Featured Books
શ્રેણી
શેયર કરો

ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - 5

(1) અતિ ની ગતિ નહીં...

● કંકુ ડોશી કોરોનાથી બી ગ્યા હોય ને એમાં એને કોક કહે કે આમાં તો નાસ લેવા ને ઉકાળા પીવા બોવ સારા . પછી કંકુ ડોશી જે ઉકાળા ચાલુ કરે , સૂંઠ વાળા દુધ પીવે , પાંચ-છ વાર નાસ લે ને જાત જાતના ઓસડીયા કરે અને આખા ઘરને કરાવે પછી થાય એવું કે કંકુ ડોશીને આ ઓસડીયાની ગરમી નીકળે ને એની દવા કરવા હોસ્પિટલ જાવું પડે . તો આને કહેવાય અતિ ની ગતિ નહીં...

■ અર્થ : - કોઈ પણ કામ એક યોગ્ય માત્રાથી વધુ કરવુ હિતાવહ નથી...


(2) પોથીના રીંગણાં...

● તોફાની ટીન્યો કોઈક પાસેથી સાંભળી આયવો હોય કે બાઈક કેમ ચલાવાય . હવે એ પપ્પા પાસે બાઈક ચલાવવાની જીદ્દ કરે . પપ્પા સમજાવે કે બેટા એમ સાંભળી લેવાથી બાઈક ન આવડે હું તને શીખવાડીશ પણ ટીન્યો એક દિવસ પપ્પાને ખબર ન પડે એમ બાઈક લઈને નીકળી અને ક્યાંક ભટકાઈને છોલાયેલી હાલતમાં ઘરે આવે આને કહેવાય પોથીના રીંગણાં...

■ અર્થ : - પુસ્તકમાં રહેલું કે માત્ર વાંચેલું સાંભળેલું જ્ઞાન કામ ન આવે...


(3) અતિ લોભ તે પાપનું મૂળ..

● ગામમાં નગીનદાસ નામે શેઠ હોય . શેઠ માણસ સારા હોય પણ લોભિયા બહું હોય . એમાં એમને ખબર પડે કે બાજુ વાળો કનુ તો કાલ જુગારમાં કેટલાય રૂપિયા જીતી ગ્યો . પછી નગીનદાસ શેઠ પણ જુગાર રમવા તૈયાર થાય કનુ સમજાવે પણ ખરો કે શેઠ તમે રહેવા દો પણ શેઠને તો રૂપિયા દેખાતા હોય એટલે માને નહીં . કુદરતને કરવું ને તે દિવસે જ પોલીસ જુગાર રમાતો હોય ત્યાં પહોંચી જાય અને બધા સાથે બે દંડા નગીનદાસ શેઠને પણ પડે જમાનત ના રૂપિયા જાય એ અલગ પાછા...આને કહેવાય અતિ લોભ તે પાપનું મૂળ...

■ અર્થ : - જરૂર કરતાં વધારે લોભ માણસને પાપ કરવા પ્રેરે છે...


(4) ઘરના ભૂવા ને ઘરના ડાકલા...

● દર વખતે પરિક્ષામાં એંશી-પંચ્યાંશી ટકા લાવતો મગન માધ્યમિક ધોરણમાં આવતા બાજુના શહેરમાં ભણવા જાય . ત્યાં એને સીધા પાંસઠ ટકા આવે . નવી શિક્ષક વીચારતા થઈ જાય કે આ તો હોંશિયાર છોકરો છે આને કેમ આટલા ઓછા ટકા આવ્યા . પછી ખબર પડે કે એની જૂની શાળાના પ્રિન્સિપાલ એના કાકા છે અને સરપંચ એના પપ્પા છે...આને કહેવાય ઘરના ભૂવા અને ઘરના ડાકલા...

■ અર્થ : - સગાવાદ થી કામ કરવું અથવા ઓળખાણનો લાભ લેવો...


(5) આરંભે શૂરા...

● જગો છાપામાં વાંચે કે વધુ વજનના ઘણા બધા નુકસાન છે . પછી જગો નક્કી કરે કે હવે તો વજન ઉતારવું જ છે . બીજા દિવસે નવી સાયકલ લઈ આવે , ગ્રીન ટી ના પેકેટ લઈ આવે , કસરત કરવા નવા કપડાં લઈ આવે અને અઠવાડિયુ તો જોરશોરથી બધું કરે પણ પછી ધીમે ધીમે બધું બંધ થઈ જાય ને સાયકલ ધૂળ ખાતી હોય , કપડાં કબાટમાં પડી રહ્યા હોય ને ગ્રીન-ટી ના પેકેટ પણ ડબ્બા ભેગા થઈ જાય ને મસ્ત મસાલા ચા ચાલુ થઈ જાય તો એને કહેવાય આરંભે શૂરા...

