આગે ભી જાને ના તુ - 32 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

શ્રેણી
શેયર કરો

આગે ભી જાને ના તુ - 32

પ્રકરણ - ૩૨/બત્રીસ

ગતાંકમાં વાંચ્યું....

ખીમજી પટેલે કહેલી પોતાની, તરાનાની અને એના કમરપટ્ટાની પૂર્ણતાના આરે આણેલી કથા સાંભળીને રતન અને રાજીવ આગળ શું કરવું એની ચર્ચા જોરવરસિંહ સાથે કરે છે. રાજીવને સતત કોઈ એનો પીછો કરી રહ્યો હોવાનો આભાસ થાય છે તો માયા પણ એવુંજ કોઈ દ્રશ્ય જોઈ ચકિત થઈ જાય છે....

હવે આગળ.....

માયા પોતાના રૂમમાં ટીવી ચાલુ કરી બેડ પર સૂતી સૂતી રિમોટ વડે ટીવીની ચેનલો બદલી રહી હતી પણ એનું મન મર્કટની જેમ વિચારોની ડાળે કૂદાકૂદ કરી રહ્યું હતું.

"મેં આજે જે જોયું એ સત્ય હતું કે આભાસ, હકીકત હતી કે મૃગજળ, ચલ હતું કે છલ, એ લહેરાતી ઓઢણી ક્યાં અલોપ થઈ ગઈ રામ જાણે. આ વાત હું રતનને કે મા-બાપુને કરું કે નહીં......."

વિચારોના વમળમાં હાલકડોલક થતી માયાની નૈયા કિનારે પહોંચે એ પહેલાં જ એની છાતી પર ધ...ડા...મ... કરતી કોઈ વસ્તુ પડી જે જોઈને માયા છળી પડી અને એની નૈયા કિનારે પહોંચતા પહેલા જ મઝધારમાં ડૂબી જતી લાગી. માયાના મોઢામાંથી 'માડી.....' હળવી ચીસ નીકળી ગઈ અને શ્વાસના આરોહ-અવરોહથી ઉપર-નીચે થતી એની છાતી અને ક્લીવેજ પર ધીમે ધીમે પ્રસ્વેદબિંદુઓ જામી રહ્યા. પરસેવાના રેલા ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા હતા, સુકાઈ રહેલા ગળામાંથી અસ્પષ્ટ સ્વરો હોઠોના ફફડાટ દ્વારા બહાર આવી રહ્યા હતા અને ધમણની જેમ ચાલતી છાતી પર પડેલી ગરોળી પણ સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં એના શ્વાસની સાથે સાથે ઉપર-નીચે થઈ રહી હતી. ગરોળીની આંખો જોઈને માયાને ચીતરી ચડી રહી હતી એને ઉબકા આવી રહ્યા હતા. એકઝાટકે એણે પોતાની ચૂંદડી કાઢીને બારી તરફ ફેંકી અને પોતે બેડ પર બેઠી થઈ ગઈ. એને હૃદયના ધબકારા વધી ગયા હતા અને હાંફતા હાંફતા એણે બેડની બાજુના ટેબલ પર રહેલી પાણીની બોટલ ખોલી મોઢે માંડી અને એકીશ્વાસે પળવારમાં પાણી ગટગટાવી ગઈ ખાલી બોટલ પાછી ટેબલ પર મૂકી અને ઉભી થઈ બારી પાસે ગઈ ચૂંદડી ખંખેરી જોયું પણ ગરોળી નહોતી. એની નજર બારીની બહાર જઈ રહેલી ગરોળી પર પડી એટલે હાશકારો અનુભવતી એ ચૂંદડી ટેબલ પર મૂકી કબાટમાંથી બીજી ચૂંદડી કાઢી પહેરી લીધી પણ એની આંખોની ઊંઘ ઊડી ગઈ હતી એટલે રૂમમાંથી બહાર આવી અને ઘરના પાછળના આંગણે બાંધેલા સંખેડાના હીંચકે બેઠી અને વિચારે ચડી ગઈ કે 'ઓરડામાં ગરોળી આવી ક્યાંથી? આટલા દિવસોમાં ક્યારેય નહીં ને આજે જ ઓરડામાં ગરોળી દેખાઈ.' એને થોડુંક અજુગતું પણ લાગ્યું. એને ગરોળીની ચમકીલી આંખો અને મોઢેથી પડતી લાળ યાદ આવી અને એની છાતીમાં ડૂમો ભરાઈ આવ્યો અને વળી પાછો ઉબકો વળ્યો અને સાથે જ બપોરે જમેલું ભોજન ઉલટી વડે બહાર નીકળી આવ્યું એની સાથે જ ચક્કર આવતાં માયા બેભાન થઈ હીંચકે જ પડી ગઈ.

