જ્યંતભાઈ, ઇન્દુબેન અને કામિની સિવાયના પરિવારના તમામ સભ્યોને ટ્રેન મળી ગઈ હતી. હવે જ્યંતભાઈ પાસે વધુ વિકલ્પો હતાં નહીં. ક્યાં તો સ્ટેશન પર ઉભા રહીને બીજી ટ્રેનની રાહ જોવી રહી અથવા તો બિસ્તરા પોટલાં લઈને પાછા ઘેર ભેગાં થવું. પણ ઉત્સાહ સાથે ગોઠવેલો ગામ જવાનો કાર્યક્રમ રદ્દ થઈ જશે તો પરિવારના સદસ્યો નિરાશ થઈ જશે. એવું વિચારીને તેમણે સ્ટેશન પર બીજી ટ્રેનની રાહ જોવાનું નક્કી કર્યું. તે સમયે અત્યારની જેમ ટ્રેનની ફ્રિકવન્સી હતી નહીં એમાં પણ ગુજરાત ભણી જતી બધી ટ્રેનો તમામ સ્ટેશન પર ઉભી રહેતી પણ ન હતી. સાંજ થઈ ગઈ હતી. ત્યાં ગુજરાતની ટ્રેનનું એનાઉન્સમેન્ટ થયું. જ્યંતભાઈ અને ઇન્દુબેનને હાશકારો થયો. થોડીવારમાં તો ટ્રેન સ્ટેશન પર આવી ગઈ. વિરાર સ્ટેશન ગયું ત્યાં તો બેસવાની જગ્યા પણ મળી ગઈ. હવે બધું હેમખેમ પાર પડશે. એવું વિચારીને તેઓ ખુશ થવા લાગ્યાં હતાં પરંતુ તેઓને ક્યાં ખબર હતી કે થોડા કલાકમાં જે ઘટના તેમની સાથે ઘટવાની છે તે તેમને આજીવન યાદ રહી જશે.
વિરાર ગયું, દહાણુ ગયું પણ પછી ટ્રેન જાણે ગોકળગાયની ગતિએ ચાલી રહી હોય તેમ ચાલવા લાગી. રાત વધુ ઘેરી બનતી જતી હતી. ત્યારે તો રાતના ૧૦ વાગે એટલે પણ અર્ધ રાત્રીના જેવો માહોલ બની જતો હતો. દહાણુથી ઉદવાડા સુધી આવતાં ત્રણ કલાક લાગી ગયાં. હવે પછીના સ્ટેશને ઉતરવાનું હતું. ત્યારે ઘડિયાળમાં ૧૧ વાગી ગયાં હતાં. તેઓ જે સ્ટેશને ઉતરવાનાં હતાં ત્યાં આમપણ વધુ ટ્રેનો ઉભી રહેતી નહતી. જ્યંતભાઈએ ઘડિયાળમાં જોયું ૧૧ વાગ્યાં હતાં. હવે તેઓ ચિંતામાં મુકાઈ ગયાં કે સ્ટેશન પર આ સમયે ઉતરીને ગામમાં જશું કેવી રીતે. આ સમયે તો કોઈ ટાંગાવાળો પણ ન હશે અને બે સ્ત્રીઓ સાથે સ્ટેશન પણ રાતવાસો કરવો પણ શક્ય નથી. આ ટ્રેનમાં બેસી રહીને આગળ જતાં રહીએ એવું પણ જ્યંતભાઈના મગજમાં આવ્યું પણ કોઈ અજાણ સ્ટેશન પર પણ ઉતરીને ક્યાં જઈશું. તેમને ઇન્દુબેનની તરફ જોયું. ઇન્દુબેનના મનમાં પણ આજ મુંઝવણ ચાલી રહી હતી તે તેમના ચહેરા પર સ્પષ્ટ રીતે જ્યંતભાઈ જોઈ રહ્યાં હતાં.
જ્યંતભાઈ કંઈ કહે એ પહેલાં તો ઇન્દુબેને તેમનાં કાનમાં પહેરેલી બુટ્ટી કાઢીને પર્સમાં મૂકી દીધી. ગળામાં એક શૅરનું મંગળસૂત્ર અને હાથમાં એક એક સોનાની બંગળી પહેરેલી હતી. ત્યારના સમયમાં પરણેલી સ્ત્રીઓ ગળામાંથી મંગળસૂત્ર અને હાથમાંથી બંગળી કાઢતી ન હતી. એટલે તેમણે સાડીના છેડાને એવી રીતે ગાળાની ફરતે વિટાળી દીધો હતો કે જોનારને ખબર ન પડે કે તેમણે ગળામાં કંઈ પહેર્યું છે કે નહીં. આ સમગ્ર જોઈને જ્યંતભાઈ સમજી ગયાં કે ઇન્દુએ આ જ સ્ટેશન પર ઉતરવાનું નક્કી કરી લીધું છે અને રાત્રીના સમયે કોઈ અઘટિત ઘટનાં ન ઘટે એટલે તેણે સાવચેતીના પગલાં રૂપે તેણે દાગીના છુપાવી દીધાં છે. એટલાંમાં ટ્રેનની ગતિ ધીમી પડવા લાગી ટ્રેનના દરવાજામાંથી સ્ટેશન પર મુકવામાં આવેલા ફાનસની આછી લાઈટ દેખાઈ રહી હતી. સ્ટેશન આવ્યું. ટ્રેનમાં બધાં ઘોર નિંદરમાં સુઈ રહ્યાં હતાં. બે ચાર જણ જાગતાં હતાં એટલે તેમને થયું કે આ લોકો પણ કદાચ અહીં જ ઉતરવાના હશે. એટલે નિરાંત અનુભવી. સ્ટેશન આવ્યું અને ટ્રેનમાંથી જ્યંતભાઈ, ઇન્દુબેન અને કામિની સ્ટેશન પર ઉતર્યા. ઉતરીને તેઓએ પાછળ વળીને જોયું તો ટ્રેનમાંથી ઉતરનારા માત્ર તેઓ ત્રણ જ હતાં. ટ્રેન પણ બે મિનિટ બાદ સ્ટેશન છોડીને જતી રહી. સ્ટેશનના બે છેડે મુકેલાં બે ફાનસના પ્રકાશ સિવાય બીજો કોઈ પ્રકાશ દેખાતો નહતો. હદયના ધબકારાનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. આટલી નીરવ શાંતિમાં ડગલું પણ આગળ ભરાતું નહતું. અહીં સુધી એકબીજા સામે જોવા માટે પણ માથું ફેરવવાની હિંમત નહોતી થઈ રહી. ત્યાં માંડ જ્યંતભાઈએ હિંમત એકઠી કરીને પત્ની અને પુત્રી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો જ ત્યાં.....
(ક્રમશઃ)