ગોકુ Sangeeta... ગીત... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગોકુ

‌સાંજે લગભગ સવા સાત વાગ્યે અચાનક જ સમગ્ર મુંબઈમાં પાવરના ગ્રીડમાં ખરાબી સર્જાતા વીજળી ગુલ થઈ ગઈ હતી... વીજળીક ઉપકરણો બંધ થતાં વાતાવરણમાં એક પ્રકારની નીરવ શાંતિ પ્રસરી હતી... પરંતુ વસઈ રોડ પર આવેલા શાંતિ લાઈફ સ્પેસીજ નામનાં એપાર્ટમેન્ટમાં એક મધુર અવાજ ગુંજી રહ્યો હતો.. એ અવાજ સેવન ફ્લોર પર રહેતી પ્રિયાનો હતો.... પ્રિયાનો મધુર અવાજ જાણે હવા સાથે તાલ મિલાવતો હોય, તેમ સાંભળનાર સૌનું આકર્ષણનું કેન્દ્ર બની જતો હતો...

‌ હાથમાં રાખેલા ગિટાર થી પ્રિયા એક મધુર ધૂન ગાઈ રહી હતી, ત્યાં જ ડોરબેલનો અવાજ આવ્યો.... અને પ્રિયા ગીતારને બાજુની ખુરશી ઉપર હળવેથી મૂકી દરવાજો ખોલવા માટે હોલમાં ગઈ...

‌ દરવાજો ખુલતાની સાથે જ, " હેય ડાર્લિંગ, જો તો ખરી... હું શું લઈ આવ્યો છું તારા માટે.." ક્રિશએ પ્રિયાને સરપ્રાઇઝ આપતા કહ્યું.

‌ " તારા હાથ તો ખાલી છે " આશ્ચર્ય સાથે પ્રિયાએ કહ્યું.

‌ " હાથ ખાલી છે પરંતુ બહાર કોઈ રાહ જોઈ રહ્યું છે તારી.." ક્રિશ મસ્તીમાં આંખ મિચકારતા બોલ્યો.

‌ " અચ્છા, મારી કોણ રાહ જોઈ રહ્યું છે ? "

‌" એ તું બહાર જઈને તારી જાતેજ જોઇલે.."

‌" ઓકે મિસ્ટર મિસ્ટ્રી " પ્રિયાએ ક્રિશ ના ગાલ પર હળવેથી ટપલી મારતાં કહ્યું.

‌ બહાર નીકળીને પ્રિયા જુએ છે તો એ ખુશીથી ઝૂમી ઉઠે છે. એક સુંદર મજાની સજાવેલી બાસ્કેટમાં એક નાનું પપ્પી ( ગલુડિયું ) રાખેલું હોય છે.

‌પોતાની ખુશી વ્યક્ત કરતા તે બોલી... " વાઉ, ઈટ્સ સો પ્રિટી.. કેટલું સુંદર અને ક્યુટ લાગી રહ્યું છે આ... ક્યાંથી લઈ આવ્યો આને ? અને તને કેમ ખબર કે મને નાના ગલૂડિયાં બહુ ગમે છે ? મેં તો ક્યારેય તને આ વિશે નથી કહ્યું... "

‌ " હા મેડમ, તમે મને કીધું તો નથી ક્યારેય.. અને તું કહે ને હું કરું એમાં મજા પણ ના આવે ને જાન... લગ્ન પેહલા થોડી જાસૂસી કરી હતી તારા વિશે જાણવાની તો ત્યારે ખબર પડી કે મેડમને નાના પપ્પીઝ બહુ ગમે છે... અને આજે તારો બર્થ ડે છે... તો વિચાર્યું કે આજનો દિવસ સૌથી વધારે સારો છે તને આ ગિફ્ટ આપવા માટે... અને એટલે જ તને આજે આ સરપ્રાઇઝ આપવાનો વિચાર આવ્યો... "

‌" ઓકે ઓકે મિસ્ટર પરફેક્ટ, હવે આને અંદર લઈને જઈએ ? એને પણ કંટાળો આવતો હશે બસ્કેટમાં... "

‌" હા ચાલોને, કોણે રોક્યા છે ? અત્યારથી જ કેર ચાલુ થઈ ગઈ તારી એમ ને ? " ક્રિશ પ્રિયાને ચીડવતા બોલ્યો... અને પછી બધા ઘરની અંદર જાય છે.

‌ પ્રિયા અને ક્રિશ, એકદમ સુંદર જોડી... એકબીજા માટે બંધબેસતું ચોખટુ... પ્રિયા દેખાવે જાણે રૂપસુંદરી... મોટી આંખો, શ્વેત રંગ, ભૂરા વાળ, એક સરખો શરીરનો બાંધો, કોઈને પણ પેહલી નજરમાં ગમી જાય એવો નિખાલસ સ્વભાવ... અને ક્રિશ પ્રિયા કરતા થોડો રંગે ઘઉં વર્ણો પરંતુ સ્વભાવે ખુબજ પ્રેમાળ, કાળજી લેનાર અને નિખાલસ તો ખરો જ. બન્નેના લગ્નને એક વર્ષ થયું હતું. નોકરીના લીધે પરિવારથી દૂર મુંબઈમાં જ બન્ને એક ફ્લેટમાં રહેતા હતા.

‌ " સાંભળ પ્રિયા, અત્યારે બાર જવાનો પ્રોગ્રામ છે.. એક બીજું સરપ્રાઇઝ તારી રાહ જોઈ રહ્યું છે... "

‌ " અચ્છા, એવું... ? "

‌" હાંજી "

‌" ઓકે ડન, તો હું રેડી થઈ જાવ... અને હા એક મોસ્ટ આઈએમપી વાત તો કહેવાની રહી જ ગઈ... "

‌ " શું ? "

‌" આનુ નામ આપણે શું રાખીશું ? "

‌ " તને જે યોગ્ય લાગે તે "

‌" અમ્મમ.. ગોકુ કેવું રહેશે ? "

‌" એકદમ બઢીયા "

‌" હમમ... તો હવેથી આપણે તેને ગોકુ કહીને જ બોલાવશું... અને હાં, આપણે હમણાં બહાર જઈશું ત્યારે એનું ધ્યાન કોણ રાખશે ? "

‌" તું એની ચિંતા ના કર... સુધા આંટી ને મેં કહી દીધું છે એ બસ હમણાં આવતા જ હશે અને આપણે પણ બને તેમ વહેલા જ આવવાનો પ્રયત્ન કરશું.. ઓકે ડિયર...? " પ્રિયાની ચિંતા હળવી કરતા ક્રિશ બોલ્યો.

‌ આછા પીળા રંગની સાડીમાં પ્રિયા મનમોહક લાગી રહી હતી .. તો સામે ક્રિશ પણ વ્હાઇટ શર્ટ અને બ્લુ જીન્સ માં સુદંર લાગી રહ્યો હતો. કારમાં બેસીને બન્ને એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચ્યા.

‌ પ્રિયા અને ક્રિશ ના મિત્રો તેમની જ રાહ જોઈને બેઠા હતા. પ્રિયાને જોતાજ બધાએ એક સામટી શુભેચ્છાઓ પાઠવી. પ્રિયા ખુબજ ખુશ હતી... અચાનક બધાને મળીને અને એ ક્રિશ ના આ સરપ્રાઇઝ ને પણ સમજી ગઈ હતી. ઇશારાથી જ એણે ક્રિશ ને થેંક યું કહ્યું... પછી બધાએ સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી અને પોતપોતાના ઘરે પરત ફર્યા.

‌ *. *. *. *. *. *. *. *. *

‌ગોકું એકદમ સ્વીટ અને ક્યુટ હતો. બન્ને એની સાંભળ ઘરના સદસ્ય ની જેમ રાખતા હતા. ક્રિશ એની સાથે મસ્તી કર્યા કરતો અને ગોકુને પણ ખૂબ મજા આવતી ખેલકૂદ કરવામાં...

‌ ગોકુ પચાસ દિવસનો થયો ત્યારે એને વેક્સીનેશન કરાવવાનું હતું. પ્રિયા અને ક્રિશ એ માટે તેને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ડૉ. ની ગેરહાજરીને કારણે વેક્સિન આપી ના શકાયું.

‌ એ પછીના દિવસે ક્રિશ તેને પોતાની સાથે ગાર્ડનમાં લઈ ગયો. ઘણા બધા ડોગી ને જોઇને ગોકૂ ને આનંદ આવ્યો....

‌એક -બે દિવસ પછી અચાનક ગોકુએ ખાવાપીવાનું છોડી દીધું.... પ્રિયા ઘણા પ્રેમથી એને જમાડવાનો પ્રયાસ કરતી પણ કેમ જાણે એ ડિશની સામે પણ જોતો નહિ... તેના આવા વર્તનથી પ્રિયાની ચિંતા વધી ગઈ હતી... એને ગોકુનુ આ વર્તન નહોતું સમજાતું કે શું કામ એ આવું કરે છે ? કંટાળીને એણે ક્રિશ ને કોલ કર્યો...
‌" હેલો, ક્રિશ.. "

‌" હા, બોલને.. "

‌" મને એવું લાગે છે કે ગોકુની તબિયત સારી નથી... કેમ કે કાલ નો કંઈ પણ ખાતો પીતો નથી... સમજાતું નથી કે એને શું થયું છે? અને એટલે જ તને કોલ કર્યો કે તું આવ તો એને આપણે હોસ્પિટલ લઈ જઈએ... "

‌" ઓહ.. સારું તો હું હમણાં જ નીકળું છું અહીંથી... તું રેડી રહેજે... "

‌" ઓકે " પ્રિયાએ ટુંકમાં જ જવાબ આપ્યો.

‌ બન્ને ચિંતાતુર ચહેરે ડૉ. પાસે પહોંચ્યા. ત્યાં ડૉ. ને મળીને ગોકુના બધા રીપોર્ટસ કરાવ્યા. એના પરથી જાણવા મળ્યું કે, ગોકુને ' પાઇરો ' નામના એક ભયંકર વાઇરસનો ચેપ લાગ્યો હતો. ડૉ. ની વાત સાંભળીને પ્રિયા તો ત્યાંજ રોવા લાગી. એને ડર લાગી રહ્યો હતો કે ગોકુને કંઈ થઈ ના જાય ! બન્નેએ ડૉ. ને વિનંતી કરતા કહ્યું...

‌" સર, ગોકુની બધીજ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવવા અમે તૈયાર છીએ બસ ગોકુને કંઈ થવું ના જોઈએ... "

‌" હા હું બનતા તમામ પ્રયાસ કરીશ... તમે નિશ્ચિંત રહો... થોડા દિવસ એને અહીં એડમિટ કરવો પડશે... જ્યાં સુધી એની હાલતમાં સુધારો ના આવે... એની સાથે તમે બન્નેમાંથી કોઈ એક ને અહીં રહેવું પડશે... "

‌ સલાહ સૂચન આપીને ડૉ.એ ગોકુની સારવાર ચાલુ કરી.

‌ આમ, આઠ દિવસ સુધી ગોકુની ટ્રીટમેન્ટ ચાલી, પણ તેની તબિયતમાં કોઈ સુધારો આવ્યો ન્હોતો... દિવસે દિવસે તેની હાલત બગડતી જતી હતી... પ્રિયા અને ક્રિશ ને ગોકૂની ઘણી ચિંતા થતી હતી... તેમનાથી તેની હાલત જોવાતી ન્હોતી... દિવસ - રાત તેઓ ગોકુનાં બેડ પાસે બેસી રહેતા... એની સાથે વાતો કરતા... પણ એ ફકત એમની સામે ઉદાસ ભાવે જોયા કરતો .. એની એ માસૂમ આંખો બન્ને ને કેહતી કે હવે નથી રેહવું અહીં... લઇ જાવ મને ઘરે..

‌અચાનક પ્રિયાને કંઈ યાદ આવ્યું હોય તેમ તેણે કહ્યું..

‌" ક્રિશ, યાદ છે તને ? તું કહેતો હતો કે ગાર્ડનમાં આજે ઘણા બધા ડોગ હતા.... અને ગોકુએ પણ એ બધા સાથે ખૂબ મસ્તી કરી હતી ? "

‌" હા, એને મજા આવી હતી ત્યારે... "

‌" મને તો લાગે છે કે ત્યારે જ એમાંથી કોઈકનું ઇન્ફેક્શન થયું હશે.. બાકી એ સિવાય તો ક્યાંય નહોતા લઈ ગયા.. "

‌" હોઈ શકે, પરંતુ હવે શું કરી શકીએ... ? જે થવાનું હતું એ થઈ ગયું... "
‌ક્રિશ નિરાશાથી બોલ્યો...

‌" અને બીજી એક વાત, ત્યારે ડૉ. બે દિવસ સુધી ગેરહાજર હતા તો ત્યારે રાહ જોવાને બદલે આપણે કોઈ બીજા ડૉ. પાસે એને વેક્સિન અપાવી દીધું હોત તો કદાચ આજે ગોકુની આ દશા ના હોત... ! "
‌પસ્તાવા સાથે પ્રિયા બોલી રહી હતી....

‌" પ્રિયા, તારી બધીજ વાત સાચી પરંતુ એ ક્યાં ખબર હતી કે બે દિવસ માં આ બધું બની જશે ? અને એ પેહલા પણ વેક્સિન આપણે ત્યાં જ અપાવ્યું હતું એટલે મને રાહ જોવી યોગ્ય લાગી... પણ સાચું કહુને તો મને પણ હવે અફસોસ થાય છે એ રાહ જોવા બદલ...

‌આમ, વાતોમાં રાત વીતી રહી હતી અને ગોકુ પણ જાણે બન્નેની વાતોમાં સહમતી દર્શાવતો હોય તેમ થોડીવાર પ્રિયા સામે તો થોડીવાર ક્રિશ સામે જોયા કરતો...

‌ આફતમાં પડેલાને જ ખબર હોય છે કે રાત કેવી અઘરી હોય છે વિતાવવી... સવારના ચાર વાગવા આવ્યા હતા પણ બન્નેની આંખમાં ઊંઘનું નામ નિશાન નહોતું... તો પણ થોડો સમય આરામ કરવાનું વિચાર્યું. ગોકુ પણ સૂઈ ગયો હતો એટલે બન્ને થોડા નિશ્ચિંત થયા...

‌ લગભગ છ વાગે અચાનક પ્રિયાની આંખ ખુલી ગઈ. એને ગોકુને એકવાર જોઈ લેવાનો વિચાર આવ્યો... જેવી એ ગોકુના બેડ પાસે પહોંચી તો ગોકુ એ જ હાલતમાં સૂતો હતો... પ્રિયાએ તેના માથા પર હાથ ફેરવ્યો.. પરંતુ ગોકૂએ કોઈ પણ પ્રતિક્રિયા ન કરી .. પ્રિયાને થોડું આશ્ચર્ય થયું.... તેણે ગોકુને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ.... આ જોઈને પ્રિયા ગભરાઈ ગઈ... તેણે ડોટ મૂકીને ક્રિશ ને જગાડ્યો... અને ગોકુની હાલત વિશે કહ્યું...
‌ક્રિશ ઉતાવળે પગલે ડૉ. ને બોલાવી લાવ્યો.

‌ ડૉ. એ ગોકુને ચેક કર્યો... અને ભારે અવાજે ફકત એટલું જ બોલ્યા કે..
‌" ગોકુ હવે નથી રહ્યો... એ ના લડી શક્યો આ રોગ સામે .. "

‌ડૉ. ની વાત સાંભળીને બન્ને પર જાણે વ્રજાઘાત થયો હોય તેમ પ્રિયા તો ત્યાંજ બેભાન થઈ ગઈ.... ક્રિશ એ માંડ માંડ તેને સંભાળી... પણ આંસુ તો ક્રિશ ની આંખમાંથી પણ વહી રહ્યા હતા...

‌પ્રિયા ભાનમાં આવતા જ તે ગોકુ પાસે જઈને તેને ઢંઢોળવા લાગી...

‌" બોલ ને ગોકુ, આમ જો તો ખરો મારી સામે... એકવાર જોઈ લે... પ્લીઝ ગોકુ... પ્લીઝ... "

‌ક્રિશ એ મહામહેનતે પ્રિયાને સંભાળી... અને ગોકુની અંતિમ ક્રિયા કરી...

‌તે પ્રિયાને સમજાવતા બોલ્યો... " બસ અહીં સુધી જ હતો ઋણાનુબંધ નો સંબંધ આપણો ગોકુ સાથે "

‌પ્રિયા અનિમેષ નયને શૂન્યાવકાશ બની ક્રિશ ની સામે તાકી રહી... શૂન્યમનસ્ક એની આંખો કહી રહી હતી...

‌" બસ એટલો જ ઋણાનુબંધ !! "


‌ Sangeeta... " ગીત "