એક ચુટકી સિંદૂર કી કિંમત - 12 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચુટકી સિંદૂર કી કિંમત - 12

પ્રકરણ-બારમું/૧૨

‘મતલબ કે, એક સદ્ધર અને સંપતિ સંપ્પન પરિવારની એકમાત્ર દીકરી હોવા છતાં તેમનામાં મિલકતની મોટાઈ અથવા ઊંચનીચના ભેદભાવનો કોઈ અંશ નથી. લાસ્ટ યર ચિત્રા મેડમના ફેમીલી સાથે જયારે અમે સૌ બે દિવસ માટે મહાબળેશ્વર ગયા હતાં ત્યારે મને વૃંદા મેડમની પ્રશાંત અને તરલપ્રકૃતિનો પરિચય થયો. મારી સમજણ મુજબ જ્યાં સુધી હું તેના અંગતસ્વભાવથી અવગત છું, તેના પરથી એટલું કહી શકું કે, તું જેટલો તેમની નજીક છે ત્યાં સુધી કોઈ સરળતાથી ન પહોંચી શકે.’

‘મતલબ ?’ મિલિન્દે પૂછ્યું,

‘મિલિન્દ, હવે તને નથી લાગતું કે છતી આંખે તું અંધની ઓવર એક્ટિંગ કરી રહ્યો છે ? વૃંદા મેડમનો ફ્રેન્ડ તું છે, અને એ પણ ક્લોઝ. તો હવે આ મીંઢાની જેમ નાના બાળકની જેમ મોઢાંમાંથી ચુસણી કાઢ અને મનમાં જે ગલગલીયા થાય છે તે કહી દે. સમજ્યો.’
મિલિન્દની અતરંગ અભિલાષાના અંદેશાની દિશાનો તાગ મેળવવા મજાકમાં મિલિન્દની ખેંચાઈ કરતાં કેશવ બોલ્યો.

નરોવા કુંજરોવા જેવી તેની મનોસ્થિતિ પર હસવું આવતાં મિલિન્દ હસતાં હસતાં બોલ્યો..

‘અરે...હદ કરે છે તું તો. બેગાની શાદીમેં અબ્દુલ્લા દીવાના જેવી વાત છે. અમે બન્ને ખુબ સારા મિત્રો છીએ. ધેટ્સ ઈટ. હું સ્વીકારું છું કે અમને એકબીજાને અમારી જન્મજાત તાસીર સાથે સારો એવો તાલમેળ બેસે છે, બસ. તને ફરી ફરીને બસ પેલા ફકીરનો ફતવો સાંભરીને તારી મતિ મારી ગઈ ગઈ છે.’

‘ઠીક છે યાર, એ તો આવનારો સમય જ કહેશે કે, એ વૈરાગીનું વિધાન તમને વિધિવર્તુળના કોઈ એક મધ્યબિંદુના સંગમ જોડે, જોડે છે કે, સૌભાગ્ય તમને અનામ સગપણની સમાંતર રેખાના બન્ને અંતિમ છેડાના બિંદુ તરીકે જોડે છે.’
આવનારા અંદેશાનો અવતારો આપતાં કેશવબોલ્યો

વાતનો મુદ્દો ચેન્જ કરતાં મિલિન્દ બોલ્યો,
‘પણ ચિત્રા દીવાનને શું કામ હતું ?
‘નેક્સ્ટ વીક કોઈ લીટરેચરના ફંક્શન માટે તેમને બે દિવસ માટે પાંચ લક્ઝુરીયસ કાર્સની જરૂર છે, તો મને મને કહે કે બધું એરેજમેન્ટ મારે કરવાનું છે.’

ઠીક બપોરના અઢી વાગ્યાની આસપાસ કેશવે મિલિન્દની સોસાયટી સામે કાર સ્ટોપ કરી. એટલે મિલિન્દ બોલ્યો..
‘ચલ ઘરે, લંચ કરીને નીકળજે.’
‘ઠીક છે, તું પહોચ હું ફ્રેશ થઈને આવ્યો દસ જ મીનીટમાં.’

સાંજના આશરે ૭:૪૫ ના સમયે ઓફિસેથી નીકળવાના પંદર મિનીટ પહેલાં વૃંદા, ચિત્રા જોડે તેની ચેમ્બરમાં બેઠી હતી ત્યાં ચિત્રા બોલી..

‘વૃંદા તે મારા સવાલનો જવાબ ન આપ્યો..’
‘કયો સવાલ ? વૃંદાએ પૂછ્યું
આંખો સ્હેજ ઝીણી કરી વૃંદા સામે જોઇ ચિત્રા બોલી..
‘જાન કે અનજાન બનના તો કો તુમસે શીખે... મારો ઈશારો મિલિન્દ તરફ છે..’

‘ચિત્રા, સાવ નિખલાસતાથી કહું તો ખુબ ટૂંકા સમયગાળામાં મિલિન્દ મારો નજીકનો ખુબ સારો દોસ્ત બની ચુક્યો છે. મારા મનગમતાં સાથી સાથેના સંગાથ માટે મને જે જોઈએ એ સરળ, સાદગી, સૌમ્ય અને શાંત જેવા સઘળા સત્વથી મિલિન્દ માલામાલ છે. અને સૌથી વધુ ટચ કરતી બાબત નાની ઉંમરમાં તેની પાકટ પરિપક્વતા.’

મિલિન્દ પ્રત્યેના અદ્રશ્ય આકર્ષણની સ્તુતિવંદના વૃંદાએ સુંદર શબ્દ સંયોજનથી પ્રસ્તુત કરતાં કરતાં વૃંદાની નજરોમાં ઉભરી આવેલી ચમક જોઈ વૃંદા કરતાં ચિત્રા અધિક આનંદિત હતી. ચિત્રા પ્રથમ વાર વૃંદાના શકલ અને શબ્દોમાં પ્રસન્નચિત સાથે આવેલી એક અનેરી નિર્મળ અને નિખાલશ નિજાનંદની લહેર જોઈ રહી રહી હતી.

વૃંદાની હથેળી તેની બંને હથેળીઓ વચ્ચે દાબીને ભાવવશતા સાથે ચિત્રા બોલી..
‘રીયલી આઈ એમ ટુ મચ હેપ્પી.’

બસ, આ રીતે સરકતાં સમયચક્રની સાથે સાથે નિયમિત મિલિન્દ જોડે ટેલીફોનીક વાર્તાલાપથી જોડાયેલી વૃંદા ધીમે ધીમે તેના જન્મજાત સોહાર્દ સ્વભાવગત પ્રકૃતિને આધીન થઈ મિલિન્દ પ્રત્યે સહજ અને સુક્ષ્મ સ્પંદન અને સંવેદનાના સ્ફૂરણાની સાથે સાથે અજાણ સગપણના સાલોણા સ્વપ્નમાં રાચવા લાગી..

તો આ તરફ મિલિન્દ તેની આર્થિક અને સામાજિક સંયોગસ્થિતિથી સપૂર્ણપણે સભાન હોવા છતાં ક્યાંક ઊંડે ઊંડે વૃંદાનું સાનિધ્ય ઝંખતો. પણ અંતે કોઈપણ વસ્તુસ્થિતિની પ્રાથમિકતાના અગ્રિમક્રમમાં તો તેનો પરિવાર જ રહેતો.

બે વીક બાદ....શનિવારની સાંજે
આશરે સાડા સાત વાગ્યે મિલિન્દ જેવો તેની ઓફિસની બહાર નીકળીને સ્ટેશન તરફ ચાલતા ચાલતાં જઈ રહ્યો હતો ત્યાં, તેનો મોબાઈલ રણક્યો, જીન્સના ફ્રન્ટ પોકેટમાંથી મોબાઈલ હાથમાં લઈ જોયું તો ધારણા સાચી પડી. વૃંદાનો જ કોલ હતો.

