Within muj books and stories free download online pdf in Gujarati

મુજ ભીતર

"મુજ ભીતર."
-@nugami.
એક સ્ત્રી જ્યારે સશક્ત સ્ત્રી તરીકે વિચારવાનું શરૂ કરે છે,ત્યારે એને જાણ થાય છે કે,ખરેખર એની ભીતર કેટલું બધું જાણ્યું અજાણ્યું છૂપાયેલું છે?

એ જ્યારે નાની નાની વાતમાં પોતાના માટે વિચારતી થાય છે ત્યારે,એને જાણ થાય છે કે,ખરેખર એની ભીતર કેટલી આશાઓ દબાયેલી છે?

એ જ્યારે પોતાની સરખામણી બીજી વ્યક્તિ સાથે કરતી થાય છે ત્યારે, એને જાણ થાય છે કે,ખરેખર એની ભીતર પોતે જેવી છે એવી આંતરિક અને બાહ્ય ખૂબ જ સુંદર છે એવું સ્વીકારવાની હિંમત છૂપાયેલી છે.

એ જ્યારે કુટુંબનું ,સમાજનું વિચારવાનું એક બાજુ મૂકી,જ્યારે પોતાના માટે જ વિચારતી થાય છે,ત્યારે એને પોતાના જીવનની પરિભાષા શું છે,એ જાણતી થાય છે.

સ્ત્રી એટલે એવું પ્રાણી,જેને બસ બીજા માટે જ જીવવાની ફરજ છે.સવાર ની ચા થી માંડી ને રાત ના હળદર વાળા દૂધ સુધી ની બધી જ જવાબદારી એ ઘરની ઉપાડે છે.
ઘરમાં સૌથી પહેલા ઉઠવા થી લઇ ને સૌથી છેલ્લે ઊંઘવાની ફરજ,રસોઈ વખતે પણ બધાને પહેલા જમાડી ને પોતે પછી જમવાની ફરજ.કોઈ પ્રસંગ હોય તો ઘરના બધા જ કામ પતાવી ને છેલ્લે ઘર ને તાળું મારી ને નીકળવાની ફરજ.સંતાન જો નાનું હોય તો આખી રાત એને પોઢાડવા હીંચકા નાખવાની ફરજ.આવી ઘણી ફરજો છે,જેને માની લેવામાં આવ્યું છે કે ,આ બધી ફરજ સ્ત્રી ની જ છે.
શું એવું બની ના શકે, સવાર ની ચા એને એના બેડ પર જ મળી જાય, શું એવું બની ના શકે,કે ક્યાંક બહાર જવું છે તો એને ઘર ના બધા જ કામ માંથી મુક્તિ આપી એને પૂરતો સમય મળી શકે?
સંતાન નાનું છે,તો શું એવું બની ના શકે,કે એ સંતાન ને પોઢાડવા એના પિતા હીંચકો નાખે,અને પોતે નિઃસંકોચ ગાઢ નિંદ્રા કરે?
કરવું હોય તો ઘણું બધું શક્ય છે.પણ અમુક રેખાઓ જે બાંધી લીધી છે,એના થી આગળ કોઈ સ્ત્રી ને સમજી શકતું નથી. સ્ત્રી ને સુખી જોવા પૈસા કે સગવડો આપવી જરૂરી નથી. પણ જીવનના દરેક પડાવ પર એને સહયોગ,સ્વતંત્રતા,અને એને પોતાની સાથે સમય વિતાવવા થોડો સમય આપવાની જરૂર છે.

સ્ત્રી વિના કોઈ પણ ઘર હોય કે સમાજ ...અધૂરો જ છે.

છતાંય આ બધાથી પર જ્યારે સ્ત્રી પોતાના માટે જો સમય નીકાળતા શીખી જાય,તો એની આવડત ને દાદ દેવી પડે.
કારણ,સ્ત્રી પાસે એનાથી સંકળાયેલ દરેક વ્યક્તિ માટે સમય હોય છે,પણ સ્વના ભીતર માટે નહિ.

હિના હોલમાં ટીવી સામે બેસી ને આરામ થી ચા પીતી હતી.ત્યાં મુકેશ આવ્યો.અને કહ્યું,હિના શું કરે છે? સવાર ના ૮ વાગ્યા હજી પણ તે આજે મને ચા નથી આપી."
હિના એ કોઈ પણ હાવભાવ વિના કહ્યું,"રસોડા માં પડી જ છે,ગરમ કરી ને પી લો."

મુકેશ ને હિના નું આ વર્તન ખબર ના પડી.લગ્ન જીવનને ૩ વર્ષ થઈ ગયા હતા.હિના આ રીતે ક્યારેય બોલી નહોતી.

મુકેશ પાસે સમજણ ભારોભાર હતી એટલે એ કંઇજ બોલ્યા વિના જ રસોડામાં ચા લેવા ગયો. ચા લઈ ને આવ્યા પછી મુકેશ સોફા પર, હિના જ્યાં બેઠી હતી ત્યાં બાજુ માં આવી ને બેઠો.અને બોલ્યો," હિના, ચાલ આજે રવિવાર છે, તો લંચ માટે બહાર જઈ આવીએ."
હિના એ ફરી થી એના સામે જોયા વિના જ ટીવી સામે જોઈ રહી અને બોલી," આજ નું લંચ મારા મિત્રો સાથે નક્કી કરેલું છે.તમને ફાવે તો તમે આવી શકો છો."

આજે હિના મુકેશ ને અચરજ ના એક પછી એક ડોઝ આપતી જતી હતી.અને મુકેશ એ લીધે જતો હતો.

સોફા પર થી ઉઠી ને હિના ઘરનું બધું કામ પતાવવા લાગી.અને મુકેશ એના બદલાયેલા હાવભાવ જોતો રહ્યો.
હિના જ્યારે કપડાં સૂકવતી હતી ત્યારે મુકેશ એની પાસે જઈને બોલ્યો," હિના,શું થયું છે આજે, કેમ આવું વર્તન કરે છે?"
હિના ફરી બોલી,"કેમ ,તને આ હિના નથી ગમતી?"
મુકેશ બોલ્યો," ગમે છે ને,પણ આજે તું આમ અચાનક થોડી બદલાયેલી લાગે છે."
હિના શાંત રહી ને બોલી," શું બદલાયું છે મારામાં?"
મુકેશ બોલ્યો,"તું દરરોજ સવારે મને ઊઠતાં વેંત જ ચા આપે છે. અને આજે તે એ ના કર્યું.વધારે માં એ કે,તારું મૂડ ઠીક કરવા મેં કહ્યું આજે સાથે લંચ લેવા બહાર જઈએ.તો પણ તે ના પાડી અને તારા મિત્રો સાથે જવા તૈયાર થઈ.મારાથી કોઈ ભૂલ થઈ હોય તો કહે."
હિના કપડાં ને ત્યાં ડોલ માં જ પડતા મૂકી ને મુકેશ ને અંદર હોલમાં લઈ ગઈ અને ત્યાં અરીસા પાસે જઈ ને ઉભી રહી. અને બોલી," મુકેશ,તું એ હિના ને ઓળખે છે, જે અરીસા ની પેલી બાજુ છે?"
મુકેશ ને કંઇ જ ખબર નહોતી પડતી કે,હિના શું કહેવા માંગે છે, એણે તો બસ ના કહેતા ડોકું ધુણાવ્યું.
હિના એ હાવભાવને જોઈ ને બોલી," તો બસ ,તું નથી ઓળખતો તો પ્રશ્નો નાં કર.કારણ કે હું જ હવે એને ઓળખતી થઈ છું.તો તું તો ક્યાંથી ઓળખે?"
એમ કહી ને ત્યાંથી ફરી કપડાં સૂકવવા બહાર આવી.
મુકેશ ને તો બધું ગોળ ગોળ ભમતું હતું.કંઇ ખબર જ નહોતી પડતી, કે હિના શું કહેવા માંગે છે.
બધું જ કામ આટોપી ને હિના પોતાની ગુલાબી સાડી પહેરી તૈયાર થઈને ને પોતાના મિત્રો ની આવવાની રાહ જોતા હૉલ માં બેઠી હતી. મુકેશ પણ બેઠો હતો. એણે હિના ને જોતાવેંત જ કહ્યું," વાહ,હિના તું આજે ખુબજ સુંદર લાગે છે. "
હિના એ મોં પર સ્મિત ફેલાવી ને કહ્યું," આભાર."
મુકેશના મન માં ઘણા પ્રશ્નો હતાં પણ એને વાચા કેવી રીતે આપવી એ ખબર નહોતી પડતી.
ત્યાં તો હિના ના મિત્રો આવ્યા ,બધા હાય હેલો કરી ને જવા નીકળ્યા ત્યાં હિનાએ મુકેશ ને કહ્યું," મુકેશ, મેં આજે જમવાનું નથી બનાવ્યું.તું જાતે બનાવી લેજે અથવા બહાર જમી લેજે."
મુકેશ ના જવાબ ની રાહ જોયા વિના એ ત્યાંથી નીકળી.
મુકેશ વિચારતો બેસી રહ્યો,કે આ શું છે બધું.?
સાંજ નો સમય થયો હિના બહાર થી કેટલીક વસ્તુઓ પણ ખરીદી ને લાવી હતી. એણે મુકેશ માટે ખૂબ જ સુંદર શર્ટ પણ લાવ્યું હતું.
મુકેશ ને એ રંગ ઓછો પસંદ હતો.ત્યારે મુકેશ ના મોંમાંથી સરળતાથી શબ્દો સરી પડ્યા," આ રંગ તો મને જરાય ગમતો નથી."

હિના સાંભળી રહી.પછી બોલી," તને જો આ શર્ટ નો રંગ ના ગમતો હોય,તો વિચાર કે લગ્ન પછી મેં મારા જીવવાનો જ રંગ બદલી કાઢ્યો છે.તો મને કેવી રીતે એ ગમતો હશે?"
તમે એક શર્ટના રંગ સાથે adjust નથી થઈ શકતા,તો મેં તો મારા જીવનના ૨૧ વર્ષ ને દફનાવી ને તમારા રહેણીકરણી ના ઢાળ સાથે ઢળી ને કેવી રીતે adjust કરી લીધું હશે? ક્યારેય વિચાર્યું છે?
આજ નું જ ઉદાહરણ લો કે,આજે મેં તમને ચા હાથ માં ના આપી તો તમને હું બદલાયેલી લાગવા માંડી.મારો મનગમતો સમય થોડો મિત્રો સાથે વિતાવવા ગઈ તો તમને હું બદલાયેલી લાગવા માંડી.શું પોતાની ઈચ્છા નું કાર્ય લગ્ન પછી હું ના કરી શકું? તમે ક્યારેય વિચાર્યું છે મારા વિશે?
મુકેશ,લગ્ન જીવન એ જીવન નો એક ભાગ છે જેમ બાળપણ છે ઘડપણ છે એજ રીતે.
એ ભાગ ને બસ જીવવાનો હોય છે,બીજા બધા ભાગની જેમ.પણ આપણે લગ્ન જીવન નાં એ ભાગ ને એક ઢાંચામાં બંધ બેસતો કરી ને એટલું મહત્વ આપી દઈએ છીએ કે બસ એનાથી વધારે જીવવાનો કોઈ અવકાશ આપણા જીવન માં છે જ નઈ. મુકેશ મને મારી સાથે થોડો સમય કાઢવો છે.હું જાણે મારી જાત ને પાછળ ક્યાંક મૂકી આવી છું. મારે એને ફરી થોડું જીવી લેવું છે કોઈ પણ આનાકાની વિના,કોઈ પણ જાત ના બંધન વિના.શું તું મને સાથ આપીશ કોઈ પણ પ્રશ્ન વિના?"
મુકેશ હિના ને જોતો જ રહ્યો,અને બોલ્યો," મારે માટે તારા થી અધિક કંઇ જ નથી.તારા જીવન ના દરેક પડાવ પર હું તારી સાથે છું.બસ શરત એટલી કે,સવાર ની ચા આજ થી હું બનાવીશ તારા માટે."
હિના ખૂબ જ ખુશ થઈ ગઈ.અને મુકેશ ને ભેટી પડી.

સ્ત્રી ને ક્યારેક ક્યારેક પોતાના ભીતર ને જાણવા પ્રયત્ન કરવો જોઈએ જો એ પ્રયત્ન નહિ કરે તો એને સમજવાનો પ્રયત્ન કોઈ નહિ કરે.
પહેલ તો સ્ત્રી એ જ કરવી રહી.
બાકી જવાબદારી ના બોજ હેઠળ તો આખું જીવન છે અને મૃત્યું પછી લાકડા ના બોજ હેઠળ મરવાનું જ છે.જીવન માં પોતાની જાત સાથે સમય કાઢી લેવો ભીતર ને ઓળખવા....
વાંચવા માં આ વાત નું મહત્વ કંઇ નહિ લાગે.પણ જ્યારે એક સ્ત્રીને જીવન માં આવા નાના નાના આધાર મળ્યા કરે તો,એ પોતાની ભીતર છૂપાયેલું વિશાળ આભ આંબી શકે છે. એની ભીતર જીવવાનો અખૂટ ખજાનો એ મેળવી શકે છે. સ્ત્રી ને હંમેશા એમ પૂછવા માં આવે છે," ક્યારે લગ્ન કરીશ? અથવા ક્યારે સારા સમાચાર સંભળાવે છે?"
પણ કોઈ એ પ્રશ્નનો કરવાની તકલીફ નથી લેતું, કે" તું લગ્ન કરવા ઈચ્છે છે? તું માતા બનવા ઈચ્છે છે? " સ્ત્રી પર હમેશાં એક જવાબદારી થોપી દેવામાં આવે છે. આડકતરી રીતે એની ઈચ્છા ક્યારેય પૂછવામાં આવતી નથી. અને જો સ્ત્રી ને એની ઈચ્છા પૂછવા માં આવે,તો પોતાની ભીતર રહેલી એક સુંદર સ્ત્રી ને જીવવાની મજા જ અનોખી થઈ પડે છે એ સ્ત્રી માટે. આવા ઘણા પ્રશ્નો ઉત્તરો જીવન માં ચાલ્યા કરે છે.પણ આ બધા વચ્ચે પોતાની ભીતર જીવવાનું છોડવું નહિ.....

મુજ ભીતર હું છું,મને જીવવા દે.
મુજ ભીતર હું છું,મને રહેવા દે.
મુજ ભીતર હું છું, મને આભમાં ઊંચે ઊડવા દે.
ના કર કોઈ આશ બીજા થકી,
મુજ ભીતર હું પૂર્ણ છું, મને જરાક ક્યાંક અપૂર્ણ રહેવા દે.
-@nugami.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED