2030
યુ.કે.
આ....આ....આ..... બાજુના ખેતરમાં જેક બૂમાબૂમ કરી રહ્યો હતો. તેની આ બૂમાબૂમ તેના પાડોશીઓએ સાંભળી અને બધા તરત જ ભેગા થઈ ગયા. બધાના મોં પર એક અજીબ આશ્ચર્ય હતું... અને ડર પણ.... આવું પહેલી વાર નહોતું થયું. લગભગ છેલ્લા એક અઠવાડિયાથી આવી બૂમાબૂમ કોઈને કોઈના ખેતરમાંથી સંભળાઈ રહી હતી. વાત જાણે એમ હતી કે રાત્રે ખેતર એક સામાન્ય સ્થિતિમાં હોઈ અને સવાર પડતાં જ તેમાં વિચિત્ર, વિશાળ અને માણસે રચેલા ના હોઈ તેવા વિશિષ્ટ ચિન્હો જોવા મળતાં. અગાઉ 1975 થી આવું થતું પણ તે અત્યાર સુધી માં આંગળીના વેઢે ગણી શકાય તેટલી વાર જ થયું હતું અને હાલ છેલ્લા એક અઠવાડિયાથી આવા વિશાળ અને વિચિત્ર ચિન્હો જોઈને સૌ કોઈ ડરી ગયા હતા. વૈજ્ઞાનિકો એ તે ચિન્હો ને ક્રોપ સર્કલ એવું નામ આપ્યું હતું.આ ક્રોપ સર્કલ કંઇક સંદેશો આપી રહ્યા હતા. તે સંદેશા ને ડિકોડ કરવા વૈજ્ઞાનિકો મથી રહ્યા હતા. મૂળ ભારતીય એવી નાસા ની વૈજ્ઞાનિક ડૉ સુનિતા આ ક્રોપ સર્કલ ને સતત સેટેલાઇટ ની મદદ થી ફોલો કરી રહી હતી. છેલ્લી કેટલીય રાતથી સુનિતા અને તેની ટીમના સભ્યો સતત જાગી રહ્યા હતા તે જોવા માટે કે આ ક્રોપ સર્કલ નું નિર્માણ કોણ કરે છે!!! પરંતુ તેને હાથ કંઈ જ લાગી રહ્યું ના હતું. દુનિયાભરના વૈજ્ઞાનિકો માં આ વાત ફેલાઈ રહી હતી અને સૌ કોઈ તેને ડીકોડ કરવામાં લાગ્યા હતા. એક ચોક્કસ ક્રમમાં આ ક્રોપ સર્કલ બનાવાયેલ હતા. ઇન્ડિયામાં પણ ઈસરોના વૈજ્ઞાનિકો ડૉ સુબ્રમણ્યમ અને તેની ટીમ સતત મોનીટરીંગ કરી રહી હતી. પૂરા દસ દિવસ સુધી આ ક્રોપ સર્કલ બન્યા અને પછી અચાનક જ તે બનવાનું બંધ થઈ ગયું.
વૈજ્ઞાનિકોના તનતોડ પ્રયાસો પછી નાસા માં ડૉ સુનિતા અને તેની ટીમ તેમજ ઈસરો માં ડૉ સુબ્રમણ્યમ અને તેની ટીમ બંને એ અલગ અલગ રીતે આ ક્રોપ સર્કલ ને ડિકોડ કરવામાં સફળતા મેળવી. જેનું પરિણામ ખૂબ જ ગંભીર અને ભયજનક હતું. ડૉ સુનિતાએ આ બાબતે સીધી જ અમેરિકન પ્રેસિડેન્ટ ને જાણ કરી જેનો ગુજરાતી અનુવાદ કઈક આવો હતો, "હેલ્લો મિસ્ટર પ્રેસિડેન્ટ, યુકે માં બનેલાં ક્રોપ સર્કલ એલિયન્સ દ્વારા પૃથ્વી પર ઉતરાણ થયું છે તેની સાબિતી છે. ક્રોપ સર્કલ ની અલગ અલગ ભાત દ્વારા તેઓ આપણને ચેતવણી આપી રહ્યા છે કે તેઓ પૃથ્વી પર હુમલો કરવાના છે." "કેટલો સમય છે આપણી પાસે?" મિસ્ટર પ્રેસિડેન્ટ એ પૂછ્યું. "સર, આજનો આ છેલ્લો દિવસ છે... અમને દુઃખ છે કે અમે આ ક્રોપ સર્કલ ને વહેલું ડિકોડ ના કરી શક્યા" ડૉ સુનિતા એ ભારે હૃદયે કહ્યું. "તમારા મતે હવે શું કરવું જોઈએ?" મિસ્ટર પ્રેસિડેન્ટ એ પૂછ્યું. "મિસ્ટર પ્રેસિડેન્ટ, આપણે લોકો ને આ બાબતે જાણ કરી દેવી જોઈએ જેથી તેઓ પોતાની અંતિમ ક્ષણો જીવી શકે. આ એક જીવલેણ હુમલો હશે. કદાચ આ પૃથ્વી પર કોઈ બચી નહિ શકે..." ડૉ સુનિતાએ નિઃસાસો નાખતા કહ્યું અને બંને છેડે થી ફોન મુકાઈ ગયો.
આ બાજુ ડૉ સુબ્રમણ્યમ એ પણ ભારતના વડાપ્રધાન ને આ બાબતે કઈક આવી જ ચેતવણી આપી. વડાપ્રધાને ડૉ સુબ્રમણ્યમ ને આ હુમલાનું કારણ પૂછ્યું ત્યારે ડૉ સુબ્રમણ્યમ એ કહ્યું,"સર, આપણે અવકાશ ની વાટ પકડી છે. અવકાશમાં સ્પેસ સ્ટેશન બનાવ્યા, સેટેલાઇટ મોકલ્યા, એલિયન્સ વિષે જાણવા છેક તેઓના ઘર સુધી ખુસણખોરી કરી જે તેઓ માટે અસહ્ય રહી છે. તેથી હવે તેઓ પૃથ્વી નો વિનાશ ઈચ્છે છે." "તમારા મતે હવે આપણે આગળ શું કરવું જોઈએ" વડાપ્રધાન શ્રી એ પૂછ્યું. "સર, આ માત્ર કોઈ એક દેશ ની નહિ પરંતુ સમગ્ર માનવજાત ની લડાઈ છે. જો સમગ્ર માનવજાત એક થઈ લડી શકે તો કદાચ આપણે એલિયન્સ ને હરાવી શકીએ. તેઓની શકિત પાસે આપણે કંઈ જ નથી. સર, અઘરું છે અશક્ય નથી" ડૉ સુબ્રમણ્યમ એ આશા સાથે કહ્યું. "કેટલો સમય છે માનવજાત પાસે???" વડાપ્રધાન શ્રી એ પૂછ્યું. "સર, આજનો છેલ્લો દિવસ. આજ રાત્રીના 8 વાગ્યા સુધીમાં હુમલો થઈ શકે છે." ડૉ સુબ્રમણ્યમ એ નિઃસાસો નાખ્યો. બંને છેડે ફોન મુકાઈ ગયા.
ભારતના વડાપ્રધાન શ્રી એ યુનો ની સિક્યોરિટી કાઉંસિલ ને આ બાબતે જાણ કરી અને તાત્કાલિક દેશના વડાઓની ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ નું આયોજન કરવા વિનંતી કરી. આ પહેલી વાર હતું કે માત્ર દસ જ મિનિટ ના ટૂંકા ગાળામાં લગભગ 108 જેટલાં દેશના વડાઓ વિડિયો કોન્ફરન્સ માં જોડાઈ ગયા. સૌ પ્રથમ અમેરિકન પ્રેસિડેન્ટ એ સૌનો આભાર માનતા વાતની શરૂઆત કરી અને આ ખતરા વિશે જણાવ્યું. દરેક દેશના લોકો આનાથી વાકેફ થાય અને છેલ્લો દિવસ સૌ મન ભરીને જીવી લે તેવું કહ્યું. વિશ્વની મહાસત્તા માં ગણાતું અમેરિકા અને તેના પ્રેસિડેન્ટ ની આવી વાતો સાંભળી સૌ ડઘાઈ ગયા. અન્ય પાસે કંઈ સુઝાવ પણ માગ્યા. ત્યારે ભારત ના વડાપ્રધાન શ્રી એ વસુદૈવ કુટુમ્બકમ નો મંત્ર ફરી એકવાર વિશ્વને આપ્યો. સૌને એક આશા આપી કે વસુદૈવ કુટુમ્બકમ થકી આપણે અશક્ય ને પણ શક્ય કરી શકીશું. આ આશાને જીવંત રાખવામાં સૌએ સાથ આપવાનું નક્કી કર્યું. સમગ્ર માનવજાત સુધી માહિતી પહોચાડવામાં આવી અને કોઈપણ હતાહત ના થાય. સૌ જીવિત રહેશું જ તેવી ખાતરી અપાઈ.
દરેક દેશના સૈન્ય સાથે દેશના વડાઓએ તાત્કાલિક વિડિયો કોન્ફરનસ કરી અને માહિતગાર કર્યા. સૈન્ય સજ્જ થયું. હુમલો કંઈ રીતે થવાનો છે તેની કોઈ માહિતી હજુ સુધી મેળવી શકાય ના હતી. પરંતુ આ ખબર લોકોમાં ફેલાતા સૌ કોઈ પોતાના ઘર તરફ દોડી રહ્યું હતું. કોઈ માં ને પોતાના દીકરાને જોઈને અંતિમ શ્વાસ લેવા હતા તો કોઈ બહારગામ વસતા સંતાનોને પોતાના માં - બાપ સુધી પહોંચી તેમના ચરણોમાં અંતિમ ઘડી વિતાવવી હતી. તો કોઈ અંતિમ ઘડીમાં પોતાના પ્રેમ ને પામી લેવાની ઈચ્છા રાખતું હતું તો કોઈ પરિવારમાં થયેલ કલેશ દૂર કરી, મનદુઃખ મિટાવી એક થવા ઈચ્છતું હતું. કોઈ નવપરિણીત યુગલ એકબીજાની બાહોમાં આ અંતિમ ક્ષણને મન ભરીને જીવી લેવા માગતું હતું તો દુનિયાને બીજે છેડે કોઈ ડોશો પોતાની ડોશી નો હાથ પકડીને આગલા જન્મમાં સાથ નિભાવવાનો પ્રણ કરી રહ્યો હતો. કોઈ નાનું, અણસમજુ બાળક પોતાની માતાના મો પર ભય ની રેખાઓ જોઈને માતાની કૂખમાં જ લપાઈ ગયું હતું તો કોઈ નવયુવાન પોતાના અધૂરા સપનાઓને સમેટી રહ્યો હતો. એક ગર્ભવતી સ્ત્રી પોતાની કુખ પર હાથ ફેરવી અર્ધ મા બનવાનું દુઃખ આંસુઓથી વ્યક્ત કરી રહી હતી તો કોઈ હમણાં જ બનેલો પિતા પોતાના બાળકને બકીઓ ભરી ને વહાલ થી નવડાવી, પોતે આંસુઓથી ન્હાય રહ્યો હતો. માત્ર માણસો જ નહિ લોકો પોતાના પાલતુ પ્રાણીઓ ને પણ વળગી ને આંસુ સારી રહ્યા હતા. સૌથી ખરાબ હાલત તો સૈન્યના પરિવારની હતી જે કદાચ છેલ્લી વખત પણ પોતાના વ્હાલસોયા ને મળી નહિ શકે...
સૌ વૈજ્ઞાનિકો અને સૈન્યની નજર આકાશ તરફ મંડાયેલી હતી. બસ હવે રાત્રીના 8 વાગવામાં માત્ર પાંચ જ મિનિટ ની સમય હતો. સેટેલાઇટની મદદ થી સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો બાજ નજર રાખી બેઠાં હતાં. પહેલો હુમલો ક્યાં દેશ પર થાય તે પણ નક્કી ના હતું. માત્ર 3 મિનિટ બચી... બધી જ સેટેલાઇટ અચાનક જ કામ કરતી બંધ થઈ ગઈ. વૈજ્ઞાનિકો સમજી ગયા કે તેઓના હાથ માં હવે બાજી રહી નથી પરંતુ સૈન્યને હજુ વિશ્વાસ હતો. અવકાશ માં હલચલ થતી દેખાઈ. સૌથી પહેલો ટાર્ગેટ હતો એશિયા અને અમેરિકા ખંડ... એલિયન્સ ખૂબ જ ચાલાકીથી ટાર્ગેટ નક્કી કરી આવ્યા હતાં જો આ બે ખંડ સમાપ્ત થઈ જાય તો લગભગ અડધીથી વધુ માનવજાત સમાપ્ત થઈ જાય. એલિયન્સ ની હુમલો કરવાની રીત કોઈના વિચારમાં પણ ના હોઈ તેવી હતી. તેણે અમેરિકા અને એશિયા ખંડ પર એકસાથે હવામાં કેટલાંક ચમકતાં કણો છોડ્યા. જેને તેઓ ડેથ પાર્ટિકલસ તરીકે ઓળખતા હતા. જેને કોઈ પણ પ્રકારના ઓબસ્ટેકલ નડતા ના હતા. જે બધા જ પદાર્થોમાંથી આરપાર નીકળી શકે તેમ હતા. જે હવામાં ઉડતા રજકણો જેટલાં સૂક્ષ્મ હતા પરંતુ તેની ચમક ને લીધે તેને જોઈ શકતા હતા. સૌ કોઈ ચિંતામાં હતા કે આ ક્યાં પ્રકારનું હથિયાર છે. ધીમે - ધીમે ડેથ પાર્ટિકલસ નીચે આવી રહ્યા હતા. આ મહામારી નું સમગ્ર દુનિયામાં લાઈવ પ્રસારણ ચાલી રહ્યું હતું. આ કણો સાથે સૌથી પહેલાં તો વાયુસેના એ ટક્કર લીધી. એક વિચિત્ર અને અચરજ પમાડે તેવું દૃશ્ય સૌ કોઈ નિહાળી ભયભીત થઈ રહ્યા હતા. આ ડેથ પાર્ટિકલસ જેવા કોઈ પ્લેન કે હેલિકોપ્ટર ને અડે કે તરત જ તેની સૂક્ષ્મ રાખ થઈ તેમાંથી નવા ડેથ પાર્ટિકલસ બની જતા હતા. ડેથ પાર્ટિકલસ ની પકડ થી બચવું હવે અસંભવ લાગી રહ્યું હતું. જેવા તે નીચે જમીન સુધી પહોંચે અને માણસ ને કે કોઈ પ્રાણીને કે નાનામાં નાના જીવજંતુ ને પણ જો અડે તો તરત જ તે બળીને રાખ થઈ જાય અને તેમાંથી નવા ડેથ પાર્ટિકલસ નો જન્મ થાય. સમગ્ર દુનિયામાં હાહાકાર મચી રહ્યો હતો. સૌ કોઈ પરિસ્થિતિ ને પામી ગયા હતા. કેટલાંય દેશોની વાયુસેના ભસ્મ થઈ ચૂકી હતી. સમય ખૂબ ઓછો હતો. વાતાવરણ ની અસર પ્રમાણે આ ડેથ પાર્ટિકલસ ગતિ કરતા હતા. ખૂબ ઠંડા પ્રદેશોમાં તેની ગતિ ઝડપી હતી અને ગરમ પ્રદેશોમાં ગતિ મધ્યમ હતી. ભારત દેશમાં આ સમયે ઉનાળો હતો. તેથી આ ડેથ પાર્ટિકલસ ખૂબ જ ધીમી ગતિ એ આગળ વધી રહ્યા હતા. ભારત ના વૈજ્ઞાનિકો એ આ તક ઝડપી લીધી અને માનવજાતને બચાવવાનું બીડું