૩ કલાક - 3 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

૩ કલાક - 3

પ્રકરણ ૩

"આપણે ફસાઈ ગયા છીએ, હવે કોઈ નહીં બચે, કોઈ નહીં બચે....." ગોપાલ માથું પકડી ને રડવા લાગ્યો.
"કોઈ ગાડી ની બહાર ના નીકળશો, કોઈ ને કોઈ રસ્તો તો મળી જ જશે." નિર્માણ એ તેનો ફોન તપાસ્યો, ફોનમાં નેટવર્ક નહોતું. બધાએ પોતપોતાના ફોન જોયા, બધા ફોન ના એ જ હાલ હતા.
"મને લાગે છે નિર્માણની વાત બરોબર છે, આપણે ગાડીમાં રહીશું તો સુરક્ષિત રહીશું. અને સવાર પડશે એટલે સાચો રસ્તો શોધવામાં સરળતા રહેશે, ડોન્ટ વરી કોઈ ને કંઈ જ નહીં થાય." વિરલ એ બધાને હિમ્મત આપી.

ભેંકાર શાંતિ છવાઈ હતી ગાડી ની અંદર અને બહાર બન્ને તરફ, બધા મનોમન ભગવાન ને પ્રાર્થના કરી રહ્યાં હતાં કે સવાર સુધી આવી જ શાંતિ રહે અને બધા સલામત રહી શકે.
ફરીથી તળાવ માં હલચલ શરૂ થઈ, પાણી કિનારા તરફ આગળ વધી રહ્યું હતું. બધા ની માંડ બંધાયેલી હિમ્મત પાણી જોઈ ને તૂટી રહી હતી, નિર્મળા, આસ્થા અને ગોપાલ સૌથી વધારે ગભરાયાં હતાં.

"ભાગો અહીંથી જલ્દી......" ગોપાલ એ દરવાજો ખોલવા હાથ લંબાવ્યો.
"ગોપાલ નઈ, બહાર ન જતો. પાણી આટલા સુધી નહી આવે, પણ તું બહાર જઈશ તો તું નહી બચી શકે." વિરલ એ તેને રોક્યો.
"કેમ? શું પાણી ગાડી માં આવતા ડરે છે? અહીં થી નઇ ભાગીએ તો આપણા તંબું ની જેમ આપણે પણ તણાઇ જઇશું." ગોપાલ ધ્રુજી રહ્યો હતો.
"ખબર નહી કેમ પણ મને એવી ફીલિંગ આવી રહી છે કે ગાડીમાં આપણે સુરક્ષિત રહીશું. મારી વાત માન અને ગાડી માં જ રે." વિરલ એ કહ્યું.
"તારી વાત માની ને જ તો અહીં આવ્યો અને ફસાયો છું, હવે તારી વાત માનીશ તો મરી જઈશ કદાચ." ગોપાલ એ ઝટકા સાથે તેનો હાથ છોડાવ્યો અને ગાડીમાંથી ઉતરી ત્યાંથી ભાગ્યો.
નિર્માણ, હિના, વિરલ અને વિહાર પણ તેની પાછળ ગયાં, નિર્મળા બીકની મારી ગાડીમાંથી ઉતરી જ નહી અને આસ્થા કોઈનાય માટે પોતાનો જીવ જોખમ માં ન હોતી નાખવા માંગતી.

