મિત્ર,
તારી શિક્ષણ યાત્રા ની બે દાયકા ની સફર બદલ ખુબ ખુબ અભિનંદન...શિક્ષક તરીકે ની નોકરી કરવી અને શિક્ષક બનવું એ બન્ને વચ્ચે ઘણો તફાવત છે....તે શિક્ષક બની બતાવ્યું તે વર્તાય છે...
સારો શિક્ષક કોને કેહવાય? ખાલી પોપટિયું જ્ઞાન ઠાલવી ને ક્લાસ માં થી કોરો કટ બહાર નીકળતો માણસ અને દહાડી મજૂર બન્ને વચ્ચે કોઈ ફરક નથી..બન્ને ને પોતાના કામ સાથે કોઈ નિસ્બત નથી... એ તો ખાલી વેઠ કરે છે પેટ નો ખાડો પૂરવા...મારા મતે સારો શિક્ષક એ છે જે પોતાના કાર્ય ને ખાલી પીરીયડ લેવા સુધી સીમિત ના રાખે...શિક્ષણ એ તો સવાંદ સાધવા ની કળા છે...એમાં એક પક્ષીય વ્યવહાર ના હોય શકે... શિક્ષક્તવ તોજ નિખરે જો એ જ્ઞાનાત્મક, ક્રિયાત્મક અને ભાવનાત્મક અયામો ના પાયા પર ઊભેલું હોય...
આપણે બાલ્ય કાળ થી અભ્યાસ પૂર્ણ થતાં ઘણા શિક્ષકો પાસે ભણ્યા હઇશું પણ એ બધા કદાચ આપણને યાદ ના હોય પણ અમુક ને આપણે હજી યાદ કરીએ છીએ...ભલે તે બાલ મંદિર ના હોય કે કોલેજ ના.. કેમ એવું? બીજા પણ ભણાવતા અને કદાચ વધારે સારું ભણવતા એમ પણ હોય...પણ આપણને એ જ યાદ રહે છે જેમણે આપણને ભણાવવા ઉપરાંત કંઇક વિશેષ આપ્યું હોય...જેમની વાતો એ આપણા પર પ્રભાવ પડ્યો હોય...જેમણે આપણાં વિકાસ માં વ્યક્તિગત રીતે રુચિ દાખવી હોય... એવા દરેક શિક્ષકો આપણને યાદ રહી જાય છે જે ખાલી ગુણાંક ની જ પણ ગુણ ની પણ ચિંતા કરતા હોય ...શિક્ષક આવું તો જ કરી શકે જો તે વિદ્યાર્થી સાથે લાગણી થી જોડાયેલો રહે...
શિક્ષક જે બોલે છે, જેવી રીતે વર્તે છે, જે કરે છે તેની નોંધ કુમળું બાળ માનસ હમેંશા લેતું હોય છે.
મને ખબર નથી કે બધા શિક્ષકો ને ખબર હોય છે કે નહિ કે તેઓ બાળકો ના મન મા એક રોલ મોડેલ બની ને ઉભરતા હોય છે. જો ખબર હોય તો કોઈ શિક્ષક ક્યારેય તાસ લેતી વખતે પાછલી બેન્ચ પર જઈ ને ઊંઘે નહિ , ટેબલ પર પગ ચડાવી ને બેસે નહિ , કોઈ શિક્ષક ક્યારેય લઘર વઘર ના રહે કે પછી શિક્ષક વિદ્યાર્થી સામે કોઈ ની નિંદા કૂથલી ના કરે. આજે જ્યારે કોઈ શિક્ષક ને પાન કે માવો ખાઈ ને થૂંકતો જોવા મળે છે તે જોઈ ને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે પણ મને તો તેના પર દયા આવે છે કે એને પોતાનું આત્મસન્માન નથી, નહિ તો તે આવું ક્યારેય ના કરે.
જ્યારે આપણે એક સારી શિક્ષણ સંસ્થા જોઈએ છીએ ત્યારે ધ્યાન થી જોઈએ તો ખ્યાલ આવે છે કે એના પાયા માં એવો એકાદ માણસ હોય છે જેણે ત્યાં ધૂણી ધખાવેલી હોય છે. એને મન શિક્ષણ એ એક યજ્ઞ હોય છે જેમાં તેણે પોતાના સમગ્ર અસ્તિત્વ ની આહુતિ આપેલી હોય છે.
મે જે અવલોક્યું છે તે પ્રમાણે એક ઉત્તમ શિક્ષક પોતે આજીવન વિદ્યાર્થી હોય છે...એને સતત નવું જાણવા ની અને શીખવા ની તાલાવેલી હોય છે જેથી તે પોતાના વિદ્યાર્થી ઓ ને નવતર આપી શકે...સારો શિક્ષક સતત વાંચતો રહે છે, વિચારતો રહે છે અને સર્જતો રહે છે...તે આ દરેક કામો સુપેરે પાર પાડ્યા છે...
શિક્ષક ક્યારેય નિવૃત્ત નથી થતો, તારી આ શિક્ષણયાત્રા અવિરત ચાલુ રહે તેવી અને તારા પ્રયત્નો થી નવી પેઢીઓ સરસ તૈયાર થતી રહે તેવી શુભેચ્છાઓ...
(શિક્ષણ નો 'શ ' પણ નથી આવડતો છતાં આટલું ઠપકાર્યું છે તે માટે તારા જેવા શિક્ષકો એ કાન આમડી ને લખાવેલા નીંબધો કારણભૂત છે...એમાં મારો વાંક નથી)
- આનંદ