ઝડપ્યું. ડૉ સુબ્રમણ્યમ અને તેની ટીમે આ ડેથ પાર્ટિકલસ ને હવામાં જ સ્કેન કર્યા અને તેમાં રહેલાં અણુઓને જાણી લીધા. લગભગ બે કલાક પછી તરત જ ડૉ સુબ્રમણ્યમ અને તેની ટીમે ફરીવાર ભારતીય વડાપ્રધાન શ્રીને ફોન કરી જણાવ્યું કે,"સર, ગયા વર્ષે ઇવેન્ટ કરેલ લાઈફોરેઈન આ ડેથ પાર્ટિકલસ ને કદાચ ખતમ કરી શકે. મહેરબાની કરી આપ અમને મંજૂરી આપો આ પ્રયોગ કરવાની." "પરમિશન ગ્રાન્ટેડ" વડાપ્રધાન શ્રીના માત્ર આટલાં જવાબ દ્વારા જ મિશન શરૂ થયું. આ લાઈફોરેઈન ને હવામાં વરસાવવા માટે તેને હવા માં લઇ જવું શક્ય ન હતું. ડેથ પાર્ટિકલસ ભારતીય જમીન સુધી પહોંચવાની તૈયારી માં જ હતા. તેથી નીચે જમીન પરથી જ લાઈફોરેઈન નો વરસાદ વરસાવી શકાય તેવું આયોજન ગણતરીની મિનિટોમાં થયું. વૈજ્ઞાનિકો એ સૈન્ય ની મદદ લઈને આ લાઈફોરેઈન નો વરસાદ વરસાવ્યો. ડેથ પાર્ટિકલસ ખતમ ના થઈ શક્યા. સૌને બંધાયેલી આશા તૂટી. સમગ્ર દુનિયા ભારતના આ પ્રયોગ ને નિહાળી રહી હતી. છેલ્લી ઘડી એ પણ બહાર ઘૂમી, પોતાની ફરજ નિભાવી રહેલ પત્રકાર પર આ ડેથ પાર્ટિકલસ પડ્યા. ચમત્કાર થયો..... પત્રકાર હજુ પણ જીવિત... લાઈફોરેઈન થી ડેથ પાર્ટિકલસ ખતમ ના થયા પરંતુ ખૂબ જ નબળા પડી ગયા. જેના લીધે તે માણસ ને અડવા છતાં તે ભસ્મ ના થતો પરંતુ જેમ અતિશય સૂર્ય નો તાપ થી દાજી જવાય માત્ર તેવી દાઝ જ પડી રહી હતી. સમગ્ર દુનિયામાં એક ખુશીની લહેર પ્રસરી ગઈ. ભારતીય વૈજ્ઞાનિકો વાયુસેના ની મદદ દ્વારા ધીમે ધીમે નીચેથી ઉપર હવામાં આ ડેથ પાર્ટિકલસ ને ખતમ કરતાં આગળ વધી રહ્યા. સમગ્ર ભારત પરથી ખતરો ટળી ગયો.
ભારત સૌની વહારે આવ્યો. ભારતીય વાયુસેના અમેરિકા અને એશિયા ખંડ પર છોડવામાં આવેલ ડેથ પાર્ટિકલસ પર લાઈફોરેઈન નો વરસાદ કરવામાં અસરકારક રહી. હવે લાઈફોરેઈન નો સ્ટોક ખૂટી રહ્યો હતો. પરંતુ આટલામાં તો એલિયન્સ ફરી આવશે તેવા નવા સંદેશા સાથે પાછી પાની કરી ચૂક્યા હતા. ભારતે સમગ્ર માનવજાત ને વસુદૈવ કુટુમ્બકમ નો પરચો બતાવ્યો. ઘણી ખરી જગ્યા એ વિનાશ સર્જાયો હતો પરંતુ પૃથ્વી ને બચાવવામાં ભારત દેશ સફળ રહ્યો. ભારત હવે સમગ્ર વિશ્વની મહાસત્તા બન્યું. સમગ્ર વિશ્વને પોતાની આવડત, મહાનતા અને મૂલ્યો શીખવી, સીમાઓ રદ્દ કરી વિશ્વને એક છત નીચે લાવવામાં ભારત સફળ રહ્યું. સમગ્ર વિશ્વમાં શાંતિ, સદાચાર અને ભાઈચારાની લોકો રહેવા લાગ્યા. એલિયન્સ હવે હુમલો કરતા વિચારી રહ્યા હતા કારણ કે સમગ્ર વિશ્વ એક થઈ ને ઉભુ હતું...........