રામ રાખે તેને કોણ ચાખે ! Mital Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રામ રાખે તેને કોણ ચાખે !

આ એક સત્ય ઘટના છે.
વિરમગામ તાલુકામાં એક ગામ હતું. તે ગામમાં નંદીરામ બ્રાહ્મણ રહેતા હતા. એ બ્રાહ્મણ ને બે દીકરાઓ હતા. સુરજ રામ અને આનંદ રામ.
સુરજ રામ ભિક્ષાવૃતિ કરીને નિર્વાહ કરતા હતા. પિતા નંદી રામના અવસાન પછી વિરમગામ તાલુકો અને ગામ છોડી અમદાવાદ આવ્યા.
તેઓ ત્યાં તેમના પત્ની સાથે રહેતા હતા. બ્રાહ્મણ હતા અને ભિક્ષાવૃત્તિ કરીને જીવન ગુજારતા હતા. અમુક સમય જતાં તેને ત્યાં એક દીકરાનો જન્મ થયો. દીકરો હજુ દસ પંદર દિવસનો થયો હતો. સહજ રીતે ગૃહસ્થને ત્યાં પુત્ર આવે તો આનંદની લાગણી થાય.
બ્રાહ્મણ હતા એટલે સ્વાભાવિક રીતે તેને જ્યોતિષમાં રસ હોય જોકે તે જ્યોતિષ જોતા હોય અને જાણતા પણ હોય છે. એમને ત્યાં બ્રાહ્મણ સગાસંબંધીઓ આવે અથવા આડોશી પાડોશીઓ આવે પુત્ર ના જન્મદિવસ પર...એટલે તેઓ પુત્રના ગ્રહ નક્ષત્ર વિચાર્યા કરે..
કોઈ દીકરાનો મુખ જુએ તો કોઈ હાથ જુએ. તેમાં કોઈએ સુરજ રામ ને કહ્યું "આ દીકરો તમારો નહીં રહે." તમે ભલે પાળી પોષીને મોટો કરો પણ તમારે તેની સાથે કોઈ લેણાં દેવી નહીં રહે.
તો સુરજ રામને એવું થયું કે "જો આ દીકરો આપણો હોવા છતાં આપનો ન હોય તો આપણે રાખીને શું કરવો" તેની પાછળ આપણે શું કામ પરેશાની લેવી. બ્રાહ્મણને પણ થોડો ગુસ્સાવાળો સ્વભાવ હતો. એટલે તેને વિચાર્યું કે "આપણે આ પુત્રનો ત્યાગ કરી દેવો છે."પત્ની ના પાડી પણ તેનું ના માન્યા.
વહેલી સવારે આ પુત્રને કપડામાં વીંટાળી અમદાવાદની એક મસ્જિદની પાસે સવારે ચાર વાગ્યે આ બાળકને છોડી દીધો. બાળક સ્વાભાવિક રીતે રુદન કરે. પણ પિતા કઠોર દિલના એટલે નીકળી ગયા. પણ તેની માતા ખુબ જ રડી તેઓ વધુ પતિ સામે ના બોલે.અને તે પત્ની પણ થોડા મૃદુ સ્વભાવના એટલે કંઈ બોલ્યા નહીં અંદરથી બહુ દુઃખી થયા. તેના પતિ સામે બહુ કરગરીયા કરે કે દીકરો આપણો છે. માતા-પિતાએ કુમાતા પિતા ના થવાય. પણ તે બ્રાહ્મણ કશુ માન્યા નહીં.
આ બાજુ એક મુસ્લિમ ડોસા તાઈ મસ્જિદમાં નમાજ પઢવાનું નિયમ હતું. અને તેને કોઈ સંતાન ન હતું. દાંપત્યજીવનના ઘણા વર્ષો ગયા હતા. તેઓ રોજ ખુદાની બંદગી કરે. ખાસ તે ડોસા તાઇ ખુદાની બંદગી કરી ને કહે "તમે મને પુત્ર આપો."
આજે ડોસા તાઈ મસ્જિદમાં આવવા ત્યાંથી પસાર થયા. અને એક બાળકનું રુદન સાંભળ્યું. ડોસા તાઈને થયું અહીંયા કોઈ નાનું બાળક રડે છે. એ ડોસા તાઈએ આછા અજવાળા માં જોયું તો તે બાળક રડી રહ્યું હતું. અને કોઈ તેને મુકી ને જતું રહ્યું હોય તેવું લાગ્યું. ડોસા તાઈને સહેજે થયું કે આ બાળક આટલું સુંદર, નિર્દોષ અને રૂપાળું હતું. દીકરી હોય તો કોઈ તેનો ત્યાગ કરે પણ આ દીકરાનો કેમ ત્યાગ કર્યો હશે?
પણ ડોસા તાઈ ને થયું કે આ ત્યાગ કરેલો નહીં હોય. પણ હું ખુદા પાસે રોજ માગું છું કે મને પુત્ર આપો તો આજે મને આ પુત્ર આપ્યો છે. નહીં તો આ " દેવના ચક્ર જેવો દીકરો અહીંયા ક્યાંથી?"
ડોસા તાઈએ દીકરાને ઉઠાવી લીધો અને મસ્જિદ માં પગે લગાવી ઘરે લઈને આવ્યા. ખુશીના માર્યા તેને પત્નીને કહ્યું કે જો ખુદા એ દીકરો આપ્યો. પત્ની પણ દોડતી આવી અને ખૂબ જ આનંદ થયો અને કહ્યું હા ,ખરેખર ખુદાએ જ આપ્યો છે. ડોસા તાઈએ કહ્યું આ દીકરો ખુદા એ આપ્યો છે. એટલે તેના ચહેરા પર કેવું ખુદાઇ નૂર છે. માટે આજથી તેનું નામ "નુર તાઈ " રાખીએ.
બાળકને હેત મળ્યું અને દંપતીને પુત્ર મળ્યો. આનંદમાં દિવસો જાય છે. મુસ્લિમ પરિવારમાં સંગીતનો શોખ હોય છે અને આ દીકરાને સહેજે થોડો સંગીતમાં શોખ હતો. ડોસા તાઈને થયું કે આ દીકરો સંગીત શીખે અને રાજા મહારાજા પાસે જાય તો ત્યાં ગાય અને રાજા-મહારાજા રાજી થાય અને આપણું કામ પણ થાય.
ડોસા તાઈએ વડોદરામાં નુર તાઇને કોઈની પાસે સંગીતનું શિક્ષણ અપાવ્યું બાળક સુંદર ગાતો થયો. એ જ્યારે ગીત,ભજન, ખુદાની બંદગી ગાય તો બધાને ખુદાનો અહેસાસ થતો. આવી રીતે દિવસો વ્યતીત થતા હતા.
એકવાર ડોસા તાઈને સૌરાષ્ટ્રમાં આવવાનું થયું અને સાથે નુર તાઈને પણ લાવ્યા. હવે તે મોટો થઈ ગયો હતો. ત્યારે તેને સંતો નો યોગ થયો. ડોસા તાઈ પણ મુમુક્ષુ અને બંદગી કરનારા માણસ ,તે પણ સાધુ ફકીરો ને માને. તેઓ સંતો પાસે બેઠા હતા અને ખૂબ વાતો સાંભળી તો ખૂબ સારું લાગ્યું. પણ આ બાળક સંતોને જોઈ જ રહયો, જાણે કોઈ પૂર્વની પ્રીત હોય. પછી બાળકે હઠ લીધી કે મારે આ સંત ફકીર પાસે જવું છે ડોસા તાઈએ કહ્યું કે એમ થોડું જવાય. અને બેટા આપણે મુસ્લિમ છે તે હિન્દુ સંત ફકીર છે તેમાં આપણા કોઈ સંત ફકીર નો સમાવેશ નથી. આવી વાત કરવી એ મૂર્ખતા છે પણ પ્રેમ કોઈ નાતજાત જોતું નથી. છોકરાએ હઠ લીધી પણ ડોસા તાઈ સમજાવીને ઘરે લઈ ગયા સંતો ચાલી નીકળ્યા. છોકરાને સતત પેલા સંત ફકીર ની વાતો યાદ આવે અને તેમને ગાયેલા ભજન ગીત યાદ આવે. ડોસા તાઈને પણ આવું યાદ આવે તેને મનમાં થયું કે મને કોઈ દિવસ આવું થયું નથી કે તે સંત ફકીર પાસે બેસવાથી પણ ખુદા નો આભાસ થાય.
થોડા દિવસો પછી બાળકની હઠ અને ડોસા તાઈની ભાવના એટલે તેઓ હિન્દુ મંદિરે આવ્યા ત્યાં સંતો બેઠા હતા. નુરતાઇ પણ જોડે હતા. નુરતાઇ આ બધું જોઈ રહે અને સંતોને નીરખ્યા કરે ત્યાં એક દિવસ રોકાયા પછી પિતાએ કહ્યું કે હવે જવું છે ને?નુરતાઈ કહે
"મારે નહીં આવવું" અરે બેટા આપણે ઘરે જવાનું છે. નુરતાઇ સંતોના ચરણમાં જઈને પડ્યો કે મારે તમારી પાસે રહેવું છે તેમાંના એક મોટા સંતે કહ્યું બાળકને અહીંયા રહેવું છે તો રહેવા દો. અરે ફકીર, " ગૃહસ્થને તો છોકરા વાલા હોય "એમ કેમ છૂટે ? તે સંતે સરસ વાત કરી કે ડોસા તાઈ "આ દીકરો તમારો છે કે ખુદાએ આપેલો છે?" ડોસા તાઈ અચંબિત પડી ગયા અને સંત સામે જોઈ રહ્યા અને કહ્યું આપ અંતર્યામી છો બધુ જ જાણો છો. તમે ખુદાની બંદગી કરતા હતા અને ખુદા એ તમને દીકરો આપ્યો ને, આવું સંત બોલ્યા. હા, આ દીકરો મને ખુદાએ આપ્યો છે એવું ડોસા તાઈ બોલ્યા, આપ ખુદા છો મારી જનમ જનમની જાણો છો? ત્યારે તે સંત બોલ્યા "તમને ખુદાએ આપ્યો છે તો ખુદાને આપી દો ને!!" પછી ડોસાતાઈ એક પણ શબ્દ બોલી શકયા નહીં. ડોસાએ કહ્યું કે, " હે, સંત આ બાળક તમને સોંપ્યો." હવે તે સંત પાસે નુરતાઈ રહ્યા અને ડોસા તાઈ વિદાય લઈને પોતાના પંથે પડ્યા.
દિવસો જાય છે તે સંત સાથે નુરતાઈને હેત બંધાઇ ગયું. તે મોટા સંતને ઈચ્છા છે કે મારે આને સંત કરવા છે. પણ મુસલમાન ને ત્યાં ઉછેર હોય તો વેશભૂષા પણ મુસ્લિમ હોય. જૂના જમાનામાં તો કેવી રીતે ઠીક પડે હિન્દુ ધર્મના આ સાધુઓ સાથે ભેળવવા કેટલું કઠણ પડે.
પછી એકવાર તે મોટા સંતે બધા સંત ને બોલાવ્યા અને કહ્યું મારે આ નુરતાઈ ને દીક્ષા આપવી છે. બધા એકબીજાની સામે જોવે પણ કોઈ કંઈ બોલે નહીં. કોઈએ કહ્યું કે ભોજનની પંક્તિમાં બધા સાથે કેમ બેસે? તો મોટા સંતે કહ્યું તમને તે જ સમસ્યા હોય તો તે પંક્તિ માંથી જુદા બેસશે પછી કોઈ કંઈ બોલ્યું નહીં. તેને જમવાની અને ભીક્ષાની વ્યવસ્થા અમે કરીશું પણ તેને સંત કરીશું. પછી મોટા સંતે તેને દીક્ષા આપી અને તેનું નામ "પ્રેમાનંદ" પાડવામાં આવ્યું. તેની ભણવાની વ્યવસ્થા પણ કરવામાં આવી. તે સંત સાથે અનન્ય પ્રેમભાવ થઈ ગયો. તે મોટા સંતે સંગીતની તાલીમ લેવા માટે શહેરમાં મોકલ્યા પછી તે સંગીતમાં પારંગત થઈ ગયા. પછી તે અહીં આવી ગયા. મોટા સંત તેના કિર્તનો સાંભળી ખુશ થતાં. બસ આ રીતે દિવસો વ્યતીત થાય છે.
એક વખત ત્યાં મંદિરમાં સંતો સભા ભરીને બેઠા હતા ત્યાં એક ભુદેવ આવે છે. ઢીલી પોચી પાઘડી , માથે ખેસ, ઢીલી પોચી ધોતી માથેઅંગરખું નાખ્યું છે, ખભા પર ખેસ , હાથમાં લાકડી, વૃધ્ધાવસ્થા છે. એમને સંતોના ભાવથી દર્શન કર્યા, ચારે બાજુ જોવે છે અને ત્યાં બેઠા. મોટા સંતે પૂછયું , "ભૂદેવ,તમને કંઈક આવડે છે?" મને એવું લાગ્યું કે, આ સંતો ગાય ત્યારે તમારું માથું હલે છે. તમને ગાયનમાં રસ છે ? ભૂદેવ કહે હા થોડો થોડો રસ છે અને હું માતાજીનો ઉપાસક છું તો માતાજીના ગરબા ગાવ છું. તો મોટા સંતે કહ્યું સારુ, માતાજીના ગરબા સંભળાવો પછી તે ભૂદેવ એ ગરબો સંભળાવ્યો. તો મોટા સંતને આ ગરબો ખૂબ જ ગમ્યો. વાહ વાહ !!! કરી ને પ્રોત્સાહન આપ્યું. આ ગરબો પૂરો થયો તો મોટા સંતે પ્રેમાનંદ ને કહ્યું ,આ ગરબો સાંભળીને "તમને કંઈ થયું નહીં " પ્રેમાનંદ ને કહ્યું તમે કીર્તન બનાવો આ ભૂદેવના ગરબા ના ઢાળમાં. પેલા ભૂદેવ આ ગાયક ને જોયા કરે કે હજુ હું ઢાળમાં ગરબો ગાતો હતો અને આ બાજુ આ સંતે આ ઢાળ માં કિર્તનો બનાવ્યા. એ ભૂદેવ આ કિર્તનો સાંભળીને આચાર્ય ચકિત થઈ ગયા. ભૂદેવ ની આંખમાં આસું, પ્રેમાનંદની આંખમાં પ્રેમના આસું અને બધા જ સંતો ની આંખમાં હરખના આંસુ આવ્યા.
