પ્રકરણ- તેત્રીસમું/૩૩
લંચ પછી બેડરૂમમાં, બેડ પર આરામ ફરમાવી રહેલા મિલિન્દે, વૃંદાને તૈયાર થતાં જોઇને પૂછ્યું,
‘કશે બહાર જાય છે ? ‘
‘જી, એક ખુફિયા મિશન પર.’
હસતાં હસતાં આઇનામાં જોઈ બિંદી લગાવતાં દેવલે જવાબ આપ્યો.
‘ખુફિયા મિશન ?’ કૌતુકભરી નજરે દેવલ સામે જોતાં મિલિન્દે પૂછ્યું.
‘બસ કંઇક એવું જ છે, હમણાં બે કલાકમાં આવીને બધું શાંતિથી સમજાવું છું.’
સોફા પરથી પર્સ ઉઠાવી, સાડીનો પલ્લું ઠીક કરતાં દેવલ બોલી.
‘અચ્છા, સંભાળીને ડ્રાઈવ કરજે.’ મિલિન્દ બોલ્યો.
‘પણ, હું ટેક્ષી કરીને જાઉં છું મિલિન્દ, ડોન્ટ વરી. અને શક્ય એટલી જલ્દી આવવાની કોશિષ કરું છું. ચલ બાય.’
કહી સસ્મિત દેવલ હાથના ઈશારે આવજોનું સંકેત આપતાં નીકળી ગઈ.
મિલિન્દને શત્ત પ્રતિશત ખાતરી હતી કે, આ વૃંદાનું કોકડું ઉકેલવા જ દોડધામ કરે છે.
કેટલી કઠણ કાળજાની સ્ત્રી છે ? તેના જ સૌભાગ્યમાં ભાગ પડાવનાર સ્ત્રી માટે તેની જાત કરતાં વધુ ફિકર છે. એ પછી આંખો મીંચી પ્રેમ અને પૈસાની રમત પાછળના રહસ્ય વિષે વિચારતાં મિલિન્દ સૂઈ ગયો.
આશરે પિસ્તાળીસ મિનીટ બાદ દેવલ દાદરથી બાંદ્રા વેસ્ટ સ્થિત લીલાવતી હોસ્પીટલના કમ્પાઉન્ડમાં દાખલ થઈ. ઇન્ક્વાયરી કાઉંટર પર પુછપરછ કરી ઠીક ૪:૫૦ મીનીટે ડો. પવન બંસલના ચેમ્બરની બહાર વેઈટીંગ લોન્જના સોફા પર ગોઠવાઈ તેના ટર્નની પ્રતિક્ષા કરવાં લાગી.
પંદર મિનીટ પછી, માનસી દોશીનું નામ બોલતાં હળવેકથી ચેમ્બરનું ડોર ધકેલીને દેવલે અંદર પ્રવેશતાં જોયું તો, ડોકટર કોલ પર કોઈની જોડે ગંભીર મુદ્રામાં વાતચીત કરી રહ્યાં હતાં. બે મિનીટ પછી કન્વર્સેશન પૂરું કર્યા બાદ..
‘પ્લીઝ, સીટ ડાઉન.
પ્રભાવશાળી વ્યક્તિત્વ, કાબેલ, નિષ્ણાંત અને સાથે સાથે સ્વભાવે રમુજીપ્રકૃતિના કાર્ડિયોલોજીસ્ટ ડો.પવન બંસલ બોલ્યાં.
‘હેલ્લો, તમારી ટ્રીટમેન્ટ વિષે પૂછતાં પહેલાં હું પૂછીશ કે, આપ કોણ છો ?’
ચેર પર બેસતાં દેવલ બોલી..
‘જી, માનસી દોશી. પણ, આવું પૂછવાનું કારણ જાણી શકું ?
સ્માઈલ સાથે દેવલે પૂછ્યું.
‘કેમ કે, ઈમરજન્સી કેસને બાદ કરતાં રીલેશન બેઝ્ડ પર હું ભાગ્યે જ કોઈને આટલી જલ્દી એપોઇન્ટમેન્ટ આપું છું, ઇન રેર ઓફ ધ રેર કેસીસમાં. આપ વૃંદા અથવા તેના ડેડના કોઈ ક્લોઝ રીલેટીવ્ઝ છો ? ડોકટરે પૂછ્યું
વિન્રતાથી દેવલે ઉત્તર આપતાં કહ્યું,
‘હમમમ... હા અને ના.’
‘ના એટલાં માટે કે, મારો વૃંદા સાથેના મારા પરિચયને માત્ર ચાર દિવસનો સમય થયો છે, અને તેમના ડેડને તો મેં હજુ જોયા પણ નથી. અને હા એટલા માટે કે, આ ચાર દિવસમાં એવો અહેસાસ થાય છે કે, જાણે મારો વૃંદાની ફેમીલી સાથે કોઈ જન્મો જન્મનો નાતો હોય. બસ.’
‘ઓહ.. આઈ.સી. ધેટ્સ વેલ એન્ડ ગૂડ. પણ પૂછવાનું ખાસ કારણ એ કે, જે રીતે મને ભાર દઈને, આઈ મીન, લીટરલી બાય ઓર્ડર આપીને એઝ સૂન એઝ એપોઇન્ટમેન્ટ આપવાની વાત કરી, એ જાણીને મને એમ થયું કે, આપ તેમના અંગતથી પણ વિશેષ હશો, અને, આમ પણ વેલ નોન એડવોકેટ શશાંક સંઘવીના મારા પર એવાં ઉપકાર છે કે, મારી પાસે સમય ન હોવાંછતાં પણ ‘ના’ કહેવાનો કોઈ અવકાશ જ નથી. વેલ.. હૂ ઈઝ પેશન્ટ ? ટૂંકમાં વાત જણાવતાં ડોકટર બોલ્યાં.
‘જી, પેશન્ટનું નામ વૃંદા છે, વૃંદા સંઘવી.’ આશ્ચયજનક ઉત્તર આપતાં દેવલ બોલી.
કુતુહલથી દેવલ સામે જોઈ, તેના રીડીંગ ગ્લાસીસ ઉતારી, ટેબલ પર મૂકતાં ડોક્ટર પવન બંસલ બોલ્યાં..
‘સોરી,. હું કંઈ સમજ્યો નહીં ? આપ શું કહેવાં માગો છો, જરા ડીટેઇલમાં કહેશો પ્લીઝ.’
‘સર, વૃંદાની કેટલા સમયથી ટ્રીટમેન્ટ ચાલે છે ? અને શું થયું છે તેને ? આઈ વોન્ટ ટુ નો. એનીથિંગ સીરીયસ ?
‘સોરી, આ મારા અને પેશન્ટ વચ્ચેની પ્રાઇવેટ મેટર છે, અને તમે ક્યા અધિકારથી મને આ સવાલ પૂછી રહ્યાં છો ? ડોકટરે પૂછ્યું.
‘અધિકારની તો ખબર નથી પણ એટલું જાણું કે, ચાર દિવસના પરિચયમાં વૃંદા જો મારા માટે આપની અશક્ય મુલાકાત લઇ શકતી હોય તો, મને પણ તેના વિષે કંઇક કરી છૂટવાની ભાવના અહીં લઇ આવી છે,’ લાગણીવશ થઇ દેવલ બોલી
થોડીવાર ચુપચાપ ડો. પવન બંસલ દેવલની સામું જોઈ રહ્યાં,પછી પૂછ્યું
‘હું ફરી મારો ક્વેશ્ચન રીપીટ કરું છું, આપ કોણ છો ?
એટલે માનસીને સ્હેજ ધ્રાસકો પડ્યો કે, ડોકટર આ પ્રશ્ન આટલો ભાર દઈને કેમ પૂછે છે ? .
‘માનસી દોશી.. સર, મારા નામ જેટલો જ મારો ટૂંકો પરિચય છે, પણ ફરીથી પૂછવાનું કારણ જાણી શકું ? મક્કમતાથી દેવલે ઉત્તર આપ્યો.
‘આપ ચેમ્બરમાં એન્ટર થયાં ત્યારે હું કોલ પર બીઝી હતો.. એ કોલ વૃંદાનો જ હતો.
પાંચ મીનીટની વાર્તાલાપ દરમિયાન એ આશરે દસ વાર તમારું નામ બોલી હશે. અને આજે ચાર મહિના પછી મેં વૃંદાને આટલા જોશમાં ખુશખુશાલ થઈને વાત કરતાં સાંભળી. આઈ કાન્ટ બીલીવ કે, એ વૃંદા જ છે. તેની વાત પરથી હું અંદાજ લગાવી શકું છે કે, એ તમારાથી કેટલી નજીક છે. અને રહી વાત તેના ટ્રીટમેન્ટ હિસ્ટ્રીની, એ તો શશાંક સંઘવીને પણ જાણ નથી.. આઈ મીન જાણ નથી કરવાની.’
આટલી વાતમાં દેવલને વૃંદાની બીમારીની ગંભીરતાનો આંશિક ખ્યાલ આવી જતાં તેને સ્હેજ આછી ધ્રુજારીનો અનુભવ થયો.
‘એટલે, કોઈ અસાધ્ય બીમારી છે, કે પછી અનપ્રીડીકટેબલ સિચ્યુએશન ? ’
અસંખ્ય ધારણાનું અનુમાન લગાવતાં દેવલે અચકાતાં પૂછ્યું.
બે ઘડી ચુપ રહ્યાં પછી ડોકટર તેની ચેર પરથી ઊભા થતાં બોલ્યાં..
‘તમે મિલિન્દના કિસ્સાથી અવગત છો ?
તેના હાવભાવ હદની બહાર જતાં રહે એ પહેલાં દેવલે સતર્કતા સાથે સાવધ થઇ સ્વસ્થતાથી ઉત્તર આપ્યો..
‘જી..હા, સંપૂર્ણ રીતે.’
‘મેં શશાંક પાસેથી તે નામ સાંભળ્યું હતું, એક જ વાર. અને માત્ર એટલું જ કે,નામ મિલિન્દ છે, અને વસઇમાં કયાંય રહે છે. જેણે વૃંદા સર્વસ્વ માની બેઠી હતી અને મિલિન્દના લગ્નની જાણ થયાંના ત્રીજા દિવસે વૃંદા આઊટ ઓફ લીમીટ ડીપ્રેશનનો શિકાર બનતા તેને માઈલ્ડ હાર્ટ એટકે આવ્યો હતો, સમયસરની સમયચુકતા અને ટ્રીટમેન્ટથી જીવલેણઘાત તો ટળી ગઈ, પણ એ આઘાત કાયમ માટે વૃંદાના પંડમાં ઘર કરી ગયો.’
પાંચ સાત ક્ષણો માટે આંખો મીંચી, દેવલ મનોમન સમસમી ઉઠી.
‘એ પછી મારી દીકરીની જેમ વૃંદાની સારવાર કરવામાં મેં કશું જ બાકી નથી રાખ્યું પણ..’ આગળ બોલતાં ડોકટર પવન બંસલ અટકી ગયાં.
‘પ્લીઝ, કહી દો સર, સત્ય સાંભળી, જાતને સંભાળવાની હિંમત મારામાં છે.’
મન મક્કમ અને કાળજું કઠણ કરતાં દેવલ બોલી.
‘વૃંદાને કોઈ જ બીમારી નથી પણ, બસ તેની જીવવાની જીજીવિષા ખૂટી ગઈ છે. તેને જીવવું જ નથી એવું મનોમન નક્કી કરી લીધું છે. મૃત્યુ વિશે એ હદ સુધીની મજાક કરે કે, જાણે મોતને હથેળીમાં લઈને ફરતી હોય. હાર્ટ એટેક બાદ ભાનમાં આવ્યાં પછી મેં જયારે ગંભીરતાથી બનાવની વાત કરી તો, મારી વાત અધ્ધવચ્ચેથી કાપતાં બોલી,
‘ડોકટર અંકલ .. શૂન્ય પાલનપૂરીની એક ગઝલ સંભળાવું.... ?
એ પછી તેણે હસતાં હસતાં ગઝલ સંભળાવી અને અમને રડાવ્યા.
‘તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને
બહુ સારી પેઠે દવા ઓળખે છે.’
હવે દેવલને લાગ્યું કે, તે માંડ માંડ ચેર પરથી ઊભી થઇ શકશે.
‘વૃંદાની સદંતર મનાઈ છતાં જે વાતની જાણ મેં શશાંકને નથી કરી એ તમને શા માટે કરી એ કહું ? કેમ કે, થોડીવાર પહેલાં જયારે વૃંદા સાથે મારી વાત થઇ ત્યારે તેની વાતચીત, ટોન અને થોટમાં જે અકલ્પનીય બદલાવની નોંધ લેતાં મેં પૂછ્યું કે, ‘આ ચમત્કાર કોણે કર્યો ?’ તો હસતાં હસતાં મને કહ્યું કે,
‘એ ચમત્કાર જ તમને મળવા આવે છે, નામ છે માનસી દોશી. એટલે હવે તમને હું ત્રીજી વાર પૂછું છું, કે આપ કોણ છો. ? એ એટલાં માટે કે, ચાર મહિનામાં જે કામ મેડીકલ સાયન્સની લેટેસ્ટ ટેકનોલોજી યા મેડીસીન્સ ન કરી કરી શકી, એ કામ તમે માત્ર ચાર દિવસમાં કરી બતાવ્યું, એવી તે કઈ જડ્ડીબુટ્ટી પીવડાવી, મને તો કહો. ?
મનોમન હસતાં ભીની આંખોની કોરે, દેવલ બોલી.
‘એ તો હું પણ નથી જાણતી, અને મેં કશું કર્યું પણ નથી સર, બસ નિયતીએ નિર્ધારિત કરેલી અમારી આકસ્મિક મુલાકાત નિમિત બની ગઈ. પણ સર, વૃંદાના આ ઈમ્પ્રુવમેન્ટને બૂસ્ટ કરવા માટે આપણે શું કરી શકીએ ?
ફરી તેની ચેરમાં બેસતાં ડોક્ટર બોલ્યાં,
‘શું નથી કરવાનું એ પૂછો .’
‘મતલબ ? હું કંઇક સમજી નહીં, સર.’ દેવલ બોલી.
‘અતિ સુખદ, અથવા તો અતિ દુઃખદ આઘાત અણધારી રીતે વૃંદાના આયુષ્યના અંત જવાબદાર બની શકે છે. તેનું હાર્ટ હવે કોઈ અકલ્પનીય આંચકો સહન કરવાં માટે સક્ષમ નથી. છેલ્લાં ચાર મહિના તેણે જે રીતે આ રોગની ગંભીરતાને હસવામાં અવગણી છે, તે જોતાં તેના હ્રદય માટે કોઈપણ પ્રકારનું સ્ટ્રેસ પ્રાણઘાતક નીવડે શકે છે.’
‘સર, શક્ય હોય તો આપનો પર્સનલ નંબર મને આપી શકશો ?’
‘જી, જરૂર.’ એમ કહી ડોકટરે વોલેટમાંથી તેનું કાર્ડ દેવલના હાથમાં આપ્યું.
ઊભા થતાં દેવલ બોલી,
‘આપની ફીસ ?
એટલે હસતાં હસતાં ડોક્ટર બોલ્યાં,
‘એ વૃંદાએ ઓલરેડી પેઈડ કરી દીધી છે.’
મનોમન દેવલ બોલી.. ‘ઓહ.. માય ગોડ’
‘થેંક યુ સો મચ સર, તમારો અનમોલ સમય આપવાં માટે. અને વૃંદા કશું પૂછે તો..
કંઈપણ બહાનું બતાવી દેજો.’
એટલે રમુજ કરતાં ડો, બોલ્યાં.. ‘કોણ વૃંદા ?’
એ પછી બંને હસ્યાં અને દેવલ ચેમ્બરની બહાર આવી અને ઘર તરફ રવાના થઈ.
ડીનર ટાઈમ પહેલાં દેવલ ઘરે આવી જતાં મિલિન્દે પૂછ્યું
‘ચલ, દેવલ આજે ડીનર માટે ક્યાંક બહાર જઈશું ?
‘આજ માટે સોરી, મિલિન્દ, કેમ કે, ખુબ થાકી છું, અને થોડું હેડેક પણ છે, તો આવતીકાલે જઈશું તો ચાલશે ? બેઠકરૂમના સોફા પર બેસતાં દેવલ બોલી
‘ચાલશે નહીં દોડશે, અચ્છા તું ફ્રેશ થઇ જા પછી નિરાંતે તારા ખુફિયા મિશનની મહાભારત સાંભળીએ.’ મિલિન્દ એવું બોલતાં બન્ને હસતાં હસતાં બેડરૂમ તરફ ગયાં.
આશરે દસ વાગ્યાં બાદ, મિલિન્દ અને દેવલ બન્ને આવીને બેઠાં, ગાર્ડનમાં ગોઠવેલાં ઝૂલા પર.
‘હવે તારું સરદર્દ કેમ છે ? ‘ મિલિન્દે પૂછ્યું
‘શાવર લીધા પછી ઘણું રીલેક્સ ફીલ થાય છે.’
પગની પાની હડસેલીને ઝૂલાને ગતિ આપતાં દેવલ બોલી.
‘ગૂડ, બોલ કેવું રહ્યું ખુફિયા મિશન ? મિલિન્દે પૂછ્યું.
‘યુ નો વેરી વેલ મિલિન્દ કે, મારું એક જ મિશન છે, તમને બેદાગ કરવાનું. યોગ્ય સમયે તમારા અને વૃંદા વચ્ચે કોમ્યુનીકેશન ગેપની મડાગાંઠને કારણે જે મહોબ્બત, મહાભારતમાં તબદીલ થઇ ગઈ છે, તેના માટે કોઈ સંતોષજનક મધ્યમ માર્ગની શોધમાં છું. પરીસ્થિત એટલી નાજુક છે કે, તલવારની ધાર પર નહીં પણ, સોયની ધાર પર ચાલવાનું છે.’ સ્હેજ ગમગીન સ્વરમાં દેવલ બોલી
એ પછી દેવલે ડોકટર પવન બંસલનું કઈ રીતે પગેરું મેળવ્યું, અને આજે તેમની જોડે શું, શું વાત થઇ એ બધું જ અસ્ખ્સ્લિત વાણીમાં મિલિન્દને કહી સંભળાવ્યુ એ પછી, ઠંડા પવનની આવતી લહેરખીઓ વચ્ચે પણ મિલિન્દના કપાળ પર પ્રસ્વેદબિંદુ પાળ વાળી બેઠાં હતાં. ત્યાં સુધીમાં ઝૂલો પણ તેની મધ્યમ ગતિ પકડી ચુક્યો હતો.
મિલિન્દની મસ્ત મસ્તીના મૂડનો પારો સડસડાટ નીચે ઉતરીને તળમાં સરી ગયો. ફરી એ જ ભુલભુલામણી જેવી ઘટનાના ઘટમાળમાં દાખલ થતાં, મિલિન્દના લગ્ન પહેલાં, શું થવાનું હતું, પછી શું થઇ ગયું, હાલ શું થઇ રહ્યું છે, અને હવે શું ન થવાનું થશે ? એવા છેલ્લાં ચાર મહિનાથી ઉર્ધ્વગતિમાં ફરતાં ઘટનાચક્રએ મિલિન્દને વિચારવંટોળના ભરડામાં લઇ અમર્યાદિત ગતિમાં ફેરવીને કયાંક દૂર ફેંકી દીધો હોય એવો ભાસ થતાં અચનાક દેવલનો હાથ પકડીને સ્હેજ ઊંચા અવાજે બોલ્યો..
‘સ્ટોપ...સ્ટોપ... પ્લીઝ..સ્ટોપ.’
અચાનક મિલિન્દના આવા બિહેવિયરથી ગભરાતાં દેવલ બોલી..
‘શું થયું મિલિન્દ ?
‘પ્લીઝ, દેવલ ઝૂલો સ્ટોપ કર પ્લીઝ... મને ચક્કર આવે છે.’
દેવલે ઝૂલાની ગતિ અવરોધી, આંખો મીંચી ઝૂલાનો ટેકો લઈને પડી રહેલાં મિલિન્દની છાતી પર હળવેકથી તેની હથેળી ઘસતાં દેવલ બોલી..
‘મિલિન્દ... આર યુ ઓ.કે. ? ચલો,મિલિન્દ આપણે બેડરૂમમાં જતાં રહીએ.’
‘એક મિનીટ.’ મિલિન્દ બોલ્યો.
‘શું વિચારો છો, મિલિન્દ ? દેવલે પૂછ્યું
થોડીવાર ચુપ રહ્યાં બાદ મિલિન્દ બોલ્યો..
‘ફક્ત ભૂતકાળનો આછેરો ચિતાર સાંભળીને, મને આંખે અંધારા આવી ગયાં, તો એ વિચારું છું કે, વૃંદા પર શું શું નહીં વીત્યું હોય ? મને લાગ્યું કે, સમય જતાં વાત વળી જશે પણ, આ તો વાતનું વતેસર થતાં વાત વણસીને વકરી ગઈ. અને ઉપરથી ડોક્ટરનું વૃંદાના મેન્ટલી અને ફિઝીકલી ભવિષ્ય માટેના ઉચાટભર્યા લટકતી તલવાર જેવા અધ્ધરતાલ નિવેદનથી દિમાગ દિશાહીન થઇ, બેલગામ અશ્વની માફક ચોતરફ દોટ લગાવી રહ્યું છે.’
એ પછી બન્ને ધીમેધીમે ચાલતાં ઘરમાં દાખલ થઇ, બેડરૂમમાં પ્રવેશ્યાં.
દેવલને લાગ્યું કે, હવે આ પરિસ્થિતિમાં મિલિન્દને વધુ મેન્ટલી સ્ટ્રેસ આપવું યોગ્ય નથી. એટલે લાઈટની સ્વિચ ઓફ કરી, ચુપચાપ બેડ પર સૂતેલાં મિલિન્દની પડખે, છાનું રુદન કરતી બેસી રહી.
દેવલ, ચિત્રા, કેશવ. મિલિન્દ અને ડોકટર પવન બંસલ દરેક અલગ અલગ સ્થાને હોવાં છતાં સૌના મંથનનો વિષય એક જ હતો, વૃંદા. પૂર્વજન્મના ઋણાનુબંધ જેવો પૂર્વાપર સંબંધ એવરેસ્ટ જેવડા અલ્પવિરામ અને કોયડા જેવા ક્વેશ્ચન માર્કની ભીંસના કારણે ધીમેધીમે રૂંધાઇ અને ભીંસાઈ રહ્યો હતો.
સૂર્યોદય પહેલાં તૈયાર થઈ, કળશ લઇ સૂર્યનારાયણ સામે આંખો મીંચી, મનોમન સ્તુતિ ગણગણતાં જળ અર્ધ્ય કર્યા પછી તુલસી ક્યારામાં પાણી રેડી વંદન કરી, બેઠકરૂમમાં આવી ત્યાં દેવલનો મોબાઈલ રણક્યો...
સ્ક્રીન પર નામ વાંચતા આંખેથી હરખના અશ્રું ટપકવા લાગ્યા. દેવલ આખી રાત જેની કાગડોળે પ્રતિક્ષારત હતી એ, જગનનો કોલ હતો.
‘ઓ.... પપ્પા કેમ છો.....ક્યાં છો તમે ? કેટલાં વાગે આવશો તમે ?
‘હું સારો છું અને.. તારી સામે છું. આમ જો જશવંતલાલના બંગલાની બારી તરફ જો.’
હરખઘેલી દેવલે દોડતા બાલ્કનીમાં આવીને જોયું તો.. સામે બારી પર જગન એક હાથમાં ચાનો કપ અને બીજો હાથ દેવલ તરફ ઊંચો કરી હલાવતાં ગળગળો થઇ ગયો. ચા ના કપની ઉષ્મા કરતાં દીકરીના વ્હાલની ઉષ્માથી જગન ભાવવિભોર થતાં બોલ્યો..
‘આ જશવંતએ તારી પસંદના બ્રેકફાસ્ટનો ઓર્ડર આપ્યો છે, ઝટ આવ, પછી સૌ સાથે નાસ્તો કરીએ.’ જગન બોલ્યો..
પિતાની પારાવાર લાગણીથી તરબતર થયેલી દેવલ ટચલી આંગળીએથી આનંદના અશ્રુને ટેકવતા બોલી..
‘હું તો તમને જોઇને જ તૃપ્ત થઇ ગઈ પપ્પા. અચ્છા કલાકમાં ઘરનું કામ નિપટાવીને આવું છું.’
એમ કહી દેવલે કોલ કટ કર્યો..
‘અલ્યા, જગન, તું તો ઓલા મૌસમ વગરના માવઠાની જેમ ટપક્યો, પણ તને જોઇને ટેસડો પડી ગયો.. શેર લોહી ચડી જાય તને જોઇને હો.’
જગન બેઠકરૂમમાં આવતાં જશવંતલાલ બોલ્યાં.
‘ગઈકાલે, દેવલનો કોલ આવ્યો કે, પપ્પા તમને જોવા છે, તો મેં કહ્યું આવતીકાલે મળીએ પણ, જશવંતને ના કહીશ, કેમ કે, વ્હાલના વારસદારને સુખદ આશ્ચર્ય સાથે મળવાની મજા જ કૈક જૂદી જ હોય.’
ચાનો ખાલી કપ ટીપોઈ પર મૂકી સોફા પર બેસતાં જગન બોલ્યો.
ફ્રેશ થયાં પહેલાં બાલ્કનીમાં કોફીની ચૂસકી સાથે ન્યુઝ પેપર પર નજર ફેરવતાં મિલિન્દ નજીક આવી ચહેરા પર અનેરા ઉમળકા અને સ્મિત સાથે દેવલ બોલી..
‘પપ્પા આવ્યાં છે, જશવંત અંકલને ત્યાં છે, હું તેમને મળીને હમણાં થોડીવારમાં આવું છું.’
‘ઓહ્હ... હવે સમજાયું.. કે આ આજે કોફી આટલી સ્વીટ કેમ લાગી રહી છે, અને સવાર સવારમાં તારો ચહેરો પૂનમના ચાંદની માફક સોળે કળાએ કેમ ખીલી ઉઠ્યો છે.. હમમમ.’
‘અરે.. શું, મિલિન્દ, કુછ ભી ? શરમાતાં દેવલ બોલી
‘ક્યારે આવ્યાં, પપ્પા, ? સમચારપત્ર એક તરફ મૂકતાં મિલિન્દે પૂછ્યું
‘આજે વ્હેલી સવારે.’ દેવલ બોલી
‘કેમ અચાનક ? કોઈ જરૂરી કામથી આવ્યાં છે ? રૂમમાં આવતાં મિલિન્દ બોલ્યો.
‘આવ્યાં નથી, મેં બોલાવ્યાં છે, એક ખાસ કામથી. એ પછી આવીને હું તમને ડીટેઇલમાં વાત કરું.’
‘અચ્છા, ઠીક છે, તું જઈ આવ. પછી ફ્રેશ થઈને તેમને કોલ કરું છું.’ મિલિન્દ બોલ્યો.
‘અચ્છા...’ એમ બોલતાં દેવલ રવાના થઇ જશવંત અંકલના બંગલા તરફ.
ઉમંગ સાથે ઉતાવળે પગલે ચાલતાં જશવંતલાલના બંગલામાં દાખલ થઇ, ઉમળકા સાથે દેવલને બેઠકરૂમમાં એન્ટર થતાં જોઈ જગન સોફા પરથી ઊભા થઇ.. દેવલ તરફ જતાં દેવલ અંત: પ્રસન્નતાના અશ્રું સાથે જગનની વળગી પડી.
‘મારી સઘળી આસ્થાનો અખંડ દીવડો એટલે, દેવલ.’
આંખે આવેલાં ઝળઝળિયાં સાથે જગન બોલ્યો.
‘આવ આવ દીકરા, બેસ, શું કરે વાસંતીબેનનો વ્હાલો અને કનકરાયનો કહ્યાગરો દીકરો.’ રમુજ કરતાં જશવંતલાલ બોલ્યાં.
‘એ ફ્રેશ થઈને હમણાં કરશે કોલ.’ શરમાતાં દેવલ બોલી.
ક્યાંય સુધી દેવલ અને જગન ચુપચાપ એકબીજાની સામું જોઈ.. બાપ-દીકરીના વ્હાલનું વિનિમય કરતાં રહ્યાં.
‘અચ્છા, જશવંત તમે બન્ને વાતો કરો, મારે વિઝાની પેપર પ્રોસીઝર માટે એક ટ્રાવેલ એજેન્ટને મળવા જવાનું છે, તેણે સાડા નવ વાગ્યાનો સમય આપ્યો છે, તો હું, ઝટ તૈયાર થઈને નીકળું. અને હા, જગન દેવલને નાસ્તો કર્યા વગર જવા ન દઈશ. પછી આવીને.. પેલા કનિયાની થોડી ફિલમ ઉતારીએ, ઘણા દિવસથી એ મારા હાથમાં નથી આવ્યો.’
હસતાં હસતાં જશવંતલાલ સીડી ચડતા ઉપલા માળે ગયા.
ત્યાં સર્વન્ટ બન્નેને ચા સર્વ કરીને ગયો.
દેવલના માથા પર હાથ ફેરવી જગન બોલ્યો...
‘ખુશ છે, મારી દીકરી ?
‘એટલી ખુશ કે તેના વિસ્તાર અને અર્થ માટે વિશ્વની કોઈપણ ભાષાનો શબ્દકોશ ટૂંકો પડે. આ ‘માધવાણી વિલા’ ની દીવાલો વચ્ચે મારું સમગ્ર સંસારનું સુખ સચવાયેલું છે. કોઈપણ સ્ત્રીનું સાચું ઘરેણું હોય તેના શમણાંનું ઘર. અને એ શમણાંનું ઘર છે, અમારું ‘માધવાણી વિલા,’
આનંદિત દેવલનો ઉત્તર સાંભળી ગદ્દ્ગદિત થયેલો જગન બોલ્યો..
‘અચ્છા, હવે બોલ શું કામ પડ્યું દીકરા ?
ચહેરા પર આંચકા અને અચંબાના ભાવ સાથે દેવલ જગનને જોઈ રહી. આંખો થોડી નમ થઇ ગઈ. પછી ધીમેકથી દેવલ બોલી..
‘એવું તમને કઈ વાત પરથી લાગ્યું પપ્પા કે, મને તમારી જરૂર છે ?’
ચા નો કપ ઉઠવાતા જગન બોલ્યો..
‘કેમ કે, તું મારા જેવી નહીં તારી મા કેસર જેવી. હું ઝાઝું ભણ્યો નથી પણ મને કેસરની આંખો વાંચતા આવડતી હતી. અને દીકરીના મૌનની ભાષાનો અનુવાદ એક બાપ જ સારી રીતે કરી શકે.’
ત્યાં.. જશવંતલાલ ઘરની બહાર નીકળતાં બોલ્યાં...
‘અલ્યા, ભાઈ હું આવ્યો કલાકમાં. તમે બંને વાતો કરો આરામથી.’
બે મિનીટ ચુપ રહ્યાં પછી દેવલ બોલી...
‘મારા સંસારમાં સદાય પૂર્ણરૂપે ખીલેલાં પૂનમના ચાંદની શીતળતા કરતાં સવાયું સુખ છે પપ્પા, પણ.. વિધાતાએ સો ટચના સોના જેવા સંસાર પર ચાંદના દાગની માફક લોઢાની મેખ મારીને સ્હેજ માટે સપૂર્ણ સુખથી અળગા રાખી દીધાં.’
એક સેકંડ માટે જગનનું હૈયું ધબકારો ચુકી ગયું.. સ્હેજ ફાળ પડી. એટલે ગભરાઈને જગને પૂછ્યું...
‘ઓહ્હ.. એવું તે શું થઇ ગયું દીકરા ? તારાથી કોઈ ભૂલ થઇ ગઈ છે ?
‘ના,, ના પપ્પા કોઈની કશી ભૂલ નથી. ભૂલ ભગવાનની છે. ઈશ્વરે પુર્વાયોજીત રમતના પાસા ફેક્યાં અને અજાણતામાં સૌ તેનો ભોગ બની બેઠાં, નિયતિની નરી નિષ્ઠુરતા સામે આપણે નિરાધાર અને લાચાર છીએ પપ્પા.’
‘જે કંઈ હોય તે કહી દે, બેટા, મને મારા કર્મો પર ભારોભાર શ્રદ્ધા છે, હજારહાથ વાળો મને નારાજ નહીં કરે. બોલ.’ આત્મવિશ્વાસથી જગન બોલ્યો..
ગહન શ્વાસ ભર્યા પછી દેવલે..વિસ્તારથી વૃંદાની વીતકકથા પૂરી કરી ત્યાં સૂધીમાં દેવલ અને જગન બન્નેની અશ્રુધારા ફૂટી નીકળી હતી.
થોડીવાર ચુપ રહ્યાં બાદ જગન બોલ્યો..
‘દીકરા.. મિલિન્દ તરફથી તને કોઈ...’
હજુ જગન તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં દેવલ બોલી..
‘ના.. પપ્પા ક્યારેય નહીં.. મિલિન્દનું ચિત્ત અને ચરિત્ર તો ગંગાજળની માફક પારદર્શક અને પાવન છે. માત્ર જ મિલિન્દ નહીં પણ પરિવારના સૌ સદસ્ય મને હથેળીમાં રાખે છે. કોઈના માટે રજ માત્રનો રંજ નથી, પણ... આ વૃંદાને અજાણતામાં થયેલા અન્યાયના પ્રયાસ્ચિતનો કોઈ માર્ગ નથી મળતો. પપ્પા વૃંદાના સિસકારા અને ડૂસકાંએ મારું સુખ અને સંતોષ છીનવી લીધું છે.’
થોડીવારના ગહનમંથન પછી અચાનક જગનને કંઇક યાદ આવતાં પૂછ્યું..
‘ક્યા રહે છે વૃંદા ?
‘મલાડમાં.’ દેવલ બોલી,
‘કોણ કોણ છે, તેના પરિવારમાં ? જગને પૂછ્યું
‘તેના મમ્મી અને પપ્પા.’ દેવલ બોલી
‘શું નામ છે તેના પપ્પાનું ? ફરી જગને પૂછ્યું
‘શશાંક સંઘવી.’ દેવલે ઉત્તર આપ્યો
‘આ શશાંક સંઘવી એડવોકેટ છે ?’ અધીરાઈથી જગને પૂછ્યું..
તાજુબ સાથે દેવલે પૂછ્યું..
’તમે ઓળખો છો, તેમને ?
‘અને.. તેમના પિતાનું નામ જુગલદાસ છે, જે ન્યાયાધીશ છે ? ઉખડતાં શ્વાસ સાથે જગને પૂછ્યું.
એક ક્ષણના સ્મરણ પછી ચોંકી ઉઠતાં દેવલે બોલી...
‘હા... હા.. પપ્પા હા, શશાંક જુગલદાસ સંઘવી. પણ આ બધું તમે કઈ રીતે જાણો છો.. બોલો પપ્પા.’ એકદમ સ્તબ્ધ થઇ દેવલે પૂછ્યું.
અચનાક સોફા પરથી ઊભા થઇ વિન્ડો નજીક આવી દેવલ તરફ પીઠ રાખી જગન બારી બહાર જોવા લાગ્યો..
અભૂતપૂર્વ અજાયબી સાથે જગન નજીક આવી ઉત્કંઠાથી દેવલે પૂછ્યું..
‘શું થયું પપ્પા.. તમે કેમ ચુપ થઇ ગયાં ?
ધમણની માફક ધબકતાં છાતીના ધબકારાને છુપાવી અને છાનાં રાખી અશ્રુભીનાં ચક્ષુ સાથે જગન બોલ્યો...
‘કંઈ નહીં.. મેં નહતું કહ્યું કે, મને મારો કરેલા કર્મો પર અઢળક આસ્થા છે. દીકરા કયારેક ભૂલથી સ્વપ્નમાં કોઈના અહિતના વિચાર માત્રથી હું ઈશ્વર સામે ખરા દિલથી પાસે માફી માંગી લઉં છું.’
‘હું શશાંક સંઘવીને ઓળખતો તો નથી પણ, કોઈ ઓલ્ડ ઈઝ ગોલ્ડ, જુના પુરાણા ઋણાનુબંધ જેવા અનુસંધાનનું સ્મરણ થતાં શુષ્ક થયેલી યાદો ફરી તાજી થઇ ગઈ. એક અરસા પહેલાં એક વાર આ નામ સાંભળેલું. આજે વર્ષો બાદ ફરી કોઈ કોયડાની ખૂટતી કડીની માફક જડીને, તેનું જોડાણ થશે એ નહોતી ખબર.’
‘ઋણાનુબંધ ? કોયડાની ખૂટતી કડી ? મતલબ હું કંઈ સમજી નહીં, પપ્પા.’
ચિત્ર વિચિત્ર અસમંજસ અને આતુરતાથી દેવલે પૂછ્યું
આવનારા અનેક રહસ્ય અને સંતાપના પરિતાપથી ઘેરાયેલા અને ઘૂંટાતા શ્વાસ સાથે જગન, દેવલ સામું જોઇને બોલ્યો..
‘દીકરા, હાલ તો નબળા ચિત્ત અને ધૂંધળા ચિત્રનું અનુમાન કરી, કોઈ સચોટ આગાહી ન કરી શકું પણ, જો...’ બોલતાં જગન અટકી ગયો.
એટલે અધ્ધર શ્વાસે દેવલે પૂછ્યું.. ‘પણ, જો શું પપ્પા ?’
‘જો બાવન ગજની ધજાનો ધણી, દ્વારિકાનો નાથ રાજી થાય તો સમજી લે, ચાર મહિનાનો ખેલ ચોવીસ કલાકમાં ખતમ થઇ જશે.’
એટલું બોલતાં જગનનું ગળું ભરાઈ આવ્યું.
-વધુ આવતાં અંકે.