એક ચુટકી સિંદૂર કી કિંમત - 17 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચુટકી સિંદૂર કી કિંમત - 17

પ્રકરણ-સત્તરમું/૧૭

‘અરે વો ગોવિંદ કા બચ્ચા સાલો તક લાપતા રહા તો... ક્યા પાંચ લાખ મે, મેં પૂરી જિંદગી ઉન કે ફેમલી કી ગુલામી કરું ક્યા ?
સ્હેજ કડક તેવર બતાવતાં શરદ પાંડે બોલ્યો

કેશવને લાગ્યું કે કૂતરાને હક્ડવા ઉપડે અને બચકું ભરે એ પહેલાં તેના ડાચામાં હાડકું ઠોંસી દેવુ ઠીક રહેશે એટલે તરત જ બોલ્યો..

‘કલ સુબહ અગિયાર બજે તક મેં આપકો એક લાખ રૂપિયે દે રહા હૂં. બાકી બાત હમ બાદ મેં ફુરસત સે કરેગે. પર અબ યે ગોવિંદ કા કિસ્સા આપકે હલક સે બહાર નહીં આના ચાહિયે.’

‘અરે.. તુમ ઈતને સમજદાર હો ઇસીલિયે તુમસે બાત કરને મેં મજા આતા હે. અબ બાકી સબ તુમ મુજ પે છોડ દો. એક લાખ કબ ઔર કહાં દેના હૈ, વો મેરા આદમી તુમ્હે બતા દેગા. ઠીક હૈ.. ઔર અબ તુ ચિંતા મત કર મેં સબ સંભાલ લૂંગા.’

લાખના લટકતા ગાજરના સપના જોઇ શરદ લાળ ટપકાવતો અને પૂંછડી પટપટાતો કેશવ સાથે હાથ મિલાવી પોલીસ સ્ટેશનની ભીતર જતો રહ્યો ત્યાં
તરત જ ક્યારનો ચુપકીદીથી અકળાયેલો મિલિન્દ બોલ્યો,

‘અરે.. યાર આ ઇન્સાન છે કે કસાઈ ?’
એટલે સ્હેજ હસતાં કેશવે કાર તરફ જતાં જતાં જવાબ આપ્યો..
‘અત્યારે તો...ગજરે જેને બાપ કહેવો પડે એ છે, તું ચલ કારમાં બેસ પછી વાત કરીએ.’
કાર ઘર તરફ હાંકતા કેશવ બોલ્યો..
‘મિલિન્દ એક વાત વિચાર કે, જો આ શરદે કોલ ન કર્યો હોત અને... આ ખાખી વગર ઘોડાની જાન લઈને મીડિયા સાથે તારા ઘરે આવી પહોંચી હોત તો... ?’ તું જસ્ટ ઈમેજીન કર. હાલ આ ભસતા કૂતરા સામે ટુકડો ફેંક્યા સિવાય આપણી પાસે કોઈ આરો નથી સમજી લે જે.’

‘અત્યારે... આઆ....આ હરામી ગોવિંદ પર એટલો ગુસ્સો આવે છે કે, સામે આવે તો તેનો ટોટો જ પીંસી નાખું.’
દાંત કચકચાવી, આક્રોશ સાથે ભીતરનો ઉકળાટ ઓકતા મિલિન્દ આગળ બોલ્યો.
‘પણ, યાર પાંચ લાખ.....આવડી મોટી રકમ લાવીશું કયાંથી ? અને તે આપેલું આવતીકાલનું આઆ....આ લાખ રૂપિયાનું કમીટમેન્ટ ? કઈ રીતે શક્ય છે ?’

વાતની ગંભીરતાને પચાવી, સ્હેજ પણ વિચલિત થયાં વગર શાંત દિમાગે કેશવે ઉત્તર આપ્યો.

‘હાલ તું એ ચિંતા ન કર. અત્યારે, ગોવિંદની અવળચંડાઈથી ભભૂકેલી અગનજવાળાની ઝાળ તારા ખાનદાનની આબરૂને ભરખી ન જાય એ મહત્વનું છે. અને રહી વાત શરદ દેશપાંડેની, તો તેને હું મારી રીતે ફોડી લઈશ. એ તું મારા પર છોડી દે. અત્યારે તને સાથે લઇ અને જાણ કરવાનો મતલબ એટલો જ કે તને બરોબર કયાંયથી ધડ માથાં વગરના ઉડતાં સમચાર મળે, અને તું ગુસ્સાના અતિરેકમાં કોઈ આડું અવળું પગલું ભરીને બાજી બગાડી ન નાખે એટલે સમજ્યો.’

આંસુ નીતરતી આંખો લુંછતા મિલિન્દ માત્ર એટલું જ બોલ્યો,
‘કેશવના કિરદારમાં તું કોઈ કમી નહીં જ રાખે પણ... હું સુદામાનું પાત્ર ભજવવાને પણ લાયક નથી દોસ્ત.’

‘બસ બસ હવે, આ તો બધી લીલાધરની લીલા છે. હું તો બસ નિમિત માત્ર છું. અને તારા સિવાય મારું છે પણ કોણ ? ફરી આવી વાત ન કરતો.’
સોસાયટીમાં એન્ટર થઈ કાર થોભાવતાં કેશવ આગળ બોલ્યો,
‘હવે ટેન્શન છોડ, આરામથી સુઈ જા. કાલે ફરી મળીશું અને, ગોવિંદની પણ ભાળ મેળવીને હાજર કરીશું, ચિંતા ન કરીશ,’

ગુસ્સો,ગમગીની, આક્રોશ, લાચારી, આત્મગ્લાની જેવી કંઇક દુભાયેલી લાગણીઓ સાથે મિલિન્દ ચુપચાપ કારમાંથી ઉતરી ઘર તરફ ચાલવા લાગ્યો.

પથારીમાં પડ્યા પછી સૂતા પહેલાં મિલિન્દ અને તેના પરિવારને ચરમસીમા સુધી આવી પડેલી સામજિક અને આર્થિક કટોકટી માંથી કઈ રીતે બહાર લાવવા એ રણનીતિ ઘડવાના વિચારો કરતાં કરતાં....

પણ, મિલિન્દની ઊંઘ હરામ થઇ ગઈ હતી. મિલિન્દને એવો ડર પેસી ગયો કે. ગોવિંદનું કારસ્તાન પરિવારના આબરૂનું નીલામ અને આર્થિક પાયમાલી કરીને જ રહેશે. ક્ષ્રણે ક્ષ્રણે કણમાંથી મણ થઈ રહેલી આ અંતહીન વ્યાધિના વ્યાપને કેશવ એકલપંડે કઈ રીતે અવરોધશે ? કદાચને ગોવિંદની બદનામીથી લાગેલા દાગને ધોતાં ધોતાં જિંદગી નીકળી જશે. આવાં કૈંક અમંગળ વિચારોના વંટોળથી મિલિન્દ ઘેરાઈ વળ્યો. છેવટે ભારોભાર મનોમંથનના અંતે એવું વિચાર્યું કે, જશવંત અંકલને મળી આ કમનસીબીની કુંપણ ફૂલીફાલીને વટવૃક્ષ બને એ પહેલાં જડમૂળમાંથી મૂળિયાં સાથે જ વાઢી નાખવી એ જ અંતિમ ઊપાય છે. આખરે.. છેક વહેલી પરોઢે માંડ તેની આંખ મીંચાઈ.
એ પછીના દિવસો પસાર કરવાં એટલે મિલિન્દ માટે જાણે કોઈ આકરા તાપમાં કપરાં ચઢાણ ચડવા જેવા લાગવાં લાગ્યાં. કોઈ પણ ઘડીએ સરેઆમ ગોવિંદનો ભાંડો ફૂટવાના ભયની ભીતિના માથે લટકતા તલવાર જેવા ટેન્શનના એકધારા માનસિક પરિતાપથી મિલિન્દ મનોમન ત્રાહિમામ પોકરી ઉઠ્યો હતો. એકતરફ મિલિન્દના ફોન પરના અધકચરા, પાયાવિહોણા ઉત્તરથી વૃંદા પણ આશ્ચર્ય સાથે અકળાઈ જતી. અને મિલિન્દને પણ ભીતરથી એવી ગ્લાનિના ભાવથી પીડાતો તો કે તે વિસ્તારથી વૃંદાને વાસ્તવિકતાથી વાકેફ નથી કરી શકતો કે, નથી તેના ઘવાયેલા સ્વાભિમાનના દર્દની દાસ્તાન મહેસુસ કરાવી શકતો. વૃંદાના નિસ્વાર્થ નાતાને તે ન્યાય નહતો આપી શકતો તે વાત મિલિન્દને ખૂંચતી હતી. વૃંદા પ્રત્યે મિલિન્દનું શુષ્ક બેહેવીયાર વૃંદા કરતાં મિલિન્દને વધુ અકળાવતું હતું. પણ અત્યારે મિલિન્દ માટે તેની પ્રાથમિકતા હતી.. તેની પ્રતિષ્ઠા અને પરિવાર.

