Featured Books
શ્રેણી
શેયર કરો

અપરાધ - 7 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ- 7

(આગળના ભાગમાં જોયું કે સંજના એનજીઓમાં મદદ માટે જાય છે. તેમજ બે વર્ષ બાદના દ્રશ્યમાં અનંત પર તેના જ પિતા રાકેશભાઈની હત્યાનો ગંભીર આરોપ લગાવી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે.)

હવે આગળ........

“સર, કેસમાં તો એકદમ અરીસા જેમ ચોખ્ખું દેખાય છે. સારું થયું આપણે કોઈ વિશેષ મહેનત ન કરવી પડી.” નાયકે ગાયકવાડના ટેબલ પર ચાનો કપ મૂકતા કહ્યું.

“હા, કેસ તો એકદમ અરીસા જેમ સાફ છે. પરતું થોડી બાબતો વિચારવા જેવી ખરી!” ગાયકવાડે ચાનો કપ ઉપાડી મનોમંથન કરતાં કહ્યું.

“આમ તો બધું ક્લીઅર જ છે. તો પછી શું વિચારવું સર?”

“એજ તો પ્રશ્ન છે નાયક! બધું સરળતાથી મળી ગયું. પ્રથમ વિચાર જ એ આવે કે નોર્મલી મર્ડર કેસમાં આટલી સરળતાથી ઉકેલ મળે નહી. અને મોટી વાત કે આ યુવાન તેના પિતાની હત્યા શું કામ કરે ?”

“હશે કોઈ પારિવારિક પ્રોબ્લેમ. અને આમ પણ આ મોટા બીઝનેસમેનના દીકરાઓ તો તમે જાણો જ છો.”

ગાયકવાડે ઉભા થતા કહ્યું,“પણ આ અનંતને પ્રથમ દ્રષ્ટીએ જોઇને એવું લાગ્યું નહી. ખેર હવે કેમ થયું એ તો જાણીએ છીએ શા માટે થયું તે જાણીએ.”

ગાયકવાડ અને નાયક લોકઅપ બાજુ ચાલ્યા.

અનંત જેલના એક ખૂણામાં ગમગીન અવસ્થામાં બેઠો હતો. હજી ગઈ કાલની એના પપ્પાની ભવ્ય બર્થ-ડે પાર્ટીના અમુક દ્રશ્યો તેની આંખો સામે તરવરી રહ્યા હતા. લોકઅપનો દરવાજો ખુલવાનો અવાજ જાણે તેને ભૂતકાળમાંથી વર્તમાનમાં ખેંચી લાવ્યો.

અનંત ત્યાં ખૂણામાં જ બેઠો રહ્યો. ગાયકવાડે બાજુમાં જ એક ખુરશી મુકાવી તેના પર બેઠક લીધી.

“કેમ કઈ યાદ આવ્યું?” નાયકે સંવાદ શરૂ કરતાં કહ્યું.

અનંત જાણે કઈ સાંભળ્યો જ ના હોય તેમ કોઈ પ્રત્યુતર ના આપ્યો.

“નોર્મલ કેદી સામે કેટલી સખ્તી કરવામાં આવે એ તો તું જાણે જ છે. એક તો આ કોમળ ચામડી! એ વધુ સહન નહી કરે એના કરતાં મગજને થોડું જોર આપ અને જે કર્યું તે કબુલ કરી લે.”નાયકને કોઈ જવાબ ના મળતા થોડા ઊંચા સ્વરે કહ્યું.

“સર, મેં જે કર્યું જ નથી તે કેમ કબૂલું.”અનંતે ગાયકવાડ સામે જોઇને નંખાઈ ગયેલા સ્વરે કહ્યું.

“ સારું ચાલ એક પળ માટે માની લઈએ કે તે કઈ નથી કર્યું. તો પણ તને યાદ આવે એટલું કહી દે!”ગાયકવાડે શાંત સ્વરે કહ્યું.

ગાયકવાડને મોટા મોટા ગુનેગારોના મોઢા ખોલાવવામાં લાંબો સમય નહોતો લાગતો. સામાન્ય રીતે તો આરોપીને જોઇને જ એને અંદાજ આવી જતો કે કઈ રીતે માહિતી કઢાવવી.

થોડીવાર વિચારીને અનંત આખી ઘટનાનું વર્ણન કરતો હોય તેમ કહ્યું, “સર, ગઈ કાલે પપ્પાનો જન્મદિવસ હતો એટલે સાંજે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. પપ્પાના બીઝનેસ રીલેટેડ બધા ફ્રેન્ડસ, અમારા રીલેટીવ્સ, મારા ફ્રેન્ડસ વગેરેને ઇન્વાઇટ કર્યા હતા.......

*****

બીજા દિવસે કોલેજમાં પ્રવેશતાં જ બંને મિત્રોનો ભેટો ફરી સંજના સાથે થઈ ગયો.

“અરે, આજે પણ થેન્ક્સ કહેવા આવી છે કે શું?” સંદીપે વ્યંગાત્મક રીતે કહ્યું.

“હા, પણ આજે એક ન્યુઝ બીજી પણ આપવી છે.”સંજનાએ ઉત્સાહ પૂર્વક કહ્યું.

“ઓહ, એડમીશન મળી ગયું. કોન્ગ્રેચ્યુલેશન્સ..”અનંતે તેના હાવભાવ પરથી અનુમાન લગાવીને કહ્યું.

“હા..અને તમારા લોકોના કારણે જ શક્ય બન્યું છે. સો થેન્ક યુ સો મચ.”

“ઓહ, વેલકમ. ચલો બ્રેકમાં મળીએ?” સંદીપે કહ્યું.

“હા આજે મારો પ્રથમ દિવસ છે. અને અહી કોઈને ઓળખતી પણ નથી.”

“અરે એ તો થોડા સમયમાં બની જશે ઘણા મિત્રો. ચલો અમારે લેટ થાય છે.”

સંજના તેના ક્લાસ તરફ અને બંને મિત્રો પોતાના ક્લાસ તરફ ચાલ્યા.

કોલેજમાં બ્રેકના સમયે મોટાભાગના બધા જ પોત-પોતાના ફ્રેન્ડ સર્કલ જોડે કેન્ટીનમાં બેસવાનું જ વધુ પસંદ કરતાં.

અનંત અને સંદીપ રાબેતા મુજબ તેમના ફ્રેન્ડસ જોડે કેન્ટીનમાં બેઠા હતા. લગભગ પાંચેક મિનીટ પછી સંજના એક બીજી ગર્લ સાથે ત્યાં પહોચી.

સંજના નજીક આવી એટલે સંદીપે કહ્યું,“અરે, લાગે છે પહેલા જ દિવસે ઓળખાણ પડી ગઈ.”

“હા, આ પૂજા છે. મારી જ જોડે ફર્સ્ટ ઇયરમાં..”

“સરસ.. સો વુડ યુ લાઇક ટુ જોઈન અસ..”સંદીપે સામે ખુરશી બાજુ ઈશારો કરતાં કહ્યું.

બંને ખુરશી પર બેઠી કે તરત સંદીપે બીજા મિત્રોનો પરિચય કરાવતા કહ્યું, આ રાજ, બાજુમાં નીખીલ અને આ ચંદ્રમાંની જેમ ચળકતા ચહેરા વાળી રોશની અને સરોવર જેવી શાંત શીતલ.”

“વાહ જી.. આમના પરિચયમાં ચંદ્રમાં અને સરોવર વગેરે..” નીખીલે કહ્યું.

“અરે સુંદરતાના વખાણ તો કરવા પડે ને”

“ખેર, આની આદત છે થોડી, કેવો રહ્યો અત્યાર સુધીનો દિવસ.. આઈમીન પ્રથમ દિવસ..”શીતલે કહ્યું.

“સરસ હો અત્યાર સુધી તો. કોલેજ વિશે સાંભળ્યું તો ઘણું છે પણ જોઈએ આગળ..”પૂજાએ કહ્યું.

સંદીપે વચ્ચે કહ્યું, “અરે આગળ જોવ ને ના જોવ બેસ્ટ જ છે. શું મંગાવું તમારા માટે?”

સંજના કે પૂજા કઈ આગળ બોલે તે પહેલા બેલનો અવાજ સંભળાયો.

“ચલો લેકચરનો સમય થઈ ગયો છે. તો અમે લોકો જઈએ..”આટલું કહી સંજના અને પૂજા પોતાના ક્લાસ તરફ ચાલી અને અનંત અને તેના મિત્રોએ પણ તેમના વર્ગ તરફ પ્રયાણ કર્યું.

વધુ આવતાં અંકે........

શું અનંતે પોતાના પિતાની હત્યા કરી હશે? શું થયું આટલા વર્ષોની વચ્ચે?

જાણવા માટે વાંચતા રહો અપરાધ- પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન……

આપના પ્રતિભાવો ચોક્કસ આપશો.

આ સિવાય મારી અન્ય એક નવલકથા પ્રેમ કે પ્રતિશોધ પણ ચોક્કસ વાંચશો.