આમ જ હિયા અને આયાન ની કોલેજ શરૂ થાય છે. તેઓ સાથે જ કોલેજ જાય છે. અને તેમના કોલેજ નો ગોલ્ડન સમય પસાર કરે છે. કોલેજના ત્રણ વર્ષ દરમિયાન તેઓનો પ્રેમ ખુબજ વધતો જાય છે. જેમ દરેક પ્રેમીઓ કરે તેમ તેઓ પણ કોલેજ બંક કરી મૂવી જોવા જવું, ફરવા જવું વગેરે કરે છે. પણ આ સમય દરમિયાન તેઓ ભણવા પર પણ ખુબજ ધ્યાન આપે છે. આમજ કોલેજનું છેલ્લું વર્ષ પૂર્ણ થવાના આરે હોય છે.
"આયાન હવે તો આપણી કોલેજ પૂરી થઈ જશે પછી તો મારે મારા ઘરે જતા રહેવું પડશે. પછી આપણે કેવી રીતે મળીશું?"
હિયા અને આયાન ગાર્ડન માં બેઠા હોય છે ત્યારે વાત કરતા હોય છે.
"હીયુ, ચિંતા શા માટે કરે. આપણી કોલેજ પૂરી થાય એટલે તને મેરેજ કરીને મારા ઘરે જ લઈ આવીશ. એટલે આપણે વધારે સમય દૂર ન રહેવું પડે. હું આજેજ ઘરમાં આ વિશે વાત કરીશ."
"આયાન યુ આર સો સ્વીટ." હિયા આયાનના ગાલ ખેંચતા બોલે છે.
"તને કેટલી વખત ના કહું કે મારા ગાલ ન ખેંચવાના. મને નથી ગમતું." આયાન મીઠી ફરિયાદ કરતા કહે છે.
"હું આજે નઈ પણ હંમેશા ખેચીશ. તું આખેઆખો મારો છે. એટલે તારા ગાલ પર પણ મારોજ અધિકાર છે." એમ કહીને તે ફરીવાર તેના ગાલ ખેંચે છે.
"તો તો મારો પણ તારી પર પૂર્ણ અધિકાર છે." એમ કહીને આયાન હિયાના વાળ ખેંચીને ત્યાંથી દૂર ભાગે છે. આમજ તેઓ મસ્તી મજાક અને પ્રેમમાં દિવસો પૂરા કરે છે.
કોલેજ પૂરી થતા આયાન તેના ઘરે મેરેજ માટેનું જણાવે છે. બધા વડીલો ભેગા થઈને સગાઈની તારીખ નક્કી કરે છે. અને મેરેજની તારીખ એક વર્ષ પછી નક્કી કરે છે. સગાઈ ના દિવસો પણ નજીક આવે છે. તેઓ બધા સગાઈની તૈયારીમાં લાગી જાય છે.
અંતે સગાઈનો દિવસ આવી જાય છે.
"હિયું, હજી કેટલી વાર તૈયાર થવામાં? બધા મહેમાનો નીચે આવી ગયા છે. જલ્દી તૈયાર થઈને બાહર આવ." માલવિકા હિયાંના રૂમની બહાર બૂમો પાડતી હોય છે.
"હા દીદી. હું તૈયાર જ છું બસ બે મિનિટ માં આવું છું." અંદરથી હિયા બોલે છે.
"તો જલ્દી આવ હું નીચે જાવ છું." એમ કહીને માલવિકા ત્યાંથી જતી રહે છે.
અંદર રૂમમાં હિયા પોતાના કપડા વ્યવસ્થિત કરી રહી હોય છે અને પાછળ થી કોઈ આવીને તેનું મોઢું દાબી દે છે. હિયા તો ચોંકી જ જાય છે. પણ પછી તે પાછળ ફરીને જુએ છે તો આયાન હોય છે.
"આયાન તું અહીંયા શું કરે છે? કોઈ આવી જશે તો? અને દરવાજો તો બંધ હતો તો તું ક્યાંથી આવ્યો?"
"અરે બસ કરો માતાજી. એક સાથે કેટલા સવાલ પૂછશો. શાંતિ રાખો થોડી." આયાન હિયાના મોઢે હાથ મૂકતા કહે છે. હિયા ચૂપ થઈ જાય છે અને તે મોઢા પરથી હાથ હટાવવા ઈશારા કરે છે. આયાન તેના મોઢા પરથી હાથ હટાવે છે.
"પણ કહે તો ખરો કે તું અહીંયા શા માટે આવ્યો છે?"
"તને તૈયાર થયેલી સૌથી પહેલા મારે જ જોવી હતી. એટલે હું આ રીતે આવી ગયો." આયાન જવાબ આપે છે.
"ઓહ. આટલો બધો પણ પ્રેમના કરીશ. કોઈ દિવસ હું ના હોવ તો તને તકલીફ પડશે."
"ચૂપ. બિલકુલ ચૂપ. આજે આપણી સગાઇ છે અને તું આવું બોલી રહી છે. હવે તો આપણે એક થવા જઈ રહ્યા છે. એટલે એવી નકામી વાતો કરવાની રહેવા દે." આયાન તેને મીઠો ઠપકો આપે છે.
આમ બોલતા બોલતા તેઓ બંને એકબીજાની આંખોમાં ખોવાઈ જાય છે અને ક્યારે તેમના હોઠો મળી જાય છે તે તેમને પણ ખબર પડતી નથી. તેઓ એકબીજામાં ખોવાય જાય છે ત્યાં જ પાછો માલવિકા બૂમો પાડે છે.
"હિયું હવે તો હદ થાય છે. જલ્દી બહાર આવ. આટલું મોડું કરે તે ના ચાલે. નીચે બધા આવી ગયા છે." માલવિકા થોડા મોટા અવાજે બૂમો પાડે છે.
માલવિકાનો અવાજ સાંભળીને તે બંનેને પરિસ્થિતિનું ભાન થાય છે અને છુટા પડે છે. તેમનું આ પહેલું ચુંબન હોય છે એટલે બંને શરમાય જાય છે અને એકબીજાની આંખો માં આંખ મિલાવી શકતા નથી. આયાન તરત જ ત્યાંથી બારી વાતે બહાર જતો રહે છે અને નીચે હોલમાં બધા સાથે ભળી જાય છે. અને હિયા પણ બહાર આવે છે.
નીચે બધા હિયાની જ રાહ જોતા હોય છે. હિયા નીચે આવતા જ પહેલા આયાનની મમ્મી શાલિનીબેન હિયાની નજર ઉતારે છે અને પછી આયાન અને હિયા બંનેને સ્ટેજ પર લઈ જાય છે. બંને સ્ટેજ પર જાય છે. ત્યાં પહેલાતો હિયાની મામી આયાન ના કપાળે ચાંદલો કરી અમુક વિધિ હોય છે તે પૂરી કરે છે. પછી તે જ પ્રમાણે શાલીનીબેન હિયા સાથે વિધિ પૂર્ણ કરે છે.
પછી ધ્રુહી એક સુંદર સજાવેલી થાળીમાં બંને માટેની વિટી લાવે છે. જે આયાન જેવો વીટી પહેરાવવા માટે વીટી લેવા જાય તેવી જ લાઈટો બંધ થઈ જાય છે. અને ત્યાંજ માત્ર હિયા પર લાઇટનો ફોકસ પડે છે. હિયાના હાથમાં માઇક હોય છે અને તે બોલવાનું શરૂ કરે છે.
"આયાન આજે આપણો પ્રેમ એક ડગલું આગળ વધવા જઈ રહ્યો છે તો મારે તને કશું કહેવું છે. હું તારા પ્રેમમાં નથી પડી, પણ મે તો તારા પ્રેમમાં તારી સાથે એક એક પગલું ચાલવાનું પસંદ કર્યું છે. મેં ખુલી આંખે સપનું જોયું છે જેમાં તું અને હું જીવનનો રસ્તો સાથે પસાર કરતા હોય. હા હું ભાગ્ય અને નસીબ માં માનું છું, પણ જો તું કદાચ ભાગ્યમાં ન હોય ને તો પણ હું તને શોધી લાવીશ અને મારા ભાગ્યમાં લઈ આવીશ. હું દરેક જન્મમાં, હજારો દુનિયામાંથી પણ તને શોધી લાવીશ. ભલેને પછી પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય. પણ હું તો હંમેશા તને જ પ્રેમ કરવાનું પસંદ કરીશ." હિયા બોલતી હોય છે ત્યારે તે બંનેની આંખો વધારે બોલતી હોય તેવું લાગે છે. તેઓ એકબીજાની આંખોમાં જ જોતા હોય છે. બધાની તાળીના ગડગડાટથી બંનેનું ધ્યાન તૂટે છે.
"હું વચન આપુ છું કે તે જોયેલું સ્વપ્ન પૂરું કરીશ. સાત જન્મ તો શું હજારો જન્મ આપણે સાથે રહીશું. I love you."
_________________________________________________
"હજી પણ એ નાલાયકને યાદ કરીને રડી રહી છે?" પાછળથી શાલીનીબેનનો નો અવાજ આવે છે. હિયા તેના રૂમની બાલ્કની પાસે બેઠેલી હોય છે અને તેની આંખોમાં આંસુ હોય છે જે શાલીનીબેન જોઈ જાય છે એટલે તેની પાસે આવે છે.
"મમ્મી શું કરું? યાદ આવી જ જાય છે." હિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.
"બેટા ભલે એ મારો દીકરો છે પણ એ એવો નીકળ્યો તો એમાં તારો વાંક નથી. એવા વ્યક્તિની યાદમાં આપણા આંસુ ના વહાવાય. ઉલટું એવા વ્યક્તિને તો પડતા મૂકવાના હોય."
"મમ્મી એવું ના બોલો. મને હજી વિશ્વાસ છે કે એ મને આ રીતે દગો ના આપી શકે. એણે મને સાચો પ્રેમ કર્યો છે."
"એ વ્યક્તિએ તમારા લગ્નના દિવસે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા અને આજે એક વર્ષ પછી એ છોકરી માં બનવાની છે અને તને હજી પણ એવું લાગે છે કે તે તને સાચો પ્રેમ કરતો હતો?" શાલીનીબેન થોડા ગુસ્સામાં પૂછે છે.
(ક્રમશ:)