સેક્સ: અધૂરું જ્ઞાન Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેક્સ: અધૂરું જ્ઞાન

“સેક્સ” હા તમે બરાબર વાંચ્યું “સેક્સ” આજ ના સમાજ એ બનાવી દીધેલ સૌથી અપવિત્ર શબ્દ. આ શબ્દ જે જાહેર માં વાત કરવા યોગ્ય નથી, માત્ર ગાળ આપવા માટે જ વપરાતો શબ્દ, જો કોઈ બોલે તો લોકો તેની સામે એવી રીતે જોશે જાણે કોઈ ગુનો કર્યો હોય. પરંતુ આજે હું આ શબ્દ વિશે જ લખવાનો છું, કોઈ ને શરમ આવતી હોય અથવા આ તેમના માટે ખરાબ હોય તેવું લાગે તો આ લેખ અહી જ છોડી શકે છે.

સેક્સ એ પવિત્ર છે કે અપવિત્ર ?
આ પ્રશ્ન માટે તો હું એક જ જવાબ આપી શકું અને સમજવી પણ શકું કે સેક્સ એ ખૂબ જ પવિત્ર છે. જો આપણે એવું માનતા હોઈએ કે ઈશ્વર એ આપણી રચના કરી છે તો સેક્સ પવિત્ર છે. કારણકે ઈશ્વર એ આપણા શરીર એટલે કે દેહ નું નિર્માણ કર્યું અને સ્ત્રી ઓ ને માતૃત્વ પ્રદાન કર્યું અને પુરુષ ને તે માટે નિમિત્ત બનાવ્યો. ઈશ્વર એ શરીર ની રચના કરી અને સ્ત્રી અને પુરુષ ને અલગ અલગ જવાબદારી આપી અને જનન અંગો નું નિર્માણ કર્યું. તો ઈશ્વર એ બનાવેલી વસ્તુ કે કાર્ય કેવી રીતે અપવિત્ર હોય?

પતિપત્ની વચ્ચે નું આ કાર્ય એકદમ પવિત્ર છે. આ પવિત્ર કાર્ય જ એક જીવ નું નિર્માણ કરે છે અને સેક્સ એ બે આત્મા નું મિલન છે. તો જાહેર મા આ શબ્દ બોલાવો એ શા માટે અપવિત્ર છે? શા માટે લોકો આ બોલવા વાળા ને ગુનો કર્યો હોય તેવી નજર થી જુએ છે?ભગવાન પર વિશ્વાસ કરવા વાળા લોકો ને તો ખબર જ છે કે કામદેવ કોણ છે . જો દેવતા તરીકે નો દરજ્જો મળ્યો છે તો દેવતા શા માટે અપવિત્ર?

આજ ના જમાના માં પણ સેક્સ ને લોકો સરળતા થી બોલી શકતા નથી. આજે આપણે બધા પાશ્ચાત્ય સંસ્કૃતિ નું આંધળું અનુકરણ કરીએ છીએ પરંતુ તે સંસ્કૃતિ ની સારી વસ્તુ નું અનુકરણ કેમ નથી કરતા? વિદેશ માં બાળક માત્ર ૧૧ વર્ષ નું થાય ત્યાર થી જ તેમને સેક્સ એજ્યુકેશન આપવા મા આવે છે. જેથી તે પોતાના શરીર ને તથા તેમના થી વિપરીત જાતિ ના શરીર ને પણ સમજી શકે. જ્યારે આપણે અહીંયા કોઈ છોકરો નાનો હોય અને તે તેના જનન અંગ ને વારંવાર અડકતો હોય તો તેને ટોકવામાં આવે છે . હા તેને ટોકવો જોઈએ પરંતુ તેના માટે વપરાતા શબ્દ ના પ્રયોગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ “છી છે” “ બેટા એ છી કેવાય” “ બેટા આ ગંદુ કેવાય” તેવા શબ્દ ના ઉપયોગ ના બદલે “ આવું ન કરાય” એવું પણ કહી શકીએ છીએ ને…તેમાં ગંદુ અને છી જેવા શબ્દ નો પ્રયોગ શા માટે? કેહવાય છે ને કે બાળક એ કોરી પાટી હોય છે તેમાં જે લખો લખાય અને જો આપણે જ પહેલે થી તેને સેક્સ અને તેને લગતી વસ્તુ ને ગંદી કહીશું તો તેના મગજ મા પણ એ જ છાપ ઉભી થશે.

આવા જ બાળકો મોટા થઈ ને દરેક પરિક્ષા મા પાસ થશે પણ મહત્વ ની આ પરિક્ષા માં નાપાસ થશે. કારણકે જે તેના અભ્યાસક્રમ બહાર ની વસ્તુ છે તેની પરિક્ષા મા તો તે કેવી રીતે ઉતીર્ણ થઈ શકે? પણ જો તેને પહેલે થી જ યોગ્ય માર્ગદર્શન મળ્યું હોય તો તેના માટે આ પરિસ્થિતિ આટલી વિકટ ન બને. પછી આ બાળકો પાસિંગ માર્ક લાવવા માટે પોતાની રીતે મિત્રો કે ઇન્ટરનેટ નો સહારો લઈ ને અધૂરી તેમજ અર્ધસત્ય માહિતી મેળવે અને પાસીંગ માર્ક લઈ પણ આવે.

