અધૂરપ. - 3 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરપ. - 3

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૩

ગાયત્રી બધાના ચહેરા જોઈને સમજી ગઈ કે બધા શું અચાનક થયું એ મુંઝવણમાં છે? ગાયત્રીએ વાતનો ખુલાસો કરતા કહ્યું, " મેં તમારા બધાથી એક વાત છુપાવી છે."

ગાયત્રી આટલું બોલી અને એના મમ્મી ,પપ્પા, અને બંને ભાઈઓ તરત આંખના નેણ ચડાવી ધીરજ ગુમાવીને એકસાથે જ બોલી ઉઠ્યા, 'શું છુપાવ્યું છે તે? એવી શું બીક કે તારે એમ કઈ છુપાવવું પડે?'

ગાયત્રી હજુ કહી જ રહી હતી ત્યાં પરિવાર ગુસ્સામાં આવીને એની મુંઝવણ વધારવા લાગ્યો હતો. એને સમજ ન આવ્યું કે, હજુ તો મેં કંઈ વાત પણ કરી નથી અને આ લોકો આવી રીતે કેમ પ્રતિક્રિયા આપી રહ્યા છે? પણ અમૃતાભાભીએ એની નોંધ તરત લીધી અને બધાને શાંતિથી કહ્યું કે, થોડી ધીરજ રાખો. એ શું કહે છે એ સાંભળો તો ખરા... આમ આવી રીતે એની વાત સાંભળ્યા વિના કંઈ રીતે અભિપ્રાય આપી શકાય? આપણે બધાએ પહેલાં એની વાત પૂરી રીતે સાંભળીને પછી જ કોઈ નિર્ણય પર આવી શકીએ.

અમૃતાની વાત સાંભળી પરિવારના બધા શાંત થયા અને ગાયત્રી ફરી વાત જણાવતા બોલી,' હું માનસ જોડે પરણી ત્યારે હું કોઈ એવા વચન સાથે નહોતી બંધાયેલી કે હું નોકરી કરીશ.' અને માનસે પણ મને એવી કોઈ ચોખવટ નહોતી કરી કે એને હું નોકરી કરું એ નહીં જ ગમે.. સમય વીતતો ગયો અને માનસની આવકમાંથી ઘર ચલાવવું ખુબ મુશ્કેલ થવા લાગ્યું અને એમાં ઉપરથી છોકરીની જવાબદારીમાં પણ ઉમેરો થયો. એટલે મેં નોકરી માટે જીદ કરી હતી પરંતુ એ મારી વાત સાથે સહમત ન થયા. પણ મારે ઘર ચલાવવા માટે નોકરી કરવી જ પડે એમ હતી માટે હું એમની મરજી વિરુદ્ધ જ નોકરી કરવા લાગી.. આમ પણ અમેરિકા જેવા દેશમાં એક ના જોરે ઘર ન જ ચાલે.. મેં સમજદારી દાખવી નોકરી કરી જેથી આજે એક ઘર ઉપરાંત અમુક સૅવિન્ગ્સ અને ત્યાં ઇન્ડિયા રહેતા સાસુસસરા અને બાકીના પરિવારનો ખર્ચ પણ અમે આરામથી ઉપાડી શકીએ.

ગાયત્રી હજુ વાત કરતી જ હતી ત્યાં એના મમ્મી વચ્ચે બોલી ઉઠ્યા. "લાંબી લાંબી વાત ન કર. જે કહેવું હોય એ સીધું કહે ને!...જાણે કોઈને દીકરી ની વાત સાંભળવામાં રસ જ નહોતો.

પણ એક માત્ર ગાયત્રીના પપ્પાને એની પૂરી વાત સાંભળવામાં રસ હતો. એમણે કહયું, "તું આખી વાત કર બેટા.. તો જ ખરી વાત સમજી શકાય."

ગાયત્રી કહે, 'અમારા બંનેના સહયોગથી બધું સારું સેટ થાય છે. પણ માનસને હવે એવી શંકા ઉદ્દભવે છે કે મારુ મારા બોસ સાથે કોઈક ચક્કર છે.. આથી જ હું હવે જ્યારે પણ ખુશ હોઉં છું, સરસ તૈયાર થાવ છું.. ત્યારે એ મારા પર શંકા કર્યા કરે છે. મારે કેવી રીતે એના મનમાંથી આવા વિચાર કાઢવા? મને એ જ સમજાતું નથી. હું ખુશ એટલા માટે હોઉં છું કારણ કે હવે ઘર ચલાવવાની ચિંતા ઓછી થઈ ગઈ છે, પણ આ વાત હું માનસ ને કેમ કરીને સમજાવું? હું તો પહેલેથી જ તૈયાર થવાની શોખીન હતી અને પહેલા પણ જયારે જયારે તૈયાર થતી હતી ત્યારે તો માનસને હું ખૂબ જ ગમતી.એમ જ આજે પણ તૈયાર થાવ છું. પણ માનસ ના વિચારો માં હવે પરિવર્તન આવી ગયું છે. એને એવું લાગવા લાગ્યું છે કે, હું મારા બોસ માટે તૈયાર થાવ છું. આજે ઑફિસથી ઘરે આવતાં વર્કલોડના લીધે મોડું થયું તો મને કહે કે, "તું તારી રીતે જ જીવે છે... એમ કહીને કેટલું બધું ઝઘડ્યા અને ઘરમાંથી કાઢી મૂકી.. મારા સાસરે કેમ ફોન પર બધું કહું? એ ઇન્ડિયા અને અમે અહીં. હું લાચાર થઈ અહીં આવી... આટલું બોલતા ગાયત્રીની આંખમાંથી આંસુ સરવા લાગ્યા.

ગાયત્રીના મમ્મી તરત જ બોલી ઉઠ્યા કે, 'નોકરીના લીધે જો આવી શંકા થતી હોય તો નોકરી મૂક અને ઘર સાચવ. એમનેમ તો માનસને તારા પર શંકા નહીં ગઈ હોય ને? જરૂર તે જ એવું કંઈક કર્યુ હશે! તાળી ક્યારેય એક હાથે ન પડે! તું માનસ ને સારી રીતે સમજી શકી હોત તો એમાં વાત આટલી વધત જ નહીં ને!

મમ્મીની વાત સાથે બંને ભાઈઓ પણ સહમત હતા. એમણે પણ પોતાની માની વાતમાં સૂર પુરાવ્યો અને કહ્યું, "હા મમ્મી, તમારી વાત સાચી છે."
અને એમના પપ્પા તો શું બોલવું ને શું કહેવું એ જ વિચારમાં હજુ અટવાયેલા હતા.

ગાયત્રી તો પરિવારની વાત સાંભળીને અવાચક જ રહી ગઈ, કાપો તો લોહી પણ ન નીકળે... જેવી એની સ્થિતિ હતી. આંસુ લૂછવાના તો દૂર પણ પ્રેમથી માથે હાથ ફેરવી કોઈ એમ પણ ન બોલ્યું કે, "માનસ આમ શંકા કરે એ યોગ્ય નથી જ. તું ચિંતા ન કર! ગાયત્રીને પળભર તો થયું કે, શું આ મારા જ માતાપિતા ને મારા જ ભાઈઓ છે? આજે પહેલી જ વાર એને પોતાનો પરિવાર અજાણ્યો લાગ્યો.

આ ચર્ચા દરમ્યાન અમૃતા અને ભાર્ગવીની નજર મળી. બંનેએ એકબીજાની સામે જોયું.. અમૃતાએ આંખના ઇશારાથી ભાર્ગવીને શાંત રહેવા કહ્યું. અને પોતે આજે પહેલી વાર વડીલોની વચ્ચે બોલી ઉઠી, 'ગાયત્રીબેન ચિંતાના કરો. મને તમારા પર અને આ ઘરની પરવરિશ પર પૂરો વિશ્વાસ છે. હું તમારી સાથે જ છું. કારણ કે એક વાર ચૂપ રહેશો તો આ શંકા કાયમ તમારા જીવનમાં ઘુસી જશે અને એને જડમૂળથી કાપવા માટે હું હંમેશા તમારી સાથે છું.'

અમૃતાના શબ્દો ઘરની દીવાલોને પણ હચમચાવી જાય એવા શાંત અને વજનદાર હતા. પરિવાર ખોટી મોટપમાં ભોંઠો પડ્યો હોય એવી ગ્લાનિ અનુભવવા લાગ્યો.

અમૃતાના સાસુને અમૃતાની આ વાત પચી નહીં. એ ખૂબ ક્રોધિત થઈ ઉઠ્યા અને બોલ્યા, 'આપણે દીકરીવાળા છીએ એટલે સાસરીવાળા કહે એ વાત માનીએ તો જ દીકરી સુખી થાય, તને સંસારની શું ખબર? આ વાળ એમ જ થોડાં ધોળા થયા છે? જિંદગીના અનુભવ પરથી કહું છું અમૃતા! ક્રોધથી એ ખૂબ સમસમી ઉઠ્યા હતા. એમને ક્રોધ એ વાતનો પણ હતો કે, એની વહુ આજે એમનાથી વિરુદ્ધ જઈને વાત કરી રહી હતી. જે એમનાથી બિલકુલ સહન ન થયું.

પણ અમૃતાએ તો નક્કી જ કર્યું હતું કે, "હવે એ કોઈ પણ સ્ત્રી સામે થતાં અન્યાય સામે નમતું તો નહીં જ મૂકે. તો આ તો પોતાના જ ઘરની લક્ષ્મી પર પોતે જ દોષ લગાડી રહ્યાં હતા તો એ ચૂપ કઈ રીતે રહે?

અમૃતાએ આજે તો અત્યાર સુધી બાંધી રાખેલો બંધ તોડી જ નાખ્યો અને આ બંધ હવે વહી નીકળ્યો હતો. સાસુમાને વળતો સણસણતો જવાબ આપ્યો, 'સાચી વાત મમ્મીજી. પણ આપણે દીકરીને સાસરે વળાવી છે. કાંઈ એનો સોદો નથી કર્યો. અને રહી વાત ઘરના બે છેડા ભેગા કરવાની. તો એ તો કુમારથી ભેગા નહોતા થતા ત્યારે જ ગાયત્રીબેનને નોકરી કરવી પડે ને? અને એમાં ખોટું પણ શું છે? અને જો આપણે જ આપણાં ઘરની લક્ષ્મીને સાથ ન આપીએ તો એ તો યોગ્ય નથી ને? આપણે જાણીએ છીએ કે, ગાયત્રીબેન સાચા છે તો આપણે શા માટે કુમારનની ખોટી વાતમાં પ્રોત્સાહન આપવું જોઈએ? જો આપણે આજે અવાજ નહીં ઉઠાવીએ તો તો કુમાર ગાયત્રીબેનને વધુ અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરશે, અને કોઈ પણ વ્યક્તિ બંધનમાં રહેવાથી ક્યારેય ખુશ રહી શકે ખરા? એ મનમાંને મનમાં રિબાયા જ કરે. એ વાત મારા કરતા તમે મોટા અને અનુભવી છો માટે વધુ જ જાણતા હશો. ખરું ને મમ્મીજી?"

અમૃતાના પતિ રાજેશને અમૃતા આમ બોલી એ ન ગમ્યું, એ રીતસર તાડુક્યો જ કે, "બંધ થા અમૃતા! નહીં તો એક તમાચો ગાલ પર આવી જશે."

અમૃતાએ તો બળવો પોકાર્યો જ હતો. હવે એ થોડી ડરવાની હતી?" એ શાંતિથી બોલી ઉઠી, 'હાથ ઉપાડી તો જુઓ. મારી એક જ ફરિયાદ કાફી હશે તમને જેલના સળીયા પાછળ ધકેલવા માટે. પોતાની પત્ની પર હાથ ઉપાડવો એ કાયદાકીય ગુન્હો છે."

આ સાંભળીને રાજેશ સમસમી ઉઠ્યો. ક્યારેય ઊંચા અવાજે વાત પણ ન કરતી અમૃતાને આજે આમ જવાબ આપતી જોઈને એ સહન ન કરી શકયો. એનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો અને એનો હાથ ઉપડી જ ગયો, પણ એને અધવચ્ચેથી ગાયત્રીએ રોક્યો અને એ બોલી, "ભાઈ, તમે આમ ઝઘડો નહીં. હું માફી માંગુ છું ભાભીના બદલે. વાતને અહીં જ પુરી કરો.

ઘરનો માહોલ જોઈને વર્ષોથી મૂંગા રહેનાર ઘરના વડીલ મોભી રમેશભાઈની આંખો આજે અમૃતાએ ખોલી દીધી હતી. એ બોલ્યા રાજેશ, "વહુ સાચું જ કહે છે. એ જે બોલી એ એક એક શબ્દ સાચો જ છે, તારા ખોટા અભિમાનને દૂર કર અને શાંતિથી વિચાર દીકરા! જો તને ખાલી સામે જવાબ મળ્યો તો તું ગરમ થઈ ગયો તો આ તો આપણી દીકરીના ચારિત્ર્ય ઉપર માનસકુમારે આંગળી ઉપાડી તો એ તને કેવી રીતે પચી ગયું? તને કેમ ગુસ્સો ન આવ્યો?"

રાજેશને તરત પોતાની ભૂલ સમજાણી અને એ શરમીંદગી અનુભવવા લાગ્યો.

આ તરફ અમૃતાના ચહેરા ઉપર તેજ ચમકી ગયું. એણે ઈશારો કરી ભાર્ગવીને વાતનો દોર પોતાના હાથમાં લેવાનું કહ્યું.

ભાર્ગવી બોલી, "મને પણ અમૃતાભાભીની વાત સાચી લાગે છે. આપણે ગાયત્રીબેનને સાથ આપવો જ જોઈએ."

શું કરશે હવે ભાર્ગવી? શું એ પણ અમૃતાની જેમ બળવો પોકારશે? ગાયત્રી ને હવે માત્ર બંને ભાભીઓ તરફથી જ આશા રહી હતી. એ આશાભરી નજરે ભાભી સામે જોવા લાગી.