રાત - 4 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાત - 4

ભાગ :- 4

સ્નેહા સવારે અરીસા સામે ઊભી રહી પોતાનાં ભીનાં વાળ ઓળવતી હતી અને કંઇક વિચારી રહી હતી. રાત્રે બધાં અગાશી ઉપર બેસીને મોડી રાત સુધી વાતો કરતાં હતાં એટલે સ્નેહાની આંખોમાં હજુ સુધી ઊંઘ દેખાઇ રહી હતી. સ્નેહા અરીસા સામે જોઇને બોલી, "કાલે મેં બસની બારીમાંથી જે જોયું શું તે હકીકત હતી કે પછી મારો કોઈ ભ્રમ; તેનાં જેટલો ભયાનક નજારો મેં મારા જીવનમાં આજ સુધી ક્યારેય જોયો નથી. પણ જો તે હકીકત હતી તો જે મેં જોયું તે મારાં સિવાય બીજાં કોઈને કેમ ન દેખાયું ? હું જ કેમ ?" બીજી તરફ રવિ પણ શાવર લેતાં આ જ વિચારી રહ્યો હતો. રવિ બોલ્યો, "હોળીની રાત્રે મને જે અવાજો સંભળાયા હતા, તે કોઈ સ્ત્રીનાં ઝાંઝરનાં હતાં, પણ મોડી રાત્રે કોણ હોઈ શકે છે? અને જો કોઈ હતું પણ તો મને દેખાયું શા માટે નહીં? અને અવાજો પણ મને જ શા માટે સંભળાયા? હું જ કેમ?"

પ્રોફેસર શિવ તથા આઇશા મેડમ અને બધાં સ્ટુડન્ટ્સ ફ્રેશ થઇને હવેલીના હોલમાં બેઠાં હતાં. પ્રોફેસર શિવ બોલ્યાં, "Good Morning, Students". બધાં જવાબ આપતા બોલ્યા, "Good Morning, Sir". પ્રોફેસર શિવ બોલ્યાં, "તો સાંભળો બધાં; આજથી તમારાં પ્રોજેક્ટ માટેનાં રિસર્ચ વર્કની શરૂઆત થાય છે. આજથી આપણે રોજ નવા નવા સ્થળોએ જશું અને ત્યાં આપણા ટોપીક પર રિસર્ચ કરશું. Ok!!!" સ્ટુડન્ટ્સ બોલ્યાં, "Ok Sir". વિશાલ બોલ્યો, "તો સર આજે આપણે ક્યાં જાશું?" પ્રોફેસર શિવ બોલ્યાં, "આજે આપણે આ ગામનાં 200 વર્ષ જૂનાં ચામુંડા માતાનાં મંદિરે જશું".

બધાં ચામુંડા માતાનાં મંદિરે જવા માટે બસમાં બેસી ગયાં હતાં. બસ ડ્રાઈવર રમેશને રસ્તો ખબર ન હતી એટલે તેને હવેલીથી થોડી દૂર આવેલાં એક ઘર પાસે જઈ, ત્યાં કોઈને રસ્તો પૂછવાનું વિચાર્યું. તે તેની સાથે પ્રોફેસર શિવને પણ લઈ ગયો. તેને ઘર પાસે જઈને ઘરનો દરવાજો ખટખટાવ્યો. અંદરથી કોઇ વૃદ્ધ પુરુષનો અવાજ આવ્યો, "કોણ છે?" પ્રોફેસર બોલ્યાં, "દાદા, હું કોલેજનો પ્રોફેસર શિવ છું. અમે વિદ્યાર્થીઓને એક પ્રોજેક્ટ બનાવવા માટે અહીં લઈ આવ્યાં છીએ અને સામેની હવેલીમાં રહીએ છીએ." તેઓ સામેની હવેલીમાં રહે છે એવું સાંભળી વૃદ્ધ પુરુષ ઝડપથી દરવાજો ખોલી બહાર આવ્યાં અને બોલ્યાં, "શું? તમે તે મનહુસ હવેલીમાં રહો છો? તમને ત્યાં રહેવાની પરવાનગી કોણે આપી? મારું માનો તો અત્યારે જ તે હવેલીમાંથી ચાલ્યાં જાઓ, નહીં તો કોઈ નહીં બચે!" દાદા એકસાથે આટલું બોલી ગયા. પ્રોફેસર બોલ્યાં, "કેમ દાદા! તમે અમને એ હવેલીમાં રહેવાની કેમ ના પાડો છો? એ હવેલી અમારી કૉલેજનાં પ્રિન્સિપાલ રવિરાજ આચાર્યની છે." દાદા બોલ્યાં, "સારું! જે હોય તે મારે શું? તમે મારી પાસે કેમ આવ્યાં છો?" પ્રોફેસર બોલ્યાં, "દાદા! અમે અમારા વિધાર્થીઓ સાથે અહીં રિસર્ચ માટે આવ્યાં છીએ. અત્યારે અમારે આ ગામમાં જે 200 વર્ષ જૂનું ચામુંડા માતાનું મંદિર છે ત્યાં જવું છે, પરંતુ અમને ત્યાંની રસ્તો નથી ખબર. તો તમે અમને રસ્તો દેખાડી શકો?" દાદા બોલ્યાં, "હા ચોક્કસ. માતાજીનાં દર્શનમાં કોઈ ના ન પાડી શકે. ચાલો! હું પણ તમારી સાથે જ આવું છું. મેં પણ ઘણાં દિવસોથી માતાજીનાં દર્શન નથી કર્યાં. છેલ્લે ચૈત્રી નવરાત્રિ પહેલાં ત્યાં મંદિરની સાફસફાઈ કરવા ગયો હતો. ચાલો! ચાલો!" પ્રોફેસર બોલ્યાં, " દાદા! તમે પણ અમારી સાથે આવો એ તો સોનામાં સુગંધ ભળ્યા જેવી વાત થઇ. તમારો ખુબ ખુબ આભાર! તમે અમને એ મંદિર વિશે માહિતી પણ આપી શકશો. ચાલો! ચાલો!" પછી તેઓ ત્યાંથી બસ તરફ જાય છે અને બસમાં બેસી જાય છે.

દાદા ડ્રાઈવરની બાજુની સીટ ઉપર બેઠાં હતાં અને ડ્રાઈવરને રસ્તો ચીંધતા હતાં. બસ હવે ગામનાં જંગલ તરફ જઈ રહી હતી. રવિ અને સ્નેહા પોતે જે ભયાનક દ્રશ્ય જોયું હતું, તેનાં વિચારોમાં ખોવાયેલા હતાં. વિશાલ, ભાવિન, ધ્રુવ, ભક્તિ, અવની અને રીયા એકબીજાં સાથે વાતો કરી રહ્યાં હતાં.

બપોર થવાં આવી હતી. બસ જંગલમાંથી પસાર થઇ રહી હતી. અચાનક કોઈક મરેલાં જીવની તીવ્ર વાસ આવવા માંડી. બધાએ પોતાનાં મોં પર રૂમાલ રાખી દીધાં હતાં. ધ્રુવ પોતાનાં બેગમાંથી રૂમ ફ્રેશનર કાઢી પોતાની આજુબાજુ છાંટવા લાગ્યો, તો પણ વાસ આવતી જ હતી. થોડીવાર પછી વાસ આવતી બંધ થઈ ગઈ. વિશાલે બોલ્યો, "આ શેની વાસ આવતી હતી?" પ્રોફેસર શિવ બોલ્યાં, "આ જંગલ વિસ્તાર છે, તો અહીં માંસાહારી પ્રાણીઓ અન્ય પ્રાણીઓનો શિકાર કરતાં હોય છે. તો કદાચ એની વાસ આવતી હશે."

બસ આગળ વધી રહી હતી. બસ અચાનક બંધ પડી ગઇ. ડ્રાઈવરે નીચે ઊતરીને જોયું તો બસનાં જમણા ટાયર નીચે એક લીંબુમાં ખીલી ભરાવેલી હતી. જે ટાયરમાં અડવાથી ટાયર પંચર થઈ ગયું હતું. ડ્રાઈવર બોલ્યો, "ટાયર પંચર થઈ ગયું છે તો થોડી વાર લાગશે." દાદા નીચે ઉતર્યા તેમને ટાયર નીચે લીંબુ અને ખીલી જોઇ. ડ્રાઈવર તેને અડવા જતો જ હતો કે દાદા બોલ્યાં, "તેને હાથ નઇ લગાડતો." ડ્રાઈવર પોતાનો હાથ પાછો ખેંચી લે છે. દાદા તે લીંબુ પાસે ગયા અને મનમાં કંઇક બોલતાં એ લીંબુને પોતાનાં ડાબા પગથી ઉછાળીને દૂર ફેંકી દીધું. દાદા પાછા બસમાં બેસી ગયા. પ્રોફેસરે દાદાને પૂછ્યું, "દાદા! તમે હમણાં તે લીંબુનું શું કર્યું?" દાદા બોલ્યાં, "એ લીંબુમાં ખીલી ખોસેલી હતી, એનો મતલબ છે કે એમાં કોઈ શેતાની શક્તિ કેદ થયેલી હતી. જો ડ્રાઇવર તેને સ્પર્શ કરી લેત તો તે શેતાની શક્તિ ડ્રાઇવરનાં શરીરમાં પ્રવેશ કરી લેત. મેં ચામુંડા મંત્ર બોલી ને તેને ડાબા પગથી દૂર ફેંક્યું એટલે તે આપણેને કોઈ નુકશાન નહિ પહોંચાડી શકે." બધાં સ્ટુડન્ટ્સ પણ દાદાની વાત સાંભળતા હતા. ભાવિને આ વાત પોતાની ડાયરીમાં લખી લીધી.

#રાત
#horror #romance #travel