આત્મહત્યા.... શબ્દ સાંભળતા જ ધ્રુજી જવાય છે...ખબર નઈ લોકો કરતા કેમ હશે....!!! તેના પર હાલમાં એક રિસર્ચ થયેલું. જે બિલ અને મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા થયેલ.
તે રિસર્ચ વિશે Kamala Thiagarjan કે જે એક પત્રકાર છે તેણે ન્યુ યોર્ક ટાઇમ્સ અને બીબીસી ટ્રાવેલ એન્ડ ફોર્બ્સ ઇન્ડિયા માં એક આર્ટિકલ લખ્યો હતો. જેના અમુક અંશો હું જણાવવા ઈચ્છીશ. દુનિયા ની દૃષ્ટિએ ઇન્ડિયામાં થતાં આત્મહત્યા ના કિસ્સામાં 37% મહિલાઓ તથા 26% પુરુષોની આત્મહત્યાના કિસ્સા નોંધાય છે. પુરુષો ના આત્મહત્યા માં મૃત્યુ ના આંકડા વધુ છે જ્યારે સ્ત્રીઓમાં આત્મહત્યા ના પ્રયત્નો ના આંકડા વધુ છે.એક રસપ્રદ માહિતી એ પણ છે કે 15 થી 30 વર્ષની મહિલાઓ આત્મહત્યાના વધુ પ્રયાસ કરે છે. 30 પછીની મહિલાઓ માં આ આંકડો ખૂબ ઓછો જોવા મળે છે. જ્યારે પુરુષોમાં કોઈ ઉંમર ફિક્સ નથી. સામાન્ય રીતે મહિલાઓમાં 30 વર્ષ ની ઉમર પછી પણ પ્રેશર અને મુશ્કેલીઓમાં ઘટાડો નથી થતો પરંતુ ખાસ કરીને બાળકોમાં તેનું ધ્યાન વધુ હોઈ છે. અલ્પ વિકસિત રાજ્યોના પ્રમાણ માં તમિલનાડુ જેવા રાજ્ય કે જયાં એજ્યુકેશન વધુ છે ત્યાં સ્ત્રીઓનો આત્મહત્યા નો આંકડો વધુ છે.
આ આંકડાઓ, સ્ત્રી પુરુષની આત્મહત્યાનું પ્રમાણ કે રિસર્ચ જે કંઈ પણ કહે છે તેનાથી એટલું સ્પષ્ટ છે કે જે સહન કરી જાણે છે તે જીવી જાણે છે.. કદાચ સહનશક્તિનું બીજુ નામ આત્મહત્યા જ છે. હું માનું છું કે આત્મહત્યા એટલે પોતાના દ્વારા માત્ર શરીર ની જ હત્યા એવું નથી. જીવતા રહીને પણ જે વ્યક્તિ પોતાની આત્મા ને મારી નાખીને જીવે છે તે પણ એક આત્મહત્યા જ છે. હું તેને આત્મહત્યા નહિ પરંતુ આત્માહત્યા કહીશ. દરેક ના જીવન માં એવો કઈક ને કઈક બનાવ આવતો હોય છે. ક્યાંક ઓછો તો ક્યાંક વધુ. અન્યની ખુશી માટે, પરિવારના સારા સ્વાસ્થ્ય માટે પોતાના શરીર ને જીવતું રાખી ને આત્મા ને મારી નાખીને જીવવું એ પણ એક આત્મહત્યા જ છે... હા, તેના પર કદાચ હજુ કોઈ રિસર્ચ થયાનું જાણવા મળ્યું નથી. પરંતુ જો તેના પર રિસર્ચ કરવામાં આવે તો દરેક ઘરમાંથી કદાચ એકાદ વ્યક્તિ તો આવી મળી જ આવે...
તમારી આસપાસ કે તમારા ઘરમાં આજુબાજુ એક નજર કરી જુઓ તો.... કોઈનામાં પહેલાં અને હાલના સ્વભાવમાં ધરખમ પરિવર્તન દેખાય છે...??? માત્ર કામની જ વાત થતી હોઈ અને હસી મજાક ભૂલી ગયું હોઈ એવું કોઈ છે...??? તમે તે વ્યક્તિને બધાની વચ્ચે પણ એક મજાક બનાવી દો તો પણ તેને કંઈ જ ફરક નથી પડતો, તે માત્ર એક નાની સ્માઈલ થી જ વાત પૂરી કરી નાખે છે એવું કોઈ છે...??? ઝગડાઓમાં કે રોજિંદા કાર્ય સિવાયના કાર્ય માં હવે તેને કોઈ જ રસ નથી પડતો તેવું કોઈ છે...??? સૂર્યોદય ની સાથે નવા દિવસ ની શરૂઆત કરતી એ વ્યક્તિ સૂર્યાસ્ત થતાં કેટલીયે ઈચ્છાઓને મારી નાખે છે અને કદાચ હવે સૂર્યોદય કે સૂર્યાસ્ત પણ રોજનો માત્ર એક ક્રમ... મારવા માટે ઈચ્છાઓ જન્મ જ ક્યાં લે છે..એવું કોઈ છે...??? બસ... જીવવું અને જીવન પૂરું કરવું... સહનશક્તિ ના ટાઇટલ હેઠળ કેટલાયે લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે... "લોકો શું કહેશે" અને "પરિવારની આબરૂ નું શું" આવા માનસિક ઉદ્દગારો નીચે જીવતાં લોકો ઘણા સમયથી આત્મહત્યા કરી ચૂક્યા છે. જ્યારે જ્યારે કોઈ સહનશક્તિ અને આવા માનસિક ઉદ્દગારો માંથી સહેજ પણ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી તેની આસપાસ રહેતાં લોકો જ તેને યાદ અપાવી દે છે કે તે આત્માહત્યા કરી લીધી છે, આત્માહત્યા કરનાર ને આ જન્મમાં ફરી જીવવાનો હક મળતો નથી.પહેલાં મન, પછી આત્મા અને પછી જ શરીર મરે છે.
છેલ્લો બોલ: શબ્દો તલવાર કરતાં વધુ ઘાતક છે.આત્મહત્યા કે આત્માહત્યા માટે જવાબદાર તે જ છે. સંભાળજો તમારા પ્રિયજનો ને....