Raat - 9 books and stories free download online pdf in Gujarati

રાત - 9



રાતનાં સાડા બાર વાગ્યાં હતાં. બધાં પોતાનાં રૂમમાં સૂઈ ગયાં હતાં. હવેલીમાં સન્નાટો છવાયેલો હતો. સ્નેહા, ભક્તિ, અવની અને રીયા તેમનાં રૂમમાં સૂઈ રહ્યાં હતાં. અચાનક ભક્તિ તેનાં બેડ પરથી ઉભી થઇને ચાલવા લાગી. તેની ચાલવાની રીત પરથી લાગી રહ્યું હતું કે જાણે તે કોઇનાં વશમાં હોય. તે ચાલતાં ચાલતાં રોહનનાં રૂમ પાસે પહોંચી ગઇ.


રોહન અને મોન્ટુ તેમનાં રૂમમાં સૂઈ રહ્યાં હતાં. આમ તો એક રૂમમાં ચાર વ્યક્તિઓને રહેવાનું હતું, પણ રોહન માથા ભારે હતો એટલે તેનાં મિત્ર મોન્ટુ સિવાય કોઈ તેનાં રૂમમાં નહોતું રહેતું. ભક્તિ એ તેમનાં રૂમનો દરવાજો ખખડાવ્યો. રોહન અને મોન્ટુ ઊંઘમાં હતાં. થોડીવાર પછી અવાજ થવાથી મોન્ટુની ઊંઘ ઊડી ગઈ. મોડી રાત્રે દરવાજાનો અવાજ સંભળાયો એટલે મોન્ટુને ડર લાગતો હતો. તેણે રોહનને ઉઠાડ્યો. રોહન આંખ ચોળી બેઠો થઈને બોલ્યો, "શું છે તારે? આટલી રાત્રે કેમ ઉઠાડે છે? તારે વોશરૂમ જવું હોય તો સૂતાં પહેલાં જઇ આવવાની જરૂર હતી." મોન્ટુ બોલ્યો, "અરે રોહન! દરવાજા પાસે જો! કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે." રોહન બોલ્યો, "તો જઇને દરવાજો ખોલી આવને." મોન્ટુ બોલ્યો, "હું નહિ જાવ. મને ડર લાગે છે." રોહન બોલ્યો, "તું તો સાવ ડરપોક છે. મારે જ દરવાજો ખોલવા જવું પડશે."


રોહન બેડ પરથી ઉભો થઇને દરવાજો ખોલવા ગયો. જેવો રોહને દરવાજો ખોલ્યો કે તે સામેનું દ્રશ્ય જોઈને ડરી ગયો. તેની સામે વિખરાયેલાં વાળવાળી, લાલ આંખોવાળી અને લાંબાં નખવાળી ભક્તિ ઊભી હતી. થોડા સમય માટે તેનો ચહેરો પુરુષનો થઈ જતો તો થોડાં સમય માટે તેનો ચહેરો સ્ત્રીનો થઈ જતો. રોહન ખૂબ ડરેલો હતો. તે સ્વસ્થ થતાં બોલ્યો, "શું છે? આટલી રાત્રે શું જોઇએ છે તારે?" ભક્તિ પુરુષનાં અવાજમાં ભયાનક રીતે બોલી, "તારો જીવ! તારો જીવ જોઇએ છે મારે." રોહન બોલ્યો, "શું? તું પાગલ થઈ ગઈ છે, અત્યારે અહીંયાથી ચાલી જા. આપણે સવારે વાત કરશું." આટલું બોલી રોહન દરવાજો બંધ કરવાં લાગ્યો. ભક્તિએ તેનાં બન્ને હાથ દરવાજા પર રાખી દીધા એટલે રોહન દરવાજો બંધ ન કરી શક્યો. રોહન બોલ્યો, "પણ તું મારો જીવ કેમ લેવાં માંગે છે?" ભક્તિ સ્ત્રીનાં અવાજમાં બોલી, "તું બે પ્રેમીઓને અલગ કરવાં માંગે છે એટલે હું તારો જીવ લેવાં આવી છું." આટલું બોલીને ભક્તિએ રોહનને રૂમની બહાર ખેંચી લીધી. તેણે આંખનો ઈશારો કર્યો અને રૂમનો દરવાજો બંધ થઈ ગયો. આ બધું જોઈને મોન્ટુ એટલો ડરી ગયો કે તે બભાન થઇ ગયો.


ભક્તિ રોહનને ખેંચીને લઈ જતી હતી. રોહને જેમ તેમ કરીને તેની જાતને ભક્તિ પાસેથી છોડાવી લીધી, પછી તે ત્યાંથી ભાગવા લાગ્યો. તે ઝડપથી પગથિયાં ઊતરતો હતો, ત્યાં તેનો પગ લપસ્યો અને તે દળીને નીચે પડી ગયો. તેને પગમાં લાગી ગયું એટલે તે ઉભો ન થઈ શક્યો. પગથિયાં ઉપરથી ભક્તિ ધીમે ધીમે તેની તરફ જઈ રહી હતી. ભક્તિનાં મોં પર શેતાની હાસ્ય હતું. રોહન તેને જોઈને ખૂબ ડરી ગયો હતો, પણ તે કંઇ કરી શકે તેમ ન હતો. તે ચીસો પાડતો હતો, પણ કોઈ તેને સાંભળતું શકતું ન હતું. ભક્તિ એ ફરીથી રોહનને પકડી લીધો. તે રોહનને ખેંચીને હવેલીની પાછળ રહેલાં કૂવા પાસે લઈ ગઈ. તેણે રોહનને કૂવા પાસે ઊભો રાખ્યો. ભક્તિ બોલી, "અલવીદા રોહન" આટલું બોલીને તેણે રોહનને કૂવામાં ધક્કો મારી દિધો. પછી તે મોટેથી હસવા લાગી.


વહેલી સવારે કૂવા પાસે ભીડ એકઠી થયેલી હતી. પોલીસે કૂવાની આસપાસની જગ્યા સીલ કરી દીધી હતી. કૂવામાંથી રોહનની લાશ બહાર કાઢવામાં આવી હતી. પ્રોફેસર શિવે રોહનનાં મૃત્યુની ખબર તેનાં ઘરે આપી દીધી હતી એટલે રોહનનાં પરિવારજનો ત્યાં પહોચી ગયાં હતાં. તેનાં મમ્મી-પપ્પા ખુબ રડી રહ્યાં હતાં. વાતાવરણ શોકમગ્ન બની ગયું હતું. આખા ગામમાં આ ઘટનાની જાણ થઈ ગઈ હતી.


પોલીસે રોહનની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. પોલીસ હવે બધાંની જુબાની લઈ રહી હતી. તેમને જાણ થઈ કે મોન્ટુ રોહનનો ખાસ મિત્ર હતો, ત્યારે તેઓ મોન્ટુની જુબાની લેવા તેનાં રૂમમાં ગયાં. ત્યાં જઈને તેમણે જોયું તો મોન્ટુ તેનાં રૂમમાં બેડ પર બેભાન હાલતમાં પડ્યો હતો. તેમણે મોન્ટુનાં મોં પર પાણી છાંટી તેને ભાનમાં લાવ્યો. મોન્ટુ હજુ સુધી ડરેલો હતો. મોન્ટુ બોલવાં લાગ્યો, "નહિ, નહિ. મને ન મારતી. મેં કંઈ કર્યું નથી." પોલીસે થોડીવારમાં તેને સ્વસ્થ કર્યો. તેમણે મોન્ટુને રોહન વિશે પૂછ્યું. મોન્ટુ એ પાછલી રાત્રે જે ઘટના બની હતી તેનાં વિશે અને રોહને ભક્તિ સાથે જે કર્યું હતું તેનાં વિશે બધું પોલીસને જણાવી દીધું.


બધું જાણ્યાં પછી પોલીસ ઇન્સ્પેક્ટર ભક્તિની જુબાની લેવાં માટે તેનાં રૂમમાં ગયાં. ભક્તિ પણ પોતાનાં રૂમમાં બેભાન પડી હતી. તેની આંખોની નીચે કાળાં કુંડાળાં હતાં. તેનાં કપડાં પણ ખરાબ થઈ ગયાં હતાં. પોલીસે તેણીને ભાનમાં લાવી. પોલીસ ઇન્સ્પેક્ટરે પૂછ્યું, "મિસ ભક્તિ! ગઈ કાલે રાત્રે તમે ક્યાં ગયાં હતાં?" ભક્તિ તેનાં મગજ પર જોર દઈ રહી હતી. તે બોલી, "ઇન્સ્પેક્ટર! કાલે રાત્રે મેં મારી સહેલીઓ સાથે જમ્યું હતું, પછી સ્નેહાએ મને દવા આપી હતી અને પછી હું સૂઈ ગઈ હતી." ઇન્સ્પેક્ટર બોલ્યાં, "તમે ખોટું બોલી રહ્યાં છો? કાલે રાત્રે શું થયું હતું એ બધું અમને મોન્ટુ એ જણાવી દીધું છે. અમને ખબર પડી ગઈ છે કે રોહનની હત્યા તમે જ કરી છે. હવે ખોટું બોલીને તમારાં અપરાધને સંતાડવાનો પ્રયત્ન ન કરો." ભક્તિ બોલી, "ના, મેં કંઈ જ નથી કર્યું. હું રોહનની હત્યા શા માટે કરું?"


રવિ, સ્નેહા, ભાવિન, રીયા, વિશાલ, અવની અને ધ્રુવ રૂમમાં આવી ગયાં. ઇન્સ્પેક્ટર કડક અવાજમાં બોલ્યાં, "તમે સાચે સાચું કહી દો, નહિતર અમારે અમારી રીતે સાચું કઢાવવું પડશે." ભક્તિ રડતાં રડતાં બોલી, "સ્નેહા! જોને આ ઇન્સ્પેક્ટર કહે છે કે મેં રોહનની હત્યા કરી છે." સ્નેહા ભક્તિની પાસે ગઈ અને તેને ભેટી પડી. તે બોલી, "ઇન્સ્પેક્ટર! તમે શું બોલો છો તમને કંઈ ભાન છે? ભક્તિ કાલે રાત્રે મારી સાથે જ હતી. તો તે રોહનની હત્યા કેમ કરી શકે?" ઇન્સ્પેક્ટર બોલ્યાં, "રાત્રે તમે સૂઈ ગયાં પછી શું થયું હતું, તેની તમને જાણ છે?" સ્નેહા અચકાતાં બોલી, "નાં".

વિશાલ બોલ્યો, "પણ ભક્તિ રોહનની હત્યા શા માટે કરે? તેની હત્યા કરવાં માટે ભક્તિ પાસે કોઈ કારણ તો હોવું જોઇએ ને!" ઇન્સ્પેક્ટર બોલ્યાં, "હા! તેમની પાસે કારણ પણ હતું. મોન્ટુ એ અમને જણાવ્યું છે કે રોહનને કારણે ભક્તિને સાપ કરડ્યો હતો. આ વાતનો બદલો લેવા માટે ભક્તિએ રોહનની હત્યા કરી નાખી." બધાં ઇન્સ્પેકટરની આ વાત સાંભળીને ચોંકી ગયાં. ઇન્સ્પેક્ટર બોલ્યાં, "કોન્સ્ટેબલ! મિસ ભક્તિને અરેસ્ટ કરી લો." એક મહિલા કોન્સ્ટેબલ ભક્તિ પાસે ગઈ અને તેનાં હાથમાં હથકડી પહેરાવી તેને લઈ જવાં લાગી. બધાં ભક્તિને ન લઈ જવાં વિનંતી કરી રહ્યાં હતાં, પણ પોલીસ તેમનું કંઈ સાંભળતી ન હતી. તેઓ ભક્તિને અરેસ્ટ કરીને પોલીસ સ્ટેશને લઈ ગયાં.


#રાત

#horror #romance #travel


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED