આગે ભી જાને ના તુ - 33 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આગે ભી જાને ના તુ - 33

પ્રકરણ - ૩૩/તેત્રીસ

ગતાંકમાં વાંચ્યું....

માયા એના રૂમમાં ટીવી જોતી સૂતી હોય છે ત્યારે એની છાતી પર ગરોળી પડતાં એ ગભરાઈ જાય છે અને માયા આંગણે હીંચકામાં બેઠી હોય છે ત્યારે અચાનક એની તબિયત બગડે છે. રતન અને ઘરના સૌ સભ્યો ચિંતિત થઈ જાય છે. રતન અને રાજીવ રાતે ખેતરે જમવાનો અને રોકવાનો પ્રોગ્રામ ઘડે છે અને રાત ખેતરે વિતાવવા જાય છે....

હવે આગળ.....

રાત હવે કાજળઘેરી થઈ રહી હતી. તારલાઓ ટમટમી રહ્યા હતા, નીરવ પથરાયેલી શાંતિ વચ્ચે ક્યાંક ક્યાંક દૂરદૂરથી કૂતરાના ભસવાના અવાજ આવતો હતો. આછું અજવાળું અને આજુબાજુનું ભેંકાર ભાસતું વાતાવરણ મનમાં આછો ભય ઉપજાવી રહ્યું હતું. રતનને તો આ વાતાવરણમાં રહેવાની ટેવ હતી પણ રાજીવના મનના કોઈક ખૂણે અજાણ્યો ડર પેસી ગયો હતો જે એના ચહેરાપર અત્યારે વર્તાઈ રહ્યો હતો. આંખોના પોપચા પર નીંદરનો ભાર વધી જતાં બાજુબાજુમાં ઢાળેલા ખાટલા પર બંનેએ લંબાવ્યું અને ક્ષણભરમાં નસકોરા બોલાવતા, આવનારી આપત્તિથી અજાણ બેય જણા ઘસઘસાટ ઊંઘમાં સરી પડ્યા. બંને ઘોડી પણ ઉભી ઉભી નીંદર લઈ રહી હતી.

અડધી રાતે દૂર સીમમાંથી શિયાળવાઓની ચિચિયારીઓ હવા ચીરતી આવી રહી હતી એમાં ગામના કુતરાઓ પણ સામેલ થઈ ગયા.એમાં પણ કોઈ ઝાડની ડાળે બેઠલા ઘુવડનો અવાજ વધુ ભય ઉપજાવનારો હતો. એમાં અચાનક જ રાની આગલા બંને પગ ઊછાળતી જોરજોરથી હણહણવા લાગી એટલે એનાથી થોડે દૂર બાંધેલી પરબતની ઘોડી પણ બેબાકળી બની આમતેમ જોવા લાગી.

"રાની....રાની.....શું થયું" રતન એકઝાટકે ખાટલેથી ઉભો થઈ દોડતો દોડતો રાની પાસે જઈ એની પીઠ પર હાથ પસરાવવા લાગ્યો. રાજીવ પણ એની પાછળ દોડીને ત્યાં જઈ ઉભો રહ્યો. રતનના બુચકારે રાની શાંત તો થઈ ગઈ પણ એ હજી ડોક ઊંચી કરી ખેતરની ફરતે બાંધેલી કાંટાળી વાડની પેલી બાજુ જોવાનો પ્રયત્ન કરી રહી હતી.

"રતન...શું થયું, રાની કેમ આવું વર્તન કરી રહી છે?"

"કોણ જાણે કેમ, મેં પણ આટલા વર્ષોમાં ક્યારેય એને આવી રીતે નથી જોઈ. કોઈક વાત તો જરૂર છે. હું જરા બહાર જોઈને આવું છું. રાની જે રીતે વાડની બહાર તરફ જોતી ઉછળી રહી છે એ જોતાં એમ લાગે છે કે નક્કી ત્યાં કાંઈક છે. કોઈ પ્રાણી કે પછી કોઈ વ્યક્તિ...."

ઓરડીના ધાબે સૂતેલો માણસ પણ મોટી ટોર્ચ લઈ રતન પાસે આવી ઉભો હતો.

"રતુભા, હુંય આવું છું તમારી હારે.. આમ, અટાણે એકલા બહાર જવામાં જોખમ છે."

"નહિ....નહિ... વીરુભા, હું જોઈ આવું છું. તમને નકામી તકલીફ. તમે અહીં રહો, હું અબઘડી જઈને આવું છું."

રાજીવ અને વીરુભાના જવાબનીય રાહ જોયા વગર રતન વીરુભાના હાથમાંથી ટોર્ચ લઈ ખેતરનો દરવાજો ખોલી બહાર નીકળ્યો પણ ચારેકોર પથરાયેલા નીરવ અંધકાર સિવાય કંઈ જ નજરે ન ચડ્યું એટલે કોઈ જાનવર આ તરફ આવી ગયું હશે એમ વિચારી એ પાછો ફર્યો. જેવો એ પાછો ફર્યો એટલે સામેની તરફ આવેલા ઝાડની પાછળથી એક ઓળો દબાતે પગલે બહાર નીકળી અંધારામાં વિલિન થઈ ગયો. ઝાડીમાં સળવળાટ થતાં રતને પાછળ વળી નજર દોડાવી પણ કોઈ દેખાયું નહિ એટલે દરવાજો ખોલી ખેતરમાં આવી પાછો દરવાજો બંધ કરી રાની પાસે આવી એને પાણી પીવડાવ્યું અને ખાટલે બેસી પોતે પણ બાજુમાં રહેલી માટલીમાંથી ગ્લાસ ભરી પાણીનો ઘૂંટડો ગળા નીચે ઉતારી, કુરતાના ઉપલા બટન ખોલી નાખી, રાહત અને ઠંડક અનુભવતો એમને એમ જ થોડીવાર બેસી રહ્યો.

રતન અને રાજીવ બેઉની નીંદર હવે ઉડી ગઈ હતી. રાજીવે મોબાઈલમાં સમય જોયો તો રાતના અઢી વાગવા આવ્યા હતા.

"રતન, કોણ હતું બહાર"?"

"હશે કોઈ શિયાળવું અથવા કોઈ નાનું જંગલી પ્રાણી આવી ગયું હશે. હું બધે જોઈને આવ્યો પણ કાંઈ નજરે ન ચડ્યું અને આમ પણ રાનીને આદત નથી ને ખેતરે રાત ગાળવાની એટલે જરાક અમથો અવાજ પણ એના સરવા કાને પહોંચે એટલે જાણે મને કોઈ મારી નાખવાનું હોય એમ આકુળવ્યાકુળ થઈ જાય છે. મારા માટે એ પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે એમાંની છે."

"તું એના માલિક કરતાં દોસ્ત વધુ છે અને મૂંગુ પશુ પણ પ્રેમની , લાગણીની ભાષા બરોબર સમજે છે. આટલા વર્ષોથી સાથે રહીને તું અને રાની એકમેકનો પર્યાય બની ચુક્યા છો. રાજપરાની ઓળખાણ એટલે રતન અને રાની. ગામવાસીઓએ તો તને રાની વગર જોયો પણ નહીં હોય. કદાચ રાની તને માયા કરતાં પણ વધુ સારી રીતે ઓળખતી હશે અને મારા મતે તો એનો તારા પર હક પણ માયા કરતા પહેલા અને વધુ હશે."

"હા.... એકદમ સાચું કીધું તેં રાજીવ, રાની મને જીવથી પણ વ્હાલી છે. રાની તો રાની જ છે, એની તોલે કોઈ નો આવી શકે."

વાતવાતમાં જ રાત વીતી ગઈ. રાત્રે ભેંકાર ભાસતા વતાવરણમાં પલટો આવી રહ્યો હતો. પર્વતોની પાછળથી સૂર્યનારાયણ હળવેથી પોતાના સોનેરી કિરણોના ઘોડા જાણે આકાશમાં છોડી દીધા હતા. સોનેરી વાદળો અને કેસરિયું આકાશ એકમેકમાં ભળી જઈ મનોહર દ્રશ્ય રચી રહ્યા હતા. પંખીઓનો કલરવ જાણે સંગીતના સાતે સુર રેલાવી સવારને ખુશનુમા બનાવી રહ્યો હતો. મંદિરમાં થઈ રહેલી આરતીની ઝાલર અને ઘંટનાદ ચોમેર પવિત્રતા ઉમેરી રહ્યું હતું.

રતન અને રાજીવ બેય જણા ખાટલેથી ઉઠ્યા એટલે વીરુભાએ પમ્પ ચાલુ કર્યો અને પાઈપમાંથી ધો-ધો કરતો પાણીનો ધોધ વછૂટ્યો. ખેતરમાં ઓરડીની પાછળ બનાવેલા કુંડમાં પાણી ભરાવા માંડ્યું એટલે રતન અને રાજીવ બંને પોતપોતાના કપડાં કાઢી, શોર્ટ પહેરી કુંડમાં ઝંપલાવ્યું. કુંડ ખાસો લાંબો-પહોળો હતો, નાનો સ્વિમિંગપૂલ કહી શકાય.

રાજીવ માટે તો આ પહેલો જ અનુભવ હતો. શહેરના અનેક રિસોર્ટના સ્વિમિંગપૂલમાં મજા માણી ચુક્યો હતો. ચારેતરફ લહેરાતો પાક, ખુલ્લું આકાશ, પક્ષીઓનો કલશોર, એને તો બહાર નીકળવાની જરાય ઈચ્છા નહોતી. કલાકેક કુંડમાં ન્હાયા પછી, તન-મનમાં તાજગી ભરી બહાર નીકળ્યા ત્યારે બંનેને કકડીને ભૂખ લાગી હતી પણ વીરુભાએ ગરમાગરમ ચા અને ભજિયાનો બંદોબસ્ત કરી રાખ્યો હતો એ જોઈ બેઉ ભજિયા પર તૂટી પડ્યા.

તૈયાર થયા બાદ ખેતરનું ચક્કર લગાવી રતન અને રાજીવ બેય ઘોડી પર સવાર થઈ ખેતરેથી નીકળી સીધા મંદિરે ગયા. દર્શન-પ્રાર્થના કરી ઈશ્વર અને પૂજારીજીના આશીર્વાદ લઈ બજારમાં આંટો મારતા ખીમજી પટેલના ઘર તરફ વધ્યા ત્યારે રાતના અંધારામાં ઓગળી ગયેલો ઓળો અત્યારે એ બંનેનો પીછો કરી રહ્યો હતો જેનાથી બેઉ બેખબર વાતોમાં મશગૂલ હતા.

"આજે ગમે તે ભોગે ખીમજીબાપા પાસેથી ખૂટતી કડી મેળવવી જ પડશે. જયાર સુધી એ બાકી રહેલી વાત પૂરી નહિ કરે ત્યાં સુધી આ બંદો ત્યાંથી ઉઠવાનો નથી."

"હા રતન.. આજે પુરી વાત સાંભળીને જ ઉભા થવું છે. રહસ્ય ઘેરું થતું જાય છે અને મારી પાસે રહેલો સમય પણ રેતીની જેમ સરતો વહેતો જાય છે. હવે ખોટો સમય બગાડ્યા વગર આપણે મંઝિલ સુધી પહોંચવા ઝડપ વધારવી પડશે. કોઈ પણ હિસાબે હું અહીંથી ખાલી હાથે જવા નથી માંગતો."

રતન અને રાજીવ જેવા ખીમજી પટેલની ડેલીએ પહોંચ્યા તો દરવાજે મોટું અલીગઢી તાળું લટકતું હતું.

"આ ખીમજીબાપા ક્યાં જતા રહ્યા?" બેઉ એકબીજાને પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યા.

રતન ઘોડીએથી નીચે ઉતરી દરવાજા પાસે ગયો, તાળું લટકતું હોવા છતાં એણે ડેલીની સાંકળ ખખડાવી જોઈ પણ કોઈ પ્રત્યુત્તર ન મળતાં પાછો ફર્યો.

"તાળું લટકે છે તોય સાંકળ કેમ ખખડાવે છે?"

"રાજીવ, આ ખીમજીબાપાનો કોઈ ભરોસો નહિ, અંદર જ હોય પણ આપણને ટાળવા માંગતા હોય તો એ કાંઈ પણ કરી શકે એવા છે. એમનું શરીર સાથ નથી આપતું પણ એમનું મગજ તો સુપરફાસ્ટ ટ્રેન કરતાંય તેજ ગતિએ દોડે છે. "

"સાચી વાત છે," રાજીવ હસી પડ્યો.

"રતુભા....રતુભા..." પાછળથી અવાજ આવતા રતન અને રાજીવ એકીસાથે પાછળ ફર્યાં ને જોયું તો સામે ખીમજીબાપાનો નોકર ઉભો હતો.

"કાકા, આ ખીમજીબાપા સવાર સવારમાં ક્યાં જતા રહ્યા?"

"ઈ તો મનેય ખબર નથ ક્યાં જતા રહ્યા છે પણ... તમે જરૂર પાછા આવશો એમ કહીને આ તમને આપવાનું રાતે કે'તા ગયા છે." નોકરે પાસે આવીને રતનના હાથમાં કાગળની થેલી મૂકી અને આવ્યો હતો એટલીજ ઝડપથી પાછો જતો રહ્યો.

"રતન...જો તો શું છે આ પેકેટમાં?" રાજીવ પણ ઘોડીએથી નીચે ઉતર્યો અને બેય ખીમજી પટેલના ઘરની બહારના ઓટલે બેસી ગયા.

રતને પેકેટ ખોલ્યું તો અંદરથી એક ગડી વાળેલો કાગળ નીકળ્યો અને એક મખમલનો બટવો નીકળ્યો જેમાં ચાંદીનું એક પાયલ હતું.

"રતન... જલ્દી ચિઠ્ઠી વાંચ, શું લખ્યું છે એમાં?"

રતને કાગળની ગડી ખોલી તો એમાં ગરબડીયા અને ગૂંચવાયેલા અક્ષરે લખેલું હતું, ' રાજપરામાં તમારા બેઉના અને મારા જીવને જોખમ છે, બને એટલા જલ્દી આઝમગઢ પહોંચો, હું તમને ત્યાં જ મળીશ.' પત્ર બહુ જ ઉતાવળમાં લખાયો હોય એમ લાગતું હતું.

"ચાલ રાજીવ, તૈયાર થઈ જઈએ મંઝિલે પહોંચવા માટે," પાછા ઘોડીએ બેસી ઘરે પહોંચતા પહેલા રતને પરબતના ઘરે જઈ એની ઘોડી એને પાછી સોંપી અને બેઉ ઘરે ગયા ત્યારે પણ એ ઓળો પણ એમનો પીછો કરતો ઘર સુધી પહોંચી ગયો હતો અને સામેના બંધ ઘરની દીવાલ પાછળ ઉભો રહી અંદર ચાલી રહેલી હિલચાલ પર નજર નાખી રહ્યો હતો....

વધુ આવતા અંકે.....

'આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.