Gujarati kahevato ane teno arth-gammat sathe - 6 books and stories free download online pdf in Gujarati

ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - 6

(1) અવળા ગણેશ બેસવા...

● ભીખુએ નવી સવી ઝેરોક્ષ & લેમીનેશનની દુકાન કરી હોય . બધી તૈયારીઓ જોરશોરથી થઈ ગઈ હોય . મશીનો દુકાનમાં ગોઠવાઈ ગયા હોય . સગા વ્હાલા , દોસ્ત મિત્રોને ઉદ્ઘાટન ના કાર્ડ અપાય ગયા હોય . ને બરાબર ઉદ્ઘાટન ના દિવસે સવારે જ નજીકના સબસ્ટેશન મા ધડાકો થાય ને આખો દિવસ પાવર ન આવે . ભીખુ આખા દિવસમાં એક ઝેરોક્ષ કાઢી ન શકે અને એકાદ બે પેન વેચીને દિવસ નીકળે . ઉપરથી ઉદ્ઘાટન મા આવેલા મહેમાનોને નાસ્તા કરાવવા પડે એ તો જુદા આને કહેવાય અવળા ગણેશ બેસવા .

■ અર્થ : - કોઈ કામમાં શરૂઆતથી જ વિઘ્ન આવવું .

(2) ભેંસ આગળ ભાગવત...

● આજે પહેલી ઓક્ટોબર હોય એટલે કાલે ગાંધી જયંતિ હોય . ઉમાશંકર માસ્તર બાળકોને ગાંધીજી વીશે વાતો કરવા અતિ ઉત્સાહિત હોય . ઉમાશંકર માસ્તર ક્લાસમાં જતાં વેંત બાળકોને ગાંધીજી વીશે વાતો કરે કે આપણા રાષ્ટ્રપિતા કેવા અદ્ભુત હતા . અહિંસાના પુજારી . સાદગીની મુર્તિ ને આપણને અંગ્રેજોની ગુલામી માંથી છોડાવવા કેટલું લડ્યા . ઉમાશંકર માસ્તર ઉત્સાહમાં ને ઉત્સાહમાં વાતો કરતાં હોય ત્યાં છેલ્લી પાટલી વાળો લાલો આંગળી ઉંચી કરીને પૂછે "સાહેબ... ઈ બધું તો બરાબર પણ કાલે સ્કૂલે નહીં આવવાનું ને..??" અને ઉમાશંકર માસ્તર નો બધો ઉત્સાહ ઓસરી જાય આને કહેવાય ભેંસ આગળ ભાગવત...

■ અર્થ : - અજ્ઞાની માણસ સામે જ્ઞાનની વાતો કરવાનો અર્થ નથી .

(3) બાવાના બેઉં બગડ્યા...

● ચીમનલાલ ને લગ્નગાળામાં એક જ તારીખમાં બે જમણવારના આમંત્રણ આવ્યા હોય . કંજૂસ ચીમનલાલ વિચારે કે ચાંદલો તો બેઉ જગ્યાએ લખાવવો પડશે તો બેઉં જગ્યાએ જે ભાવતું હશે એ થોડું થોડું જમીશુ . આમ ચીમનલાલ એક જગ્યાએ અડધું જમીને બીજી જગ્યાએ જમવા જાય પણ થાય એવું કે ગાડીમાં પડે પંચર તડકામાં ઘડીકમાં કોઈ પંચર વાળો ન મળે . અડધી કલાક ગાડી દોરીને ચાલતા માંડ એક પંચર વાળો મળે . આમ પંચરમા કલાક જાય ને બીજી જગ્યાએ જમવાનો સમય નીકળી જાય . ચીમનલાલ એક જગ્યાએ ભૂખ્યા રહે અને બીજી જગ્યાએ પમ જમવાનું ન પામે . છેલ્લે ઘરે ખીચડી રાંધવી પડે . આને કહેવાય બાવાના બેઉં બગડ્યા...

■ અર્થ : - બે કામ કરવા જતાં બંન્ને કામ બગડવા...

(4) પારકે ભાણે લાડું મોટો દેખાય...

● બે મિત્રો હોય જયંતિ અને રતીલાલ . બંન્ને પાસે એકેએક ઘોડી હોય . એમાં જયંતિને એમ જ લાગે કે રતીલાલની ઘોડી તો કેવી સરસ છે . રોજ જયંતિ રતીલાલને કહે કે " રતી તારી ઘોડી તો કેવી તેજ છે મારી તો સાવ ઢીલી છે , મને એક આંટો આપને તારી ઘોડીનો " રતીલાલ જયંતિને સમજાવે કે તેજ ઘોડી કાબુમાં નો આવે પણ જયંતિ ન માને તે ન જ માને . કંટાળીને રતીલાલ એક દિવસ જયંતિને એની ઘોડી ચલાવવા આપે ને જેવો જયંતિ પગ મારે કે ઘોડી તો જાય ગોલી ની જેમ . ઘોડી કોઈ રીતે જયંતિ થી કાબુમાં ન રહે ને જયંતિને પાળે બાવળમાં . જયંતિ લંગડાતો લંગડાતો આવે રતીલાલ પાસે કે ભાઈ મારી ઘોડી જેવી છે એવી સારી છે તું તારી ઘોડી રાખ તારી પાસે.. આને કહેવાય પારકે ભાણે લાડું મોટો લાગે....

■ અર્થ : - અદેખાઈ ને વશ માણસને બીજાની વસ્તુ વધુ સારી લાગે છે....

(5) પાડાના વાંકે પખાલીને ડામ...

● ગામના જાગીરદારના કુંવર સાહેબને ટ્યુશન માસ્તર ઘરે ભણાવવા આવતા હોય . હવે કુંવર સાહેબ હોય ભણવામાં ઢગલાંના ઢ પાછા લાડકા હોય એટલે વાયડા પણ ખરા . એટલે કુંવર સાહેબને કોઈથી કંઈ કહેવાય નહીં અને દર પરિણામના દિવસે બીચારા ટ્યુશન માસ્તરનો વારો નીકળે... આને કહેવાય પાડાના વાંકે પખાલીને ડામ...

■ અર્થ : - કોઈની ભુલનો દંડ બીજા કોઈને આપવો....

(6) ધરમની ગાયના દાંત ન જોવાય....

● એક સાધુ મહાત્મા અઠવાડિયાથી રોજ એક શેરી માંથી ભીક્ષા માંગતા નીકળતા હોય . શેરીમાં રહેતા ગંગા ડોશી એમને રોજ રોટલી ને શાક આપતા હોય . આવું થોડાક દિવસ ચાલે ને ખબર નહીં બાપુને શું કમતી સુજે કે બાપુ ગંગા ડોશીને કહે કે " રોટલીમાં ઘી ચોપડીને આપતા હોવ તો..." આ વાત ગંગા ડોશીના પતિ ઓધવજી સાંભળી જાય અને એમનો પીતો છટકે . પછી સાધુજી ની સુકી રોટલી પણ બંધ થઈ જાય આને કહેવાય ધરમની ગાયના દાંત ન જોવાય...

■ અર્થ : - મફત મળતી વસ્તુમાં ખોટ ન કાઢવી જોઈએ...

(8) બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના...

● ઉત્સાહી કલાકાર વીનુ એના દોસ્તારના લગનમા એવો તૈયાર થઈને ગયો હોય કે ખબર નો પડે કે આમાં લગન વીનુના છે કે એના દોસ્તારના . મોંઘા દાટ બૂટ , મોંઘા પરફ્યુમ અને મોંઘા કપડાં . આજુબાજુના બધા લોકો એને જ જોતા હોય અને એટલામાં વરરાજાના ફૂવા એને દાળ પીરસવામાં ઉભો રાખી દે હવે ઈ દોઢ વરરાજો લાગતો હોય ને એમાં દાળ પીરસતો હોય અને છેલ્લે ભાઈ મોંઘાદાટ કપડામાં દાળના ડાઘ લઈને ઘરે આવે...આને કહેવાય બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના...

■ અર્થ : - કોઈ યોગ્ય કારણ વગર વધુ પડતું ઉત્સાહમાં આવી જવું....

(9) ગામના મોં એ ગરણુ ન બંધાય...

● ગામમાં બિચારા એક ભગત રહેતા હોય . એમને ગાય લેવાનું મન થાય અને ભગત ગાય લે . તો ગામમાં લોકો વાતો કરે "ગાયોનો વિષય ભગતનો છે નહીં , ગાય તો બહું દુબળી છે" ભગત બધાનું સાંભળી આ ગાય વેચીને તંદુરસ્ત ગાય લઈ આવે . હવે ગામના લોકો એમ વાત કરે કે " ભગત તંદુરસ્ત ગાય તો લાવ્યા પણ એમનાથી ગાય સચવાશે નહીં.." છેવટે ભગત કંટાળીને એ ગાય પણ વેચી નાંખે . તો ગામના લોકો એમ વાત કરે કે " ભગતમાં તો અક્કલનો છાંટો નથી ગાય લે-વેચ કરીને પૈસા બગાડે છે " છેલ્લે ભગતને એમ થાય કે ઓહો આના કરતાં આ લોકોનું સાંભળ્યા વગર પહેલી ગાય જ પાળી હોત તો સારું હતું... આને કહેવાય ગામના મોં એ ગરણુ બાંધવા ન જવાય...

■ અર્થ : - તમે ગમે તે કરો લોકો કંઈક ને કંઈક બોલશે...તમે લોકોને બોલતા નહીં અટકાવી શકો...

(10) વગ કરે પગ...

● તોફાની કાન્યાને દસમાં ધોરણમાં શહેરની પહેલા નંબરની શાળામાં એડમિશન લેવું હોય . આજુબાજુ વાળા બધા જાણતા હોય કે આ કાનાને માંડ પાંસઠ ટકા આવે છે આને આવી સારી શાળામાં એડમિશન નહીં જ મળે પણ એડમિશનના દિવસે ખબર પડે કે કાનાને એડમિશન મળી ગયું છે . આડોશ પાડોશમાં બધા વિચારતા રહી જાય કે આ ફાટેલી નોટ કેવી રીતે ચાલી ગઈ . પછી ખબર પડે કે ત્યાંના એક ટ્રસ્ટી સાહેબ કાન્યાના દાદાજીના દોસ્તાર છે . આને કહેવાય વગ કરે પગ....

■ અર્થ : - ઓળખાણથી પ્રવેશ મેળવવો અથવા લાગવગથી કામ થઈ જવું....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED