આગે ભી જાને ના તુ - 35 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આગે ભી જાને ના તુ - 35

પ્રકરણ - ૩૫/પાંત્રીસ

ગતાંકમાં વાંચ્યું.....

રતન અને રાજીવનો પીછો કરતી વ્યક્તિ જોરવરસિંહનો પણ પીછો કરે છે. અનન્યાના કહેવા પ્રમાણે જમનાબેન વડોદરાથી બે દિવસથી ક્યાંક બહાર ગયા છે. જોરવરસિંહને કરસન એક પાયલ આપે છે જે એને ખેતરની બહારથી મળે છે અને એ પાયલ માયાનું જણાતાં જોરવરસિંહને ભારે આંચકો લાગે છે....

હવે આગળ......

"અનન્યા સાચું કહેતી હતી. આટલા વર્ષોમાં મેં તો શું મારા પરિવારે પણ ક્યારેય એમના કોઈ રિલેટિવ વિશે નથી સાંભળ્યું અને મમ્મી-પપ્પાએ પણ મને કંઈ નથી કીધું. ક્યાં ગયા હશે જમનામાસી અને આ ચીમન કોણ હશે?" અનન્યા સાથે ફોન પર વાત પૂરી કરી રાજીવ વિચાર કરતો બેડ પર પડી રહ્યો.

જોરવરસિંહ ઘરે આવીને સીધા પોતાના રૂમમાં જતા રહ્યા અને દરવાજો અંદરથી બંધ કરી બેડ પર બેસીને ખિસ્સામાંથી કરસને આપેલી વસ્તુ કાઢી બેડ પર મૂકી વિચારવા લાગ્યા, ' આ... આ તો માયાના પગનું પાયલ છે પણ એ ખેતર પાસે આવ્યું કેવી રીતે? અને રાતે તો એ એની સાસુ જોડે સૂતી'તી, તો પછી......?'

પંખો ફૂલસ્પીડમાં ફરતો હોવા છતાંય જોરવરસિંહનું પહેરણ પરસેવાથી રેબઝેબ થઈ ગયું હતું. ઉભા થઈ એમણે પોતાનો કબાટ ખોલ્યો અને અંદર રહેલી છુપી તિજોરી ખોલી એમાં એ પાયલ મૂકી, તિજોરી બંધ કરી ચાવી કમરે બાંધેલા દોરામાં ભેરવી બાથરૂમમાં જઈ હાથ-મોઢું ધોઈ પહેરણ બદલી બહાર નીકળ્યા.

"શું થયું રતનના બાપુ? માથે ચિંતાની રેખાઓ ખેંચાઈ આવી છે અને શરીર પરસેવાથી પાણીપાણી થઈ ગયું છે." કનક હીંચકા પર એમની બાજુમાં બેસી ગઈ.

"કાંઈ નહિ, જરા ગરમી વધુ લાગી રહી છે, હોળી ગઈ ને ગરમી આવી. હું આવું છું ઘડીક બહાર આંટો મારીને."

"પણ....અટાણે તમે આવા આકરા તડકામાં ક્યાં જાઓ છો? તમારી તબિયત બગડી જાશે, તમે ઘડીક બેસો હું તમારા માટે તાજી ઠંડી છાસ લઈ આવું, એ પી લો પછી જાઓ." કનકબા ઉભા થઈ રસોડામાં જઈ સ્ટીલનો મોટો ગ્લાસ ભરીને છાસ લઈ આવ્યા.

તાજી, મીઠી, ઠંડી છાસ પીને, મૂછો ને મોઢું લૂછી જોરવરસિંહ મોજડી પહેરી બહાર નીકળ્યા.

"ખરા છે રતનના બાપુય, અચાનક એમને શું થઈ જાય છે કાંઈ સમજાતું નથી...હજી થોડીવાર પહેલાં જ તો ઘરે આવ્યા ને વળી પાછા... ખેર...જવા દયો... " ગ્લાસ ધોતા ધોતા એમણે માયાને બૂમ પાડી.

"માયા, તું સવારમાં કે'તી તી ને તારે ડોકટર પંડ્યા પાસે જાવું છે ને... તડકો ય માથે ચડ્યો છે, જા જઈ આવ, સાંજે પાછા ડોકટર નહિ મળે અને સાચવીને જજે નહિતર દેવીને તારી હારે લઈ જા, એ હશે તો મનેય ચિંતા નહિ રહે." માયા આવી એટલે એને પણ છાસનો ગ્લાસ ભરી આપ્યો.

"માડી, હું એકલી જાતી રહીશ. દેવીમાસી આજે મોડા આવવાના છે. એમણે કાલે જ મને કીધું હતું અને આમેય દવાખાનું ક્યાં દૂર છે, તમે ખોટી ચિંતા કરો છો. હું જલ્દી પાછી આવી જઈશ." માયાએ ઓઢણીનો છેડો સરખો કર્યો અને પોતાનું આભલા ભરેલું રંગીન દોરાનું ભરતકામ કરેલું પર્સ અને મોબાઈલ લઈ દવાખાને જવા નીકળી.

"રતન અને રાજીવને પણ બહાર જાવું છે એમના માટે જમવાનું તૈયાર કરી લઉં." કનકબા રસોઈ બનાવવામાં પરોવાઈ ગયા.

કલાકેક પછી રતન અને રાજીવ તૈયાર થઈ, પોતપોતાની બેગમાં બે-ત્રણ દિવસ માટે કપડાં, જરૂરી દવાઓ, વગેરે પેક કરી બેગ લઈ નીચે ઉતર્યા.

માયા ઘરેથી નીકળી અને હજી દસ-પંદર ડગલાં ચાલી હશે ત્યાં જ એની પાછળ પાછળ ધીમા પગલે, ઝાડ પાછળ સંતાયેલો ઓળો પણ ચાલવા લાગ્યો. ડોકટર પંડ્યાનું દવાખાનું જોરવરસિંહના ઘરથી નજીક હતું છતાંય ઉતાવળે પગલે ચાલતી માયાએ દવાખાના તરફ વળવાને બદલે એની સામેની ગલીમાં વળી ગઈ જે ખીમજી પટેલની ડેલી તરફ જતી હતી. એની પાછળ પેલો ઓળો પણ એ તરફ વળ્યો. થોડે આગળ જઈને માયા ખીમજી પટેલની ડેલીની પાછલી બાજુએ આવેલા દરવાજે આવીને ટકોરા માર્યા એટલે અંદરથી કોઈએ દરવાજો ખોલ્યો અને માયા અંદર જાય એ પહેલાં એની લગોલગ આવી પહોંચેલો ઓળો પણ એની સાથે ડેલીમાં દાખલ થયો....

"તમને બેયને અહીં આવતાં કોઈએ ભાળ્યાં તો નથ ને?" દરવાજો ખોલેલી વ્યક્તિ બેયને અંદર લઈ ગઈ.

"ના... અત્યારે, આવા તાપમાં કોણ બહાર નીકળે અને ગલીના નાકેય કોઈ નહોતુ." માયા ખુરશીમાં બેસી ગઈ.

"માયા, આ લે...આ તારી પાયલ જેવી જ બીજી પાયલ શોધીને લાવ્યો છું, પહેરી લે અને આ લે પંડ્યાડોકટરની પરચી અને આ કેલ્શિયમની ગોળીઓ, આ તારા ભોળા સાસુ-સસરાને બતાડી દેજે એટલે એ માની જાશે કે તું સાચે જ ડોકટરને બતાડી આવી છે." ઓળાએ ઓઢેલી કામળી કાઢીને બાજુમાં મૂકી અને માયાને પાયલ પહેરાવવામાં મદદ કરવા લાગ્યો.

"હવે તમે બેઉ ઝટ જાઓ અહીંથી, વધુ રોકાવામાં મજા નથ. કોઈ જોઈ જાશે તો ઉપાધિ થાશે ને બધું કર્યા કારવ્યા પર પાણી ફરી જાશે. માયા, આગળથી ધ્યાન રાખજે ક્યાંય કોઈ નિશાન છૂટે નહિ, સમજી...અને તુ આની પાછળ જા અને એ ઘરે બરાબર પહોંચી જાય એનું ધ્યાન રાખજે" માયાએ પાયલ પહેરી લીધી અને હકારમાં માથું હલાવતી ઉભી થઈ અને સાથે સાથે ઓળાએ પણ પાછી કામળી ઓઢી લીધી અને માયા જોડે એ પણ બહાર નીકળ્યો એટલે અંદર રહેલી વ્યક્તિએ અંદરથી દરવાજો સરખો બંધ કર્યો. માયા પાછળ થોડું અંતર રાખીને ઓળો એની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને જેવી માયા ઘરમાં દાખલ થઈ એટલે ફરી સામેના ઘરની દીવાલ પાછળ સંતાઈને ઉભો રહ્યો.

થોડીવારમાં જ જોરવરસિંહ ઘરે પાછા ફર્યા એટલે કનકબાએ એમને રતન અને રાજીવ સાથે જમવાનું પીરસ્યું.

"રતન....તમે બંને આમ બેગો ભરી જાઓ છો ક્યાં? અને અચાનક જવાનું કોઈ કારણ, ક્યારે પાછા આવશો અને હવે તો રાજીવને પણ વડોદરા જવાનું હશે." કનકબા રતનની થાળીમાં રોટલી મુકતા બોલ્યા.

"માડી... હમણાં અમે કાંઈ નહિ કહી શકીએ. બે-ત્રણ દિ' માં પાછા આવી જાશું પછી તને બધી વાત કરીશ. હમણાં મોડું થાય છે. હજી અમારે બજારમાંથી કેટલીક વસ્તુઓ લેવાની છે. માયા પણ દવાખાનેથી આવી ગઈ છે એટલે એને મળીને અમે નીકળી જઈએ."

જોરવરસિંહ અને રાજીવ જમીને ઉભા થઈ, હાથ ધોઈ બહાર આંગણામાં આવ્યા અને રતન પોતાની રૂમમાં જઈ એક મોટો લાંબો કપડાનો રોલ લઈ બહાર આવ્યો.

"રાજીવ...પહેલા બધો સામાન ગાડીમાં ગોઠવી લઈએ."

રાજીવે ડીકી ખોલી એમાં કપડાનો રોલ સરખો ગોઠવ્યો અને ઉપર બંનેની બેગો ગોઠવી.

"રતન.... આ તંબુ તાણવાનું કપડું કેમ લઈ જાય છે." સોપારીના કટકા કરતા કનકબા બહાર આવ્યા અને ગાડીમાં કપડાનો રોલ જોતા એમણે રતનની પૂછપરછ શરૂ કરી, "રતનના બાપુ, તમને તો ખબર જ હશે કે આ બંને જણ આ બધી તૈયારીઓ કરી ક્યાં જાય છે?"

"માડી, જવા દયો બેયને. કામે જતા હશે અને પાછા આવીને કહેશેને... આમ પણ કોઈ જતું હોય તો એમને બહુ ટોકટોક ના કરાય." માયા મોઢું મલકાવતી જોરવરસિંહના સામેના ઢોલિયે બેસી ગઈ.

"હા દીકરી....તારી વાત સાવ સાચી છે... હવે નહિ પૂછું, પણ.. ડૉકટરે તને શું કીધું? દવા લીધી કે નહીં?"

"માડી...કાંઈ ચિંતા કરવા જેવું નથી.... થોડું વધારે તીખું ખવાઈ ગયું એટલે એસીડીટી થઈ ગઈ છે. આ જુઓ ડૉકટરે દવા લખી આપી એ લેતી આવી છું. જમીને ખાઈ લઈશ."

"ભલે... આ બેય જાય એટલે આપણેય જમી લઈએ પછી તું પણ થોડો આરામ કરી લે"

"હા માડી...." માયા પગ પર પગ ચડાવી બેઠી એટલે જોરવરસિંહનું ધ્યાન એના પગ પર ગયું પણ એના બંને પગમાં પાયલ જોઈ એ ચકિત થઈ જોતા જ રહી ગયા અને મનમાં એક છૂપો હાશકારો પણ અનુભવવા લાગ્યા કે નકામી માયા પર શંકા કરી રહ્યા હતા. એ પોતાના વિચારોમાં ખોવાયેલા હતા અને માયાની આંખો એમના ચહેરાના બદલાતા હાવભાવ પર અટવાયેલી હતી.

રતન અને રાજીવ વ્યવસ્થિત બધું ગોઠવી, કારમાં ગોઠવાયા. રાજીવ ડ્રાઈવિંગ સીટ પર બેઠો અને રતન એની બાજુમાં...

"અમે બંને આઝમગઢ જઈ રહ્યા છીએ," રાજીવે કાર સ્ટાર્ટ કરી અને રતને કનકબા અને માયાને કહ્યું.

"આ....ઝમગઢ" કનકબા અને માયા બેઉના મોઢે એકસાથે જ શબ્દો આવી ગયા. કનકબાના હાથમાંથી સૂડી અને વેતરાયેલી સોપારી છૂટીને નીચે પડીને વિખરાઈ ગઈ અને માયા એકદમ જ ડરીને ઉભી થઇ ગઇ ને એના ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો.

રાજીવે ગલીમાંથી કાર બહાર કાઢી અને બજાર તરફ દોડાવી. રાજપરા જેવા શહેરનુમા ગામમાં પણ ધીમે ધીમે પશ્ચિમી સંસ્કૃતિના વાયરા પહોંચી આવ્યા હતા એટલે એમને જોઈતો જરૂરી સામાન, રેડી ટુ ઇટ ઇન્સ્ટન્ટ ફૂડ પેકેટ પણ એમને અહીંની લોકલ દુકાનેથી મળી ગયા એટલે બે-ચાર દિવસ ચાલે એટલા પેકેટ્સ, મિનરલ વોટરની બોટલ્સ અને કેટલોક સૂકો નાસ્તો લઈ, ફરી ગાડી લઈ આઝમગઢ જવા નીકળી પડ્યા પણ રતને દર્શાવેલા રૂટ પર થઈ રાજીવ કારને એ પ્રમાણે વાળતો ડ્રાઇવ કરવા લાગ્યો અને લગભગ દોઢેક કલાકની એકધારી સફર કર્યા બાદ રતને રાજીવને કાર એક ગામમાં લઈ જવા કહ્યું અને રાજીવે કારને એ ગામની દિશામાં વાળી.

ગામની પાદરે 'વેજપર' નું બોર્ડ જોઈ રાજીવે આશ્ચર્યમિશ્રિત ભાવ સાથે બ્રેક મારી અને સ્પીડમાં દોડી રહેલી કાર એક ચિચિયારી સાથે ઉભી રહી એટલે રતને રાજીવને પોતાની સાથે ચાલ્યા આવવાનો ઈશારો કર્યો અને રાજીવ કાર લોક કરી અનુસરણ કરતો રતનની પાછળ દોરવાયો. દસેક મિનિટનો રસ્તો કાપી બેઉ એક ડેલી આગળ ઉભા રહ્યા અને રતને એ ડેલીનો દરવાજો ખખડાવ્યો. બે જ મિનિટની અંદર દરવાજો ખુલ્યો એટલે રતને રાજીવનો હાથ પકડ્યો અને અંદર લઈ ગયો....

વધુ આવતા અંકે....

'આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.