‘હા, બોલ વૃંદા.’
‘ના, બોલીશ નહીં, મારો હક્ક સમજીને સીધો હુકમ જ કરીશ.’ વૃંદા બોલી.
‘અચ્છા, હુકમ મેરે સરકાર.’ મિલિન્દ બોલ્યો
‘આવતીકાલે સાંજે ઠીક આઠ વાગ્યે યશવંત નાટ્ય મંદિર પહોંચી જવાનું છે, ઓ,કે.’
‘કોઈ ખાસ પ્રોગ્રામ છે ?’ મિલિન્દે પૂછ્યું.
‘ઓયે.. હોય કે ન હોય, હું કહું છું, એટલે આવી જવાનું બસ. ઓર્ડેર બાય વૃંદા સંઘવી સમજ્યો.’
‘ઓ.કે.યાર આવી જઈશ બસ.’

‘અરે...આવી જઈશ મતલબ ? સાવ નિરસ સૂરમાં એવી રીતે રીએક્ટ કરે છે જાણે કે કેમ કોઈ ઉપકાર કરતો હોય. સમ ટાઈમ્સ યુ આર લાઈક ટોટલી અનરોમાન્ટિક. મારે શું કરવું તારું ? કંઈ નહીં તું આવતીકાલે મળે એટલી વાર છે જો તું.’


નેક્સ્ટ ડે...
ખુશનુમા વાતાવરણમાં સન્ડેના સંધ્યાસમયે ઠીક ૭:૪૫ મિલિન્દે હોલ પર આવીને જોયું તો આશ્ચયચકિત થઇ ગયો...ભારતીય ક્લાસિકલ સંગીતની દુનિયાના જગવિખ્યાત દિગ્ગજ સંગીત સમ્રાટ, અમઝદ અલી ખાં, હરિપ્રસાદ ચોરસિયા અને ઝાકીર હુસેનના ત્રિવેણી સંગમનો અમુલ્ય અવસર જેવો કલાસિકલ સંગીત સમારોહનો કોન્સર્ટ હતો... હજુ મિલિન્દ તેના સુખાદાશ્ચર્ય આંચકાની અસરમાંથી બહાર આવે એ પહેલાં અચાનક મિલિન્દની બેક સાઈડથી આવી વૃંદાએ તેની પીઠ પર હળવો ધબ્બો મારતાં બોલી..

‘વેલકમ રાજકુમાર.’
બ્લ્યુ કલરના જીન્સ પર ની લેન્થ સુધીના ખાદીના વ્હાઈટ કલરના ઝબ્ભામાં આછી પાતળી દાઢી અને ફેશનના વ્હાઈટ ગ્લાસના ગોગલ્સમાં મિલિન્દનો લૂક અત્યંત કૂલ અને આકર્ષક લાગતો હતો...... સ્લીવલેસ પીચ કલરની લેટેસ્ટ ફેશનની ફૂલ લેન્થ લખનવી કુર્તી અને વ્હાઈટ કલરના સિલ્ક ચીકન પ્લાઝોના વસ્ત્ર પરિધાનમાં તરોતાઝા ગુલાબ જેવી મહેંકતી વૃંદાને જોતાં જ મિલિન્દની નજર તેના પર સ્થિર થઇ ગઈ...થોડીક ક્ષ્રણો પછી મિલિન્દની આંખો સામે ચપટી વગાડીને તંદ્રા માંથી જગાડતી હોય એમ વૃંદા બોલી....

‘ઓ સંગીત સમ્રાટ... ધ્યાન કિધર હૈ ?

‘અરે.. એક તો આ બીગ બીગ સસ્પેન્સ જેવા અનએક્પ્સેપટેબલ સરપ્રાઈઝના સુખદ આંચકા માંથી હજુ બહાર આવું ત્યાં તું...આજે જાણે વિશ્વ સુંદરી જેવા ગેટઅપમાં તને આટલી ખુશખુશાલ જોઈને તારી ઓરા અને અચરજના સર્કલમાંથી આજે બહાર આવવું મુશ્કિલ છે.’
અભૂતપૂર્વ આશ્ચર્યવત થઈ મિલિન્દ બોલ્યો.

મિલિન્દના મનરંજનનો મલકાટ અને પરમ પ્રસન્નતા તેના મુખારવિંદ પર ઝલકતી જોઈ વૃંદાનું રોમ રોમ રોમાંચિત વધુ થઇ ઉઠ્યું.

હજુ મિલિન્દ તેની વાત પૂરી ત્યાં.. એનાઉન્સમેન્ટ થયું કે.. કાર્યક્રમ શરુ થતાં હજુ આશરે ત્રીસેક મિનીટનો વિલંબ થશે.

હોલની બહાર કાફી ભીડ હતી...

હોલની ડાબી તરફ પર રીફ્રેશ્મેન્ટ કાઉન્ટર જોતાં વૃંદા બોલી..
‘ચલ.. મિલિન્દ એક એક કપ ચાય હો જાએ.’

‘ઓ શ્યોર..’

ધીમે ધીમે ભીડમાંથી રસ્તો કાઢતાં બંએન્ને રીફ્રેશ્મેન્ટ કાઉન્ટર પર આવી મસાલા ચાય લીધી.

ચાનો ઘૂંટડો ભરતાં મિલિન્દ બોલ્યો...

‘વૃંદા...સંગીતની ધરોહર જેવા આટલા મોટા વિદ્વાન અને દિગ્ગજ સંગીત મહારથીઓનું હું સાક્ષાત રસપાન કરી શકીશ એવું અતાર્કિક અનુમાન તો મેં ક્યારેય નહતું કર્યું. પણ, મને ખ્યાલ છે ત્યાં સુધી ટીકીટના દર ખુબ જ ઊંચા હશે.. તો આટલો ખર્ચો શા માટે ?

ચાની સીપ ભરતાં મિલિન્દની આંખોમાં જોઈને પૂછ્યું..
‘મિલિન્દ, મને કહીશ કે, મનની પ્રસન્નતાનું મુલ્ય કેટલું ?
‘અણમોલ.’
‘બસ તો, એક જ સમયે, એક જ સ્થળે, એક જ વ્યક્તિ સાથે અરસા બાદ રચાતાં કોઈ અભૂતપૂર્વ ખગોળીય ઘટના સમા સાનિધ્યના સમીકરણને સમજવા કરતાં માણવા અને વાગોળવાની હોય, સમજે મેરે તાનસેન ?

‘તને આજે કેવા નવા નવા ઉપનામ સુજે છે.. રાજકુમાર, સંગીત સમ્રાટ, તાનસેન.’ સ્હેજ હસતાં મિલિન્દે પૂછ્યું.


‘તારું તો રોજ નયા દિન નઈ રાત જેવું છે.. સાચે જ તું સખ્ત મૂડી છો યાર. મને લાગે છે કે, તારા દિમાગનું વાયરીંગ ઈશ્વરે ઉતાવળમાં કર્યું લાગે છે, ગમે ત્યારે શોર્ટ સર્કિટ થઇ જાય. કયારેક તને વિચારું તો પેલું સોંગ યાદ આવે..’

‘ક્યુ ?
‘પત્થર કે ફૂલ’ નું.. ‘કભી તું છલિયા લગતા હૈ.. કભી દિવાના લગતા હૈ...કભી જૂગ્નું...કભી જંગલી..’ આટલું બોલી વૃંદા હસવાં લાગી..

‘શું કરું, તારા બેડલક કે આ ડીફેકટીવ પીસ તારા નસીબમાં જ ભાટક્યું..?
મિલિન્દ બોલ્યો..

‘ડીફેક્ટીવ નહીં..તું દુર્લભ મોતી છે, અને ભાટક્યો નહીં ભાગ્યમાં ભળ્યો છે, સમજ્યો..’
વૃંદા બોલી
‘એક વાત કહું વૃંદા ?’
‘ના, બીજી કહે.’ આમ બોલીને વૃંદા ખડખડાટ હસતાં હસતાં આગળ બોલી..
’બોલ’
‘હમણાં નહીં.. કાર્યક્રમ પૂરો થયાં પછી..’
‘અચ્છા ચલ હવે હોલમાં એન્ટર થઈ જઈએ.’
હજારો સંગીત રસિકોની ભીડ વચ્ચેથી હળવે હળવે નીકળીને બન્ને ગોઠવાયા હોલના સેન્ટરમાં આવેલી તેમની બેઠક પર.

મિલિન્દના ચહેરા પરનો અનેરો ઉત્સાહ, ઉમળકો અને ઉત્તેજના જોઇને વૃંદાને લાગતું હતું કે આ ઘડીની મહત્તા મિલિન્દ માટે કોઈ ઉત્સવથી કમ નહતી. વૃંદાને ખુશી એ વાતની હતી કે મિલિન્દને ઓચ્છવ જેવા લાગતાં આ ઉમંગની તે નિમિત હતી,

કાર્યક્રમનો પ્રારંભ થયો...તેમના આદર્શ સંગીત સમ્રાટના સરગમની સુરાવલિમાં તલ્લીન થઈ મિલિન્દ જીવનની શ્રેષ્ઠત્તમ ક્ષણોની અનુભૂતિના અનુભવનો આનંદ માણી રહ્યો હતો અને વૃંદા મિલિન્દના પરમસુખની પ્રતીતિના અહેસાસની સાથે સાથે આ સુવર્ણ અવસર પર મિલિન્દના સાનિધ્યમાં આ અવિસ્મરણીય સ્મરણની એક એક ક્ષ્રણોને ગૂંથીને એક સળંગ સ્નેહશ્રુંખલાનું સર્જન કરી રહી હતી..


બે કલાકના કાર્યક્રમની પુર્ણાહુતી પછી.. જયારે બન્ને હોલની બહાર વૃંદાની કારમાં ગોઠવાયા બાદ.. ચુપચાપ બેસેલાં મિલિન્દને વૃંદાએ પૂછ્યું..

‘હેય.. ક્યાં ખોવાઈ ગયો ?
‘આજની આ શાનદાર સંધ્યાના રોમાંચિત રસમાધુર્યનું શબ્દનિરૂપણ કરવું અશક્ય છે.
એમ થાય કે ઘડીભરમાં જિંદગીભરના સંભારણાનું ભાથું બાંધી લીધું. નિશબ્દની સાથે સાથે તારો આભારી પણ છું વૃંદા.’ સંવેદનશીલ સ્વરમાં મિલિન્દ બોલ્યો..

‘અરે..ઓ આદર્શની પૂછડી...હું તને અહીં કોઈ કથા સાંભળવા નથી લાવી. આ ભાર ને, ઓલો ભાર એ બધું તારી પાસે રાખજે સમજ્યો..ચલ બોલ હવે.. ક્યાં જઈશું ? મારા પેટમાં તો બિલાડા બોલે છે.’

‘ચોપાટી જઈશું ? મિલિન્દ બોલ્યો.
‘બેસ્ટ આઈડિયા. પણ તું કંઇક કહેવાનો હતો મિલિન્દ, શું વાત હતી ?
‘આજે નહીં..નેક્સ્ટ ટાઈમ.’ મિલિન્દ બોલ્યો..
‘હમમમ.. ઠીક છે નેક્સ્ટ ટાઈમ પણ,, એક શરતે..’ વૃંદા બોલી..
‘કઈ શરત ?
‘કોલ પર નહીં, રૂબરૂ મળીને જ વાત કરીશું તો જ.’
‘ઓ.કે. ડન.’
આશરે બારેક વાગ્યા પછી ચોપાટી પરથી બન્ને છુટ્ટા પડ્યા..

-વધુ આવતાં અંકે..