સરવાળાની બાદબાકી Parth Kapadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરવાળાની બાદબાકી

સરવાળાની બાદબાકી

નમસ્કાર ! આજે હું એક પત્ર લખીશ. હા! અને આ પત્ર એવા દરેક વ્યક્તિને સમર્પિત કરું છુ કે જેઓએ આ કોરોના મહામારીમાં અને બીજી રીતે પણ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તો હું તમારા તરફથી તમારા સ્વર્ગીય સ્વજન માટે થોડાક શબ્દો લખીશ. (વાંચતી વેળા એ એમ જ સમજજો કે તમે તમારા સ્વજન માટે પોતે જ પત્ર લખી રહ્યા છો)

"પુત્રનો પિતા માટે પત્ર"

પરમ પૂજ્ય પિતાજી,

નમસ્કાર ! આ પત્ર તો લખી રહ્યો છું પરંતુ કયા સરનામે મોકલું એ અવઢવમાં છું કારણ કે આજે તમે અમારી સાથે નથી, બહુ જ દૂર ચાલી ગયા છો. સાચુ કહું તો આજે શબ્દો નથી મળી રહ્યા કે તમને હું શું કહું ! બહુ જ વાતો કહેવી છે પપ્પા, પરંતુ હૃદયની ઊર્મિઓની દોડમાં હું આજે ખોવાઈ ગયો છું. અને તમે પોતે હાજર પણ નથી કે મારા ખભા પર હાથ મૂકીને મારી તકલીફો દૂર કરી દેશો.

હું પ્રયત્ન કરીશ કે કંઈક તો કહું જ ! આ મહામારીમાં તમારા ચાલ્યા જવાથી આપણા કુટુંબમાં સરવાળાની બાદબાકી થઈ છે, સરવાળાનું કામ તો ઉમેરવાનું હોય ને ? અમારા જીવનના દરેક સુખનો સરવાળો કરનાર આજે કેમ અમારી સાથે નથી ! સરવાળાની જ બાદબાકી. હજીપણ માનવામાં નથી આવતું કે...........

તમને ખબર છે મમ્મી અને બહેનની રડી રડીને કેવી હાલત થઈ ગઈ છે. મમ્મી તો રડે પાછી અચાનક શાંત થઈ જાય અને થોડીવારમાં ફરી રડી પડે છે, એ તો જરાય માનવા તૈયાર નથી કે તમે હવે નથી રહ્યા. પપ્પા! એકવાર ખાલી પાછા આવોને તમને ગળે મળવું છે બસ એક જ વાર ફક્ત ૨ મિનિટ માટે. મમ્મી માટે હું હંમેશા લાગણી દર્શાવી શક્યો પરંતુ તમારી સામે દિલ ખોલીને લાગણીને તરતી ના મૂકી શક્યો! એ માટે મને માફ કરજો પરંતુ સાચુ કહું તો મને એ પ્રશ્નનો જવાબ જ ના મળ્યો કે તમારી સામે પ્રેમ કેવી રીતે વ્યક્ત કરું પરંતુ હાલ જયારે તમે નથી ત્યારે એમ છે કે તમે મળો તો લાગણીના દરિયામાં તમને નવડાવી દઉં. પપ્પા બહુ જ યાદ આવે છે તમારી, "તમે તો પપ્પા છો" પાછા આવોને બહુ જ એકલવાયું અનુભવી રહ્યો છું.

૭ દિવસ પહેલા તમે છોડીને ચાલ્યા ગયા, અમે બધા જ જાણીએ છીએ કે તમે પોતાના જીવ માટે કેટલો સંઘર્ષ કર્યો હતો. તમારી આજુબાજુની બેડ પરના દર્દીઓનું મૃત્યુ તમે સગી આંખે જોયુ હતુ તોપણ તમે હિમ્મત દાખવીને ખુબ પ્રયત્ન કર્યો પરંતુ કુદરત! કુદરતે તમને એમની પાસે બોલાવી દીધા, હું કુદરતનો વિરોધ કરીને તમને પાછા નહીં લાવી શકું પપ્પા.

પપ્પા તમે મને જોઈ શકો છો ખરી, આ પત્ર લખું છું ત્યારે તમે આજુબાજુમાં હાજર છો ? ફક્ત એકવાર મળી શકો તો મળવાનો પ્રયત્ન કરોને. આજે લાગણીઓનું ઘોડાપુર વહી જ રહ્યું છે એ ક્યાં જઈને શાંત થશે એનો અંદાજો મને જરાય પણ નથી પપ્પા. બધું અલગ અલગ જ પ્રતીત થાય છે પહેલા જે સવાર, બપોર, સાંજ અને રાત્રી હતી હવે એ એકપણ રીતે પહેલા જેવી રહી નથી, તમે ગયા અને બધું જ બદલાઈ ગયું. ના ચાલે ! આવું ના ચાલે પપ્પા. નાની બહેન એમ કહે છે કે હું તો કેટલી નાની છું તોપણ પપ્પા કેમ જતા રહ્યા ? તમે મને એમ કહો શું જવાબ આપુ આપણી નાનકી ને ? એ એમ કહે છે કે "પપ્પાએ સમય જ કેટલો વિતાવ્યો છે મારી સાથે" આ એના શબ્દોનો પ્રત્યુત્તર મારી પાસે નથી. મમ્મીની આંખો હજી પણ સુકાણી નથી, એ દ્રશ્ય મારાથી જોવાતું નથી. અમુકવાર એમ વિચારું છુ કે રડી લેશે તો હૃદય હળવું થઈ જશે પરંતુ મમ્મી પોતે જ જાણતી હશે કે શું ખોટ પડી છે એમને.

સાલું આ કેવું! જ્યાં સુધી આપણા પર ના વીતે ત્યાં સુધી લાગણીનો અનુભવ સાચા અર્થમાં આપણે કરી જ નથી શકતા, એટલે જ હું એ વાત હવે બહુ જ સારી રીતે સમજ્યો કે તમે જો કોઈના ચેહરા પર ખુશી ના લાવી શકો તો તમારું જીવન વ્યર્થ છે એટલા માટે જ મેં તમને અત્યારસુધી નિસ્વાર્થભાવે સેવા કરતા જોયા છે અને એના પછી તમારા મોં પર આવતી સ્માઈલ. તમે તો હંમેશા તમારી ફરજ બજાવી જ છે પરંતુ મેં ઘણીવાર તમારી સાથે ખરાબ રીતે વ્યવહાર કર્યો એ બદલ મને માફ કરજો, જયારે પણ મમ્મી સાથે તમારો ઝઘડો થતો ત્યારે એ ઝઘડો કેવી રીતે શાંત કરી શકું એ બાબતના હંમેશાથી પ્રયત્નો હતા જ તોપણ અંતે તો હું મમ્મીનો પક્ષ લઈને તમારી સાથે બહુ જ ખરાબ રીતે વ્યવહાર કરતો અને તમે ફક્ત મારી સામે જોઈ રહેતા અને કશુંય બોલ્યા વગર થોડીવાર બહાર જતા રહેતા. મમ્મીનો પક્ષ લીધો એનો તો તમને પણ વાંધો નહોતો પરંતુ, વાંધો એ જ વાતનો આજે મને લાગી રહ્યો છે કે એ આંખોને હું સમજી જ ના શક્યો કે એ આંખો એમ કહેતી હતી કે મારો દીકરો જ મારી સામે બોલી રહ્યો છે. એ અસહ્ય વેદનાને તમારો દીકરો ના સમજી શક્યો ! આજે આ બધી જ વાત મને સારી રીતે સમજ પડી રહી છે.

એ વખતે પણ તમારી લાગણી હું સમજતો હોવા છતાંય નહોતો સમજતો એમ કહીએ એમાં કંઈ અલગ વાત નથી પપ્પા, જયારે સામે બોલવાનું આવ્યું ત્યારે મેં કંઈ જ બાકી ના રાખ્યું પરંતુ લાડ અને પ્રેમાળ લાગણીને તમારી સામે ના બરાબર રજુ કરી હોય એમ આજે પ્રતીત થાય છે. આ બધામાં હું તો કહીશ કે દુનિયાના દરેક પિતાની જ ભૂલ કહેવાય, અરે દરેક પિતાની અંદર એક અલગ જ પ્રકારની લાગણી છુપાવવાની શક્તિ હોય છે અને અધૂરામાં પૂરું મેં જે ભૂલ કરી એવી મોટાભાગના પુત્રો ભૂલ કરે છે કે પોતાના પિતાને પણ એક લાગણીની અને હૂંફની જરૂર છે એ સમજવાની અથવા સમજતા હોય તો પ્રેમાળ લાગણી દર્શાવવાની દરેક પુત્રની ફરજ છે એ સમજવામાં મોડુ કરી દે છે. પપ્પા આ બધી વાતો હું એટલા માટે લખુ છુ કે કારણ કે મારા દિલનો થોડો ભાર ઓછો થાય આજે આ વાતો પત્ર મારફતે નહીં કરું તો મારી પણ લાગણી હૃદયમાં ધરબાયેલી જ રહેશે.

અમારી જવાબદારીઓનો ભાર તમે બહુ જ સારી રીતે નિભાવ્યો છે પપ્પા. તમારું આખું જીવન મારા માટે પ્રેરણારૂપ છે તમે હંમેશા મારી સાથે પ્રેમાળ મસ્તી જ કરી છે. તમે જયારે હોસ્પિટલમાં હતાને ત્યારે એ સમયગાળામાં બાજુમાં રહેતો સાહિલ જે મારાથી ઘણો નાનો છે પરંતુ મારી સામે બોલ્યો ને ત્યારે મને બહુ જ ખોટું લાગ્યું. એ વખતે મેં મનમાં વિચાર્યું કે આ જો ને બચ્ચાં પાર્ટી છે ને મારી સામે બોલે છે પરંતુ એ વખતે સાથે સાથે મને એમ સમજાયું કે સાહિલના બોલવાથી મને આટલું ખોટું લાગ્યું તો હું તમારો દીકરો થઈને તમારી સામે બોલતો હતો ત્યારે તમને કેવું લાગતું હશે ? ખરેખર પપ્પા જેવું કોઈ નહીં !

આજે સમજાય છે કે તમને પણ ખોટું લાગતું હતુ, તમારી આંખો પણ ભીની થતી હતી. જો તમે બાજુમાં બેસીને પત્ર વાંચતા હોય તો મારી ભૂલો માટે માફ કરી દેજો. પપ્પા એટલે પપ્પા!

હવે બીજું તો શું કહું પપ્પા! હૃદય ભરાઈ ગયું છે હવે અને બીજી વાત દરેક ક્ષણે તમારી યાદ આખા કુટુંબને ધ્રુજાવી દે છે. કાકા-કાકી અને મોટા પપ્પા- મોટા મમ્મી એ લોકો પણ દુઃખની હોડીમાં સવાર છે રોજ તમને યાદ કરે છે, બસ હવે "કાશ" શબ્દનો જ સાથ છે જે હંમેશા અમારી સાથે રહેશે.

અંતે એટલું જ કહીશ કે અમારા જીવનના સરવાળાના જવાથી ફક્ત હવે બાદબાકીનું જ વાતાવરણ સર્જાયું છે. પપ્પા મેળ પડે તો એકવાર ગળે મળવા આવોને !

સધન્યવાદ

લિ.
આપનો આજ્ઞાકારી પુત્ર
"દરેક પુત્ર"

વાચકમિત્રો માટે ૨ શબ્દ

નમસ્કાર ! આપનો આ પત્ર લખતા લખતા મારી લાગણીઓ પણ પપ્પા માટે વહેવા લાગી. હું તો કહું છુ જયારે પણ મેળ પડે ત્યારે હસતા હસતા મજાકમાં પણ પપ્પાને ગળે મળી લેવું હું તો આ જ યુક્તિ વાપરું છુ. હા એ વસ્તુ ખરી કે આપણે લાગણી વ્યક્ત નથી કરી શકતા તોપણ હવે મૂકી દો એ શરમને અને જેમ મમ્મી માટે પ્રેમ વ્યક્ત કરો છો એમ પપ્પા માટે પણ પ્રેમ વ્યક્ત કરવાનું સો એ સો ટકા ચાલુ કરી જ દો. મારા પપ્પા તો હયાત છે પરંતુ આ પત્રના માધ્યમથી પપ્પાની લાગણી અને જેમને પણ પોતાના સ્વજનો આ મહામારીમાં અને બીજી રીતે પણ ગુમાવ્યા હોય એ બધા જ લોકોને આ પત્ર સમર્પિત છે.


સ્માઈલ પ્લીઝ
(આજથી આપણે બધા જ પ્રતિજ્ઞા લઈશું કે આપણા પપ્પાની સ્માઈલની જવાબદારી આપણી બરાબર ને!)