તે મોટા સંત ભૂદેવ ની સામે જોઈને બોલ્યા, તમારે દીકરા કેટલા? એટલે ભૂદેવ ની આંખ માંથી આંસુ ની ધાર થઈ ગઈ . ભગવાને મને એક દીકરો આપ્યો હતો પણ એ દીકરાનો મેં ત્યાગ કરી દીધો. હું તો કઠોર દિલનો હતો પણ તેની માં આ દીકરા પાછળ બહુ જુરતી હતી. માંને તે વાતનું આશ્વાસન હતું કે ભગવાન બીજો દીકરો આપશે પણ પહેલા દીકરા નો અનાદર કર્યા પછી પ્રભુને અમારી ગોદ ભરી જ નહીં. અમને કોઈ સંતાન ન થયું. તે વિરહમાં બાળકની માતાએ દેહનો ત્યાગ કરી દીધો. હવે હું એકલો છું. હું પણ વૃદ્ધ થયો છું. સભામાં શાંતિ છવાઈ ગઈ.
મોટા સંત કહે તમે તે "બાળક ને ઓળખો ખરા?"તો પેલા ભૂદેવ કહે, મારા દેવ! વિચારતાં મને કંપારી છૂટે છે કે એ બાળક જીવિત જ ના હોય તો ઓળખવાની વાત જ ક્યાં? હું આટલો ક્રૂર થયો કે એવી જગ્યાએ છોડ્યો હતો કે જીવિત જ ના હોય.. મોટા સંત બોલ્યા ""રામ રાખે તેને કોણ ચાખે"" જો તે બાળક જીવિત હોય તો ઓળખો ?? ના સંત , હવે તો તેમનો ચહેરો હાથ પગ બધું બદલાઈ ગયું હોય અને સામે મળે તો પણ ના ઓળખી શકું. મોટા સંત કહે "કોઈ નિશાની હતી?" તો ભૂદેવ એ કહ્યું અમારો બ્રાહ્મણનો દેહ એટલે જ્યોતિષ જોતા આવડે એટલે જ તો તેને છોડયો હતો ત્યારે, તેના એક હાથમાં ધજા અને બીજા હાથમાં ચંદ્ર નું ચિન્હ જોયું હતું .તેના ચરણમાં ઉધ્વરેખા હતી. આજે મને એમ થાય છે હાથ પગમાં આવા દિવ્ય ચિન્હ હતા તો પણ મેં તેને કેમ છોડ્યું હશે ? બસ, આવા ચિન્હ હતા આટલું જ યાદ છે. બાકી આ બાળકને છોડ્યા પછી અફસોસ થયો એટલે એ વાતને ભુલવા માટે જ પ્રયાસ કર્યો છે. સભામાં શાંતિ છવાયેલી હતી.
તે સંતે ભૂદેવ ને કહ્યું તમે ઉઠી ને અહીંયા આવો ભૂદેવને પણ કંઈ ન સમજાયું. તેઓ ઊઠીને તેમની પાસે ગયા એ સંત બોલ્યા હમણાં પ્રેમાનંદ ગાતા હતા તેના હાથ જોવો. ભૂદેવે તેમનો હાથ પકડયો અને ભૂદેવ તે ચિન્હો જોવા લાગ્યા અને તેમને તે ચિન્હ દેખાયા...તે સૂરજ રામ ભૂદેવ ત્યારે ને ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયા..ઓ સંત!!!! આ " એ બાળક હજુ હયાત છે !!!!મારા કેવા અહોભાગ્ય હશે, કે આજ મને તેમનો ભેટો થયો " દીકરાની આંખમાં જોતા જ રહ્યા. શું બોલવું તે સમજાતું ન હતું.
પછી તે સુરજ રામે દીકરાની અને તે સંત ની માફી માગી અને ખૂબ જ અહોભાવની લાગણી વ્યક્ત કરી.....