Let's get wet books and stories free download online pdf in Gujarati

ચાલ ભીંજાઈએ

આજકાલ ટીવી પર એક જાણીતી પેઇન્ટ કંપની ની એડર્વટાઇઝ આવે છે. એક NRI છોકરી એના વડીલ સાથે પોતાના માટે જોઈ રાખેલા મુરતિયાઓ ને મળવા જતી હોય છે. એ જુએ છે કે બધા ઘરો પ્લાસ્ટિક થી ઢાંકેલા હોય છે અને ક્યાંક ઘર ની સાથે સાથે મુરતીયો અને એનો પરિવાર સાથે ઘર ની બહાર પ્લાસ્ટિક થી ઢંકાઈ ને સ્વાગત માટે ઊભા હોય છે. આ બધી મેહનત ઘર વરસાદ થી ના પલળે એને ઘરનપર લગવેલો પેઇન્ટ ખરાબ ન થાય તેના માટે ની હોય છે. છોકરી ને આ પસંદ નથી પડતું અને આ બધા ને રિજેક્ટ કરી આગળ ચાલે છે ત્યાં અચાનક એની નજર એક ઘર ઉપર પડે છે જે પ્લાસ્ટિક થી ઢંકાયેલું નથી. બધા ડ્રામા માં થાય છે તે મુજબ છોકરી નું દિલ ઘર ની બહાર ઊભેલા ફૂટડા છોકરા પર આવી જાય છે અને એની સાથે એનું ગોઠવાઈ જાય છે...

અહીં ઈરાદો કોઈ જાહેરખબર વર્ણવવા નો જરાય નથી, વાત આજે કરવી છે માનવીની "ના પલળવા" ની મથામણ ની, ચારેય બાજુ મેઘો માંડયો હોય ને આપણાં કોરા કટ રહી જવા ના હવાતિયાં ની...

આપણી ગુજરાતી ભાષા બહુ વૈવિધ્ય સભર છે. જ્યારે ' પલળવું' શબ્દ વપરાય એટલે એવો ભાવ હોય કે પોતાની મરજી વિરુદ્ધ ભીના થવું-
"હું આજે રસ્તા પર થી પસાર થતો હતો ત્યારે એક ટ્રક પુર ઝડપે નીકળ્યો અને રસ્તા પર ભરાયેલા પાણી મને ઉડાડતો ગયો અને હું પલળી ગયો" કે પછી "આજે અચાનક વરસાદ આવ્યો અને ઓફિસે થી આવતા હું પલળી ગઈ" ક્યાંક ભીના થવા નો એક અણગમો છે "પલળવા" શબ્દ માં.

એની સામે બીજો એક સુંદર શબ્દ છે "ભીંજાવું". એમાં ભીના થવા નો એક આનંદ ઝલકે છે.
"અરે યાર આજે તો વરસાદ માં ભીંજાવા ની ખૂબ મજા આવી" એમાં શરીર ની સાથે મન પણ તરબતર થતું હોય તેવો ભાવ હોય છે.

વરસાદ એક જ છે,પણ કોઈક " પલળે " અને કોઈક "ભીંજાય" છે. ફરક છે માનસિકતા નો.

બે ટીપાં માં જ છત્રી ખોલી ને ના ધરાતો માણસ રેઇનકોટ ના રવાડે ચડે છે. ગમે તે થાય મને એક પણ ટીપું ન અડવું જોઈએ. પોતાનાં કપડાં કે પોતાનું શરીર કોરું રેહવુ જોઈએ એવી જીદે ચડેલા ઘણા પોતાના માંહ્યલા ને ય કોરો રાખવા માં બહુ સફળ હોય છે.

વરસતા વરસદમાં ઘરે આવતો પતિ પ્રેમ થી માંગણી મૂકે કે આજે તો ભજીયા થઈ જાય, ત્યારે છણકો સંભળાય કે, "બે ટીપાં શું પડ્યા તમારી ફરમાઈશ શરૂ થઈ જાય છે, જોતા નથી મારે કેટલું કામ પડ્યું છે? કામ કરી કરી ને અમારી કમર તૂટી જાય છે ને તમને આવા ચટાકા સૂઝે છે" આવા પુરોષોને આપણાં સમાજ માં વિધુર કેવા નો રિવાજ નથી એટલું જ, પણ તેને વિધુર જ જાણવા.

સામે પક્ષે, મૌસમ નો પેહલો વરસાદ બંધ થયો હોય અને ભીની માટી ની સુગંધ લેતા લેતા પત્ની પ્લાન બનાવે કે આજે તો એ આવે એટલે નદીએ ફરવા જઈશું અને દાળવડા ખાઈશું. ત્યારે પેલો આવતા વેત જ બામ ની શીશી ગોતતો ફરે અને ના મળે એટલે ઘર માથા પર લઈ લે તો જાણવું કે આવા ની પત્નીઓ છાને ખૂણે વૈધવ્ય જ પાળતી થઈ જતી હોય છે.

બીજી બાજુ એવા કેટલાય લોકો છે જે ભીંજાવા નું વરદાન લઈ ને આવ્યા હોય છે. આવા લોકો ખાલી સંબધો માં જ નહિ પોતાની આસપાસ બનતી દરેક ઘટનાઓ માં છબછબિયાં બોલાવી લેતા હોય છે. આવા લોકો સારું નાટક જોઈ ને, કોઈ ની કળા જોઈ ને,અફલાતૂન ગીત સાંભળી ને, પુસ્તક વાંચી ને કે પછી ખાલી બાગ માં ઉગેલા ફૂલો જોઈ ને જ આનંદ વિભોર થઇ ને ખુશી માં ઝૂમી ઉઠતા હોય છે. મોટા ભાગે આવા મણસોને બીપી, ડાયાબીટીસ કે બીજા મનોરોગો નહિ જ કનડતા હોય. આવા માણસો ની તો ઈર્ષા જ કરવી રહી.

જો આપણે આ કક્ષા માં ના આવતા હોઈએ તો ચેતી જવું સારું. જરૂર છે અભિગમ બદલવા ની, દૃષ્ટિ કેળવવા ની, આપણી આસપાસ બનતી દરેક ઘટનાઓ નો ઉમળકા થી પ્રતિસાદ આપવા ની. કોઈ ને તમારા સાથ ની ઝંખના છે, કોઈ ને તમારી તાળીઓ જોઈએ છે, કોઈ ને તમારા તરફ થી બે સારા શબ્દો ની આશા છે, કોઈક ને એક હૂંફ જોઈએ છે કે કોઈ ને ખાલી એક જરૂર પડે બાજુ માં હશો તેવો અહેસાસ જ જોઈએ છે. જો કાન સરવા રાખીશું, આંખ ખુલી રાખીશું અને મન સાબદુ રાખીશું તો આવી કેહવાયેલી કે ના કેહવયેલી દરેક લાગણીઓ નો ભીનો પ્રતિસાદ આપી શકીશું અને આપણાં સમગ્ર અસ્તિત્વ ને પણ એટલીજ ઉત્કટતા થી ભીંજવી શકીશુ.

કવિ શ્રી રમેશ પારેખ ની આ પંક્તિઓ માં જ બધો સાર આવી જાય છે -
"અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,
મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે"

પત્થર પલળે છે, કોઈ એમ નથી કહેતું કે પત્થર ભીંજાય છે. નિર્જીવ વસ્તુઓ પલળે છે, ભીંજાવા માટે તો જીવંત હોવું જરૂરી છે.તેથી હવે થી નક્કી કરીએ -

"ચાલો જીવંત બનીએ, ચાલો ભીંજાઈએ"

ફરી મળીશું ક્યારેક એક નવી વાત લઈ ને.

બીજા રસપ્રદ વિકલ્પો