હિયા, આયાન અને માલવિકા લોકો ઘરે પહોંચે છે. ત્યાં બધા જ હાજર હોય છે પણ માલવિકા અને આયાન તરફ કોઈ જોતુ નથી. હિયા આયાન અને માલવિકાને દરવાજે થોભાવી રાખે છે અને જાતે જ આરતીની થાળી લાવીને એમની આરતી કરે છે પછી એમને ઘરમાં પ્રવેશ આપે છે. ઘરના બીજા બધા આ બધું જોતાં જ રહી જાય છે. હિયા શું કરી રહી છે તે તેઓને કશું ખબર પડતી નથી. પછી હિયા આયાનના રૂમ તરફ બંનેનો સમાન લઈ જવા લાગે છે પણ આયાન તેમ કરવાની ના પાડે છે.
"થોભ હિયા. હું મારો સામાન મારા રૂમમાં જાતે જ લઈ જાવ છું અને માલવિકાને ઉપર ચડવામાં તકલીફ પડશે એટલે એનો સમાન નીચેના ગેસ્ટ રૂમ માં મૂકી દે."
"ઠીક છે." હિયા ટૂંકો જવાબ આપે છે. બધો સામાન ગોઠવાઈ ગયા પછી માલવિકા અને આયાન બંને જણ રૂમમાં જતા રહે છે. ઘરના બાકીના બધા છે જે હજી પણ કઈ પણ બોલ્યા વિના ઊભા હોય છે. આયાન અને હિયા ના જતા જ સુનિલભાઈ બોલે છે.
"હિયા આ બધું શું છે? એ લોકોના સ્વાગત માટે આરતી અને બીજું બધું?"
"પપ્પા તેઓ એ આ ઘરમાં લગ્ન પછી પહેલો પગ મૂક્યો છે. તો એમનું સ્વાગત તો કરવું જ પડે ને."
"સારું તને જે ઠીક લાગે તે કર પણ અમે તને આવી કોઈ વાતમાં સાથ આપવાના નથી." શાલીનીબેન કહે છે.
"પપ્પા મમ્મી, એવું ના કરો. હું તમારી વિરૂદ્ધ ન જઈ શકું. તમને પસંદ પડે તો જ હું કરીશ. હવેથી તમને પૂછીને જ પગલાં ભરીશ."
"બેટા એવું નથી. તું ખોટું કરી જ ના શકે. બસ અમને આ બધું સ્વીકારતા સમય લાગશે. બીજું કંઈ નથી." સુનિલભાઈ કહે છે. આમ જ થોડી ઘણી વાતચીત પછી બધા પોતપોતાના રૂમમાં જતા રહે છે.
બીજે દિવસે સવારે શાલીનીબેનની બૂમોથી આખું ઘર જાગી જાય છે. બધા જ હોલમાં ભેગા થાય છે. એક હિયા જ ત્યાં હાજર હોતી નથી.
"શું થયું મમ્મી રડે છે શા માટે? અને આ બૂમો કેમ પાડે છે? " આરવી પૂછે છે. પણ શાલીનીબેન કશું બોલતા નથી. તે બસ રડે જ જાય છે.
"મમ્મી આવા હાલ શા માટે બનાવ્યા છે? કઈક તો બોલ?" ધ્રુહી પણ બોલે છે.
"શાલું, તું અમને કહેશે કે શું થયું છે તો કઈક સમજ પડશે. આમ બેસી રહેવાથી શું થવાનું?" સુનિલભાઈ પણ કહે છે.
સુનિલભાઈ ના આમ કહેતા શાલીનીબેન એક કાગળ ધરે છે એમને. જે વાંચીને સુનિલભાઈ પહેલા તો આઘાત પામે છે પણ કશું બોલતા નથી. ધ્રુહી તેમને પૂછે છે કે શું લખ્યું છે પણ તેઓ કશું બોલતા નથી. તેથી ધ્રુહી ઝડપથી તેમના હાથમાંથી કાગળ લઈને વાંચવા લાગે છે. અને પછી તે કાગળ આરવી પણ વાંચે છે. તે વાંચીને તમામના મોઢા પરનો રંગ બદલાય જાય છે.
"અરે શું લખ્યું છે તે તો કહો? બધા આમ ચિંતિત કેમ છે?" આયાન પૂછે છે.
"તું જ જાતે વાંચ. આ બધું તારા જ કારણે થયું છે. તું અહીંયા આવ્યો જ શા માટે? માંડ માંડ અમે હિયા સાથે તારા વિના જીવતા શીખ્યા હતા અને તું પાછો આવ્યો એટલે બધું બગાડી નાખ્યું." આરવી ગુસ્સામાં આયાનને કાગળ આપે છે. આયાન તે કાગળ વાંચે છે અને તે કાગળ કઈક આ રીતે હોય છે.
"મમ્મી પપ્પા,
હું અત્યાર સુધી કહેતી હતી કે મને આયાન પર અને મારી દીદી પર વિશ્વાસ છે પણ હવે એ વિશ્વાસ તૂટી ગયો છે મારો. જ્યારથી મને ખબર પડી કે એમનું બાળક આવવાનું છે ત્યારથી મેં પોતાની જાતને મનાવવાનું શરૂ કરી દીધું હતું કે તેઓ એ સાચે જ લગ્ન કર્યા છે. હવે હું વધુ પોતાની જાતને છેતરી શકું નહિ. એટલે મારે એ હકીકતનો સ્વીકાર કરવો રહ્યો. અત્યાર સુધી તો તેઓ દૂર હતા એટલે મને કોઈ તકલીફ થતી હતી નહિ પણ હવે એમને સાથે અહીંયા જોયા ત્યારે મને ખુબજ તકલીફ થઈ હતી. અને એ તકલીફ લઈને હું હંમેશા એ ઘરમાં રહી શકું નહિ. હવે તમને થશે કે હું જ તો એ લોકોને આ ઘરમાં લાવી હતી અને હવે હું આવું કહી રહી છું. પણ અત્યારે પરિવારની જરૂર એમને મારા કરતાં વધારે છે. તેમને હમણાં બાળક આવવાનું છે. અને એ બાળકને હું એના ઘરથી દૂર કરી શકું નહિ. મને એ પણ ખબર છે કે તમે મારા લીધે એમને આ ઘરમાં ના લાવતા હતા કારણકે તેમને જોઈને મને દુઃખ થાય એવું વિચારતા હતા. તમે ક્યાં સુધી એક બહારની છોકરી માટે તમે પોતાના દીકરા વહુ ને દુર રાખશો? તમે જો મને એક દીકરી માનતા હો તો મારું માનીને એમને સ્વીકારી લેજો. અને હું એ લોકો સાથે ના રહી શકું એટલે હું ઘર છોડીને જઈ રહી છું. મને શોધવાની પણ કોશિશ કરતા નહિ. અને તમે જો મારી વાત માનશો તો જ હું ખુશ રહી શકીશ.
આયાન અને દીદી,
હું તમારા બેબી માટે ખુબજ ખુશ છું. મને તમારાથી કોઈજ ફરિયાદ નથી. કારણકે હું પણ સમજી શકું કે પ્રેમ થાય ત્યારે એના પર આપણો કાબૂ રહેતો નથી. જો કાબૂ રહેતો હોત તો મને વિશ્વાસ છે કે તમે બંને પણ મારી સાથે આવું ન કરતે. પણ આ પ્રેમ તો કોઈના હાથમાં નથી હોતો. બસ થઈ જાય છે. એટલે જો તમે ગુનાહિત લાગણી ધરાવતા હોય તો એ મનમાં થી કાઢી નાખજો. તમે કોઈ ગુનો કર્યો નથી. આયાન તને તારું ફેમિલી મે પાછું સોંપ્યું. હવે એ તારી જવાબદારી છે. દીદી સંજોગ ને લીધે આપણે દૂર રહેવું પડે છે બાકી મને તમારી ખુબજ યાદ આવશે. મને મારી મોટી દીદીના માં અને બાપ જેવા પ્રેમની કમી હંમેશા રહેશે. પણ હવે એ નસીબમાં નથી. અને હા હવે બધું બરાબર થઈ જશે તો પ્લીઝ તમે મને શોધીને આ બધું ફરીથી ઉલ્ઝાવતા નહિ. એટલે હું જ્યાં જાવ છું ત્યાં મને એકલી જ રહેવા દેજો.
આરવી અને ધ્રુહી દીદી,
મને તમારી બંનેની ખુબજ યાદ આવશે. તમે બંનેએ મારી સગી બહેનની જેમ કાળજી રાખી છે. જેમ માલવિકા દીદી છે તે જ રીતે તમે બંને છો મારા માટે. જો તમને મારા માટે થોડો પણ પ્રેમ હોય તો તમે પ્લીઝ તમારા ભાઈ અને મારી દીદીને માફ કરી દેજો. અને તમારે તો આવનારા બેબી ની ફિયા બનીને ધમાલ મચાવવાની છે. અને આ ઘરમાં ફરીથી ખુશી, મજાક, ધમાલ લાવવાની જવાબદારી તમારી છે.
બસ આટલું જ કહેવું છે મારે. ફરીથી કહું છું મને શોધવાની કોશિશ ન કરતા.
તમારી હિયા."
(ક્રમશઃ)