આગે ભી જાને ના તુ - 34 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

શ્રેણી
શેયર કરો

આગે ભી જાને ના તુ - 34

પ્રકરણ ૩૪/ચોત્રીસ

ગતાંકમાં વાંચ્યું....

રતન અને રાજીવ ખીમજી પટેલને મળવા જાય છે પણ એમની ડેલીએ તાળું લટકતું જોવા મળે છે અને એમનો નોકર બંનેને એક ચિઠ્ઠી આપી જાય છે જેમાં ખીમજી પટેલ બંનેને આઝમગઢ બોલાવે છે. રતન અને રાજીવ રાત વિતાવવા ખેતરમાં જાય છે જ્યાં મધરાતે અચાનક રાનીની હણહણાટી અને બેબાકળાપણું જોઈ રતન અને રાજીવ જાગી જાય છે અને રતન ખેતરની બહાર જઈ જુવે છે પણ કોઈ ન દેખાતાં પાછો ફરે છે. કોઈ પીછો કરી રહ્યું છે એ બાબતે રતન અને રાજીવ અજાણ છે.....

હવે આગળ......

"ચાલ રાજીવ, તૈયાર થઈ જઈએ મંઝિલે પહોંચવા માટે," પાછા ઘોડીએ બેસી ઘરે પહોંચતા પહેલા રતને પરબતના ઘરે જઈ એની ઘોડી એને પાછી સોંપી અને બેઉ ઘરે ગયા ત્યારે પણ એ ઓળો પણ એમનો પીછો કરતો ઘર સુધી પહોંચી ગયો હતો અને સામેના બંધ ઘરની દીવાલ પાછળ ઉભો રહી અંદર ચાલી રહેલી હિલચાલ પર નજર નાખી રહ્યો હતો.

"રાજીવ...કેવી વીતી રાત, કોઈ તકલીફ તો નથી થઈ ને? તને આદત નથીને આમ ખુલ્લા આકાશ નીચે સુવાની."

"મારા માટે તો આ રાત એક યાદગાર અનુભવ બની ગઈ. રતન જેવો સાથી, ઉપર ખુલ્લું, વિશાળ, તારલાઓથી ટમતમતું નાઈટલેમ્પ બનેલું આકાશ , એરકન્ડિશન્ડને પણ ભુલાવી દે એવી ઠંડી હવા અને મેટ્રેસમાં પણ ઊંઘ ન આવે એવી ખાટલામાં પડતાવેંત આંખ લાગી જાય એવી અને બધો જ શારીરિક અને માનસિક થાક ઉતારી દેતી મીઠી નીંદર. વહેલી સવારે મંદિરની આરતીથી પડતી સવાર અને એમાંય આખા દિવસ માટે તરોતાજા બક્ષતું તાજા પાણીથી કરેલું સ્નાન અને એ તાઝગીને વધારતી વીરૂભાએ પાયેલી કડક મીઠી મસાલેદાર ચા અને ભજિયા ખાઈને તો જલસો પડી ગયો બાપુ....બસ, રંગમાં ભંગ પાડતી એવી એક ઘટના ઘટી કે....."

"અરે.. બાપુ, એવું બન્યું ને કે....." રાજીવની વાત અધવચ્ચે જ કાપી રતને રાતે બનેલી અજુગતી ઘટનાના અનુસંધાનને જોડી જોરવરસિંહ પાસે સવિસ્તાર અને શબ્દશઃ વર્ણન કર્યું, " અને.... આ રાજીવ આટલી અમથી વાતમાં ડરી ગયો..આખી રાત શિયાળવાના સુર સાંભળવા પડ્યા એ વધારામાં, જો કે પડ્યા ભેગા જ અમે બેઉ નસકોરા બોલાવવા લાગ્યા હતા અને જો રાનીએ ધમપછાડા ન કર્યા હોત તો સવાર ક્યારે પડત એ અમને ખબર જ ન પડત. પણ કોણ જાણે રાનીએ એવું તે શું જોયું કે આમ કૂદાકૂદ કરી મૂકી. મારું મન પણ એમ જ કહે છે કે કાંઈક અજુગતી ઘટના ઘટવાનો અણસાર એને આવી ગયો હતો કે પછી ખરેખર ત્યાં કોઈ હતું, મેં આસપાસ બધું જોઈ લીધું પણ અંધારામાં કંઈ નજરે જ ન ચડ્યું એટલે ખાતરીપૂર્વક તો નથી કહી શકતો પણ...."

"હશે...જવા દે એ બધું. જા પહેલા માયાને જઈને મળી લે. કાલે રાતે એકલી હતી એટલે તારી માડી એની હારે સૂતી હતી. નીંદરમાં પણ એ કાંઈક બબડાટ કરતી'તી એમ તારી માડી કેતી'તી. હજી એને તબિયતમાં મજા ન હોય તો દાકતરને બોલાવી લઈએ નહિ તો તું જ એને લઈ જઈને બતાડી આય."

"હા બાપુ...હું જોઈ લઉં અને લઈ જવા જેવું લાગશે તો હમણાં જ લઈ જઈશ અને બાપુ એક અણધારી વાત બની છે આજે, આ ખીમજીબાપા ડેલીએ તાળું મારી અચાનક ક્યાંક જતા રહ્યા છે, અમે એમને મળવા ગયા હતા પણ એમના નોકરે આ ચિઠ્ઠી અમને આપી." રતને ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી જોરવરસિંહના હાથમાં મૂકી.

"શું લખ્યું છે આમાં?"

"ખીમજીબાપાએ અમને બેયને આઝમગઢ બોલાવ્યા છે." રાજીવે જેવી વાત પૂરી કરી ત્યાં જોરવરસિંહ માથે વીજળી પડી હોય કે સામે સાપ ઉભો હોય એમ એકદમ ઉભા થઇ ગયા.

"ચાલી શું રહ્યું છે આ બધું? ભૂલભુલામણીમાં ભટકી રહેલા આ બેઉ ભડવીર આમાંથી હેમખેમ બહાર નીકળી શકશે કે નહીં?" જોરવરસિંહના મનમાં શંકાના વાદળ ઘેરાવા લાગ્યા, "રતન કરતા વધુ ચિંતા મને રાજીવની થાય છે, ચાર દિવસ પછી એની સગાઈ થવા જઈ રહી છે. સમય થોડો છે ને...." ઝટપટ મોજડી પહેરીને બહાર નીકળી ગયા એટલે સામેના ઘરની દીવાલ પાછળ સંતાયેલો ઓળો પણ દબાતા પગલે એમની પાછળ જઈ પોતાના કામે લાગી ગયો અને રતન-રાજીવ આ વાતથી બેખબર ઘરમાં દાખલ થઈ ચૂક્યા હતા.

જોરવરસિંહ સીધા જઈને જમણી બાજુએ વળતાં પહેલા કોઈની આહટનો અણસાર આવતા પાછળ વળીને જોયું પણ કોઈ દેખાયું નહિ એટલે મનનો ભ્રમ માની આગળ વધ્યા અને ચોકમાં પીપળાના ઝાડ નીચે બાંધેલા ઓટલે જઈને બેઠા.

"જોરાવરબાપુ, તબિયત તો હારી સે ને?" કરસને બીડી આપતાં પૂછ્યું, "કાલ રાત્યે, રતુભા ને એમનો ભાઈબંધ ખેતરે હુવા ગયા'તા?"

"હા.... કેમ પૂછે છે?"

"કાલે હું ય તે ખેતરે જ હુવા ગયો'તો. રાતે તમારા ખેતરમાંથી અવાજ સાંભળી ને રાનીને ઉછાળા કરતી જોઈને હું ય વંડી ખોલીને બહાર નીકળ્યો પણ કાંઈ ભાળ્યું નહિ એટલે પાછો જતો રીયો. કાંય થયું છે?"

"ના...ના...કરસન, રાતે કોઈ જનાવર આવી ગયું હશે એટલે રાનીએ ઉછળકુદ કરી'તી. રતને આવીને મને સંઘીય વાત કરી."

"બાપુ.... હું રાતે બહાર નીકળ્યો ત્યારે મેં ઝાડીઓમાં સળવળાટ થતો જોયો એટલે હું જરીક આગળ ગયો, જોવા હારુ...મારા પગના તળિયે કાંઈક ખુચ્યું એટલે વાંકા વળીને મેં એ વસ્તુ લઈ લીધી અને પાછો ખેતરે વયો ગયો. આ જુઓ, મને થયું કદાચ તમારા કામની ચીજ નીકળે," કરસને પહેરણના ગજવામાં હાથ નાખ્યો ને એ ચીજ કાઢી જોરવરસિંહના હાથમાં થમાવી દીધી જેને જોતાંવેંત એમની આંખોના ડોળા ફાટી ગયા અને જલ્દી-જલ્દી એમણે એ વસ્તુ પોતાના ઝભ્ભાના ગજવામાં મૂકી દીધી અને ઉભા થઇ ઘર તરફ વળ્યા એટલે એમનો પીછો કરતા ઓળાએ પણ ઝાડની પાછલી બાજુએના ઓટલેથી ઉભા થઇ જોરવરસિંહનો પીછો કરવાનું ચાલુ રાખ્યું.

"રતન, તું માયાને મળી લે ત્યાં સુધી હું પણ મમ્મી-પપ્પા સાથે વાત કરી લઉં, બે દિવસથી એમની સાથે વાત નથી થઈ એટલે એ બંને નકામી મારી ચિંતા કરતા હશે અને અનન્યા સાથે પણ વાત કરી લઉં." રાજીવે જીન્સના ફ્રન્ટ પોકેટમાંથી મોબાઈલ કાઢી હાથમાં લઈ નંબર લગાડતો દાદરો ચડવા લાગ્યો.

"હમમમ, એમ કહે ને મમ્મી-પપ્પા સાથે વાત કરવાના બહાને અનન્યા જોડે પણ થોડીક રોમેન્ટીક વાતો થઈ જાય... જાનુ, મિસ યુ, લવ યુ ડાર્લિંગ....." રતને પોતાના રૂમનો દરવાજો ખોલ્યો.

"હમણાં તું માયાને મળી લે, પછી હું છું ને તું છે..." કહી હસતા હસતા રાજીવ ઉપર રૂમમાં આવ્યો અને અનંતરાયનો નંબર લગાડ્યો.

"રાજીવ, ક્યાં છે તું દીકરા, બે દિવસથી તારો કોઈ કોલ નહિ, મેસેજ નહિ. રતન શું મળ્યો તું તારા પપ્પા-મમ્મીને ભૂલી ગયો?" અનંતરાયે ફોન ઉપાડતા જ રાજીવનો ઉઘડો લીધો.

"પપ્પા.....પપ્પા, મારી વાત તો સાંભળો."

"બોલ....આમ પણ હું મજાક કરતો હતો.

"અચ્છા પપ્પા, મમ્મી ક્યાં છે? મમ્મીને હમણાં ફોન નહિ આપતા પહેલા મારી વાત સાંભળો." રાજીવે ટૂંકમાં ખીમજી પટેલની આઝમગઢ આવીને મળવાની વાત કહી.

"હમમમ... રાજીવ, જવા દે બેટા, આ બધું છોડીને તું ઘરે પાછો આવી જા. આપણે કાંઈ નથી શોધવું. કોઈ રહસ્ય પણ નહીં અને ક્યાંય જવાની જરૂર નથી."

"ક્યારના કોની જોડે આટલી લમણાઝીંક કરો છો. રાજીવને ફોન લગાડો તો મારે એની જોડે વાત કરવી છે. હમણાં જ," અનંતરાયની પાછળ આવીને ઉભી રહેતા સુજાતાએ કીધું.

"સુજાતા, રાજીવનો જ ફોન ચાલુ છે, હું હમણાં તને બોલાવવાનો જ હતો."

"તો લાવો ઝટ, પહેલાં મને વાત કરવા દો પછી તમે વાત કરજો અને તમારાથી પહેલા મને નથી કહેવાતું," સુજાતાએ અનંતરાયના હાથમાંથી ફોન લઈ લીધો.

"રાજીવ.... બે દિવસથી તારા કોઈ સમાચાર નથી, તારો ફોન નથી આવતો તો મારો જીવ ઉંચોનીચો થઈ જાય છે. પહેલાં પ્રોમિસ કર મને તું સમય મળે એટલે ફોન કરતો રહીશ અને સાંભળ....."

"મમ્મી....મમ્મી...શાંત... મારી વાત તો સાંભળ. હું એકદમ મસ્ત છું તું નકામી મારી ચિંતા કરે છે અને હું સગાઈ સુધી પાછો આવી જઈશ. મમ્મી આઈ પ્રોમિસ...હું રોજ તને ફોન કરીશ....બસ..."

"સગાઈ સુધી આવી જઈશ એટલે....? અરે...દીકરા, ચાર દિવસ બાદ તારી સગાઈ છે અને હજી તું ત્યાં રોકાવાની વાત કરે છે. તારી બધી તૈયારીઓ પણ બાકી છે અને અનન્યાનો તો વિચાર કર, એ કેટલી આતુરતાથી તારી રાહ જોઈ રહી છે. બસ...હવે વધુ નથી રોકાવાનું...કાલે જ પાછો આવી જા, સમજ્યો..."

"મમ્મી...પણ...મારી વાત તો...."

"પણ..બણ...કાંઈ નહિ અને મારે કાઈ નથી સાંભળવું," અનંતરાયે સુજાતા પાસેથી ફોન લઈને રાજીવ સાથે વાત ચાલુ રાખી.

"રાજીવ, સુજાતા બરાબર કહે છે, હવે તું પાછો આવી જા."

"ના પપ્પા, દરવાજા સુધી પહોંચ્યા પછી અંદર જવાને બદલે પાછો વળું તો મારી મહેનત એળે જાય અને મારે ગમે એમ કરીને પણ આ આઝમગઢનું રહસ્ય તો જાણવું જ રહ્યું. ડોન્ટ વરી, હું સગાઈ પહેલા પાછો આવી જ જઈશ. હવે ફોન મુકું છું મારે અનન્યા સાથે પણ વાત કરવી છે. બાય, ટેક કેર, લવ યુ બોથ.. " રાજીવે ફોન કટ કર્યો અને અનન્યાનો નંબર જોડ્યો.

"હેલ્લો, અનન્યા...અવાજ આવે છે મારો. અહીંયા નેટવર્કનો બહુ ઇસ્યુ છે ઘડીકમાં અવાજ બરાબર સંભળાય ને ઘડીકમાં તરરરર્ડરર.....ડિસ્ટર્બન્સ આવે."

"હાય...રાજીવ, અવાજ સંભળાય છે બરાબર. ઇઝ એવરીથિંગ ઓકે?" અનન્યાએ પૂછ્યું.

"ઓલ ઇઝ વેલ, તું બરાબર છે ને અને એંગેજમેન્ટની તૈયાર કેટલેક પહોંચી? હું હજી રોકાઈશ અને એંગેજમેન્ટ પહેલા આવી જઈશ. ડોન્ટ વરી અબાઉટ મી, ઓકે"

"હમમમ... અચ્છા રાજીવ, એક વાત મને કહે તને ખબર છે જમનામાસી બે દિવસથી ગામ ગયા છે પણ તેં તો કીધું હતું કે એમનું આગળપાછળ કોઈ નથી તો પછી અને થોડા દિવસ પહેલાં મેં એમને કોઈ અજાણ્યા શખ્સ સાથે વાત કરતાં પણ જોઈ હતી અને મેં એમને ઘરે આવીને પૂછ્યું પણ હતું તો એમણે બાજુના બંગલામાં કામ કરતો ચીમન હતો એમ કીધું હતું. તું ઓળખે છે કોઈ ચીમન નામની વ્યક્તિને...?"

"અનન્યા...હશે કોઈ જૂનું સગપણ એમનું, લાજુબાના કોઈ સગા રહેતા હશે અને છોડ એ બધું આ વ્યર્થની ચિંતામાં તારા ચહેરાનો નિખાર ખોવાઈ જશે અને હું નથી ઇચ્છતો કે મારી અનન્યા મુરઝાયેલી લાગે. હું આવું ત્યારે તારો ચહેરો ગુલાબના તાજા ખીલેલા ફૂલ જેવો એકદમ ફ્રેશ દેખાવો જોઈએ... ઓકે બાય...ટેક કેર." રાજીવે અનન્યા આગળ કાંઈ બોલે એ પહેલાં જ ફોન કાપી નાખ્યો.

"અનન્યા સાચું કહેતી હતી. આટલા વર્ષોમાં મેં તો શું મારા પરિવારે પણ ક્યારેય એમના કોઈ રિલેટિવ વિશે નથી સાંભળ્યું અને મમ્મી-પપ્પાએ પણ મને કંઈ નથી કીધું. ક્યાં ગયા હશે જમનામાસી અને આ ચીમન કોણ હશે?" રાજીવ વિચાર કરતો બેડ પર પડી રહ્યો.

જોરવરસિંહ ઘરે આવીને સીધા પોતાના રૂમમાં જતા રહ્યા અને દરવાજો અંદરથી બંધ કરી બેડ પર બેસીને ખિસ્સામાંથી કરસને આપેલી વસ્તુ કાઢી બેડ પર મૂકી વિચારવા લાગ્યા, ' આ... આ તો માયાના પગનું પાયલ છે પણ એ ખેતર પાસે આવ્યું કેવી રીતે? અને રાતે તો એ એની સાસુ જોડે સૂતી'તી, તો પછી......?'

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.