અધૂરપ - 1 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરપ - 1

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના

ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૧

ભાર્ગવી...હા. બરાબર સાંભળ્યું તમે. લક્ષ્મી સમાન ભાર્ગવી. ભાર્ગવી એટલે જ લક્ષ્મી. જેના નામમાં જ લક્ષ્મી સમાયેલી છે એ તો જાણે સાક્ષાત દેવીનો જ અવતાર!

એ અમૃતાના ખોળામાં માથું રાખીને ખુબ જ ચોધાર આંસુએ રડી રહી હતી. એનું રુદન જોનારને પણ કંપાવી દે તેવું હતું. અમૃતા એને શાંત કરવાના અથાગ પ્રયત્ન કરી રહી હતી. પણ એમાં એને કોઈ જ સફળતા મળી રહી નહોતી. એના બધાં જ પ્રયત્નો વ્યર્થ જ જઈ રહ્યા હતા.
અને અમૃતા! એની આંખમાં પણ આંસુ ક્યાં નહોતા? એ પણ પોતાના આંસુ લૂંછતી જતી હતી અને ભાર્ગવીને શાંત કરવાના પ્રયત્ન કરી જ રહી હતી.

અમૃતાની પાસે હવે ભાર્ગવીને સાંત્વના આપવા સિવાયનો કોઈ રસ્તો જ ક્યાં હતો? અને આ રસ્તો એ બંનેને ક્યાં લઈ જશે એ બંને પણ ક્યાં જાણતી હતી?

ભાર્ગવીને એ ક્ષણ યાદ આવી જે ક્ષણે તે અપૂર્વ સાથે લગ્નમંડપ માં ફેરા ફરી રહી હતી. સપ્તપદીના એ સાત વચનો જે એણે ને અપૂર્વ બંનેએ એકબીજાને આપ્યા હતા. પણ શું ખરા અર્થમાં એ વચનોને સમજ્યા હતાં ખરા? શું અપૂર્વ સમજ્યો હતો? કે પછી આ ઘરના દરેક સદસ્યો ને ખાસ કરીને આ ઘરની સ્ત્રીઓ પણ સમજી હતી ખરી? ને સમજી હતી તો પછી એ ચૂપ કેમ હતી? એનાથી પોતાની જેઠાણી અમૃતા સામે જોવાઈ ગયું. જાણે એ એને પ્રશ્ન કરી રહી હતી એમને કે, શું તમે પણ મારી જેવી પરિસ્થિતિમાંથી પસાર થયા નથી? શા માટે તમે બળવો ના પોકાર્યો? શા માટે તમે બધું જ મૂંગા મોઢે સહન કરી લીધું? અને પછી એની સામે પોતાની જ એક આકૃતિ દેખાઈ જે એને પૂછી રહી હતી, "ભાર્ગવી! તું ખુદ શું કરી રહી છે? શા માટે છે તું મૌન? ઉઠાવ અવાજ. ક્યાં સુધી સહન કરીશ? સ્ત્રી સહનશીલતાની મૂર્તિ કહેવાય છે પરંતુ જ્યાંથી એની સહનશીલતાની હદ પુરી થાય છે ત્યાંથી એના શરીરમાં મા દુર્ગાનો પ્રવેશ થાય છે.

ભાર્ગવીના ચહેરા પર અનેક પ્રશ્નો હતા અને એના જવાબ એ પોતાના જેઠાણી પાસે જાણે માંગી રહી હતી. પણ જેઠાણી પાસે તો ઉત્તર જ ક્યાં હતા? એ તો ખુદ જ સવાલોની ઝંઝાળમાં ફસાયેલી હતી!!

અમૃતા અને ભાર્ગવી બંને એક કહેવાતા ધનાઢ્ય ઘરની વહુઓ! અમૃતા જેઠાણી અને ભાર્ગવી દેરાણી. આજના સમયમાં ભાગ્યે જોવા મળે એવો બંને વચ્ચે સુમેળ હતો. બંને ખુબ જ સમજુ હતી આથી આખા પરિવારને એ બંને વહુએ એકસાથે એકડોરથી બાંધી રાખ્યો હતો.

અમૃતાએ ભાર્ગવીનું મન તો થોડું શાંત પાડ્યું પણ હવે એને હકીકતને સ્વીકારવા માટે થોડો સમય આપવો જ યોગ્ય લાગ્યું. અમૃતા એ ભાર્ગવીને કહ્યું કે હું તારે માટે જ્યુસ લઈ આવું છું, આમ અમૃતા રસોડામાં ગઈ અને ભાર્ગવીને થોડી વાર માટે એકલી મૂકી..એકલી પડી એટલે ફરી ભાર્ગવીનું અંતરમન એને પ્રશ્નો પૂછવા લાગ્યું. ફરી એ જ સવાલો ને જેનો કોઈ જ જવાબ નહીં!