"આ માયા ક્યાં જતી રહી, બપોરે તો એને ઓરડામાં જતાં જોઈ હતી, કીધા વગર તો ક્યાંય જતી નથી, ચાનો ટાઈમ થઈ ગયો છે એને ખબર તો છે કે જો જરીકે મોડું થાશે તો રતનના બાપુ કકળાટ કરશે, એમને સમયે ચા જોઈએ એટલે જોઈએ જ" કનકબા મનમાં બબડાટ કરતા રસોડામાં ગયા અને ગેસ ચાલુ કરી તપેલીમાં ચા બનાવવા મૂકી. ચા તૈયાર થતાં જ એમણે એક કપમાં ચા ભરી દામુને બોલાવી જોરવરસિંહ માટે બહાર આંગણામાં જ ચા મોકલાવી.

"હું પાછળ જઈને જોઈ આવું, ક્યારેક નીંદર ન આવે તો માયા હીંચકે બેઠી હોય છે, એ હીંચકો એને બહુ વ્હાલો છે." કનકબા પાછળના આંગણે ગયા અને જઈને જોયું તો માયા હીંચકે બેભાન પડી હતી એના કપડાં પણ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા અને નીચે થયેલી ઉલટી પર માખીઓ બણબણતી હતી.

"ર.....ત....ન....., રતન.... ઝટ આવ," કનકબાનો અવાજ સાંભળી રતન અને રાજીવ બંને ઝડપથી દાદર ઉતરી નીચે આવ્યા અને પાછળની તરફ દોડ્યા, જોરવરસિંહ પણ અવાજ સાંભળી મોઢે માંડેલો ચાનો કપ એમને એમ મૂકીને ઉભા થઈ ઝડપથી કદમ ઉપાડતા પાછળ ગયા.

"માયા....માયા...., શું થયું માડી? માયા....ઉઠ..." રતને બંને હાથે માયાને ઉચકી લીધી અને પોતાના ઓરડામાં લઈ જઈ બેડ પર સુવડાવી એટલીવારમાં રાજીવ પંખો ચાલુ કરી પાણીનો ગ્લાસ લઈ આવ્યો એટલે રતને માયાના ફિક્કા પડી ગયેલા ચહેરા પર પાણી છાંટયું. પાણીની છાલક ચહેરા પર પડતાં જ માયાએ ધીમેથી આંખો ખોલી પણ એના ચહેરા પર અને આંખોમાં હજી ભય ડોકાતો હતો.

"માયા, તું બરોબર તો છે ને? એકાએક શું થઈ ગયું તને?" રતને માયાના ચહેરા પર પોતાનો ઉષ્માભર્યો હાથ ફેરવ્યો પણ માયા હજી શું કહેવું એની અવઢવમાં હતી. એ જરાક સરખી થઈ, ચૂંદડી સરખી કરી બેઠી થઈ એટલે રતને એની પીઠ પાછળ ઓશીકું ગોઠવ્યું. ચહેરા પર સ્વસ્થતા ધારણ કરી માયાએ આછા સ્મિત સાથે બપોરે નજરે જોયેલી લાલ ઓઢણીના હવામાં લહેરાવાની અને પછી પોતે સૂતી ત્યારે એની ઉપર ગરોળી પડવાની ઘટના કહી સંભળાવી જે સાંભળી બધાના ચહેરા પર ડરનો ઓછાયો ફરી વળ્યો.

"માયા, લે આ લીંબુપાણી પી લે એનાથી તને સારું લાગશે," કનકબા એક ટ્રેમાં લીંબુપાણીનો ગ્લાસ અને બધા માટે ચાના કપ લઈ આવ્યા અને ગ્લાસ માયાના હાથમાં આપી એના માથે વ્હાલથી પોતાનો મમતાભર્યો હાથ ફેરવ્યો.

