પાર્ટ ૧૨
અભયસિંહ મુકેશ હરજાણીને લઈને પોલીસ સ્ટેશન પર આવતાની સાથે જ બીજા બે પોલીસ કોન્સ્ટેબલને મુકેશ હરજાણીને લોકઅપમાં બંધ કરવાનો આદેશ આપે છે. પરંતુ મુકેશ હરજાણી પોતે નિર્દોષ હોવાનો દાવો કરે છે અને કહે છે કે " સર શું સબૂત છે તમારી પાસે કે એ ખૂન મે જ કર્યું?..
અભયસિંહ:- અત્યારે હાલમાં તો કોઈ સબૂત નથી પણ હા આ બનેલી આ આખી ઘટનામાં તમે જ શંકાસ્પદ નજર આવો છો mr મુકેશ. જે ખુફિયા રૂમની ચાવી હંમેશા તમારી પાસે જ હોય છે. તમારા સિવાય કોઈ એ રૂમમાં જઈ શકે તેમ છે જ નહિ એવું તમે જ કહ્યું હતું ને તો પછી એ લાશ આવી ક્યાંથી?
મુકેશ હરજાણી:- જુઓ મિસ્ટર ઇન્સ્પેક્ટર અભયસિંહ હું સાવ નિર્દોષ છું અને હવે મારો વકીલ જ એ વાત સાબિત કરશે. પ્લીઝ તમે મારા વકીલ અજય રાઠોડને ફોન કરો અને એમને અહીંયા બોલાવો. એ મારી જમાનત અપાવી મને અત્યારે જ અહીંયા થી લઈ જશે..
અભયસિંહ:- હા હા હા( કટાક્ષમાં હસે છે) mr મુકેશ અત્યારે રાતના અગિયાર વાગ્યે તમને કઇ કોર્ટ જમાનત આપશે. અત્યારે તો આખી રાત તમારે અમારી સામે જ વીતાવવાની છે. અને સવાર પડતા જ કદાચ આ કેસનો ખુલાસો પણ થઈ જશે. હા તો ચાલો ત્યાં સુધી આપણે એક ગેમ રમી લઈએ..
મુકેશ હરજાણી:- ગેમ! અત્યારે રાતના! આ હાલત માં તમારે ગેમ રમવી છે! What nonsense..
અભયસિંહ:- હા mr મુકેશ ગેમ રમવી છે એ પણ સવાલ જવાબો ની ગેમ જેમાં હું તમને સવાલો પૂછીશ જેના તમારે જવાબ આપવાના છે, છે ને એકદમ રોમાંચક ગેમ..
મુકેશ હરજાણી:- ઓ પ્લીઝ મને તમારી આ ગેમ માં કોઈ રસ નથી તમે પ્લીઝ મારા વકીલ ને બોલાવો..
અભયસિંહ:- હા હા કેમ નહિ જરૂર બોલાવી આપશું પરંતુ એ પહેલા ગેમ તો રમી લઈએ. પણ હા ગેમ નો એક રૂલ્સ છે સત્ય સત્ય અને સત્ય, મારે ફક્ત સત્ય જ સાંભળવું છે. તો પહેલા એ કહો કે શું તમે પ્રવીણ ને ઓળખો છો?..
મુકેશ હરજાણી:- જી ના કોણ છે આ પ્રવીણ?
અભયસિંહ:- એ જ પ્રવીણ જેના ઉપર રોશની મર્ડર કેસનો આરોપ છે. જે રોશની નું મર્ડર કરીને ફરાર થઈ ગયો છે.
મુકેશ હરજાણી:- જી નહિ મને આ વિશે કોઈ જાણકારી નથી..
અભયસિંહ:- શું નિલેશને તમારા ખુફિયા રૂમની જાણકારી હતી?..
