My identity books and stories free download online pdf in Gujarati

મારી ઓળખ


પેન્સીલને કાગળ પર મુકવાની સાથે મેઘાના મોઢે સ્મિત છવાઈ ગયું, અને પાંચ મિનિટ પહેલાંની ઉદાસી અને નિરાશા ઉડી ગઈ, જાણે ક્યારેય ઉદાસ હતી જ નહીં. સ્કેચિંગ તેનું સ્ટ્રેસ બસ્ટર હતું અને તેને હંમેશાં એમાં સાંત્વના મળતી હતી. પણ આ સુખ એક ક્ષણ માટે જ હતું. એના પપ્પાએ રૂમમાં ડોકિયું કરી, અંદર આવતા બોલ્યા,
"મેઘા, આ શું કરી રહી છે? કોલેજના અસાઈનમેન્ટ્સ પુરા થઈ ગયા?"
મેઘાએ પોતાની ડ્રોઈંગ બુક બંધ કરી અને માથું હલાવતા ધીમેથી કહ્યું,
"ના, બાકી છે."
એના પપ્પા, ડૉક્ટર મોહિત માથુરનો પારો ચડ્યો અને એમણે મેઘાને ઠપકો આપ્યો,
"મેઘા એમ.બી.બી.એસ નું ભણતર કાંઈ મજાક નથી. કડી મહેનત કર્યા વગર પાસ નહીં થઇશ."
"પપ્પા, બસ થોડી વાર રિફ્રેશ થવા બેઠી હતી, હવે પાછી ભણવા બેસું છું."
જે વાત પહેલા સો વાર કરી હશે, ડૉક્ટર માથુરે એમની દીકરીને એ વાત ફરી યાદ અપાવી.
"મેઘા આપણા પરિવારમાં બધા સદસ્યો ડૉક્ટર છે અને મારી બધી આશા તારી સાથે બંધાયેલી છે. તું મારી એકની એક ઓલાદ છે, તારે મારુ નામ રોશન કરવાનું છે. સમજી?"
"જી પપ્પા."

દર બે ત્રણ મહિને મેઘાના પપ્પા તેને આ વાત કરતા અને મેઘા આ જ રીતે કંઈ પણ દલીલ કર્યા વગર માથું નીચે કરીને સાંભળતી. પણ દિવસે દિવસે મેઘાની નિરાશા વધતી જતી હતી. એને ચિત્રકાર બનવું હતું, પણ એ સપનું એના માતાપિતાની અપેક્ષાઓની નીચે દબાઈ ગયું હતું. ખરી વાત તો એ હતી, કે એને ક્યારેય કોઈએ પૂછ્યું પણ નહોતું કે એને શું પસન્દ છે. જે કુટુંબમાં દસ ડોક્ટર્ હોય, એમાં એક ચિત્રકાર કેવી રીતે હોય શકે?

બે વર્ષથી મેઘા સંપૂર્ણ પ્રયત્ન કરી રહી હતી, કે કેમ પણ કરીને ભણવામાં મન પરોવે અને એના પિતાને ખુશ કરે. પણ ડૉક્ટરીનું ભણતર એની સમજની બહાર હતું. એની ભાવનાઓની કોઈને કદર નહોતી. મેઘાની હતાશા એટલી વધી ગઈ હતી, કે એને એવું લાગતું જાણે એનું અસ્તિત્વ મેડિકલ બુક્સ નીચે દબાઈ ગયું હોય.

"મેઘા, આમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડવાનો કોઈ અર્થ નથી. તને તારા પપ્પાને આ વાત સમજાવવી પડશે, કે તું એક અલગ વ્યક્તિ છે, અને તારા સપના જુદા છે. તું ક્યાં સુધી એમની મહત્વકાંક્ષાઓનો બોજો ઉપાડીશ?"
મેઘાની સખી, નેહા તેને સાચો આઈનો બતાવવાનો પ્રયાસ કરી રહી હતી. એનાથી મેઘાનું દુઃખ નહોતું
જોવાતું. મેઘાએ પોતાના આંસુ લૂછતાં, એક લાંબો નિસાસો ભર્યો અને એની બહેનપણી સામે જોયું,
"હું પુરી કોશિશ કરું છું કે પપ્પાની અપેક્ષાઓ ઉપર ખરી ઉતરું, પણ હું શું કરું નેહા? મને મેડિસિનનું ભણતર ખૂબ જ અઘરું લાગે છે અને વારંવાર મારુ મન ચિત્રકારી તરફ આકર્ષિત છે. ફક્ત એમાં જ મને સુખ મળે છે."

નેહાએ કપાળ પર હાથ મુક્યો અને ઓચિંતાની બોલી,
"અરે....સારું યાદ આવ્યું. ચાલ મારી જોડે, તને એક સરસ જગ્યાએ લઈ જાઉં. તારા જીવને ખુલાસો મળશે."
"પણ જવું ક્યાં છે?"
"તું ચાલ તો."

રીક્ષા માંથી ઉતરતા મેઘાએ જોયું કે નેહા તેને એક આર્ટ ગેલેરીમાં લાવી હતી.
"નેહા, આપણે અહીંયા શા માટે આવ્યા છીએ?"
નેહાએ તેનો હાથ પકડી, અંદર લઈ ગઈ.
"મારા ભાઈના મિત્રનું પહેલું પેંટિંગનું પ્રદર્શન છે અને એણે મને આમંત્રિત કરી હતી. મને ખાતરી છે તને ગમશે."
આર્ટ ગેલેરીમાં પગ મુકતાની સાથે મેઘાને સ્વર્ગીય એહસાસ થયો. એક અનોખું સુખ અને શાંતિની લહેર દિલમાં દોડી ઉઠી, જેનો તેણે પહેલાં ક્યારેય અનુભવ કર્યો ન હતો. ચારેય બાજુ સુંદર પેંટિંગઝ જોઈને તે સાવ મંત્રમુગ્ધ થઈ ગઈ. એના અવચેતન માંથી એક અવાજ આવ્યો,
"મેઘા, તારી જગ્યા અહીં જ છે અને આ જ તારી ઓળખાણ છે!"

જ્યારે નેહાએ એના ખભા પર હાથ મુકતા પૂછ્યું કે પ્રદર્શન કેવું લાગ્યું, ત્યારે મેઘા એક માં-દીકરીની પેંટિંગ જોઈ રહી હતી. એણે ચિત્ર પરથી નજર હટાવ્યા વગર નેહાને કહ્યું,
"હું ડૉક્ટરી છોડી રહી છું."
નેહા ચોંકી ગઈ.
"શું? પણ તારા પપ્પા?"
ફરી જ્યારે મેઘાએ જવાબ આપ્યો, ત્યારે એના અવાજમાં નિરાકરણ હતું, એક અનોખો વિશ્વાસ હતો.
"નેહા, મને મારી ઓળખ અને મારી મંઝિલ મળી ગઈ છે. પપ્પાને હું જવાબ આપી દઈશ. પણ મેં નક્કી કરી નાખ્યું છે કે હું એક ચિત્રકાર જ બનીશ."

ઘરે આવ્યા પછી, લગભગ દસ દિવસ સુધી, મેઘાએ આ વાત ઉપર ખૂબ વિચાર વિમર્શ કર્યો, અને સાથે સાથે, ચિત્રકાર બનવાની ડિગ્રીની પૂછપરછ પણ કરી નાખી. જ્યારે બધા પ્રશ્નના જવાબ મળી ગયા, ત્યારે એક સાંજે એ હિંમત કરીને તેના પપ્પાના રૂમમાં ગઈ.
"શું થયું મેઘા?"
"પપ્પા, મને તમને કાંઈ કહેવું છે."
ડૉક્ટર માથુરે એમની બુક બંધ કરી અને ચશ્મા કાઢતા પૂછ્યું,
"શું છે, બોલ."
મેઘાએ મક્કમતાથી કહ્યું,
"પપ્પા મને ખુશી છે કે આપણા ઘરમાં બધા ડૉક્ટર છે. પણ હું એક અલગ વ્યક્તિ છું અને મારા સપના તમારા કરતા જુદા છે. હું એક ચિત્રકાર બનવા માંગુ છું."
એના પપ્પાને આઘાત તો લાગ્યો સાથે ગુસ્સો પણ આવ્યો.
"મેઘા, તને ભાન છે તું શું બોલી રહી છે! તારું મગજ ફરી ગયું છે કે શું?"
મેઘાએ શાંતિથી જવાબ આપ્યો,
"પપ્પા, મને મારી વ્યક્તિગત ઓળખ બનાવવી છે અને મારી ખુશી ડૉક્ટરી ભણવામાં નથી. આઈ એમ સોરી. હું જીવનમાં એ જ કરવા માગું છું, જેમાં મને ખુશી મળે."

મેઘા એના પપ્પાને અચંબીત મૂકીને જયારે એમના રૂમ માંથી બહાર નીકળી, તો એને પહેલી વાર સ્વતંત્રતાનો એહસાસ થયો.

શમીમ મર્ચન્ટ, મુંબઈ
_________________________________________________


Shades of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much 🥰💓🙏🏻🙏🏻

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on my blog

https://shamimscorner.wordpress.com/



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED