ભજિયાવાળી - 11 Pradip Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભજિયાવાળી - 11

પ્રવાહ

હું, ગ્રીષ્મા અને રામ ઘર તરફ જતા હતા. ગ્રીષ્મા મૌન હતી અને ત્રાંસી નજરે મને વારંવાર જોતી હતી. 'હવે હાથમાં સારું છે ?' એ ધીમા અવાજે બોલી. ગ્રીષ્માના શબ્દો પરથી લાગ્યું કે તેના મનમાં હજી અપરાધભાવ છે. મેં કહ્યું, 'હવે તો એકદમ સારું છે અને આ પાટો પણ થોડા દિવસમાં નીકળી જશે !' એણે હમ્મ કહ્યું. અમે ત્રણેય સ્કૂલની સામે પહોંચ્યા અને ગ્રીષ્માએ એકવાર સ્કૂલની સામે જોયું. હું ધીમે ધીમે ચાલતો હતો તોય અમે ગ્રીષ્માની દુકાન પાસે પહોંચી ગયા. હું અને રામ દુકાનની સામે ઊભા હતા ત્યારે ગ્રીષ્માના મમ્મી આવ્યા અને કહ્યું, 'ગૌરવ, રામ આવો ને..' મારે તો મોડું થાય છે એટલે હું તો નઈ આવું, આ ગૌરવ નવરો જ છે !' રામે કહ્યું અને હું એને કાનમાં કહેવા લાગ્યો કે 'તું શું બોલે છે ?' ત્યારે ગ્રીષ્મા બોલી, 'ગૌરવ આવ ને !' રામે ટોન્ટ મારતા કહ્યું, 'જા તને બોલાવે છે !' રામને કંઈ કહું એ પહેલાં તો એ જતો રહ્યો.

હું સંકોચ સાથે ગ્રીષ્માના ઘરમાં ગયો. ગ્રીષ્માના ઘરે સોફા હતા ત્યાં પૂરી સુકાતી હતી. ત્યારે ગ્રીષ્માના મમ્મી બોલ્યા, 'અંદરના રૂમમાં બેસો...' હું અંદરના રૂમમાં ગયો, જે ગ્રીષ્માનો રૂમ હતો. એક ખુરશી પર હું બેઠો અને બેડ પર ગ્રીષ્મા અને એના મમ્મી બેઠાં. અમે ત્રણેય મૌન હતાં. 'બેટા તમે બંને વાતો કરો, હું તમારા માટે શરબત બનાવી લાઉં !' 'આંટી હમણાં જ જમ્યું છે...' મેં ગ્રીષ્માના મમ્મીને કહ્યું. 'બેટા તું બેસને...!' હવે રૂમમાં હું અને ગ્રીષ્મા એકલા હતા. ગ્રીષ્મા નીચું જોઈને બેઠી હતી. પણ, મેં નક્કી કરી લીધું હતું કે આજે તો ગ્રીષ્મા સાથે મન ભરીને અને મન ખોલીને વાત કરી જ છે. હું બોલવા જાઉં પણ શબ્દો જ નહોતા નીકળતા. હિંમત કરીને પૂછી લીધું, 'દુકાન જ સંભાળે છે કે સ્ટડી પણ ચાલુ છે ?' એ કંઈ ન બોલી..! 'ગૌરવ, જ્યારે જિંદગીમાં વધુ ભોગવવાનું છે તો સપનાઓ જોવા જ શું કામ...!' ગ્રીષ્માનો આ જવાબ સાંભળીને મારું મૌન વધારે તીવ્ર થઈ ગયું. પણ મેં હિંમત ન હારી. મેં કહ્યું, 'સપનાઓ તો જોવા જ જોઈએ..શું ખબર પુરા પણ થઈ જાય..!' એણે વાત ફેરવવાનો પ્રયત્ન કર્યો અને બોલી, 'એ બધું છોડ તારો હાથ કેવો છે ?' 'જોઈ લે, એકદમ ઠીક છે..' મેં હાથ બતાવતા કહ્યું. ગ્રીષ્માના રૂમમાં એક શૉ-કેઝ હતું, જેમાં જૂના ફોટોઝ, ટ્રોફી, મેડલ,સર્ટિફિકેટ વગેરે ગોઠવેલું હતું. હું ઊભો થયો અને એ બધું ધ્યાનથી જોવા લાગ્યો. 'આ તો એ જ..' હું બોલતા-બોલતા અટકી ગયો. ગ્રીષ્મા બોલી, 'હા એ જ ટ્રોફી છે, જેમાં આપણને બન્ને પાર્ટીસિપેટ કર્યું હતું અને ટ્રોફી એક જ મળી હતી !' એ ધ્યાનથી ટ્રોફીને જોવા લાગી અને બોલી, 'અને આ સર્ટિફિકેટ, જે ચિત્ર સ્પર્ધામાં આપણે બન્ને ભાગ લીધો હતો !' જેમ ફૂલ પર ઝાકળ ચમકતી હોય એમ ગ્રીષ્માના ચહેરા પર સ્મિત ચમકતું હતું. 'ગ્રીષ્મા, શું કામ તે આવી હાલત બનાવીને રાખી છે ! તું ટેલેન્ટેડ છે, હોશિયાર છે અને બીજા બધાં કરતાં, ઇવન મારા કરતાં પણ વધારે મેચ્યોર છે. તો શા માટે અહીંયાં આ જેલમાં કેદ છે ! અને મારા હાથ પર તેલ ઉડ્યું એમાં તારો કાંઈ જ વાંક નથી. એ માત્ર એક્સિડન્ટ હતો.' આખરે મેં કહી જ દીધું. મન હવે હળવું લાગતું હતું. ગ્રીષ્મા બેડ પર બેઠી અને ઊંડો શ્વાસ લઈને બોલી, 'ગૌરવ, તારી વાત સાચી છે, પરિસ્થિતિ આપણે પસંદ નથી કરતાં ને. કોઈ શા માટે જાણી જોઈને જેલ જેવી બંધિયાળ જિંદગી પસંદ કરે ! અને હવે તો સક્સેસ માટે સમય પણ નથી. આ જ દુકાન અને આ જ જિંદગી. મેં તો મારા સપનાઓને આ ભજિયાની જેમ બાળી દીધા છે !' ગ્રીષ્મા અટકી ગઈ. તેની આંખ ભીની હતી. મેં ખિસ્સામાંથી રૂમાલ કાઢીને તેની સામે રાખ્યો. મેં કહ્યું, 'તું સ્કૂલમાં રડતી તોય હું જ રૂમાલ આપતો અને તું એ રૂમાલ મને ક્યારેય પાછો ન આપતી !' એ રડતાં રડતાં હસીને બોલી, 'મેં એ બધાં જ રૂમાલ સાચવી રાખ્યા છે. હું બોલ્યો, 'ના હોય...' એણે કહ્યું, 'હા...' ત્યારે જ એના મમ્મી આવ્યા અને મને અને ગ્રીષ્માને શરબતનો ગ્લાસ આપ્યો. 'મમ્મી મારે નઈ પીવો..' ગ્રીષ્માએ કહ્યું. 'પી લે ને હવે..' ગ્રીષ્માના મમ્મી બોલ્યા. હું શાંતિથી શરબત પીતો હતો અને મનમાં ડર પણ હતો કે ક્યાંક ભાભીને ખબર ન પડી જાય કે હું અહીંયાં છું.
મેં બધી ચિંતાઓ છોડીને વાતો કરવાનું શરૂ કર્યું. ગ્રીષ્માના મમ્મી ગ્રીષ્મા વિશે કહેતા હતા. અને વચ્ચે વચ્ચે ગ્રીષ્મા પણ સ્કૂલના કિસ્સાઓ કહેતી. ગ્રીષ્માના ચહેરા પર હાસ્ય જોઈ એના મમ્મીના ચહેરા પર અનેરો સંતોષ હતો. જેમ સવારના તડકામાં ફૂલ ખીલે એમ આજે ગ્રીષ્મા પહેલાં જેવી ક લાગતી હતી. મેં મોબાઈલમાં જોયું તો અગિયાર વાગી ગયા હતા અને ભાભી કે ભાઈનો હજી ફોન પણ નહોતો આવ્યો. મનમાં શંકા પોતાનું સ્થાન બનાવતી હતી કે એમને ખબર તો નહીં પડી હોય ને ! મેં કહ્યું, 'સારું આંટી હું નીકળું, મોડું થઈ ગયું છે. ગ્રીષ્માના મમ્મીએ ઘડિયાળમાં જોયું અને ધીમેથી બોલ્યા, 'સારું બેટા' મેં ગ્રીષ્મા સામે જોયું, 'બાય' એણે સ્માઈલ કરીને કહ્યું, 'બાય..!' હું બહાર નીકળ્યો અને ગ્રીષ્માના મમ્મી બોલ્યા, 'ગૌરવ, કાલે સાંજે ધૂળિયા મહારાજને અહીં જમવાનું છે તો તું પણ આવજે ને.' 'હા..!' મારા મોઢામાંથી અનાયાસે નીકળી ગયું. વધારે શું બોલવું એ વિચાર્યા વગર હું ફટાફટ ઘર તરફ ચાલવા લાગ્યો. ડેલી ખુલ્લી હતી. અંદર ગયો અને ભાભી રસોડામાં દૂધ ગરમ કરતા હતા. મને જોઈને બોલ્યા, ' આવી ગયા તમે ! મને રામે બધું જ કહ્યું !' મનમાં બોલ્યો,'આ રામની તો કાલે વાત છે.' ભાભી બોલ્યા, 'રાત્રે જમીને સીધા ઘરે આવવાની જગ્યાએ ચિરાગના ઘરે કેરમ રમવા જતા રહેવાનું !' હાશ.. સારું છે ભાભીને ખબર નથી. મેં કહ્યું,' ભાભી હવે આ મિત્રો ક્યાં રોજરોજ મળે છે..' ભાભીએ કહ્યું, સારું સારું, લો આ દૂધ અને અગાસી પર તમારી પથારી કરી છે.' હું ફ્રેશ થઈને અગાસી પર ગયો. ચમકતા તારલાને જોતા જોતા સુવાની મજા જ કંઈક અલગ હોય છે. જાણે આભમાં ભરતકામ કર્યું હોય એવું લાગે. અવકાશને જોતા જોતા મારું મન પણ શૂન્યાવકાશ થતું હતું એવામાં મારી નજર ઉડતા વિમાન પર પડી ! વિમાન અને ચમકતા તારલાઓને જોઈને વિદેશની યાદો તાજી થઈ ગઈ. એસ્ત્રેયા શું કરતી હશે એ વિચારવા લાગ્યો. એસ્ત્રેયા મારી ક્લાસમેટ અને ખૂબ સારી મિત્ર. એસ્ત્રેયા મૂળ સ્પેનની અને એના નામનો અર્થ તારો થાય એટલે જ્યારે જ્યારે તારલા જોઉં એટલે એ યાદ આવે, પણ આ વખતે એ મોડી યાદ આવી ! ઠંડા પવનો અને ચમકતા આકાશને નિહાળતા નિહાળતા મારી આંખ મીંચાઈ ગઈ.

આંખ પર તાપ આવતો હતો તોય હું ચાદર ઓઢીને સૂતો રહ્યો. આવી મીઠી નીંદર પહેલીવાર આવતી હતી. ભાભીના ઝાંઝરનો અવાજ આવ્યો, એ ઉપર આવતા હતા એવું લાગતું હતું. ભાભીએ મોઢા પરથી ચાદર હટાવી અને કપાળ પર હાથ રાખ્યો. 'તાવ તો નથી.. ગૌરવ તબિયત ખરાબ છે ?' હું કંઈ ન બોલ્યો અને પડખું ફરીને સુવાનો પ્રયત્ન કર્યો. 'ગૌરવ હવે ઉઠો, સાડા દસ વાગ્યા...!' ભાભીએ થોડું કડકાઈપૂર્વક કહ્યું. હું ઊભો થયો અને આળસ મરળી. 'ઉઠતાં વેંત આવી સ્માઈલ...શું સપના જુઓ છો આજકાલ !' 'ભાભી...એવું કંઈ નથી. બસ ઊંઘ મસ્ત આવી..' ભાભી પથારી સંકેલતા બોલ્યા, 'સારું તો હવે નાહી લો અને નાસ્તો કરી લો એટલે મારે કામ થાય. અને હા, બપોરે હું અને તારા ભાઈ રાજકોટ જઈએ છે તો સાંજે બોર્નવિટા જાતે બનાવી લેજે.' હું હમ્મ કરતાં નીચે ઉતર્યો. બ્રશ કરતા કરતા યાદ આવ્યું કે આજે સાંજે તો ગ્રીષ્માના ઘરે જમવાનું છે અને ભાઈ-ભાભી તો રાજકોટ જાય છે. હું ખૂબ ખુશ થઈ ગયો. ચિરાગ અને રામને મેસેજ કર્યો અને બન્ને બીઝી હતા એટલે જમવા આવી શકે એમ નહોતા. જીગ્નેશ સાંજે સાથે આવવાનો હતો. બપોરના સમયે ઉંબરે ઠંડી હવા આવે અને કાકી ભરતકામ કરે અને હું લેપટોપમાં મારું કામ. ભાભી પણ આજે ઉંબરા પાસે આવીને બેઠા. 'ગૌરવ અહીંયાં જ રોકાઈ જા ને..!' ભાભીએ કહ્યું. હું કાકીને મધ્યમાં રાખીને બોલ્યો, 'કાકી,તમે જ સમજાવોને...હું ત્યાં ભણ્યો છું તો મને ત્યાં જ ફાવે !' એવામાં ભાઈ કાર લઈને આવ્યા અને ઘરની બહાર જ કાર ઊભી રાખી અને ડિક્કી ખોલી, 'ચાલો હવે નીકળીએ..' ભાઈએ કહ્યું અને ભાભી ઊભા થયાં અને એક બેગ ડિક્કીમાં મુક્યો અને બીજો બેક સીટ પર. 'ચાલો આવજો, કાલે બપોરે આવીશું.' ભાભીએ બધાંને બાય કીધું. ભાઈ ઊભા રહ્યા અને બોલ્યા, 'ગૌરવ, રાજકોટથી કાંઈ લાવું નથી ને ?' મેં કહ્યું, 'ના ના ભાઈ, મારી પાસે બધું છે જ.' સાંજે ચાર કલાકે ભાઈ-ભાભી રાજકોટ જવા નીકળ્યાં. હું મારું કામ કરવા લાગ્યો. કાકીને વાતવાતમાં કહી દીધું, કાકી સાંજે જીગ્નેશના ઘરે જાઉં છું તો જમવાનું પણ એના જ ઘરે છે તો હું થોડો મોડો આવીશ' કાકીએ ધ્યાનથી વાત સાંભળી અને બોલ્યાં, 'હારું..' કાકી એમના કામમાં લાગી ગયા અને હું તૈયાર થઈને ગામમાં આંટો મારવા નીકળ્યો અને ત્યારથી ગ્રીષ્માના ઘરે જઈશ એવું મેં વિચાર્યું. રસ્તામાં જીગ્નેશને કોલ કર્યો અને જીગ્નેશે પણ સાંજે આવવાની ના પાડી..! હવે હું એકલો હતો, હિંમત રાખીને નક્કી કર્યું કે આજે તો જઉં જ છે. હું ગ્રીષ્માની દુકાનની બહાર પહોંચ્યો અને ગ્રીષ્મા સ્કૂટર પર ક્યાંક જતી હતી. એણે સાઈડ ગ્લાસમાંથી મને જોયો અને જતી રહી. કદાચ મારી આંખો ખોટું બોલી શકે, પણ ગ્રીષ્મા બ્લશ કરતી હતી ! ગ્રીષ્માના મમ્મી પોતાની સાથે વાત કરતાં હતાં, 'એ ભગવાન કેટલું બધું કામ પડ્યું છે અને હમણાં તો મહારાજ પણ આવી જશે !' મેં આ વાત સાંભળી લીધી અને દુકાનમાં પ્રવેશતા જ કહ્યું, 'આંટી અડધું કામ હું કરી લઉં છું.' ગ્રીષ્માના મમ્મી આશ્ચર્ય પામ્યા અને બોલ્યાં, અરે ગૌરવ તું..' મેં કહ્યું, આંટી મને દુકાનનું કામ તો નહીં આવડે તો બીજું કંઈ રસોઈનું કામ મને આપો, હું કરી દઈશ.' એ બોલ્યાં,'ના ના બેટા, તું તો મહેમાન કહેવાય !' હું હળવા સ્મિત સાથે બોલ્યો, 'બેટા પણ કહો છો અને મહેમાન પણ ! લાવો આંટી હું આ બટાટા સુધારી દઉં, તમે ભજિયા બનાવો.' મેં ગ્રીષ્માના મમ્મીના હાથમાંથી કામ લઈ લીધું અને બટાટા સુધારવા લાગ્યો. હું નીચે બેસીને કામ કરતો હતો. થોડીવાર બાદ ગ્રીષ્માનો અવાજ આવ્યો, 'મમ્મી બધે સમાન આપી દીધો છે, હવે દૂધ લેવાનું બાકી છે.' ગ્રીષ્મા દુકાનમાં આવી અને મને નીચે બેસીને બટાટા સુધારા જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ. એણે થોડીવાર મારી સામે જોયું અને ત્યારે એના મમ્મી આવ્યા. એ બોલી, 'મમ્મી આ...'એના મમ્મીએ કહ્યું, 'શું કરું બહુ જિદ્દી છોકરો છે, કોઈનું માને જ નહીં ! ચાલ ગ્રીષ્મા પહેલાં દૂધ લઈ આવ, મહારાજ આવતા જ હશે.' ગ્રીષ્મા ઘરમાં ગઈ. ગ્રીષ્માનો ચહેરો ખીલેલો લાગતો હતો. આમ મેં બધું કામ કરાવવામાં મદદ કરી. અડધા કલાક પછી ધૂળિયા મહારાજ આવ્યા અને તએમને ક્યાંક બહાર ગામ જવાનું હોવાથી મંદિરમાં પૂજા કરીને અને જમીને જતા રહ્યા. હવે હું ગ્રીષ્મા અને એના મમ્મી હતા. 'ગ્રીષ્મા તું અને ગૌરવ જમવા બેસી જાઓ' ગ્રીષ્માના મમ્મીએ કહ્યું અને ગ્રીષ્માએ મારી સામે જોયું અને બોલી,'મમ્મી તમે પણ આવી જાઓ ને ' ગ્રીષ્માના મમ્મી આવ્યા અને અમે ત્રણેય જમવા બેઠા. ગ્રીષ્મા પહેલેથી જમતા જમતા કંઈ ન બોલે, ખાલી ઈશારામાં જ કહે. એટલે એ તો મૌન હતી. એના મમ્મીએ કહ્યું, 'બેટા શરમાયા વગર જમજે હો.' મેં હકારમાં મોઢું હલાવ્યું. ગ્રીષ્મા મારી સામે જમતા શરમાતી હોય એવું મને લાગ્યું. મેં જમી લીધું અને હું થાળી લઈને ઊભો થવા જતો હતો ત્યારે, ગ્રીષ્માએ મારા પર હાથ રાખીને મને બેસવા કહ્યું. 'ગૌરવ થાળી અહીંયાં જ રાખ' ગ્રીષ્માના મમ્મીએ કહ્યું, 'આંટી હું મહેમાન નથી !' થોડીવારમાં અમે બધાંએ જમી લીધું. 'આઈસ્ક્રીમ તો ભુલાઇ ગયો' ગ્રીષ્માના મમ્મીએ કહ્યું. હું જવાનું વિચારતો હતો એવામાં ગ્રીષ્મા બોલી, 'મમ્મી, હું અને ગૌરવ અગાસીએ બેસીએ છીએ !' મને આશ્ચર્ય થયું. કારણ કે ગ્રીષ્મા પહેલીવાર આમ ખુલી રીતે વાત કરતી હતી. ગ્રીષ્માના મમ્મી રસોડામાંથી બોલ્યા, 'હા બેટા...' ગ્રીષ્માએ કહ્યું, 'ચાલ ગૌરવ અગાસીએ ઠંડી હવા આવે છે.' હું શરમાળ પ્રકૃતિનો નહોતો પણ મને અહીંયાં થોડી શરમ આવી ! અમે બન્ને અગાસી પર ગયા. અગાસી પર સુંદર હિંચકો હતો. ગ્રીષ્માએ મને ત્યાં બેસવા કહ્યું અને તે પણ બાજુમાં બેઠી અને અમે વાતોના પ્રવાહમાં તણાતા ગયા...!


(ક્રમશઃ)


લેખક: પ્રદિપ પ્રજાપતિ