પરંતુ જો તેને પહેલા જ તેના માતાપિતા તરફ થી આ જ્ઞાન મળ્યું હોય તો તેના માટે યોગ્ય અને સચોટ માર્ગદર્શન મળે. માતા તેની પુત્રી ને અને પિતા તેના પુત્ર ને પુખ્ત વય નો થાય ત્યારે માર્ગદર્શન આપે તો કદાચ તે બાળકો અપૂર્ણ અને અધૂરી માહિતી મેળવી પાસિગ માર્ક લાવવા ના બદલે વિશેષ યોગ્યતા થી પાસ થાય અને તેમનું જીવન સરળ બની જાય.

આજકાલ મે એક નવો ટ્રેન્ડ જોયો છે તેને લોકો એ “ બેબી પ્લાનિંગ” નામ આપ્યું છે. આ બેબી પ્લાનિંગ ના ધતિંગ ના નામે સંતાન પ્રાપ્તિ માટે ઇચ્છુક દંપતી પહેલે થી જ ડૉક્ટર ની સલાહ લે છે. અમુક ડૉક્ટર યોગ્ય માર્ગદર્શન આપે છે, જ્યારે અમુક ખબર ન પડતી હોવા નો ફાયદો ઉપાડે છે અને અલગ અલગ કારણો આપી ને આવા ભોળા દંપતી ને લૂંટે છે. પણ જો આ દંપતી એટલું વિચારે કે બહાર ફૂટપાથ પર ગુજરાન કરતા લોકો કોઈ દિવસ કોઈ ડૉક્ટર પાસે નથી જતાં તેમજ તે લોકો ને તો બિચારા ને બે ટંક નું સરખું જમવાનું પણ નથી મળતું. છતાં પણ તેમના નવજાત શિશુ પર કોઈ વાર નજર કરજો તેનું બાળક એકદમ તંદુરસ્ત હોય છે તથા તેને તો કોઈ દિવસ પેટી માં પણ જન્મ્યા પછી નથી રાખવા પડતાં. બીજી એક વાત શું આપણા માતા પીતા કોઈ દિવસ “ બેબી પ્લાનિંગ” નામના ધતિંગ માટે ડૉક્ટર પાસે ગયા હતા?? અને જવાબ છે નાં, હા ચોક્કસ પણે ગયા હશે પણ ક્યારે તે પણ ખૂબ મહત્વ નું અને વિચારવા જેવું છે, તે લોકો ગર્ભ ધારણ કર્યા બાદ જ ડૉક્ટર ની મદદ લેતા હતા અથવા તો ખૂબ પ્રયાસ બાદ પણ જો ગર્ભધારણ થતો ના હોય તો જ ડૉક્ટર પાસે જતા હતા. આ ખરેખર વિચારવા જેવું છે……હું કોઈ ડૉક્ટર નો વિરોધ નથી કરતો પરંતુ આ મારું માત્ર એક અવલોકન છે.

નિરાકરણ તરીકે હું તો એ જ કહીશ કે જો પહેલે થી જ બાળકો ને સેક્સ એજ્યુકશન મળ્યું હોય તો આ બધું અટકાવવી શકાય. જો આ બાળકો ને પહેલે થી જ જ્ઞાન અને માર્ગદર્શન મળ્યું હોય તો “ બેબી પ્લાનિંગ” નામનો ટ્રેન્ડ જ ચાલુ ન થયો હોત. જો તેમને તેમના માતાપિતા એ સમજાવ્યા હોત તો તેમને ખબર હોત કે ક્યો સમયગાળો ગર્ભધારણ માટે ઉત્તમ હોય છે. અને બીજું પણ ઘણું બધું નાનું નાનું તે લોકો જાતે જ નિરાકરણ લાવી શકે તેવા સક્ષમ હોત.

આ ખરેખર સમજવા જેવું છે આ જમાના માં પણ ઘણા બધા ભણેલા યુગલો છે જે આવી ભયાનક અને કપરી પરિસ્થિતિ મા થી પસાર થઈ રહ્યા છે. મે માત્ર મારું એક અવલોકન અને મારો વિચાર રજૂ કર્યો છે. હા હોય શકે કે કોઈ ને આ ન પણ ગમે અને ઘણા બધા એવા હશે કે જે આ વાંચી ને જીવન માં ઉતારશે અને ભવિષ્ય ની પેઢી ને માર્ગદર્શન આપશે. તમારા સંતાન બહાર થી ખોટી અને અધૂરી માહિતી શીખે તેના કરતા તો તમે શીખવો તે સારું રહેશે તે લોકો માટે.

“ ધન અને સંપત્તિ ને જો વારસાગત આપવામાં આવે છે, તો આ જ્ઞાન નો વારસો શા માટે નહિ?”