એમનો કહેવાતો ઉચ્ચ પરિવાર! પણ શું આ પરિવાર ખરેખર ઉચ્ચ હતો? શું એમના વિચારો ઉચ્ચ હતાં? અને એના ઘરની આ કહેવાતી ગૃહલક્ષ્મી!! ખરેખર એમના મનની ગૃહલક્ષ્મી હતી ખરી? જે પરિવાર લક્ષ્મીની કિંમત ન જાણે એણે તો સરસ્વતી ને લજવી કહેવાય નહીં?!!

અમૃતા અને ભાર્ગવી આ પરિવારની લક્ષ્મી? પણ એમના થકી અવતાર લેનાર લક્ષ્મી જન્મે તો પરિવાર માટે એ દુઃખનું કારણ બને.. ?? આપણે કહીએ છીએ કે જમાનો બદલાયો છે પણ લોકોની વિચારસરણી બદલાઈ છે ખરી? અચરજ જેવું કઈ જ નહીં કારણકે વિચારો એના એજ રહ્યા છે લોકો માટીના મકાન માંથી બંગલામાં રહેવા લાગ્યા છતાં ખરી લક્ષ્મી ને તો પામી શક્યા જ નહીં.. એમાં મોટો દોષ સ્ત્રીનો જ છે જ્યાં સુધી ઘરની વડીલ સ્ત્રી જ સ્ત્રીને ન સમજે, દિલથી ન સ્વીકારે, ત્યાં સુધી આવું જ ચાલ્યા કરવાનું છે..

ભાર્ગવી પણ એમાંથી બાકાત નથી. એની સાથે પણ કંઈક એવું જ થયું છે... ભાર્ગવી એક પુત્રીની માતા છે. એ ફરી ગર્ભવતી બની તો એના ગર્ભમાં એક પુત્રી વિકસી રહી છે એ જાણ થતાં જ એનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. તેઓ અમેરિકામાં રહેતા હતા એટલે ત્યાં બાળકનું જાતિ પરીક્ષણ નિષેધ નહોતું. પણ દેશ બદલવા છતાંય મનુષ્યનો સ્વભાવ ક્યાં બદલાય છે? એની જીજીવિષા પણ ક્યાં ઓછી થાય છે? શા માટે પુત્રનો મોહ? અને એ પણ અમેરિકા જેવા દેશમાં રહ્યા પછી પણ?? ત્રીજી વખત આ ઘટનાનું પુનરાવર્તન થયું આથી ભાર્ગવી ખુબ દુઃખી હતી. ભાર્ગવીને ગર્ભપાતની પીડા કરતા પોતે એક સ્ત્રી હોવા છતાં આ કર્મ એની ઈચ્છા વિરુદ્ધ થયું એનું દુઃખ ઘણું હતું. એનું મન એને પૂછી રહ્યું હતું, "શું કરી રહી છે તું? આ શરીર તારું છે ને એના પર કોઈ બીજાનો અધિકાર શા માટે?"
એક માત્ર અમૃતા એની પીડા સમજી શકતી હતી પણ વડીલોની આજ્ઞાને માન આપવું એવા માતા પિતાએ આપેલા સંસ્કાર! એ સંસ્કાર એને વિરોધ કરવા પગમાં જંજીર બાંધી રહ્યા હતા.

અમૃતા જ્યુસ બનાવી ભાર્ગવી પાસે આવી.. એને પ્રેમથી માથા પર હાથ ફેરવી જ્યુસનો ગ્લાસ એના હાથમાં આપતા બોલી "ભાર્ગવી હું માફી ચાહું છું કે હું તારી આ પરિસ્થિતિમાં તને સાથ ન આપી શકી, પણ હું તને વચન આપું છું કે આજથી કોઈ પણ જાતનો અન્યાય આ ઘરમાં કોઈ પણ સ્ત્રી સાથે થશે તો એ હું નહીં જ ચલાવું. ભલે જે થવાનું હશે એ થશે પણ હવે બસ, અન્યાય સહન નહીં જ કરવાનો.."

ભાર્ગવી આ સાંભળી જાણે વીજળીનો ચમકારો થયો હોય એમ ઝબકી જ ગઈ. જાણે જેઠાણીએ એના મનની વાત કળી લીધી હોય! એની આંખમાં રહેલ આંસુ જાણે તેજ બની ચમકી ઉઠ્યા હતા. અણધાર્યા વચને ભાર્ગવીને જાણે એક નવી ઉમ્મીદ જગાવી કે એ ફરી કોઈ આવું કર્મ કરવા મજબુર નહીં થાય.

ભાર્ગવીને આમ ઉત્સાહી જોઈ અમૃતા બોલી કે," આવું જ તેજ કાયમ તારી આંખમાં રહે એવો મારો પ્રયાસ અફર નહીં જ જાય."

ભાર્ગવી કઈ જ બોલી ન શકી પણ તેનો ચહેરો ઘણું કહી રહ્યો હતો. ભાર્ગવી તેની જેઠાણી ને ભેટી પડી.