કંટાળીને વૃંદાએ કેશવને અચનાક મિલિન્દના વર્તનમાં આવેલાં પરિવર્તન વિષે પૂછતાં કેશવે કહ્યુ, કે “ શક્ય હોય તો થોડો સમય મિલિન્દને એકલો રહેવા દો.’

મિલિન્દના બંધ બારણાં જેવા સો કૂટપ્રશ્નોના ઉકેલની એક જ કુંચી હતી... પૈસા. જે વૃંદા પાસે હાથવગી હતી. ગહન આત્મમંથનના અંતે વૃંદા તેના માનોમાનિત મંશા પર મનોમન મંજુરી મહોર માર્યા પછી કોલ લગાવતાં બોલી,

‘હેલ્લો, ડેડ. ક્યાં છો ?
‘ઓહ્હ, વ્હોટ એ પ્લેઝન્ટ સરપ્રાઈઝ, બોલ બોલ.. દીકરા ઘરે જ છું. આજે અચાનક કેમ પપ્પાની યાદ આવી ?
‘હાલની અપોઇમેન્ટ મળશે તો, રૂબરૂ વાત કરીએ ?’
‘સુપ્રીમ કોર્ટમાં મેદની વચ્ચે નામદાર જજની સામે સડસડાટ દલીલબાજી કરતાં એડવોકેટ શશાંક સંઘવી સ્હેજ પણ અચકાતો નથી પણ, બસ એક તારી સામે જ મારી બોલતી બંધ થઇ જાય છે, તારા સ્મરણના સમન્સની સામે હું અવગણના કરી શકું એવી મારી હિંમત છે ?.. ચલ આવી જા ફટાફટ ડીનર સાથે લઈશું.’

‘અડધો કલાકમાં આવું છું.’ એમ કહી વૃંદાએ કોલ કટ કરી,

અંતે અંતને અંતિમ રૂપ આપવાં કાર લઈ નીકળી પડી તેમના પિતા શશાંક સંઘવીના મલબાર હિલ સ્થિત બંગલા તરફ.

મુંબઈનું મલબાર હિલ એટલે ધનકુબેરોનો ગઢ. મલબાર હિલની ઊંચાઈ સાથે અરબી સમુદ્રના સાનિધ્યમાં સૂર્યોદય અને સુર્યાસ્તનો લુફ્ત ઉઠાવતાં અમીર લોગના અમીરાતની ઊંચાઈના સંક્ષિપ્ત પરિચય માટે તેમના પોસ્ટલ એડ્રેસમાં ‘મલબાર હિલ’ શબ્દ જ પર્યાપ્ત હતો.

એક સમયના શહેરના ખ્યાતનામ અને પ્રતિભાશાળી નિવૃત ન્યાયાધીશ સ્વ. જુગલદાસ સંઘવીના રુતબા અને રૂઆબને છાજે એવી જાહોજલાલીની ઝાંખીના દર્શન કરાવતા ભવ્ય ‘સંઘવી સદન’ માં વૃંદા કાર લઈ દાખલ થઈ.

ટેનીસ કોર્ટના પ્લે ગ્રાઉન્ડની સાઈઝના વિશાળ ડ્રોઈંગરૂમમાં વૃંદાને એન્ટર થતાં જોઇ આનંદના ઉમળકાના અતિરેકથી રીતસર દોડી વૃંદાને ભેટી પડતાં શશાંક બોલ્યો,

‘આવ્યો... આવ્યો....મારો વહાલનો દરિયો....મારા ખાલીપાની ખોટ અને ઓટ પુરવા મસ્તીના મોજાં સાથે મસ્તીની ભરતી લાવ્યો.’

આજે વર્ષો પછી અચનાક શશાંકના શબ્દો અને સ્પર્શમાં એકસમાન, પિતૃત્વનો અનેરો અને પરમ રોમાંચ અનુભવતા વૃંદાને પણ અચરજ સાથે સુખદાશ્ચર્યની અનુભૂતિ થઈ.

‘ઓહ્હ... પપ્પા... આજે અચનાક આટલું બધું એક સાથે વ્હાલ... કેમ કરીને ઉભરાઈ આવ્યું ? હેન્ડબેગને બાજુમાં મૂકી સોફા પર લંબાવતા વૃંદા બોલી.

લાગણીવશ શશાંક પ્રેમાળ સ્પર્શ સાથે વૃંદાના માથા પર હાથ ફેરવતાં બોલ્યા...

‘યુ આર રાઈટ... તને નવાઈ એટલા માટે લાગશે..કે, વર્ષોથી હંમેશા તું, હું અને વિદ્યા આપણા ત્રણેય વચ્ચે ચાલ્યાં આવતાં અપરીપૂર્ણ, અનિર્ણાયક સંવાદના સિલસિલાથી પરસ્પર એકબીજા પ્રત્યે ખેંચાયેલી અસમાંતર વિચારધારાની રેખાથી રચાયેલા વિસંગત વિચારોના દ્રષ્ટિકોણના ત્રિકોણે ઊભા રહેતા... તને અને વિદ્યાને મારામાં લોયર કરતાં લાયરની લાયકાત વધુ દેખાય છે.’
આટલું બોલીને શશાંક હસવાં લાગ્યાં.

‘પ્લીઝ... પપ્પા...અસંખ્ય વાર, છેક દિમાગની નસો ફાટી જાય ત્યાં સુધી આપણે આ ટોપીક પર ડીબેટ કરી ચુક્યા છીએ. સો પ્લીઝ કેન યુ સ્ટોપ ધીઝ મિનીંગલેસ ટોક રાઈટ નાઉ ?.’

‘યસ.. યોર ઓર્નર. બોલ.. ડીનર રેડી છે, ક્યારે બેસવું છે. ડાયનીંગ ટેબલ પર ?’
રાત્રીના ૮:૪૫ નો સમય જોતાં વૃંદા બોલી

‘પપ્પા, તનની ભૂખ તો રોજિંદી અને સહજ છે, પણ આજે વર્ષો પછી મનની ભૂખ ઉઘડી છે. અને જેના પર મારી કિસ્મત અને કારકિર્દીનો સઘળો દારોમદાર છે, એવાં વર્ષોથી નજર અંદાજની આડમાં પેન્ડીંગ પડેલા મારા જ્ન્માધિકારના કેસનો મહત્વનો ચુકાદો મારી તરફેણમાં આવશે એવી અરજીની મરજી લઈને તમારી અદાલતમાં આવી છું.’

વૃંદાના સંવાદમાં સંભળાતી સંગીન ગંભીરતાને ધ્યાનમાં લઇ, વૃંદાની સામું જોઈ, શશાંક બોલ્યા,
‘તારા તેવર જોતાં લાગે છે કે, આજ મારો દીકરો કેસને રફાદફા કરી અથવા કોર્ટનું જ કોર્ટ માર્શલ કરીને જ જંપશે. ઇન્ટરેસ્ટીંગ. બટ વૃંદાએ પહેલાં મારે જરા....’

‘ડેડ, યુ મીન યુ વોન્ટ ટુ ડ્રીંક ?’ વૃંદાએ પૂછ્યું
સ્હેજ શરમની લાગણી અનુભવતા, સોફા પરથી ઊભા થતાં શશાંક બોલ્યા,

‘આઈ એમ સો સોરી વૃંદા, પણ....વર્ષો પહેલાં વિદ્યાએ અમારા વચ્ચે જડતા અને જિદ્દથી પત્થરની લકીર જેવી ખેંચેલી પાર્ટીશનની રેખા બાદ, મારા ભાગમાં આવેલા, મને દિવસ રાત કોરી ખાતા આ કિલ્લા જેવી કોઠીના ખાલીપાના પડઘાના પ્રતિઘોષ મારા કાનના પડદા ચીરી અને મારી દશા બદલી નાખે, એ પહેલાં સારું થયું કે, હું આ નશાનો આદિ બની ગયો, નહીં તો....આજે હું કોઈ મેન્ટલ હોસ્પીટલની અંધારી ઓરડીમાં મારા ખુદના પડછાયાના ડરથી ફફડીને નામ નહીં પણ પેશન્ટના નંબર માત્રની ઓળખથી પડ્યો હોત. મેં હાલાતના હલ માટે આ લતને અપનાવી છે. પણ.... કયારેય મદીરામાં મર્યાદા નથી ચુક્યો. આજે પચ્ચીસ વર્ષ પછી પણ મારા પ્રોફેશનમાં શશાંક સંઘવીના નામના સિક્કા પડે છે.’


કાયદાના કીતાબોથી ભરપુર અસંખ્ય બુક્સની અલમારીને અડીને આવેલો ઓટોમેટીક રોલિંગ શટર વાળો કબોર્ડ ઓપન કરતાં...મીની બાર જેવા ઇન્ટીરીયરથી સજ્જ એવા ક્બોર્ડમાં ટોપથી બોટમ સુધી ઈન્ટરનેશનલ બ્રાન્ડની સુંદર સજાવટ સાથે ગોઠવેલી કિંમતી વાઈન્સની બોટલ્સ માંથી તેની પસંદીદા જ્હોની વોકર વ્હીસ્કીની બોટલ ઉઠાવી તૈયાર કરેલાં સોડા વોટર મિશ્રિત વ્હીસ્કીના પેગમાં આઈસ ક્યુબ્સને ઘુમાવતાં ઘુમાવતાં આવી સોફા પર બેસતાં શશાંક બોલ્યાં,

‘તું કોઈ સોફ્ટ ડ્રીંક કે જ્યુસ શેર કરીશ ?
પ્રત્યુતરમાં વૃંદા બોલી...
‘હા,પણ એ પહેલાં હું સોફ્ટ ટોનમાં હોટ અને બર્નિંગ ઇસ્યુ જેવો ટોપીક શેર કરવાં માંગું છું.’

હમમ્મ્મ્મ.....વૃંદા, આજની તારી આ અનએક્સેટેબલ, સરપ્રાઈઝ જેવી વિઝીટ અને પઝલ જેવા વાર્તાલાપના પ્રસ્તાવનાની રજૂઆત પરથી મને એવો અંદાજ આવી રહ્યો છે કે, તું આજે કોઈ અતિ મહત્વના નિર્ણાયક અને લડાયક મિજાજના મૂડમાં છો. એમ આઈ રાઈટ ?
વિહીસ્કીના ચિલ્ડ પેગમાંથી ઘૂંટનો આલ્હાદક આસ્વાદ માણ્યા પછી, ગ્લાસ ટીપોઈ પર મૂકતાં શશાંકે પૂછ્યું.
મુલાકાતના અસલી મર્મને સંક્ષિપ્તમાં સમજાવતાં વૃંદા ઉત્તર આપતાં બોલી.

‘યસ, બીકોઝ કે, યોગ્ય સમયે, યોગ્ય તક, ન ઝડપી શકવા માટે યોગ્ય નિર્ણય શક્તિના અભાવનો ટોપલો આપણે તકદીર પર ઢોળીને આજીવન કિસ્મતને કોસવા કરતાં ખુદ પર ભરોસો કરી એકવાર જિંદગીનું જુગટું રમી લેવું જોઈએ, એવું હું માનું છું.’
વૃંદાની વજનદાર વાતને માન્યતા સાથે સંકેત આપતાં તેના બન્ને કાન પકડીને બોલ્યાં,

‘શત્ત પ્રતિશત સહમત છું, તારી આ વાત સાથે.’

‘આ ઠોસ વાત પરથી મારા ઓલ્ડ ટાઈમ ફેવરીટ દેવસાબનું સોંગ યાદ આવી ગયું... ‘અપને પે ભરોસા તો યે દાવ લગા લે...’ ગીત ગણગણતાં શશાંક આગળ બોલ્યાં... ‘પણ બેટા, હવે વાતના મુખ્ય મુદ્દા પર આવતો કૈક ખબર પડે.’

થોડી ક્ષણો ચુપ રહ્યા પછી...વૃંદા બોલી...
‘પપ્પા...મારી અપેક્ષા માટે તમારાં અક્ષયપાત્રના વ્યાપની કેટલી ધારણા કરી શકું ?

‘આ જવાબમાં માત્ર એટલું જ કહીશ... ‘તથાસ્તુ’... તું જે વિચારી પણ ન શકે એ તારું બસ.’ બિન્દાસ સ્વરમાં શશાંક બોલ્યાં
‘પણ.. પપ્પા મને સંપતિ અને સંમતિ બન્ને તમારા રાજીપા સાથે જોઈએ છે.’
વૃંદા બોલી.
‘તેના માટે તને કોઈ શંકાની ધારણા છે ?’ શશાંકે પૂછ્યું,
‘હા’ વૃંદા બોલી
‘પણ એવું પણ બને કે, તારી ધારણા ખોટી પણ પડે.’ ફરી શશાંક બોલ્યાં.

‘આઈ વિશ કે, એવું બને.’
થોડી વાર માટે ચુપ રહ્યા પછી વૃંદાની સામે જોઈ, સ્હેજ આંખો ઝીણી કરતાં શશાંકે પૂછ્યું...

‘વૃંદા તું....... લગ્ન કરવાનું વિચારી રહી છે. ?
-વધુ આવતાં અંકે