■ અર્થ : - કોઈપણ કામ ઉત્સાહથી શરૂ કરવું પણ લાંબા સમય સુધી ચાલુ ન રાખી શકવું....


(6) અવસર ચૂક્યો મેહુલો શું કામનો..?

● લગનમા વરરાજાને એના દોસ્તારની નવી નકોર ગાડીમાં લાડી લેવા લઈ જવાનું નક્કી થયું હોય ને ટાણે જ એ દોસ્તારની ગાડી બગડે ને વરરાજાને કોઈકની જુની ખખડધજ ગાડીમાં લઈ જવો પડે અને બે દિવસ પછી એ દોસ્તાર ગાડી લઈને આવે કે કંઈક કામ હોય તો કેજે હો...આને કહેવાય અવસર ચૂક્યો મેહુલો શું કામનો..?

■ અર્થ : - ખરા સમયે જો વ્યક્તિ કે વસ્તુ કામ ન આવે તો પછી તેનો કોઈ અર્થ નથી રહેતો...


(7) હલકું લોહી હવાલદારનું...

● કોઈ સરકારી ઓફિસમાં કોઈ અધિકારીથી ફાઈલ આડી-અવળી મૂકાઈ ગઈ હોય . અધિકારીને તો કંઈ ન બોલી શકાય એટલે બધા બીચારા કારકુનને ખખડાવે . ચાર કલાક કારકુન પાસે ફાઈલ ગોતાવડાવે પછી પેલા અધિકારીને યાદ આવે કે ફાઈલ તો ઘરે છે ને કારકુન મનમાં કહેતો હોય કે સાહેબ તમે પણ ઘરે જ રહેતા હોય તો..આને કહેવાય હલકું લોહી હવાલદારનું...

■ અર્થ : - કોઈ નબળા વ્યક્તિ પર દોષનો ટોપલો નાંખવો...


(8) એરણની ચોરી ને સોયનુ દાન..

● કોઈ નવા નવા ધારાસભ્યશ્રીને પદ મળ્યાને એક વર્ષ થયું હોય ને ધારાસભ્યશ્રી શહેરમાં લાઈટો અને બાંકડા નખાવી આપે ઉપરથી બાંકડા પર લખે કે " ધારાસભ્યશ્રી ની ગ્રાન્ટ માંથી " પછી ખબર પડે કે ધારાસભ્યશ્રી એ આ એક વર્ષમાં એક બંગલો બનાવી લીધો છે ને એક-બે મોંઘીદાટ ગાડીઓ પણ લીધી છે...ને શહેરમાં બાંકડા નખાવીને ધારાસભ્યશ્રી પોતે ઈન્દ્રના નસીબમાં ન હોય એવા ગાદલાંમાં સુવે છે...આને કહેવાય એરણની ચોરી ને સોયનુ દાન...

■ અર્થ : - વધુ કમાણી કરી અથવા વધુ પડાવી લઈ થોડું દાન કરવું...


(9) ઉતાવળે આંબા ન પાકે..

● તોફાની ચકાને ઉતરાયણ પર પતંગ ચગાવવાની ખૂબ ઉતાવળ હોય . સવાર સવારમાં જલ્દી જલ્દી કરી આખા ઘરને માથે લે . નાહ્યુ નો નાહ્યું ને બે મિનિટમાં બાથરૂમની બહાર . નાસ્તો પણ જલ્દી જલ્દી કરી . બે-ચાર તલસાંકળી ખિચ્ચામાં નાંખી ભાગે ને દોડીને ધાબા પર ચડવા જાય ને ભાય નો પગ મચકોડાય પછી આખો દિવસ પગે પાટો લઈને બીજા લોકોને પતંગ ચગાવતા જોવે ને ઉપરથી પપ્પા પણ ખીજાય કે કોણે કીધું તું તને દોડવાનું... આરામથી ચડાયને...આને કહેવાય ઉતાવળે આંબા નો પાકે....

■ અર્થ : - વધુ પડતી ઉતાવળ કરવાથી કામ બગડે .


(10) વિનાશ કાળે વિપરીત બુદ્ધિ..

● મગન રોજ ગાડી લઈને ઓફીસે જાતો હોય . રોજ યાદ કરીને હેલમેટ પણ પહેરતો હોય . ને વળી એક દિવસ એને એમ થાય કે હેલમેટની ક્યાં જરૂર પડે છે આજે નથી પહેરવું અને તે દિવસે જ મગનીયાની ગાડી ભટકાઈ હોય અને ભાઈ માથું રંગીને ઘરે આવે...આને કહેવાય વિનાશકાળે
વિપરીત બુદ્ધિ...

■ અર્થ : - જ્યારે સમય ખરાબ હોય ત્યારે માણસ સદબુદ્ધિથી કામ લઈ શકતો નથી અને ખોટા નિર્ણયો લઈ લે છે....