શું તમે સાચે દુઃખી છો ?
કેમ છો મિત્ર ? આ શબ્દ આપણે દરેક વ્યક્તિને પૂછીએ છીએ અને સામેનું પાત્ર એમ કહે છે હા હું એકદમ મજામાં છું તમે બોલો ? અને આપણે પણ એ જ જવાબ આપીએ છીએ કે મિત્ર અમારે પણ મોજ છે. પરંતુ નવાઈની વાત શું ખબર છે ? આ ઔપચારિકતા પુરી કર્યા પછી આપણે ખુશીની વાત કરવાની જગ્યાએ પોતાના દુઃખોનો પહાડ ઉભો કરીએ છીએ.
દુઃખોના પહાડ એટલે બંને મિત્રો એ જતાવવાની કોશિશ કરે છે કે એ પોતે કેટલા દુઃખી છે ! સુખી જીવન દરેકને જોઈએ છે પરંતુ આપણે દુઃખનો પાલવ છોડવા માંગતા નથી. હા ! મને ખબર છે કે જીવનમાં દુઃખ આવે ત્યારે હસવાનું થોડી હોય આ વાતમાં હું તમારી સાથે સહમત છું, પરંતુ આપણે દુઃખી થવાનો કોપીરાઈટ લઈ લીધો છે. દુઃખ વ્યક્ત કર્યા પછી જ સુખનો ચહેરો જોવા મળશે. દુઃખ આવે ત્યારે એને વ્યક્ત કરી લો જેથી દુઃખ હળવું થઈ જાય અરે મિત્ર થોડું રડી પણ લો.... પછી એનું પણ એક માપ હોય છે એ આપણે ભૂલી જ ગયા છીએ, બસ ! દુઃખમાંથી બહાર જ નથી આવતા અને એવું નથી કે દુઃખ એટલું મોટું છે પરંતુ આપણે એને મોટો આકાર આપી દીધો છે "कभी देखा है दुःख की गाडी में बैठ के कोई ख़ुशी की मंझिल पे पहोंचा हो"
વિચિત્રતા એટલે શું ?
દુઃખને દૂર કરવાના અનુસંધાનમાં પણ આપણે દુઃખી છીએ.
૨ મિત્ર હતા બંને વચ્ચે વાતો ચાલી રહી હતી, ખુશીથી છલકાતી વાતોની વાતમાં અચાનક દુઃખભરી વાતોનું ટીપું પડ્યુ. પહેલા મિત્રએ પોતાનું દુઃખ જણાવ્યું પછી બીજા મિત્રએ પણ પોતાનું દુઃખ જણાવ્યું અને એમાં એકબીજાને સાંત્વના આપવાની જગ્યાએ અચાનક બંને મિત્રોની વાત ત્યાં પહોંચી કે...... પહેલા મિત્રએ કહ્યું કે તે જીવનમાં હજી દુઃખ જોયું જ નથી અને હવે બીજા મિત્રએ પણ આ વાતને એક હરીફાઈ તરીકે લઈ લીધી અને એ પણ પોતાના મંતવ્યો રજુ કરવા લાગ્યો. ૧ મિનિટ ! અરે તમે કેવી હરીફાઈમાં લાગ્યા છો ? આ બાબત પર તમે કોઈ દિવસ વિચાર કર્યો છે કે કેમ આવું ! કારણ કે આપણે દુઃખને સુખ અને સુખને દુઃખ સમજી બેસ્યા છીએ.
ચાલો એક ઉદાહરણ લઈને સમજાઉં બરાબર, સમજી લો કે હું દુઃખી છું તો એ વખતે મેં મારુ દુઃખ મારા મિત્ર અથવા સ્વજનની સામે વ્યક્ત કર્યું એ વખતે મિત્ર મને સાંત્વના આપશે કે બધું ઠીક થઈ જશે વગેરે વગેરે.... હવે હું મારુ દુઃખ જણાવીને હળવો થયો અને મિત્રએ સાંત્વના પણ આપી પરંતુ નવાઈની સાથે તકલીફની વાત એ છે કે હું જેટલો દુઃખી નથી એનાથી વધારે દુઃખી હોવાનો પ્રયત્ન કરીશ કારણ કે આપણને સુખ કરતા સાંત્વનામાં મજા આવે છે. કે યાર ! હું તો દુઃખી છું તેથી મારા મિત્રો અને સ્વજનો મારી તરફ કરુણ ભાવનાથી જોશે અને મારી સાથે દુઃખી પણ થશે. આ વાત બહુ જ અલગ છે પરંતુ આજના સમયની બહુ મોટી હકીકત છે આપણે "સાંત્વના" નામની લાગણીના ભૂખ્યા થઈ ગયા છીએ, એના કારણે તકલીફ ઉભી થઈ છે કે આપણે સાચા અર્થમાં જેટલા દુઃખી હોઈએ છીએ એના કરતા એના દેખાવમાં રંગાઈને વધારે દુઃખી છીએ. અને જયારે સુખ આવે ત્યારે પણ દુઃખી, કે યાર ! હવે દુઃખ તો નહીં આવેને ? તો આ અર્થમાં આપણે સુખને દુઃખ અને દુઃખને સુખ સમજી બેસ્યા છીએ.
ટૂંકમાં જાતે કરીને આપણને દુઃખી થવાની ખોટી ટેવ પડી ગઈ છે અને સાચા અર્થમાં જોવા જઈએ તો દુઃખ એ કંઈ ખરાબ લાગણી નથી. આમ શુ વિચારો છો સાચી વાત છે, એ તો તમને ખબર જ છે કે દુઃખ અને સુખ બંને ભાઈઓ છે દુઃખના કારણે આપણને સુખથી બેશુમાર પ્રેમ છે. તો દુઃખને જીવનનો એક ભાગ ગણીને સ્વીકારવા કરતા આપણે એને દુશ્મન માની લીધો છે અરે ખાલી જોવાની દ્રષ્ટિ બદલોને ! કંઈ વાંધો છે, જયારે પણ દુઃખ આવે તો કુદરતી રીતે એ લાગણીને વ્યક્ત કરો પરંતુ આપણે ખોટી ટેવો પાડી દીધી છે દુઃખના દેખાડા સાથે જીવવાની.
દુઃખના સમયે રડી લો પછી તરત એમ પણ વિચારી શકો છો ને કે હવે સુરજની ખુશીની કિરણમાં કેટલી વાર ! બધું જ તમારા વિચારો પર છે કારણ કે જિંદગીનું કંઈ જ નક્કી નથી. જીવતા આવડે તો દુઃખમાં પણ સુખ છે અને જીવતા ના આવડે તો સુખમાં પણ દુઃખ છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમે જિંદગીને કેવી રીતે જીવો છો.
હું તો કહું છું કે દુઃખને પણ પ્રેમ કરો એક વખત એ લાગણીથી પણ જુઓ તરત જ એમાં ખુશી થવા લાગશે કારણ કે દુઃખને કોણ પ્રેમ કરે યાર ? અને તમે પ્રેમની લાગણી દુઃખ પર અજમાઓ પછી જુઓ કંઈક નવું જ પરિણામ મળશે. દુઃખમાં પણ મજા છે કારણ કે તમે જોયું હશે કે દુઃખ ઈમાનદારીથી તમને પ્રેમ કરે છે, દુઃખ જ તો તમારા દિલનો ભાર હળવો કરે છે. એટલે મને તો દુઃખથી પણ બેશુમાર પ્રેમ છે. બીજી એક મજાની વાત જણાવું આપણે જયારે હસતા હોઈએ અથવા ખુશ હોઈએ ત્યારે અચાનક જ વિચાર આવે છે કે હવે દુઃખ તો નહીં આવે ને ! આવું થયું છે તમારી સાથે ? એનો અર્થ એવો કે સુખ અથવા ખુશીમાં આપણને દુઃખ માટેનો "ડર" હોય છે અને બીજી બાજુ દુઃખમાં હોઈએ ત્યારે સુખ માટેનો "પ્રેમ" હોય છે. તો બોલો પ્રેમ કોણ કરે છે ? ટૂંકમાં "દુઃખને પણ પ્રેમ કરવાનો એ સુખ આપશે જ"
છેલ્લે એટલું જ કહીશ કે દુઃખ અને સુખ એ સનાતન સત્ય છે, સુખમાં તો મજા જ મજા છે પરંતુ દુઃખને સમજીને એની સાથે જીવવામાં શુ વાંધો છે મારા વ્હાલા ! ખાલી આપણો નજરીયો બદલવાનો છે.
સ્માઈલ પ્લીઝ
(સ્માઈલની પાછળ પ્લીઝ એટલા માટે લખું છું કારણ કે તમે દુઃખી થવાનું નથી ભૂલતા પરંતુ સ્માઈલ આપવાનું ભૂલી જાઓ છો)