પાલનપુર તરફ જઈ રહેલી ગાડીમાં સમશાનવત શાંતિ છવાઈ હતી, નિર્માણ ગાડી ચલાવી રહ્યો હતો, નિર્મળા વારંવાર ગોપાલના ફોનને જોઈને રડી પડતી હતી, વિહાર અને આસ્થા ચુપચાપ બહાર તરફ જોઈને બેઠાં હતાં અને હિના વારંવાર વિરલએ બતાવેલી બહાદુરી વિશે વિચારીને વ્યથિત થઇ ઉઠતી હતી.
"વિરલ અને ગોપાલના ઘરે શું જવાબ આપશું?" આસ્થાએ પૂછ્યું.
"તમને બધાયને ઘરે જતાં શરમ નઈ આવે? આપણને બચાવવા વિરલએ તેની જિંદગીની કુરબાની આપી દીધી અને તમે બધા ડરપોકની જેમ ભાગી રહ્યાં છો." હિનાએ ગુસ્સામાં કહ્યું.
"તને એટલી ચિંતા છે તો તું કેમ આવી અમારી સાથે? કેમ ના રોકાઈ ગઈ ત્યાં?તારી આંખોની સામે એ પાણી વિરલને એની સાથે વહાવી ગયું અને તું ગાડીમાં બેસીને અમારી સાથે આવી ગઈ, મહાન વાતો કરવી અને મહાનતા બતાવવી બન્નેમાં બઉ ફર્ક છે હિના." આસ્થા બોલી.
"હિના ચુપચાપ આપણી સાથે નથી આવી, હું એને ખેંચીને લઇ આવ્યો છું આસ્થા. એ તો વિરલ તરફ જઈ રહી હતી પણ જો હિનાને કે આપણામાંથી કોઈનેય કંઈ થઇ ગયું હોત તો વિરલની કુરબાની એળે ગઈ હોત, એટલે મેં એને જબરદસ્તી ગાડીમાં બેસાડી દીધી." વિહાર બોલ્યો.
"આ બધી ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી, આપણે જેમ બને એમ જલ્દીથી કોઈ ખેડબ્રહ્મા પહોંચવાનું છે. ત્યાંથી ફોને કરીને મદદ મંગાવી લઈશુ, તો કદાચ વિરલ અને ગોપાલની...." નિર્માણ આગળના શબ્દો ખાઈ ગયો.
"તું કેહવા શું માંગે છે? વિરલ અને ગોપાલ હવે નથી રહ્યાં?" નિર્મળા રડવા લાગી હતી.
"નિર્માણ ગાડી રોક, હાલજ ગાડી રોક." હિનાએ ચીસ પાડી.
એક બ્રેક સાથે ગાડી ઉભી રહી ગઈ, બધાએ આશ્ચર્ય અને ડરથી હિના સામે જોયું.
"તમે બધા ખેડબ્રહ્મા જાઓ હું વિરલ પાસે જઉં છું, થોડીવારમાં સવાર પડી જશે અને કદાચ વિરલને બચાવી શકાય. એ પાણીમાં ડૂબી ગઈ હશે તોય જો એને સમયસર શોધી લઈશુ તો એ બચી જશે કદાચ ગોપાલ પણ બચી જાય." હીના ગાડીમાંથી ઉતરી ગઈ.
નિર્મળા અને વિહાર પણ ગાડીમાંથી ઉતરી ગયાં, "અમે પણ આવીશું, નિર્માણ તું એકલો જા અને મદદ લઈને જલ્દી પાછો આવજે."
"હું પણ તમારી સાથે આવીશ." નિર્માણએ કહ્યું.
"પણ હું નઈ આવું, મારે મરવું નથી. મારે ઘરે જવુ છે અને તું મને ઘરે મુકવા આવીશ." આસ્થા બોલી.
"તું એકલી ઘરે કેમ નથી જતી રહેતી, તને ગાડી ચલાવતા પણ આવડે છે. તું ફોન શોધીને કોઈને મદદ માટે મોકલી દેજે અને પછી ઘરે જતી રહેજે." નિર્મળાએ તિરસ્કારથી કહ્યું.
આસ્થા ગાડીમાંથી ઉતરીને ડ્રાઈવર સીટ પર બેઠી અને ગાડી ચાલુ કરીને ત્યાંથી નીકળી ગઈ, બધાએ એક નિશાંશો નાખ્યો અને તળાવ તરફ પરત ફર્યા. ચાલીને પાછાં આવતા દોઢેક કલાક થઇ ગયો, બધા તળાવએ પહોંચ્યા ત્યારે આછો અજવાસ ફેલાઈ ચુક્યો હતો. સુરજનાં કિરણો ગમે ત્યારે પધારવાની તૈયારીમાંજ હતાં, દિવસે આ જગ્યા વધારે સુંદર દેખાતી હતી.