મુકેશ હરજાણી મૂંઝવણમાં પડી જાય છે કે પોતે શું જવાબ આપે એટલામાં જ સુરેશ કેબિનમાં પ્રવેશે છે. ને કહે છે કે " સર એક ખૂબ જ મહત્વની જાણકારી મળી છે. Mr મુકેશ નો ફોન ચકાસતા જાણ થઈ છે કે રોશનીના ખૂન થયા પછી mr મુકેશ સતત એક અજાણ્યા નંબર સાથે સંપર્કમાં હતા અને તે નંબર બીજા કોઈ નો નહિ પરંતુ પ્રવિણનો જ હતો" આ સાંભળતા જ મુકેશ હરજાણીનો ચહેરો એકદમ ફિક્કો પડી જાય છે તેના કપાળ ઉપર પરસેવાના ટીપાં બાઝી જાય છે. ડરના લીધે તેનું હદય કાપી ઊઠે છે. અભયસિંહ મુકેશ હરજાણી ઉપર અંગાર વર્ષાવતા જોરથી ત્રાડ નાખતા કહે છે." બોલો mr મુકેશ હવે શું કહેવું છે તમારૂં? પ્રવીણ નો નંબર તમારા કોન્ટેક લિસ્ટ માં આવ્યો ક્યાંથી? તમે તો પ્રવીણ ને ઓળખતા જ ન હતા ને?
અભયસિંહ નું આવું ભયંકર સ્વરૂપ જોઈને મુકેશ હરજાણી નું હૃદય ધ્રુજી ઉઠે છે અને પોતાને હાર્ટ એટેક આવ્યો હોય તેમ બેહોશ થવાનું નાટક કરીને નાસી છૂટવાના પ્રયત્ન કરે છે. પરંતુ અભયસિંહ કળી જાય છે કે મુકેશ હરજાણી નાટક કરી રહ્યો છે. એટલે તેને હોસ્પિટલમાં ખસેડવાની જગ્યાએ ડોક્ટરને પોલીસ સ્ટેશનમાં બોલાવીને તેને ચકાસવાનું કહે છે. ડોક્ટરે મુકેશ હરજાણીને તપાસીને તે નોર્મલ હોવાનું જણાવે છે. પરંતુ મુકેશ હરજાણી હજુ પણ બેહોશીની હાલતમાં પડયો હોય છે તેથી મુકેશ હરજાણીને લોકઅપમાં ખસેડીને પૂરી રાખવામાં આવે છે જેથી ફરીથી તે નાસી છૂટવાના નિરર્થક પ્રયત્ન ન કરી શકે.
અભયસિંહ બે પોલીસ કોન્સ્ટેબલને મુકેશ હરજાણી ઉપર કડી નજર રાખવાનો આદેશ આપે છે ને સુરેશ ને ખુફિયા રૂમ માંથી મળેલ વસ્તુની જાણકારી આપવાનું સૂચન કરે છે. વળતા જવાબમાં સુરેશ જણાવે છે કે " સર તે ખુફિયા રૂમ માંથી ચાર અલગ અલગ વ્યક્તિના ફિંગર પ્રિન્ટ મળી આવ્યા છે જેમાંથી બે ફિંગર પ્રિન્ટ તો રોશની મર્ડર કેસ વખતે તે રૂમમાંથી મળેલા ફિંગર પ્રિન્ટ સાથે મેચ થાય છે.એટલે કે એક ફિંગર પ્રિન્ટ પ્રવીણના હોવા જોઈએ અને બીજા ફિંગર પ્રિન્ટ નિલેશ ચૌધરીના છે.
અભયસિંહ:- અને બીજા બે ફિંગર પ્રિન્ટ?
સુરેશ:- સર એક ફિંગર પ્રિન્ટ તો મુકેશ હરજાણીના જ છે તેના ફોન પર થી મળી આવેલા ફિંગર પ્રિન્ટ સાથે મેચ થાય છે પરંતુ આ ચોથા ફિંગર પ્રિન્ટ કોઈ અજાણ્યા વ્યક્તિના જ છે. એટલે કે નિલેશ, પ્રવીણ અને મુકેશ હરજાણી સિવાય કોઈ ચોથી વ્યક્તિ પણ આ મર્ડર માં સામેલ છે.
અભયસિંહ:- શું કોઈ ચોથી વ્યક્તિ? કોણ હોય શકે એ? સુરેશ આ કેસની આપણે આટલા નજીક આવ્યા છતાં પણ આ કેસ ઉલજતો જ જાય છે. સુરેશ એક કામ કર હોટેલના દરેક સ્ટાફના આપણે રોશનીના મર્ડર પછી ફીંગર પ્રીન્ટ લીધા હતા. આ ચોથી વ્યક્તિના ફિંગર પ્રિન્ટ એમાંથી કોઈપણના ફિંગર પ્રિન્ટ સાથે મેચ થાય છે કે નહીં એ એક વાર ચેક કરી લો. અને બીજું શું શું મળ્યું છે એ રૂમ માંથી?
સુરેશ:- સર રૂમ જોઈને તો આવું જ લાગે છે કે મુકેશ હરજાણી એ તે રૂમ પોતાની ઐયાશી માટે જ બનાવ્યો હશે. એક થી એક ચડિયાતી બ્રાન્ડની શરાબની બોટલ અને સિગારેટના પેકેટ પણ મળી આવ્યા છે. રૂમમાં બેડ પર એક કેમેરા ગોઠવ્યો હોય તેવું જણાય છે પરંતુ અત્યારે ત્યાં થી એ કેમેરા પણ ગાયબ છે અમને ફક્ત તેના વાયર જ મળ્યા છે. રૂમની હાલત જોતા જણાય છે કે કોઈ મહત્વની વસ્તુ ગોતવા માટે જ આખા રૂમને તહેસ નહેશ કરી નાખવામાં આવ્યો છે. નિલેશની લાશ તપાસતા પણ તેને ઘણી જગ્યા એ ઇજા થઈ હોય તેવું જણાય છે એટલે કે નક્કી કોઈ સાથે હાથાપાઈ થઈ હશે. રૂમમાં બેડની ડાબી બાજુ આવેલા કોર્નર પર લોહીના નિશાન મળી આવ્યા છે પરંતુ તે લોહી નીલેશનું નથી કોઈ બીજી જ વ્યક્તિનું હોય તેવું જણાય છે.
અભયસિંહ મુકેશ હરજાણી પર નજર રાખી રહેલા પોલીસ કોન્સ્ટેબલને મુકેશ હરજાણીને તપાસવા માટે કહે છે. જેથી કરીને ખબર પડે કે તેના શરીર પર કોઇ ઇજાના નિશાન તો નથી ને કદાચ એ લોહી મુકેશ હરજાણીનું હોય. કદાચ નીલેશનાં ખૂન વખતે તે ત્યાં હાજર જ હોય. પરંતુ મુકેશ હરજાણીને તપાસતા તેને કોઈ ઇજા થઈ હોય તેવું જણાતું ન હતું. એટલે કે કદાચ એ લોહી પ્રવીણ અથવા કોઈ ત્રીજી વ્યક્તિનું જ હોય શકે. અભયસિંહ સુરેશને આદેશ આપતા કહે છે કે" સુરેશ ફોરેન્સિક લેબમાં ફોન કરીને નિલેશની લાશનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ વિશે જાણવાનું કહો.
સુરેશ:- જી હા સર હું હમણાં જ રિપોર્ટ મંગાવી લવ છું પરંતુ સર રાતના 12:30 થઈ ગયા છે આજે તમે ઘરે નથી જવાના અહીંયા અમે લોકો સાંભળી લેશું..
અભયસિંહ:- ના સુરેશ એમ પણ હવે ઊંઘ કોને આવવાની છે. સંધ્યા પણ પ્રવીણને લઈને હમણાં આવતી જ હશે. હવે તો આ કેસ સોલ્વ થાય પછી જ રાહતનો અનુભવ થશે.
એટલામાં જ સંધ્યા પ્રવીણ ને લઈને અભયસિંહ ની કેબિનમાં પ્રવેશે છે. પ્રવીણ ની હાલત કોઈ નશેડી વ્યક્તિ જેવી હતી. તેના કપડામાં લાગેલા ખૂનમાં નિશાન તે પોતે જ બે બે લોકોના ખૂનનો આરોપી હોવાનો ચાડી ખાતા હતા. સંધ્યા પ્રવીણને સંબોધતા કહે છે કે" સર આ પ્રવીણ અમને નશાની હાલતમાં તેના ડાન્સ ક્લાસ માંથી મળી આવ્યો છે. અને સર તેની સાથે આ એક બેગ પણ મળી આવી છે. જેમાં ઘણી પેન ડ્રાઈવ અને ઘણી છોકરીઓના ફોટો અને details પણ છે. સર આ બધા સબૂત પ્રવીણને ફાંસીના માંચડે ચડાવી ને જ રહેશે..
ક્રમશ....