"માયા, હું ડોકટરને બોલાવી લાવું છું, એકવાર આવીને તપાસી જાય અને દવા પણ આપી જાય."

"ના...ના...એમાં ડોક્ટરને બોલાવવાની કોઈ જરૂર નથી, એવું લાગશે તો હું જાતે જ જઈ આવીશ. તમારે રાજીવભાઈ સાથે ખેતરે જવાનું છે ને, તમે બપોરે બાપુને કહેતા હતા ને એ મેં સાંભળ્યું. મારી ફિકર કર્યા વગર તમતમારે નિરાંતે ખેતરે જાવ, હું એકદમ બરાબર છું."

"એ તો અમે જઈશું જ...પણ માડી, સાંજે જમવામાં કાંઈક ચટપટું અને મસાલેદાર બનાવજો, હું ખેતરેથી માણસને મોકલીશ એની હારે ટિફિન મોકલાવી દેજો. ચાલ રાજીવ, તૈયાર થઈ જા." રાજીવ ઉભો થઈ ચાનો કપ ટ્રેમાં મૂકી ઉપર જતો રહ્યો. કનકબાએ પણ ઉભા થઈ ખાલી કપ અને ગ્લાસ ટ્રેમાં મૂકી રસોડામાં ગયા અને જોરવરસિંહ પણ બહાર નીકળી આંગણામાં આવી ઢોલિયે બેઠા અને હુક્કો સળગાવ્યો.

હવે ઓરડામાં રતન અને માયા એકલાં જ હતા.

"માયા, હજી પણ તારી તબિયત સારી ન હોય તો મને કહે અમે ખેતરે કાલે જતા રહેશું." રતન માયાની બાજુમાં બેઠો અને એની આંખોમાં આંખો પરોવી માયાનું માથું પોતાની મજબૂત રાજપુતી પહોળી છાતી પર મૂકી એના વાળમાં પોતાની આંગળીઓ ફેરવવા લાગ્યો. રતનની મજબૂત પકડમાં સુરક્ષા અનુભવતી માયા પણ આંખો મીંચી ખયાલોમાં ખોવાઈ જઈ એમને એમ બેસી રહી. જ્યારે રાજીવે દરવાજે ઉભા રહી કડી ખખડાવી અને મોટેથી ખોંખારો ખાધો ત્યારે રતન અને માયા ખયાલોની દુનિયામાંથી બહાર નીકળ્યા અને સામે રાજીવને જોઈ માયાનો ગોરો ચહેરો શરમથી રાતોચોળ થઈ ગયો અને એ રતનથી અળગી થઈ ખસીને બેસી ગઈ.

"હવે જો પ્રેમીપંખીડાનો પ્રેમાલાપ પૂરો થઈ ગયો હોય તો આપણે પણ ખેતર તરફ ઘોડીઓ દોડાવીએ," રાજીવે નજીક જઈને રતનની કમરે હળવેથી ચિંટીયો ભર્યો એટલે રતન ઉભો થયો અને રાજીવ સામે બનાવટી રોષ દેખાડતો ડોળા કાઢી જોવા લાગ્યો.

"કેમ.... અમને જોઈને તને શેની બળતરા થાય છે કે પછી અનન્યાની યાદ આવી જાય છે... કાશ.... આ મોકો મને પણ જલ્દી મળે એવા વિચારો આવે છે.. ચાલ હવે ઉભો શું છે...ખેતરે જાવું છે કે નહીં?" રતને રાજીવનો હાથ પકડ્યો અને બંને હસતા હસતા ઓરડીમાંથી બહાર નીકળ્યા. બંનેની પ્રેમસભર દોસ્તી જોઈ માયાની આંખો ખુશીના આંસુઓથી ભરાઈ આવી અને એ બંનેની દોસ્તીને કોઈની નજર ન લાગે એ માટે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી.

રતને આંગણે બાંધેલી બંને ઘોડીઓને ખુંટેથી છોડી રાજીવને ઘોડી પર બેસાડવામાં મદદ કરી પોતે રાની પર સવાર થયો અને લગામ ખેંચતા જ બંને ઘોડીઓ ખેતરની રાહે દોડવા માંડી.

રતન અને રાજીવ બંને ખેતરે પહોંચ્યા ત્યારે સૂરજ ઢળવાને હજી વાર હતી પણ તડકાનું જોર ઓછું થઈ ગયું હતું. ખેતરે પહોંચી રતને બંને ઘોડીઓને ખેતરની વાડની બાજુમાં ઝાડ સાથે બાંધી બંને ખેતરના ખૂણે બનાવેલી ઓરડીમાં જઈ ફ્રેશ થઈ બહાર આવી કેરીના ઝાડ નીચેના ખાટલે બેઠા. મંદ-મંદ વાતા ઠંડા વાયરાની લહેર શરીરને સ્પર્શીને અનોખી તાઝગી આપી રહી હતી. બંને મિત્રો ક્યાંય સુધી જૂની યાદો વાગોળતા અલકમલકની વાતો કરતા રહ્યા. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. ભૂરું આકાશ પીળા-કેસરી રંગોથી શોભી રહ્યું હતું. પાછા ફરેલા પંખીઓનો કલરવ વાતાવરણમાં મધુર સંગીત ભરી રહ્યું હતું. આશરે સાતેક વાગ્યે રતને ખેતરમાં કામ કરતા અને રખેવાળી કરતા માણસ સુખિયાને ઘરે ટિફિન લેવા મોકલ્યો.

"આ લ્યો રતુભા, તમારા બેઉ હાટું ખાવાનું લઈ આવ્યો છું અને આ રહી છાસ," કહી સુખિયાએ ઓરડીમાંથી બીજો ખાટલો બહાર લાવી એની ઉપર બધું ગોઠવીને રતન અને રાજીવને ભોજન પીરસી આપ્યું.

"સુખિયા તું પણ અમારી હારે જ જમી લે," રતનનો માલિકીભાવ નહિ પણ દયાળુ અને પરોપકારી માણસાઈના ગુણ પરખાઈ આવ્યા. બંને જણ ભોજન સમાપ્ત કરી હાથ-મોઢું ધોઈ ખાટલે બેઠા અને સુખિયો ખાલી વાસણ લઈ બાજુમાં બનાવેલી મોરીમાં ધોઈને ઓરડીમાં મૂકી આવ્યો મોટી લાકડી લઈ ઓરડીની ઉપર બનાવેલા ધાબે જતો રહ્યો.

"રતન, એક તો માડી અને ભાભીના હાથનું બનાવેલું સ્વાદિષ્ટ ભોજન અને એમાંય તારો સાથ એટલે સોને પે સુહાગા. અઠવાડિયામાં જ શરીર પર એની અસર દેખાઈ આવે છે. ઘરે જઈશ ત્યાર સુધીમાં મારું વજન ખાસું વધી ગયું હશે."

"તો તો...સારું છે ને, પાછો જઈશ ત્યારે બધા એમ તો કહેશે કે અમે તારું ધ્યાન બરાબર રાખ્યું છે."

રાત હવે કાજળઘેરી થઈ રહી હતી. તારલાઓ ટમટમી રહ્યા હતા, નીરવ પથરાયેલી શાંતિ વચ્ચે ક્યાંક ક્યાંક દૂરદૂરથી કૂતરાના ભસવાના અવાજ આવતો હતો. આછું અજવાળું અને આજુબાજુનું ભેંકાર ભાસતું વાતાવરણ મનમાં આછો ભય ઉપજાવી રહ્યું હતું. રતનને તો આ વાતાવરણમાં રહેવાની ટેવ હતી પણ રાજીવના મનના કોઈક ખૂણે અજાણ્યો ડર પેસી ગયો હતો જે એના ચહેરાપર અત્યારે વર્તાઈ રહ્યો હતો. આંખોના પોપચા પર નીંદરનો ભાર વધી જતાં બાજુબાજુમાં ઢાળેલા ખાટલા પર બંનેએ લંબાવ્યું અને ક્ષણભરમાં નસકોરા બોલાવતા, આવનારી આપત્તિથી અજાણ બેય જણા ઘસઘસાટ ઊંઘમાં સરી પડ્યા.

વધુ આવતા અંકે......

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.