"ગોપાલ હોત તો કેટલા ફોટોઝ પાડી ચુક્યો હોત." નિર્મળાએ ગોપાલના ફોન તરફ જોઈને કહ્યું.
હિનાએ તેના ખભા પર હાથ મુક્યો અને નિર્મળા રડી પડી. વિહાર તળાવ કિનારે આવ્યો, રાત્રે ભયકંર કહેર વરસાવનાર તળાવ હાલ ખુબજ શાંત હતું.
"જો મેં બેવકૂફી ન કરી હોત તો વિરલ અને ગોપાલ આપણી સાથે હોત." વિહારની આંખો ભીની થઇ ગઈ.
"જે થવાનું હતું એ થઇ ગયું, હવે આગળ શુ કરવું છે એ વિચાર." હિના બોલી.
"મને ખબર છે હવે શું કરવાનું છે, વિરલ અને ગોપાલને આ તળાવમાં શોધવાનાં છે." નિર્માણએ તળાવ તરફ જોઈને કહ્યું, તેની વાત સાંભળીને વિહાર બીજો કોઈ વિચાર કર્યા વગર તળાવમાં કૂદી પડ્યો.
વિરલની આંખો ખુલી ત્યારે એ એક મખમલી પલંગ પર સૂતી હતી, તેણી જે ઓરડામાં હતી એ એક વિશાળ અને ભવ્ય ઓરડો હતો. મોંઘા ગાલિચા, સુંદર કોતરણી કરેલું રાચરચીલું, રેશમના પરદાથી સજ્જ ઝરૂખો અને રાજામહારાજાઓના જમાનાના કપડાં પહેરેલી દસેક સ્ત્રીઓ, આ બધું જોઈને વિરલનું મગજ કામ કરતું બંધ થઇ ગયું હતું.
"હું મરી ગઈ? સ્વર્ગમાં આવી ગઈ કે શું હું?" વિરલએ પૂછ્યું.
"તમે સ્વર્ગમાં નહીં થીરપુરના રાજમહેલમાં છો." એક રુંવાબદાર અવાજ આવ્યો અને વૈભવી વસ્ત્રોમાં સજ્જ એક પ્રોઢ સ્ત્રી ઓરડામાં આવી. રેશમી ઘાઘરાચોળી, અને ઘરેણાંઓથી લદાયેલી એ સ્ત્રી કોઈ મહારાણી જેવી લાગી રહી હતી, તેના ચેહરા પર તેજ અને ગૌરવ છલકાઈ રહ્યું હતું.
"તમે કોણ છો? અને હું ક્યાં છું?" વિરલએ પૂછ્યું.
"તમારા બધાજ પ્રશ્નોના ઉત્તર તમને મળી જશે, પરંતુ તમે જખ્મી અને થાકેલાં છો તો પહેલાં સ્નાન કરી લો અને થોડો આરામ કરી લો." એ સ્ત્રીએ તેની પાછળ ઉભેલી એક યુવતી તરફ હાથથી આગળ આવવા ઈશારો કર્યો, સાદા વસ્ત્રોમાં સજ્જ એ યુવતી માથું જુકાવીને આગળ આવી અને તેના હાથમાં રહેલો થાળ આગળ કર્યો.
"દાસી આપણાં અતિથિને સ્નાનઘરમાં લઇ જાઓ અને ધ્યાન રહે કે આમને કોઈજ તકલીફ ન થવી જોઈએ." એ સ્ત્રી ત્યાંથી પરત ફરી ગઈ.
"આ કોણ છે? અને આ બધું શું છે?" વિરલએ તેની આજુબાજુ ઉભેલી સ્ત્રીઓને સંબોધીને પૂછ્યું.
"તેઓ થીરપુરનાં મહારાણી દેવળબા છે, અને તમે થીરપુરના રાજમહેલમાં રાજઅતિથિ છો." એક દાસીએ માથું જુકાવીને જવાબ આપ્યો.
"આજે કયો દિવસ છે અને કંઈ તારીખ છે?" વિરલના ચેહરા પર પરસેવો બાજી ગયો હતો.
"જેઠ સુદ સાતમ." એજ દાસીએ જવાબ આપ્યો.
"વિક્રમ સવંત?" વિરલને અચાનક જ આ સવાલો સુજ્યો.
"વિક્રમ સવંત ૧૪૨૦...."દાસીએ જવાબ આપ્યો.
વિરલના ચેહરા પર ભયની લકીરો જન્મી,"સ્કૂલમાં હતી ત્યારે પ્રાર્થનામાં વિક્રમ સવંત બોલતા ત્યારે કદાચ વિક્રમ સવંત ૨૦૭૨ અથવા ૭૩ ચાલતું હતું મતલબ હાલ ૨૦૭૬ યા ૨૦૭૭ હશે અને અહીં ૧૪૨૦ ચાલે છે, ઓહ માય ગોડ........"
ક્રમશ: