મૃત્યુ પહેલાં Tr.Anita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃત્યુ પહેલાં

"મૃત્યુ પહેલાં."
-@nugami.
રાત્રે જ્યારે વ્યક્તિ ઊંઘે છે,ત્યારે ઘણી આશાઓ,ઘણી ઈચ્છાઓ,ઘણી જવાબદારીઓ, અધૂરા કાર્યો ને "કાલે થઈ જશે અથવા કાલે કરીશું." એમ વિચારી ને કે કહી કાલ ઉપર છોડી ને પોઢી જાય છે.
શું એને ખબર છે? એ સવારે ઊઠશે?
એને કશું જ નથી ખબર.જેનાથી ઝાડવાં નું એક પાંદડું પણ હલી શકતું ના હોય,એને આવતીકાલ પર બધું કાર્ય મૂકી ને કેવી રીતે નીંદર આવતી હશે?
કારણ ,એને સાચવવા માટે કુદરત છે. વ્યક્તિને એની અંદર રહેલી અલૌકિક શક્તિ પર વિશ્વાસ છે.એને ખબર છે કુદરત બધું સંભાળી લેશે.
પણ જ્યારે મૃત્યુ ની વાત આવે છે,ત્યારે વ્યક્તિ ગભરાઈ કેમ જાય છે?
ત્યારે એને ખરાબ વિચારો કેમ આવે છે?
એ પોતાનો બચાવ કરવા સમર્થ વ્યર્થ બધા જ પ્રયત્નો પણ કરે છે.
ક્યાંક એ સફળ થાય છે તો ક્યાંક એ નિષ્ફળ પણ જાય છે.
કહેવાય છે ને,
મૃત્યુ,પાણી,હવા,અને અગ્નિ ને કોઈ રોકી શકતું નથી. એ કોઈના નિયંત્રણ માં નથી.

ઘર ના ઉંબરે વરસાદ નું પાણી ના આવે એ માટે પાળ ઊંચી બાંધીએ છીએ. ઘર માં ચૂલો સળગતો હોય અને એને લગતું કામ પતી જાય ત્યારે એ નકામું નુકસાન ના કરે એ માટે ચૂલા ને ઠારી લઈએ છીએ.વાવાઝોડું આવે ત્યારે ઘરના બારીબારણાં બંધ કરી લઈએ છીએ જેથી કોઈ હાનિ ના થાય.
તો પછી, વ્યક્તિ મૃત્યુ આવે એના પહેલાં સારા કર્મોની પાળ બાંધવાનું વિચારે છે ખરી ? એ પોતાને મળેલું જીવન સંતોષ માની ને જીવે છે ખરી?
સવારે ઉઠીને કુદરતનો પાડ માને છે ખરી?
રાત્રે સૂતી વખતે કુદરત નો આભાર માની ને સૂવે છે ખરી?
વ્યક્તિ જીવનભર ચિંતાઓ થી ઘેરાયેલો રહે છે.
સંસાર છે ,બધું જ ચાલ્યા કરશે.
ખબર છે કે નાની ટાંકણી જેવું પણ લઈ જઈ શકવાના નથી. જે છે એ બધું અહીં જ મૂકી જવાના છીએ.બસ કરેલા કર્મ અહીં રહેવાના છે.

સિકંદર પણ બે હાથ ખુલ્લા મૂકી ને સમજાવી ગયા હતા કે ખાલી હાથે જ જવાનું છે.સમ્રાટ અશોક પણ કલિંગના યુદ્ધ પછી સમજાવી ગયા હતા કે ,આ સંસારમાં બધું જ વ્યર્થ છે.

જીવન જીવવા માટે બધું જ જરૂરી છે.પણ અતિરેક નહિ.
જ્યારે કોઈ પણ વસ્તુ નો અતિરેક થવા લાગે છે ,ત્યારે એ વિનાશ જ નોતરે છે.
ઈશ્વરે આપણને અમૂલ્ય ભેટો વિના મૂલ્યે બધી જ આપી છે,જે આપણને આજે સમજાય છે.
જે વ્યક્તિ સરળતા ભર્યું જીવન જીવે છે,એને કંઈ જ ફરક નથી પડતો,કે એ જીવે કે મરે.એ માન અપમાનથી પર છે.
આવી સરળ વ્યક્તિ ના સંપર્કમાં કોઈ ને કોઈ તો રહેતું જ હશે.એ વ્યક્તિ હંમેશા બીજા માટે જીવે છે,બીજા ને જરૂર પડ્યે એની પડખે ઉભો પણ રહે છે.
એને માટે માત્ર કર્મ એજ જીવન છે.એ વ્યક્તિ જીવન દરમિયાન કોઈને નડતો નથી. અને જ્યાં એવું લાગે કે એનાથી કોઈને તકલીફ થાય છે તો ,ત્યાંથી એ તરત જ ખસી જાય છે. એ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરશે,પૂરી નિષ્ઠાથી કરશે.
જીવશે તો ઈશ્વરનો પાડ માની ને જીવશે.એ ઈશ્વરની ઈચ્છા ને પોતાની ઈચ્છા માનશે. આ બધું કરવું ખૂબ અઘરું છે આ કળિયુગના સમયે.
એ વ્યક્તિ રાત્રે જ્યારે સૂવે છે ત્યારે ઈશ્વરનો આભાર માને છે,કે આજ નો દિવસ ખૂબ જ સુખદ ગયો.
અને જયારે ઉઠે છે ત્યારે પાડ માને છે કે,આજ ના દિવસ ની પરોઢ એને જોવા મળી ,એક દિવસનો એના જીવન માં ઉમેરો થયો.
એ વ્યક્તિ મળેલ આ એક દિવસ ને સાર્થક કરવા કામે લાગી જાય છે કોઈ પણ નિરાશા વિના.

જ્યારે બીજી બાજુ લોભી,પાખંડી, સ્વાર્થી વ્યક્તિઓ પોતાના સ્વાર્થ સિવાય કોઈ ને મહત્વ નથી આપતા.
ઈશ્વર નો પાડ પણ વિચાર કરી ને માને છે.
હું આ કરી નાખું, હું પેલું કરી નાખું. હું કહું એ જ થવું જોઈએ, હું કોઈ ને નમવાનો નથી,હું એની વાત શું કામ માનું? એની હિંમત કેવી રીતે થઈ મારી સાથે આ રીતે વાત કરવાની.? આવા ઘણા પ્રશ્નો વ્યક્તિ માં રહેલા અહમ ને પોષે છે.
જ્યાં આપણી સાથે અન્યાય થતો હોય ત્યાં ચોક્કસથી અવાજ ઉઠાવવો જોઈએ.પણ વગર કારણે આટલા પ્રશ્નો નો ભાર લઈ ને વ્યક્તિએ હૃદયને બોજ આપવો ના જોઈએ.
આવા વ્યક્તિ જલ્દીથી મૃત્યુથી ડરી જાય છે. કારણ કે ,એમને કુદરતની પથરાયેલી આ માયા થી વધારે પડતો લગાવ થઈ ગયો હોય છે.બીજું એ કે ,એવી વ્યક્તિ કુદરત ને પોતાના રોજિંદા જીવન નો ભાગ બનવા દેતી નથી.

વ્યક્તિ ડગલે ને પગલે જો કુદરત ને માનશે અને એને માણશે તો હર એક ક્ષણ સુંદર લાગશે. એની ઊર્જા માં હકારાત્મકતા અને સમજણ ભારોભાર છલકાશે.
સવાર ના પક્ષીઓ નો કલરવ,સૂર્યોદય,શીતળ વાયરો,સૂર્યાસ્ત,રાત્રીના ચારેકોર ચાંદની ફેલાવતા ચંદ્રમા આવી ઘણી કુદરતની સુંદરતા છે જેને આપણે દરરોજ અચૂક માણવી જોઈએ.આ બધી કુદરતની સુંદરતા આપણાં મન મસ્તિશ્ક ને તંદુરસ્ત અને હકારાત્મક બનાવે છે.

જીવન ને વર્ષોમાં નથી જીવાતું.
જીવનને માત્ર અને માત્ર ક્ષણ માં જ જીવાય છે.
મૃત્યુ ક્ષણ માં નથી મળતું,
એને પામવા રોજે રોજ જીવવું પડે છે.
તો મૃત્યુ ના આવે ત્યાં સુધી ક્ષણે ક્ષણ જીવી લો.

"રોજે રોજ કંઇક થશે તો? મરી જઈશ તો?
આવા વિચારો કર્યા વિના ,
જે જીવન મળ્યું છે એને થોડું ઢંગ નું જીવી તો લો.
કોઈ ને થોડા કામ આવી તો લો,
કુદરત ને નિરંતર માણી તો લો,
જરાક ઈશ્વરનો પાડ માની તો લો.
આંખો ના આંસુ ને હરખ ના મોતી બનાવી તો લો,
કોઈ ના હૈયે હામ ભરી તો લો,
મૃત્યુ પહેલાં કોઈના દુઃખ ને કાંધિયા આપી તો લો,
સ્વાર્થ ને હેઠે મૂકી,સરળતા ના કપડાં પહેરી તો લો,
દુઃખના રોદણાં મૂકી ને, હાસ્યની ફોરમ ફેલાવી તો લો,
આ જીવન છે,કોઈ પત્થર નથી.
એને સારા કર્મો કરીને હળવું ફૂલ બનાવી તો લો.....
રાખ થતાં પહેલાં,પોતાના જ જીવનની મજબૂત શાખ બની તો લો.
વધારે નહિ પણ થોડુક ......
જીવી તો લો.
બાકી મૃત્યુ પછી મરવાનું જ છે.
-@nugami.