I will get wet - I will get wet books and stories free download online pdf in Gujarati

ભીંજાઈ જઇશ..

‌" માફ કરશો મેમ, પણ મૌસમને લીધે બસના આવવાનો કોઈ નિર્ધારિત સમય નથી કેમકે ઘણી જગ્યાએ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે એટલે ઘણી મુશ્કેલી સર્જાઇ રહી છે. "

ટિકિટ કાઉન્ટર પર બેસેલા એક સજ્જને આદરપૂર્વક સૌમ્યાને કહ્યું.

" ઓહ, મતલબ કે અત્યારે બસ નહિ મળે એમ ? અને આ મૌસમ, તોબા શું કરીશ હવે ?"

મોબાઈલની ડિસ્પ્લે પર પોતાના નાજુક હાથની આંગળીઓને નચાવતી સૌમ્યા અનરાધાર વરસતા સતત વરસાદને લીધે અકળાઈ ઉઠી. થોડીવાર તે ત્યાં જ શાંતિથી ઊભી રહી. બાદમાં તેને વિચાર આવ્યો કે, હમણાં સાંજ પડી જશે આવા ખરાબ મૌસમમા વેળાસર ઘરે પહોંચવું મહત્વનું છે. એમ વિચારી તે કોઈ પ્રાઈવેટ વાહન મળી જાય તે આશાએ રસ્તા પર નીકળી પડી. સુસવાટા કરતા પવનને લીધે તેની બ્લુ ફ્લાવર પ્રિન્ટની છત્રી કયારેક ક્યારેક સાથ છોડી દેતી હતી અને તેના કારણે તે લગભગ અડધી ભીંજાઈ ગઈ હતી.

આગળ જતાં હારબંધ ગોઠવાયેલી ટેક્સીની બાજુમાં થઈને તે પસાર થઇ રહી હતી ત્યાં જ કોઈકે તેનું ધ્યાન દોરવા માટે કારમાં હોર્ન કર્યું. બે ઘડી તે ત્યાં જ અટકી ગઈ અને સામે ઊભેલી કાર પર તેની નજર સ્થિર થઈ. તેણે તે તરફ જોયું પણ વરસાદને લીધે અંદર કોણ બેઠું છે ? તેનો ચહેરો તેને સ્પષ્ટ ન દેખાયો. તે થોડી નજીક ગઈ અને આશ્ચર્ય સાથે બોલી.

" ઈશાન ! તુ અહીં ?"

" સૌમ્યા ! રાઈટ ?"

" હા, પણ તું અહીં શું કરે છે ?"

" કામ હતું થોડું."

" ઓકે."

"તને જોઇને લાગી રહ્યું છે કે તું પરેશાન છે. હું કંઈ મદદ કરી શકું ?"

" એટલે ? હું કંઈ સમજી નહીં."

" હું અમદાવાદ અંકલના ઘરે જઈ રહ્યો છું અને તને જોઈને લાગે છે કે તારે પણ ઘરે પહોંચવું છે. જો તારી ઈચ્છા હોય તો મારી સાથે આવી શકે છે."

જવાબમાં તેણે સહેજ સ્મિત કરીને કારની અંદર આગળની સીટ પર જ તેની પાસે બેસી ગઈ.

" હવે જઈએ ?"

તેણે ઇશાનને મંજૂરી આપતા સ્વરે કહ્યું.

સૌમ્યા દેખાવે ખરેખર સૌમ્ય હતી, પણ સ્વભાવમાં તીખા મરચા જેવી. અન્યાય અને અસત્ય તે બિલકુલ સહન નહોતી કરી શકતી. વ્યવસાયે એક વકીલ તરીકે ખુબજ સારી છાપ ધરાવતી હતી.

તેના નાજુક ગૌર ચહેરાં સામે જોઈને ઇશાનને આજે ફરી વર્ષ પહેલાં થયેલી તેમની મુલાકાત યાદ આવી ગઈ.

વિદેશ કંપનીમાં એન્જિનિયરની પોસ્ટ પર જોબ કરતો ઈશાન અમદાવાદ તેની પિતરાઈ બહેન આયશાના લગ્ન માટે ખાસ આવ્યો હતો. ઉમદા વ્યક્તિત્વ અને સુંદર શરીર સૌષ્ઠવની ઈશ્વરે આપેલી ભેટથી તે બધા વચ્ચે અલગ તરી આવતો હતો. ભાવપૂર્ણ તેના ચહેરા પર વિદેશમાં રહેવાનું અભિમાન નહીં, પરંતુ દેશ પ્રત્યેના પ્રેમનું ગૌરવ છલકાતું હતું.

ઈશાનને ઉપરના માળેથી નીચે લગ્નમંડપ તરફ આવી રહેલી અપ્સરા જેવી સ્વરૂપવાન અને તેને જ અનુરુપ સફેદીમાં લપેટાયેલી સૌમ્યા દેખાઈ. નેટ અને શિફોનના કોમ્બિનેશનવાળી સફેદ કલરની મોતીથી ભરેલી ચોલી પહેરીને સૌમ્યા હળવેકથી નીચે તરફ આવી રહી હતી. તેના કાનના ઝુમ્મર અને ગળામાં પહેરેલી સફેદ મોતીઓની માળા તેની ચોલી સાથે એકરૂપ થઈ રહ્યા હતા. ચહેરા પરનો આછો મેકઅપ તેને વધુ સુંદર બનાવી રહ્યો હતો. તેની ચાલ એકદમ બેફિકર હતી અને નજર ધારદાર.

ઈશાને વિદેશમાં રૂપલલનાઓને ક્યાં નહોતી જોઇ ? પરંતુ આ રૂપ તેને કંઈક અનોખું લાગ્યું. સ્વરૂપ કરતા તેની લચકતી ચાલ પર તે આફરીન થઈ ગયો.

પાછળથી આવેલા અવાજે સૌમ્યાના પાયલ ખનકાવતા પગને છેલ્લા પગથિયે જ અટકાવી દીધા. નજીક આવીને કોઈકે તેના કાનમાં કંઈક કહ્યું. એ સાંભળીને તે ચિંતિત ચહેરે સડસડાટ પગથિયા ફરીથી ચડી ગઈ.

આયશાના રૂમ તરફ જતા તેના કાને અમુક અવાજો અથડાયા. તેણે ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો. પરિસ્થિતિ ગંભીર હતી. બોલનારના શબ્દો પરથી તે જણાઈ આવતું હતું. તે રૂમમાં અંદર દાખલ થઇ. ત્યાંનો નજારો જોઇને તેની આંખો ફાટી રહી ગઈ.

આયશા અને તેના મમ્મી-પપ્પા ખૂબ જ ચિંતિત ચહેરે વરપક્ષ સામે કરગરી રહ્યા હતા, પરંતુ ક્યા કારણે તેઓ આવું કરી રહ્યા હતા તે સૌમ્યા સમજી ન શકી. બધાની વચ્ચે તે તરત જ બોલી,


" શું થયું છે ? કોઈ સમસ્યા છે ?"

" હવે આ કોણ નવું આવ્યું ?"

અકળાતા અવાજે આયશાની સાસુ બોલી.

આયશા સૌમ્યાના સ્વભાવને સારી રીતે જાણતી હતી. એટલે તેણે ત્યાં જ તેને રોકવાનો પ્રયત્ન કરતા બોલી,

" સૌમ્યા, પ્લીઝ તું અહીંથી જતી રહે."

" પણ શું પ્રોબ્લેમ થયો છે ? એટલિસ્ટ મને એટલું તો કહે, કદાચ કોઈ હેલ્પ કરી શકું?"

સૌમ્યાનો નિર્ભય ચહેરો જોઈને આયશાને થોડી હિંમત આવી. તેને લાગ્યું કે કદાચ કોઈ સોલ્યુશન તે કાઢી શકે તેમ છે. તેથી તેણે કહ્યું,

" આ લોકોને અમે ઓલરેડી અમુક રકમ પહેલા જ આપેલી છે, છતાં હજુ વધારે રકમ જોઈએ છે અને જો એ રકમ અત્યારે તેમના ખાતામાં જમા નહીં થાય તો તેઓ આ લગ્ન...."

તે આગળ બોલતા અટકી ગઈ.

" શું ? મીન્સ કે દહેજ ?"

સૌમ્યા રીતસરની બરાડી ઉઠી. હવે સૌમ્યાને આખી પરિસ્થિતિ સમજાઈ ગઈ. તે બોલી,

" સમાજમાં કલંકરૂપ અને દૂષણ કહી શકાય તેવા રિવાજને પોષનારા અત્યારે મારી સામે ઉભા છે ? આયશા તને તો ખબર જ હશે કે મેં આ વિષય પર ઘણા બધા કેસ લડયા છે, છતાં તે મને ના કહ્યું ? આ જાળમાં ગરીબ વર્ગ અને અશિક્ષિત લોકો વધુ સપડાઈ છે, પરંતુ તું તો શિક્ષિત છો ને ?"

" સૌમ્યા, મેં મમ્મી-પપ્પાને ઘણા સમજાવ્યા હતા, પરંતુ તેઓનો એક જ સૂર હતો કે રિવાજ છે કરવું પડે. મને હતું કે એટલે થી વાત અટકી જશે, પરંતુ અત્યારે આ લોકોએ ફરીથી..."

તે આગળ ન બોલી શકી.

નીચે ઈશાનને પણ સૌમ્યાને આમ અચાનક ઉપર જતી જોઈને કંઇક અજુગતું બન્યાની આશંકા થઈ. તેથી તે પણ તે તરફ ગયો. દરવાજા પર રહીને જ તેણે સૌમ્યા અને આયશાની વાતો સાંભળી. તેમાં તેણે પણ વચ્ચે ઝંપલાવ્યું.

" કાકા, આ દહેજ પ્રથાના કારણે જ સમાજમાં મોટેભાગે દીકરીઓને જવાબદારી તરીકે જોવામાં આવે છે. આ કારણે જ તેમને જીવનમાં આ પ્રકારના દબાણ અને બીજા લોકોનું આવું વર્તન સહન કરવું પડે છે, પરંતુ હાલમાં સરકારે દહેજ પ્રથાને નાબુદ કરવા ઘણા બધા કાયદા અને સુધારાઓ કર્યા છે."

ઈશાનની વાતમાં સૂર પુરાવતા સૌમ્યાએ કહ્યું,

" જી બિલકુલ, હું ખુદ એક વકીલ છું, એટલે એ બાબતને સારી રીતે જાણું છું. પરંતુ હવે તે સમાજ પર છે કે તે આ પરિસ્થિતિને સમજે અને જાગૃત થાય."

" હા આ બાબતે સક્રીય થવું જોઈએ નહીં કે તેને તાબે થવું. યોગ્ય બદલાવ લાવવા માટે દહેજ આપવા અને લેવાનું બંધ કરવું જોઈએ. આપણે આપણી દીકરીનું મૂલ્ય સમજવું જોઈએ. તેમને ભણાવો. તેમને કારકિર્દી માટે પ્રેરણારૂપ બનો. તેમને સ્વતંત્રતા આપો. જવાબદાર બનાવો. કોઈ પણ ભેદભાવ વગર તેમનો ઉછેર કરો."

આયશાના સાસુને લાગ્યું કે સૌમ્યા વકીલ છે એટલે તે સારી રીતે બધું જાણતી હશે અને તેને લીધે વાત વણસે તેમ છે. લીધેલા પૈસા પણ ક્યાંક પરત ન કરવા પડે તેવા વિચારથી તેણે પણ વચ્ચે ડહાપણ ડોળ્યું.

"માફ કરજો વેવાઈ, અમારી ભૂલ થઈ ગઈ. અમારી આંખો આજે ખુલી ગઈ. અને હવે આ રિવાજને આગળ વધતો અટકાવવામાં અમારે પણ મદદરૂપ થવું છે. ચાલો હવે બધા લગ્નમંડપમાં. અમારે આયશા સિવાય કંઈ ન જોઈએ.

તેમની વાત સાંભળીને બધા ખુશ થયા પરંતુ સૌમ્યાને આ ગળપણ પાછળની કડવાહટ દેખાઈ રહી હતી. તેથી તેણે તેમને કહ્યું,

" ઠીક છે. તમે લોકો સમજી ગયા હોય તો ભગવાનનો આભાર, પરંતુ ભવિષ્યમાં પણ આયશાનો આ બાબતે એક પણ વાળ વાંકો થયો તો પછી જેલના સળિયા ગણવા માટે તૈયાર રહેજો બધા. કોઈ સગું નહીં થાય. સમજ્યા ?"

સૌમ્યાની તેજ આંખો અને તલવાર જેવી ધારદાર જીભ દ્વારા મળેલી ધમકી સાંભળીને તેમને કંપારી છૂટી ગઈ. એ પછી તેમણે સહર્ષ આયશાનો સ્વીકાર કર્યો. અને લગ્ન વિધિ પૂરી કરી.

લગ્ન પુરા થયા, પરંતુ એક વખત પણ ઈશાનને સૌમ્યા સાથે વાત કરવાની તક ન મળી. અને આજે એક વર્ષ બાદ તેની સપનાની રાજકુમારી જેવી સૌમ્યાને આમ અચાનક સામે જોઈને તેને ઘડીભર પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. જે લાગણીને તેણે એક વર્ષથી પોતાના હૃદયમાં પંપાળીને રાખી હતી, તેની રજૂઆત સૌમ્યા સામે કરવી કે નહીં તેની મુંઝવણ તેને થઇ આવી.

" કેમ વિદેશથી દેશ તરફ ?" સૌમ્યાએ પૂછ્યું.

" એમ જ, ખુશ્બુ ખેંચી લાવી ફરીથી અહીં.અને હવે અહીં જ સેટલ થવાની ઈચ્છા છે." ઈશાને કાર ચલાવતા જ તેની સામે ઘડીભર જોઈને જવાબ આપ્યો.

" ગુડ આઇડિયા."

એટલું કહીને તેણે સહેજ સ્મિત સાથે પોતાની નજર નીચે કરી.

બહાર મુશળધાર વરસી રહેલા વરસાદે હવે બંને કોરા હૈયાને પણ ભીંજવવાનું ચાલુ કર્યું. સૌમ્યાને ઇશાનની આંખોમાં પોતાના માટે લાગણી દેખાઈ. તે આંખોને તે વાંચી ન શકે એટલી બુદ્ધુ તો નહોતી. તે સમજી ગઈ, પરંતુ મૌન રહી. જે ગુણ તેના સ્વભાવમાં અત્યાર સુધી નહોતો. પાણીના ધસમસતા પ્રવાહને હડસેલીને ગાડી આગળ વધી અને બન્નેની ધડકનો પણ.

થોડી જ વારમાં સૌમ્યાના ઘર આગળ ગાડી આવીને ઊભી રહી. તે નીચે ઉતરી પણ વરસાદથી બચવા છત્રીનો સહારો ન લીધો. તે જોઈને ઈશાન બોલ્યો,

" ભીંજાઈ જઈશ."

" ભીંજાઈ જ ગઈ છું."

વરસાદમાં ભીંજાઈ રહેલી સૌમ્યાએ ઇશાનની આંખોમાં આંખ પરોવીને જાણે મૌસમના પહેલા વરસાદમાં પહેલા પ્રેમનો એકરાર કર્યો.


બીજા રસપ્રદ વિકલ્પો