Traffic – Sense of Relations – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

સંબંધોની ટ્રાફિક-સેન્સ! – દિવ્યેશ ત્રિવેદી

સામાજિકતા સફળતાની ચાવી છે એ ખરું, પરંતુ કેટલીક વાર ચાવી ખોટી લાગે છે કે ઊંધી લાગે છે અને ત્યારે તાળું ખૂલતું નથી. સામાજિક્તાનું પણ એવું જ છે. સામાજિકતાની જરૂરિયાત પર આટલો બધો ભાર મૂકેલો જોઈને એક મિત્રને સવાલ થયો, “આપણા સામાજિક વલણોનો કોઈ ઊંધો અર્થ કરે અથવા એને આપણી નબળાઈ કે વધુ પડતી ભલમનસાઈ સમજી લે એવું ન બને? આવે વખતે આપણું સામાજિક વલણ આપણને જ નુકસાન ન કરે?”

સવાલ બહુ મહત્ત્વનો છે. આપણા સમાજમાં સમજદારી કરતાં ગેરસમજનું પ્રમાણ વિશેષ છે. આપણા કોઈ પણ વર્તનને કોઈ કેટલું સાચી રીતે સમજે છે. એના કરતાં ગેરસમજ નથી કરતું એની ચિંતા વિશેષ રહે છે. આપણા સામાજિક વલણ વિષે પણ ગેરસમજોને ઘણો અવકાશ રહે છે. એટલે જ દરેક વર્તનની પાછળ વિવેક જરૂરી છે. સંબંધ સમજપૂર્વકનો હોય, સ્વાર્થની માત્રા ઓછામાં ઓછી હોય અને સામા માણસને સંબંધનું મૂલ્ય સમજાય તો ગેરસમજોને અવકાશ ઘટી જાય છે. બધાં સાથે બોલવું અને કોની સાથે કેટલો સંબંધ રાખવો એ આપણે જ નક્કી કરવાનું હોય છે. માણસ માત્ર ભિન્ન છે. અને એથી દરેકની સાથે એક સરખું ધોરણ અપનાવી શકાય નહિ. સંબંધો વિવેક્પૂર્ણ રાખી શકે એ જ સામાજિક સંબંધોમાં સફળ થઈ શકે. આપણે ડગલે ને પગલે જુદા જુદા માણસોના સંપર્કમાં આવતા હોઈએ છીએ. દરેક માણસને એને માન્યતાઓ હોય છે, એના પોતાના અનુભવો હોય છે, દરેક માણસ આગવા ખ્યાલો અને ગ્રહોપૂર્વગ્રહો ધરાવતો હોય છે. એક જ શબ્દનો જુદા જુદા માણદો જુદો જુદો અર્થ કરે છે. આપણે કંઈક બોલીએ ત્યારે આપણને જે અર્થ અભિપ્રેત હશે એમ માનીએ ત્યારે જ ગરબડ શરૂ થાય છે. આથી જ તોલી તોલીને બોલવાની શિખામણ અપાતી હોય છે. જીભને હાડકું નથી, એટલે એ મન ફાવે તેમ વળી જતી હોય છે. આથી જ જીભના સ્નાયુઓ પર નિયંત્રણ રાખવું જરૂરી બને છે.

સંબંધોને આપણા શહેરી ટ્રાફિક સાથે સરખાવવા જેવા છે. અમદાવાદ કે મુંબઈ જેવા શહેરના ભરચક ટ્રાફિકને નજર સામે રાખીને સંબંધોને જોવા જેવા છે. આપણું જીવન આવા સંબંધોના ટ્રાફિકમાં જ પસાર થતું હોય છે. શહેરમાં વાહન ચલાવવું હોય કે પગપાળા જવું હોય તો પણ આપણામાં થોડીક ટ્રાફિક-સેન્સ હોવી જોઈએ. ટ્રાફિક-સેન્સ ન હોય, આવતાં-જતાં વાહનોને ખાસિયતોથી આપણે સભાન ન હોઈએ કે ટ્રાફિકના પાયાના નિયમોનું પાલન ન કરીને અથડાઈ પડીએ છીએ, ટીંચાઈએ છીએ અને એમાં ક્યારેક ઘસરકો વાગે છે, ક્યારેક ધક્કો વાગે છે, ક્યારેક પડી જઈએ છીએ તો ક્યારેક લોહીલુહાણ થઈએ છીએ અને એમાં જાન ગુમાવવા સુધીની નોબત પણ આવે છે. એનાથી ઊલટું ક્યારેક આપણાથી જ સામા માણસને ઈજા થાય છે. જે પોતાની અંદર ટ્રાફિક સેન્સ વિકસાવે છે એ હેમખેમ પસાર થઈ જાય છે. ક્યારેક નાની મોટી ટક્કર કે અથડામણ થઈ જાય તો પણ એ બચી નીક્ળે છે.

અમદાવાદ જેવા શહેરમાં જુદે-જુદે ઠેકાણે ટ્રાફિક્નું સ્વરૂપ જુદું હોય છે. માણેકચોક્ના ટ્રાફિક કરતાં આશ્રમરોડનો ટ્રાફિક જુદો છે. આપણા સંબંધોનો ટ્રાફિક કેવો છે એ પહેલાં આપણે નક્કી કરી લેવું જોઈએ અને એ મુજબ જ આપણી ગતિને નિયંત્રિત કરવી જોઈએ. અમદાવાદના ટ્રાફિક્માં જુદાં-જુદાં વાહનોની જુદી જુદી તાસીર હોય છે. એ.એમ.ટી.એસ.ની બસના ડ્રાઈવરોને સતત ઓવરટેક કરવાની લ્હાય હોય છે. એમને તરત જગા કરી આપવી પડે છે. સંબંધોમાં પણ કેટલાક માણસો સતત ઓવરટેક કરવાની લ્હાયમાં હોય છે. એમને રસ્તો ન કરી આપીએ તો એ આપણને ઘસાઈને કે અથડાઈને પણ આગળ નીકળવા મથતા હોય છે. રિક્ષાઓ બેફામ દોડે છે. હાથ બતાવ્યા વિના વળી જાય છે. ક્યારેક સાઈડ બતાવે તો પગથી બતાવે છે. માણસો આવાય હોય છે. ક્યારે કઈ બાજુ વળશે એની જ ખબર ન પડે. રિક્ષાથી દસ ફૂટ આપણું વાહન દૂર રાખીએ તો સલામતી જળવાય. કેટલાક પાલડી-સરખેજ રોડ પરથી દોડતી એસ.ટી.ની બસ જેવા હોય છે. શહેરમાં પણ બેફામ ઝડપે દોડે છે અને બીજાઓની પરવા કરતા નથી. કેટલાક વળી રેતી કે કપચી ભરેલી ટ્રક જેવા હોય છે. બેફામ દોડે તો છે, સાથે સાથે બેફામ ધૂળ ઉડાડતા જાય છે, કપચી વેરતા જાય છે અને બીજાઓને પરેશાન કરે છે. ઘણા માણસો સંબંધોના ટ્રાફિકમાં પોતાની સમસ્યાઓની ધૂળ બીજાઓ પર ઊડાડીને આગળ નીકળી જતા હોય છે. આવા લોકોથી અંતર રાખવું પડે છે. કેટલાક આ ટ્રાફિકમાં સાઈકલવીરો હોય છે. ભરચક રસ્તા પર પણ સરકસના દાવ કરતા હોય એવી આછકલાઈ કરતા રહે છે. કેટલાક રાહદારે હોવા છતાં રસ્તાની વચ્ચોવચ ચાલે છે. પાછળ ગમે એટલું હોર્ન વાગે તોય પરવા કરતા નથી. અમદાવાદના ટ્રાફિકની એક વિશેષતા જાહેર માર્ગ પર અડીંગો જમાવીને બેસતાં ઢોર છે. એ કોઈની અમાન્યા રાખતાં નથી. એમને ચાતરીને જ નીકળી જવું પડે છે. આપણા સંબંધોના ટ્રાફિક્માં પણ કેટલાક આવાં ઢોરની ગરજ સારે છે. એમને ચાતરી જવામાં જ આપણું ભલું હોય છે.

ટ્રાફિકમાં ઘણી વાર આપણે બે સ્કૂટર ચાલકોને વાતો કરતા કરતા જતાં જોઈએ છીએ. તેઓ વાતોમાં એટલા મશગૂલ હોય છે કે આજુબાજુના ટ્રાફિક્ની પરવા કરતા નથી. ક્યારેક સંબંધોના ટ્રાફિક્માં પણ આવું બનતું હોય છે. બીજા અનેક સંબંધોની અવગણના કરીને સ્થળ-કાળ જોયા વિના એક જ સંબંધ પર બધું ધ્યાન કેન્દ્રિત થતું હોય ત્યારે કેટલોક અનર્થ સર્જાતો હોય છે. આવું જ ટ્રાફિક્ના સાદા નિયમોનું પણ છે. ઘણી વાર આપણે આવા સાદા નિયમોની અવગણના કરીને અકસ્માતો અને ચીથડામણો સર્જીએ છીએ. ટ્રાફિક્નો સાદો નિયમ ડાબીએ બાજુ ચાલવાનો કે વાહન ચલાવવાનો છે. રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી અકસ્માતનો ભય રહે છે. સંબંધોમાં પણ કદી રોંગ સાઈડમાં જવા જેવું નથી હોતું. એવી જ રીતે લાલ લાઈટ હોય ત્યાં ઊભા રહી જવું, લીલી લાઈટ થાય ત્યારે આગળ જવું, વળવું હોય ત્યારે હાથ બતાવવો, આગળ વાહન હોય તો હોર્ન મારવું અને ઑવરટૅક કરતી વખતે સામેથી વાહન આવે છે કે નહિ તે જોવું વગેરે ખૂબ જરૂરી નિયમો છે. સંબંધોને પણ આવા નિયમો લાગુ પડે છે. કેટલાક માણસો આખે આખા લાલ લાઈટ જેવા હોય છે. એમને પારખી લેવા પડે, કેટલાક લીલી લાઈટ જેવા હોય છે. એમની પાસે બેધડક ઘસી જવાય. ટ્રાફિક્ના નિયમોના પાલનમાં પોલીસનું પણ એટલું જ મહત્ત્વ છે. સંબંધોના ટ્રાફિકમાં વડીલો અને આપણે જેમને માનતા હોઈએ એવા મહાનુભવોની ટકોર કે સૂચનાનું પાલન કરનારને નામ લખાવવું નથી પડતું. ટ્રાફિક્ના નિયમોનો ભંગ કરવામાં કેટલાક રીઢા થઈ જાય છે. સંબંધોના ટ્રાફિકમાં આપણે રેઢા ન થઈ જઈએ એ જોવું પડે છે.

ટ્રાફિકમાં હરવા ફરવાનું હોય ત્યારે અકસ્માતનો ડર તો હંમેશાં રહેતો જ હોય છે. છતાં ઘણા એવા વાહનચાલકો જોવા મળશે, જેઓ ૩૦-૪૦ વર્ષથી વાહન ચલાવતા હોય છતાં એકાદ અકસ્માત પણ જ કર્યો હોય. સંબંધોના ટ્રાફિકમાં પણ આવા વિરલા મળી આવશે, જેમણે અકસ્માત ન કર્યો હોય. આપણા સંબંધોના ટ્રાફિકને બરાબર સમજી લેવો પડે. આપણે શહેરી ટ્રાફિક્માં છીએ કે હાઈવે પર છીએ, શહેરમાં પણ માણેકચોક્માં છીએ કે આશ્રમ રોડ પર છીએ. આપણા રસ્તા સીધા-સપાટ છે કે ઊબડખાબડ છે, પહોળા છે કે સાંકડા છે. આ બધું વિચારીને આપણે આપણી ગતિ નક્કી કરવી પડે. ઊબડખાબડ રસ્તે બેફામ હંકારીએ તો વાહનને નુકસાન થાય અને માથું ભટકાય પણ ખરું.

આમ સામાજિક હોવું એ ટ્રાફિકમાં વાહન ચલાવવા જેવું છે. જે સામાજિક નથી એ જંગલમાં વાહન ચલાવે છે. છતાં ખરી વાત એ છે કે માણસ કદી પૂરેપૂરો સામાજિક ન હોય એવું બની શકે નહિ. જંગલમાં વાહન ચલાવતી વખતે પણ થોડીક બાબતો ધ્યાનમાં રાખવી પડતી હોય છે. એટલે ટ્રાફિક-સેન્સ એ જ સાચો વિવેક છે. વાહન ચલાવનારે પોતાના વાહનની યોગ્યતા અને ચાલક તરીકેની પોતાની યોગ્યતા સમજી લેવી પડે છે. અકસ્માત નિવારવા માટે આ વાત ખૂબ જરૂરી છે. સંબંધોના ટ્રાફિકમાં પણ આપણી ક્ષમતાનો વિચાર કરી લેવાથી ખૂબ લાભ થાય છે.

આ પ્રકારનો વિવેક વિકસાવવો અઘરો નથી. એ માટે થોડીક સભાનતાની જરૂર પડે છે. સભાનતાથી જ શિસ્ત આવે છે અને ટ્રાફિક સેન્સ એ બીજું કંઈ નથી, એક પ્રકારની શિસ્ત જ છે. આ શિસ્ત જેટલી વ્યક્તિગત છે એટલી જ સમૂહગત અને સામાજિક પણ છે. કદાચ આગળ વધીને કહીએ તો જે સમાજમાં વાહનોનો ટ્રાફિક શિસ્તબધ્ધ જોવા મળશે એ સમાજના આંતરિક સંબંધો પણ એટલા જ શિસ્તબધ્ધ હશે. આવા લોકો અને આવા સમાજો માટે સફળ નહિ થવાનું કોઈ કારણ નથી. એટલે વાતને જરા સુધારીને કહેવી હોય તો કહી શકાય કે શિસ્તબધ્ધ સામાજિક સંબંધો સફળતાની ગુરુચાવી છે!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED