(1) ઘંટ ટાણે સરપ કાઢવો...
● શાળામાં બાળકો રીસેસના સમયે બહાર નીકળ્યા હોય અને જેવો રીસેસ નો સમય પૂરો થવાનો ઘંટ વાગવાનો હોય કે મદારી કાકા પોતાના ડાબલા માંથી સરપ (સાપ) કાઢી ખેલ બતાવવાનું શરૂ કરે . બધા બાળકો એ ખેલ જોવા ઉભી જાય ને ગીરીજાશંકર માસ્તર બુમો પાડી પાડીને થાકે તોય બાળકો અંદર ન જાય આને કહેવાય ઘંટ ટાણે સરપ કાઢવો...
■ અર્થ : - અયોગ્ય સમયે કોઈ કામ ચાલુ કરી દેવું .
(2) ઝાઝા હાથ રળિયામણા..
● મમ્મીએ દિવાળીનું કામ કાઢ્યું હોય ને પહોંચી વળાતુ નો હોય . પછી મમ્મી બરાબરના અકળાઈ ઉઠે ને એક છોકરાના હાથમાં પોતું પકડાવે એક ને આપે સાવરણી ને પપ્પાને ટેબલ લઈ પંખા સાફ કરવા લગાડી દે . પપ્પા અને છોકરાઓને એમ લાગતું હોય કે આના કરતાં દિવાળીની રજા નો પડી હોત તો સારું પણ મમ્મીનું સફાઈનું કામ સરસ રીતે પૂરું થાય તો આને કહેવાય ઝાઝા હાથ રળિયામણા....
■ અર્થ : - વધુ લોકોથી કામ કરવામાં સરળતા રહે છે....
(3) લાખના બાર કરવા...
● કોક યુવાનને જલ્દી જલ્દી ધનવાન બની જાવું હોય અને નોકરીના પગારથી ધનવાન બનવાની ધીરજ હોય નહીં પછી એ પૈસા કમાવવાના નવા-નવા રસ્તા શોધી લાવે અને એમાં એકાદ અવળચંડા દોસ્તારની વાતમાં આવીને સમજ્યા વગર શેરબજારમાં પૈસા નાંખે . પછી ખબર પડે કે એ શેર નો ભાવ તો આંબાની કેરી પડે એમ પડી ગ્યો . એ યુવાનના પૈસા હોય એમાંથીયે અડધા થઈ જાય આને કહેવાય લાખના બાર કરવા...
■ અર્થ : - લાખના બાર કરવા અથવા લાખના બાર હજાર કરવા એટલે નુકસાન કરવું...
(4) પારકી આશા સદા નિરાશા...
● તોફાની ટીન્યાને દિવાળી વેકેશનમાં હોમવર્ક મળ્યું હોય . ટીન્યાને એમ જ હોય કે દર વખતે ની જેમ આ વખતે પણ છેલ્લે દીદી પાસે હોમવર્ક કરાવી લેશું . ટીન્યો આખું વેકેશન હોમવર્ક ન કરે અને ચોરના માથા ની જેમ રખડે અને છેલ્લા અઠવાડિયે દીદીને મામાના ઘરે જાવાનું થાય .પછી ટીન્યો રડતો રડતો રાત જાગીને હોમવર્ક પૂરું કરે . આને કહેવાય પારકી આશા સદા નિરાશા...
■ અર્થ : - કોઈ બીજાની આશાએ બેસી રહેનારને નિરાશા જ મળે છે....
(5) જમવામાં જગલો ને કૂટવામાં ભગલો...
● ગામના ધોબી પાસે એક ગધેડો ને એક કૂતરો હોય . ગધેડો આખો દિવસ ડફણા ખાતો જાય ને કપડાં ના ફેરા કરતો જાય . છેલ્લે રૂખૂ-સુકું ઘાસ ખાવા પામતો હોય અને જોતો હોય કે કૂતરો આખો દિવસ કાંઈ કરતો નથી પણ તોય ધોબીના છોકરા દૂધ કૂતરાને પાય છે અને ગધેડો મનોમન ભગવાનને પ્રાર્થના કરતો હોય કે ભગવાન આવતે ભવ મને કૂતરો બનાવજે આને કહેવાય જમવામાં જગલો ને કૂટવામાં ભગલો...
■ અર્થ : - બે વ્યક્તિઓમાં ભેદભાવ કરવો અથવા એક ને સારું કામ આપવું ને બીજાને નબળું કામ આપવું.....
(6) શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી...
● ગામમાં ચૂંટણી આવવાની હોય ને એક ગૃપમાં બે વિરોધી પક્ષના કાર્યકર્તાઓ ભેગા થઈ ગયા હોય ને બંન્ને વાદ વિવાદે ચડે કે અમારા ધારાસભ્ય હતા ત્યારે ગામમાં નળ આયવા ત્યાં બીજો બોલે પણ પાણી ક્યાં આવતું તું ? ઈ તો અમારા ધારાસભ્ય આયવા પછી આવતું થ્યુ . એક બોલે અમારા ધારાસભ્ય હતા ત્યારે ગલીએ ગલીએ રોડ થ્યા ત્યાં બીજો બોલે એના ખાડા હજી અમારા ધારાસભ્ય બૂરાવે છે એવા તો તમારા રોડ હતા . આસપાસના લોકો એમને શાંત પાળે અને ચૂંટણીના પરિણામ ને દિવસે ખબર પડે ચૂંટણી તો અપક્ષ ઉમેદવાર જીતી ગયા છે... આને કહેવાય શિયાળ તાણે સીમ ભણી કૂતરું તાણે ગામ ભણી...
■ અર્થ : - હરેક વ્યક્તિ પોત પોતાના પક્ષ તરફનુ ઉપરાણું લે...
(7)
બાર ગાઉએ બોલી બદલે , તરુવર બદલે શાખા..
બુઢાપામા કેશ બદલે , પણ લખણ ન બદલે લાખા...
● કોઈ વાડીએ ચાર-પાંચ બાળકો ભેગા થયા હોય ને નાળિયેરી પર ચઢતા શીખતાં હોય પણ ચડી નો શકતા હોય . ત્યારે જીવા બાપાને હોકલી પીતા પીતા પોતાનું બાળપણ યાદ આવે ને પાછા જીવા બાપા બાળપણમાં હોય પણ એવા તોફાની કે વાત ન પૂછો... ને જીવા બાપાને પાછું નાળિયેરીએ ચડવાનું મન થાય પણ થોડુંક ચડતા પગ લપસે ને જીવા બાપા ઓય માડી ઓય બાપા કરતા પડે હેઠા...ઉપરથી એમનો દિકરોય કે આ ઉંમરે કોણે કીધું તું ન્યા ચડવાનું..? આને કહેવાય લખણ ન બદલે લાખા...
■ અર્થ : - ઉંમર થતાં શરીરમાં ફેર આવે છે પણ માણસની અમૂક પ્રકૃતિમાં ફરક પડતો નથી..
(8) સંપ ત્યાં જંપ..
● બે કુટુંબ બાજુ બાજુમાં રહેતા હોય એક કુટુંબ ખૂબ પૈસાદાર હોય ગાડી બંગલા પણ હોય જ્યારે બીજું કુટુંબ મધ્યમવર્ગી હોય છતાં પૈસાદાર કુટુંબ ના ઘર માંથી રોજ વાસણ પછડાવાના જ અવાજ આવતા હોય કા બાપા દિકરાને મારવા દોડતા હોય કાં સાસુ વહુ એકબીજા સાથે ધડબડાટી બોલાવતા હોય ને છતે પૈસે સુખથી જીવી ન શકાતું હોય અને મધ્યમવર્ગી કુટુંબમાં બધા સંપીને રહેતા હોય અને ઓછા પૈસે પણ શાંતિની નીંદર કરી શકતા હોય તો આને કહેવાય સંપ ત્યાં જંપ...
■ અર્થ : - સંપીને રહેવામાં જ સુખ શાંતિ મળે...
(9) લાંબા વાંહે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય...
● શેરીના મોટા છોકરાઓ વાડીમાં કેરી પાડવા જાવાના હોય ને ઉંમરમાં નાનો પણ તોફાની છોટુ પણ સાથે આવવાની જીદ કરે બધા એને સમજાવે પણ એ માને નહીં . થાય એવું કે વાડીના પગી કાકા છોકરાઓને કેરી પાડતા જોઈ જાય અને બધા છોકરાઓ તો ભાગી જાય પણ છોટુ ભાગી ન શકે અને પકડાઈ જાય . પગી કાકા કાન પકડીને એને ઘરે લઈ જાય ફરિયાદ કરવા અને ઘરે પણ પપ્પાના હાથે છોટુની બરાબર સર્વિસ થાય અને પછી છોટુ બીજીવાર ક્યારેય કેરી પાડવાનું નામ લે નહીં....આને કહેવાય લાંબા વાંહે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય...
■ અર્થ : - વાદ વાદમાં કરેલું કામ અથવા સમજ્યા વગર કરેલું અનુકરણ મુશ્કેલી નોતરે છે....
(10) ભાગ્યશાળીને ભૂત રળે..
● ગામડામાં નવી નવી લોટરી ની ટિકિટ મળવાની ચાલુ થઈ હોય ને બધા રોજ ટિકિટ લઈ લઈને થાકે પણ ક્યારેય કોઈને કંઈ ઈનામ ન મળે . જ્યારે મગન કોઈ દિવસ ટિકિટ નો લેતો હોય ને વળી કોક દિવસ દુકાન વાળા પાસે છુટા પૈસા નો હોય ને એ મગનને વીસ રૂપિયાની ટિકિટ પકડાવી દે ને એજ ટિકિટમાં મગનને બે હજાર રૂપિયા લાગે ને બાકી લોકો જે ટિકિટ લેતા હોય એમનો જીવ બળીને રાખ થઈ જાય આને કહેવાય ભાગ્યશાળીને ભૂત રળે...
■ અર્થ : - ભાગ્યશાળી માણસના કામ સરળતાથી થઈ જાય અથવા ભાગ્યશાળીને સવળા સંજોગો મળી રહે...