાગ્યાં. ડોસીમાંને પણ હૃદયમાં આઘાત લાગ્યો. પણ આજ તો માજી ભેટ આપવી છે એમ ઠાની આવ્યા હતાં. માજી શરમથી મસ્તક નમાવી થોડા ધીમા સ્વરે બોલ્યા,"પ્રભુ મને ખબર ન હતી તમે આજ ભેટ સ્વીકારો છો. કોઈ ભલા માણસે મને એક કેરી આપી હતી. જયારે હું કેરી અડધી ખાઈ ગઈ, ત્યારે મને ખબર પડી તમે આજ ભેટ સ્વીકારો છો. પ્રભુ હું એ અડધી કેરી તમને ભેટ રૂપે ધરું છું. આનો સ્વીકાર કરો." આટલું કેહતા માજી કેરી ભગવાન બુદ્ધ તરફ ધરે છે. માજીની આંખમાંથી એક લાચારીનું મોતીબિંદુ સરી પડે છે. લોકો માટે આવત વધુ મજાક પાત્ર બને છે. રાજાના મુખમાંથી તો "હહાહાહાહાહા....." આવા શબ્દોની ધાર થાય છે. બીજા જ ક્ષણે આ હાસ્ય આશ્ચર્યમાં બદલાય જાય છે. ભગવાન બુદ્ધ સમાધિમાંથી બહાર આવે છે. તેમની નેત્રો સીધા માજીના નેત્રો સાથે મળે છે. ભગવાન બુદ્ધ પોતાના સ્થાનથી ઉઠે છે. તેઓ ધરા પર માજીની સામે આવી બેસે છે. લોકો તો આભા બની આ દ્રશ્ય જોઈ રહ્યાં હોય છે. ભગવાન પોતાનું ભિક્ષાપાત્ર માજી સામે ધરે છે. માજી પાત્રમાં જૂંઠ્ઠી કેરી ચાવથી મૂકે છે. ભગવાન બુદ્ધના મોં પર હવે સંતુષ્ટિની રેખાવો દેખાવા લાગે છે. તેઓ માજી સામે જોઈ એક સ્મિત આપે છે, અને પછી ઊભા થઈ પોતાની જગ્યાએ બેસવા જાય છે. રાજાથી હવે રહેવાતું નથી. રાજા બોલે છે," ભગવાન ભેટો તો અમે પણ ધરી હતી. મારી ભેટો આ તુચ્છ ફળ કરતાં કેટલાય ગણી વધુ મૂલ્યવાન હતી. તો તમે આ કેરીને શા માટે વિશેષ ગણી?" ભગવાન બુદ્ધે એક સ્મિત સાથે જવાબ આપ્યો, " રાજન, તમે અને પ્રજાના બીજા બધાં લોકો એ મને ખાલી સંપત્તિમાંથી એક નાનો ભાગ આપ્યો, પણ આ માજીએ તો મને તેમની સંપૂર્ણ મિલકત જ આપી દીધી! હવે તમેજ કહો વિશેષ કોણ?" ભગવાનની વાત સાંભળી રાજાની આંખો ખુલી જાય છે. વૃદ્ધ માજીની આંખમાંથી બીજુ એક આંસુ સરી પડે છે.
સમાપ્ત.......