"ક્યાં જાય છે? એકલો રહીશ તો મરી જઈશ ડફોળ, ચાલ પાછો." નિર્માણ એ ગોપાલ ને ઢસડી ને પાછો લાવ્યો.
તિવ્ર ગતિથી આવતું પાણી કિનારે આવીને રોકાઇ ગયું અને ધીમે ધીમે એક સ્ત્રીકૃતિમાં ફેરવાયું. પાણીથી બનેલી તે આકૃતિ એ અટ્ટહાસ્ય કર્યું, તે હાસ્ય એટલું ભયાનક હતું કે આખું જંગલ ધ્રુજી ઉઠ્યું.
"તું સાચી હતી વિરલ, તમે બધા ત્યાં સુધી સુરક્ષિત હતાં જ્યાં સુધી આ વાહનમાં હતાં. પણ હવે તમે બધાં સુરક્ષિત નથી, અને હું તમને તમારા આ સુરક્ષા વાહન સુધી પહોંચવા પણ નહી દઉં." તેણીએ ફરીથી અટ્ટહાસ્ય કર્યું.
"કોણ છે તું? આ બધું કંઈ રીતે કરી રહી છે તું? હું તારાથી ડરતી નથી, અને આ બધા પણ નથી ડરતાં." વિરલ એ ત્રાડ નાખી.
"મારી સામે ઊંચા અવાજમાં વાત કરવાની હિમ્મત નથી કરી આજ સુધી કોઈએ, તારા આ ગુનાની સજા તો તને મળશે જ." તેણીએ એક આંગળી ઉપર કરી અને આજુબાજુથી ડાળીઓ, લાકડાં, પાંદડાં, પથ્થર બધું ઊડીને વિરલ ઉપર ફેંકાયું.
વિરલ ની ચિસ સાંભળીને તેને બચાવવા નિર્મળા ગાડીમાંથી ઉતરી ગઈ, ન છૂટકે આસ્થા ને તેની સાથે જવું પડ્યું કેમકે તેને એકલી રહેવા માં બીક લાગી રહી હતી.
બધા એ વિરલ ને કવર કરવાના પ્રયત્ન કર્યાં, અમુક ક્ષણો પછી ફરી થી શાંતિ છવાઈ ગઈ. પણ ત્યાં સુધી બધા ને નાના મોટા ઘા વાગી ચુક્યા હતા, કપડાં પણ ફાટી ગયાં હતાં, અને અમુક ઘા માંથી લોહી નીકળતું હતું.

"હવે કોઈ કંઈ જ નહીં બોલે અને ન કોઈ અહીંથી હલશે, મારે મરવું નથી." આસ્થા રડવા લાગી.
"કોઈ ને નથી મરવું સમજી તું? આપણે બધા એકસાથે ઘરે જઈશું." વિહાર એ આસ્થા ને આલિંગન આપ્યું.
વિરલ એ કિનારા સામે જોયું, તે આકૃતિ ત્યાં નહોતી અને પાણી પણ શાંત હતું. તેના મગજ માં ગણતરી ચાલુ થઈ ગઈ હતી, તે અહીં આવ્યા ત્યાર થી લઈને હાલ સુધી જે જે બન્યું એ ઘટનાઓનું તારણ કાઢી રહી હતી.

"એ પાણીમાં કંઈક છે, કંઈક એવું જે આ દુનિયાથી પરે છે અને ખુબ જ શક્તિશાળી છે. આપણે અહીં આવ્યા ત્યારે અહીં એકદમ શાંતિ હતી. તંબું લગાવ્યા, નાસ્તો કર્યો ત્યારે પણ શાંતિ હતી. જેવો વિહાર પાણીમાં કુદ્યો ને તરત એ પાણી જાણે કે જાગી ઉઠ્યું." વિરલ એ તારણ કાઢ્યું.
"હા, મારો વાંક છે બધો. મને માફ કરી દો, મારા કારણે તમે બધા આટલી ભયંકર મુસીબતમાં ફસાઈ ગયાં છો." વિહાર માથે હાથ દઈ નીચે બેસી પડ્યો.

"એવું ન બોલ યાર, જે થવાનું હતું એ થઈ ગયું. આપણે કંઈ રસ્તો શોધી લઈશું." વિરલ તેની બાજુમાં બેઠી.
બધાંએ વિરલની વાત માં હામી ભરી અને નીચે બેસી ગયાં. વિરલ એ તેનો ફોન કાઢ્યો અને સમય જોયો, રાત્રી ના ૩ વાગ્યા હતા,
તે ઊભી થઈ અને બોલી,"૩ કલાક, માત્ર ૩ કલાક સાચવી લેવાના છે. પછી આપણે બચી જઈશું, તૈયાર છો તમે બધા?"‌

ક્રમશ: