એ કોણ હતાં? Darshini Vashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

એ કોણ હતાં?

મધ્યરાત્રીના સમયે નાનકડા સ્ટેશન પર મોડી પડેલી ગાડી આવીને ઉભી રહે અને તેમાંથી ઉતરીને સુમસામ સ્ટેશન પર ઉભા રહેવાનો વારો આવે ત્યારે કેવી હાલત થતી હશે તે દ્રશ્ય અને તેની અનુભૂતિ કેવી હોય છે તે આપણે ઘણી ફિલ્મોમાં જોઈ ચુક્યાં હોઈશું પરંતુ આ કોઈ કાલ્પનિક ઘટના નથી પણ વાસ્તવમાં બનેલી સત્ય ઘટના છે. આજથી આશરે ૫૦ વર્ષ પૂર્વે જ્યારે આધુનિક સગવડો ન હતી તેવા સમયે આધેડ વયના કપલ તેની યુવાનીમાં પ્રવેશ કરી રહેલી દિકરી સાથે એક જાણીતાં છતાં રાત્રીના સમયે અત્યંત ભયંકર લાગતાં એક નાના સ્ટેશન પર ઉતરે છે ત્યારથી લઈને તેમનાં મુકામ સુધી પહોંચવા સુધીના માર્ગમાં તેમની સાથે જે ઘટનાઓ ઘટે છે તે કોઈને પણ હચમચાવી મુકે તેવી છે.

મુંબઈમાં સરકારી નોકરી કરતાં જ્યંતભાઈ અને પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતાં તેમની પત્ની ઇન્દુબેન તેમનાં બહોળા પરિવાર સાથે દક્ષિણ મુંબઈની એક ચાલીમાં રહેતાં હતાં. તેમને બે દીકરા અને એક દિકરી એમ ત્રણ સંતાન હતાં. જ્યંતભાઈની સાથે તેમનાં બે ભાઈ અને ઇન્દુબેનના એક ભાઈ અને એક બહેન પણ રહેતાં હતાં. આજથી પાંચ છ દાયકા પૂર્વે મોટેભાગે દરેક ઘરોમાં આવી જ પરિસ્થિતિ રહેતી હતી. ઘર નાના પણ મન મોટા હતાં.

જ્યંતભાઈ અને ઇન્દુબેન બન્ને નોકરી કરતાં હોવાની સાથે કુટુંબની બધી જવાબદારી તેમનાં માથે હતી. નાના ભાઈ બહેનોને ભણવાવાથી માંડીને ગામમાં રહેતાં તેમની બા ને પૈસા મોકલાવવા સુધીનું બધું તેઓ બન્ને મળીને જ કરતાં હતાં. કમાણી કરતાં ખર્ચ વધારે રહેતો હોવાથી તેઓ બન્ને ટ્યુશન પણ કરતાં જેથી ઘરખર્ચ ચાલી શકે. આવી સ્થિતિ હોય ત્યાં બહાર ફરવા જવાનો વિચાર પણ કોને આવે. માંડ ઉનાળાના વેકેશનમાં બાળકોને લઈને પોતાને વતને જવા નીકળી શકતાં હતાં. આવા જ એક ઉનાળાના વેકેશનની વાત છે જયારે જ્યંતભાઈ તેમના ફૅમિલી સાથે ગામ જવા માટેનો પ્લાન બનાવી રહ્યાં હતાં. જ્યંતભાઈનું વતન દક્ષિણ ગુજરાતમાં વલસાડ નજીક હતું. તે વર્ષે તેમનાં ગામમાં મંદિરનો પાટોત્સવ થવાનો હતો એટલે તમામ સભ્યો માટે ટ્રેનની ટિકીટ કઢાવી હતી. ત્યારે પાટોત્સવ એટલે ગામમાં મોટો તહેવાર. આખું ગામ ભેગું થાય. દીકરીઓને અને તેમનાં સાસરિયાને આમંત્રણ મોકલાવે. તમામ કુટુંબના સભ્યો ભેગા મળે અને બે-ત્રણ દિવસ ખાઈ-પી ને જલસા કરે.

પાટોત્સવ માટે જવાનો દિવસ આવી ગયો. જ્યંતભાઈના ઘરના સભ્યો નીકળવા માટે બૅગ પેક કરીને તૈયાર થઈ ગયાં હતાં. જ્યંતભાઈની દિકરી તેની બહેનપણીના લગ્નમાં ગઈ હતી એટલે તે હજી ઘરે આવી નહતી. અને બીજી બાજુ ટ્રેન પકડવાનો સમય પણ નજીક આવતો જતો હતો. હવે તો જેમ જેમ કાંટો આગળ વધે તેમ તેમ તેમને ગભરાટ થવા લાગ્યો કે ટ્રેન તો ચુકી ન જવાઈને. એટલામાં ઇન્દુબેન બોલ્યાં,' જુઓ કામિનીના પપ્પા મેં તમને કાલે જ કહ્યું હતું કે આજે દોડાદોડી છે તો કામિનીને લગ્નમાં જવાની ના પાડજો પણ તમે મારું ન સાંભળ્યું. જોયું, કેટલા વાગ્યાં છે જો આપણે પાંચ મિનિટમાં નહીં નીકળી શકીશું તો ટ્રેન ચુકી જઈશું અને પૈસા જશે તે અલગ.' એટલામાં જ્યંતભાઈ બોલ્યા,' અરે, મને થોડું સ્વપ્ન આવ્યું હતું કે તેને આટલું મોડું થઈ જશે. નહીં તો તેને મેં ચોક્કસ ના જ પાડી દીધી હોત. એક કામ કરીએ હું કામિની માટે ઉભો રહું છું તું બાકી બધાં સાથે નીકળી જા. એકના માટે થઈને બધાંની ટ્રેન ચૂકવી ન જોઈએ. કામિની જેવી આવશે કે હું ઝટ તેને લઈને સ્ટેશન પર પહોંચું છું.'

ઇન્દુબેને કહ્યું,' ના, હું પણ તમારી સાથે રોકાવ છું. કામિની હજી આવી નથી. એટલે હું ઉંચક જીવે ઘરની બહાર નીકળી નહીં શકું.'

જ્યંતભાઈએ તેમના બે દિકરાઓને કીધું કે તમે બન્ને કુટુંબના અન્ય સભ્યોને લઈને સ્ટેશન પર પહોંચો અમે તમારી પાછળ જ આવીએ છીએ. પહેલાં તો દિકરાઓએ પોતે રોકાય ને તેમને જવા માટે કહ્યું પરંતુ ત્યારના સમયમાં પિતાની સાથે દલીલ કરવાની કોઈની હિંમત રહેતી નહીં એટલે તેઓએ પપ્પાનું કહ્યું માનીને પરિવારના અન્ય સદસ્યો સાથે સ્ટેશન પર જવા નીકળી ગયાં. પાંચેક મિનિટ થઈ હશે ત્યાં કામિની ભાગતી ભાગતી ઘરે આવી અને માફી માંગતા કહ્યું કે 'લગ્નમાં બહેનપણીની તબિયત બગડી પડી હતી એટલે નીકળતાં મોડું થયું એટલે મને માફ કરી દો.' જ્યંતભાઈએ કીધું હવે વિગતે પછી વાત કરજે પહેલાં જલ્દી કપડાં બદલીને આવી જા. હવે નસીબ હશે તો જ ટ્રેન મળશે. ઇન્દુબેન ગભરાયાં. તેમને જલારામ બાપા પર અતૂટ વિશ્વાસ હતો. એટલે તેમણે મનોમન પ્રાર્થના કરી અને કહ્યું કે' બાપા સુખરૂપે અમને ટ્રેન પકડાવજે.'

ઘર બંધ કરીને ત્રણેય સ્ટેશન તરફ જવા નીકળી ગયાં. ટ્રેન છૂટવાનો સમય થઈ ગયો હતો. ભાગીને તેઓ સ્ટેશન પર પહોંચ્યાં ત્યાં ટ્રેન શરૂ થઈ ગઈ. તેમના પરિવારજનો બારીમાંથી હાથ હલાવીને તેમને જલ્દીથી અંદર આવવા બોલાવી રહ્યાં હતાં પરંતુ તેઓ દરવાજા સુધી પહોંચે એ પહેલાં ટ્રેન સ્ટેશન છોડી ચુકી હતી. હવે તે ત્રણ પાસે બે જ વિકલ્પ બચ્યાં હતાં ક્યાં તો બીજી ટ્રેન પકડીને ગામ નીકળી જવું ક્યાં તો ઘરે પરત ફરવું.