Room Number 104 - 3 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Room Number 104 - 3

પાર્ટ 3

અભયસિંહના આદેશ પ્રમાણે સંધ્યા પોતાની સાથે એક પોલીસ કોન્સ્ટેબલ ને લઈ ને પ્રવીણ સિંહના ઉદયપુર ના ઘર તરફ નીકળી જાય છે. અને સુરેશ ચૌહાણ પોતાની સાથે આવેલા બીજા બે પોલીસ કોન્સ્ટેબલ ની સાથે આખા હોટેલ ની તપાસ કરે છે. અભયસિંહ રજીસ્ટરમાં લખાવેલા પ્રવીણ સિંહ ના મોબાઈલ નંબર ઉપર સતત સંપર્ક કરવાની કોશિશ કરે છે પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ બતાવે છે. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ હોટલની બહાર આવીને ઉભી રહે છે અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવે છે. અને રૂમમાંથી મળેલી બધી જ વસ્તુ ને પણ ફોરેન્સિક લેબમાં મોકલી દેવામાં આવે છે. બીજી બાજુ હોટેલ મા કામ કરતા નીલેશ ચૌધરી નો ફોન પણ સવાર થી બંધ બતાવે છે. હોટેલના વેઈટર રાજુ સાથે પુછતાછ કરતા જાણવા મળે છે કે નિલેશ ચૌધરી આજે સવાર ના ૬ વાગ્યા થી જ હોટેલ માંથી નીકળી ગયો છે જ્યારે તેની ડયુટી આઠ વાગ્યા સુધી ની હોય છે. એકાદ કલાકમાં સુરેશ ચૌહાણ પણ આખા હોટલમાં તપાસ કરી આવીને અભયસિંહ ને રિપોર્ટ કરે છે..
સુરેશ ચૌહાણ:- સર લાગી રહ્યું છે કે પ્રવિણસિંહ હોટેલની ટેરેસ પરથી થઇને હોટેલ ના રેસ્ટોરન્ટના કિચન તરફ જવા માટે ના રસ્તા પરથી થઈ ને પાછળના રસ્તેથી ગાયબ થઈ ગયો છે.ને સર પાછળ ના રસ્તે કોઈ સીસીટીવી કેમેરા પણ નથી. પરંતુ ટેરેસ પર જવાની સીડી પર અને રેસ્ટોરન્ટના કિચન તરફ જવાના રસ્તા પર ઘણી જગ્યાએ અમને ફિંગર પ્રિન્ટ મળી આવ્યા છે જે હવે રૂમ નંબર 104 માં મળેલ ફિંગર પ્રિન્ટ સાથે મેચ થતા હોવા જોઈએ.

અભયસિંહ:- પરંતુ પ્રવિણસિંહ ને કેવી રીતે ખબર પડી કે પાછળ ના રસ્તે સીસીટીવી કેમેરા નથી.

રાજકુંવર(મેનેજર):- પણ સર ટેરેસ ના ગેટ પર તો તાળુ હોય છે. તો પછી પ્રવીણ સિંહ ત્યાંથી કેવી રીતે ભાગી શકે?

અભયસિંહ:- હમમ તો પછી નક્કી હોટેલની કોઈ વ્યક્તિ પણ આમાં ભળેલી હોય એવું લાગે છે. રાજકુંવર હોટેલ માં કામ કરતી દરેક વ્યક્તિ ને અહીંયા હાજર કરો. અને સુરેશ હમણાં મળેલા ફિંગર પ્રિન્ટને ફોરેન્સિક લેબમાં મોકલી આપો. ને આ નીલેશ ચૌધરી ના ઘરે જઈ ને તપાસ કરો કે આ સાહેબ છે ક્યાં? કે એનો ફોન પણ બંધ આવે છે. ક્યાંક એવું તો નથી ને કે નીલેશ ચૌધરી એ જ પ્રવીણને ભાગવામાં મદદ કરી હોય.ને હા આજુ બાજુના રૂમમાં પણ તપાસ કરો કોઈ એ આ રૂમ માંથી કોઈ ના ચિખવાનો અવાજ કે મારપીટ નો અવાજ સંભળાયો હતો કે નહિ..
એટલામાં સુરેશ ના ફોનની રીંગ સંભળાય છે ફોન જોતા ખબર પડે છે કે અમદાવાદથી ઇન્સ્પેક્ટર દિલીપ જોશીનો ફોન હોય છે જેમને સુરેશે યુવતીના પરિવારની તપાસ કરવા માટે કહ્યું હતું. સુરેશ ફોન પર વાત કરીને અભયસિંહ ને રિપોર્ટ કરે છે ને કહે છે કે " સર અમદાવાદથી ઇન્સ્પેક્ટર દિલીપ જોશી નો ફોન હતો એમણે એમ જણાવ્યું કે રોશની પોતાના પરિવારને પોતાની ખાસ સહેલી નીતા સાથે કોઈ ટ્રેકિંગ કેમ્પમાં જાય છે એવું કહીને નીકળી હતી. રોશની નો પરિવાર ગઈ કાલ સાંજ થી રોશની ને કોલ કરવાની કોશિશ કરી રહ્યો હતો. પરંતુ રોશની નો ફોન સતત બંધ આવતો હોવાથી એ લોકો પણ રોશની માટે ચિંતિત હતા. પણ સર આપણ ને તો રોશની ના સામાન માંથી ફોન મળ્યો જ નથી. અને રોશની નું પરિવાર પણ પ્રવીણ સિંહ વિશે કાંઈ જાણતું જ નથી. સર રોશની પોતાના પરિવાર થી જૂઠું બોલીને આવી હતી.

અભયસિંહ:- હમમ સુરેશ કેશ બહુજ ડિફિકલ્ટ લાગે છે. જ્યારે રોશની પાસે પોતાનો ફોન હતો તો પછી એ ક્યાં ગયો કે પછી પ્રવિણ રોશની નો ફોન પોતાની સાથે લઈ ગયો હશે.એક કામ કરો રોશની ના પરિવારને આહિયાં આબુ માં આવાનું કહો. અને આ રોશની ની ખાસ સહેલી નીતા ને પણ અહીંયા હાજર થવાનું કહી દો કદાચ નીતા દ્વારા કોઈ સત્ય બહાર આવે...

એટલા માં રાજકુંવર હોટેલ મા કામ કરતા દરેક વેઇટર અને કિચનમાં કામ કરતાં દરેક વ્યક્તિ ને ત્યાં હાજર કરી દે છે. સુરેશ અને અભયસિંહ દરેક વેઈટર અને કિચનમાં કામ કરતા શેફ ને પૂછતાછ કરતા એક ગોપી નામના શેફ્ એ જણાવ્યું કે ગઈ કાલે વહેલી સવારે પ્રવીણસિંહ અને નીલેશ ચૌધરી ને હોટલની ટેરેસ પર સિગારેટ ફૂકતા જોયા હતા. ત્યારે જ ગોપી ટેરેસ પર કોઈ કામે થી આવ્યો અને પ્રવીણે તેની સામે સિગારેટ નું પેકેટ ધરતા તેને સિગારેટની ઓફર પણ કરી હતી. પરંતુ ગોપીએ ના કહીને ત્યાં થી નીકળી ગયો. તેને જ્યારે નિલેશ ચૌધરી ને પૂછ્યું કે તે આ પ્રવીણ સાથે અહીંયા શું કરી રહ્યો છે તો તેને કહ્યું કે પ્રવીણ તેનો નાનપણ નો દોસ્ત છે અને અચાનક જ ઘણા વર્ષો પછી એ લોકો ની મુલાકાત થઈ છે. બસ આના થી વિશેષ ગોપી ને કોઈ જાણ હતી નહીં..
અભયસિંહ:- એટલે કે સુરેશ પ્રવીણ ને નીલેશ ચૌધરી એ જ ભાગવામાં મદદ કરી હશે. લાગે છે પ્રવીણ પહેલા થી જ રોશની ના ખૂન કરવાના ઇરાદાથી જ અહીં આવ્યો હતો. એને એમ હતું કે રોશની નું ખૂન કરી ને બહુ સફાઈ થી રફુચક્કર થઈ જશે અને ક્યારેય પકડાશે નહીં તો એ ભૂલ ખાઈ છે કે એનો પંગો અભયસિંહ સાથે થયો છે. એ અભયસિંહ ને ઓળખતો નથી અભયસિંહ એને પાતાળમાંથી પણ ખોજી લાવશે. એક કામ કર સુરેશ સીસીટીવી કેમેરા દ્વારા યુવક અને યુવતી ના ફોટા ક્લિક કરી ને એસટી બસ સ્ટેન્ડ અને પ્રાઇવેટ બસ ટ્રેન માં તપાસ કરવા મોકલી દો. કોઈ એ તો આ બને ને બસ માં જતાં કે આવતા જોયા જ હશે. ને આ નીલેશ ની પણ શોધખોળ ચાલુ કરી દો નીલેશ મને ગમે તેમ કરીને અહીંયા હાજર જોઈએ..

સાંજના 6 વાગ્યા આસપાસ અભય સિંહ ના ફોન પર સંધ્યા નો ફોન આવે છે. અભયસિંહ ફોન ઉપાડતા કહે છે કે હા સંધ્યા પહોંચી ગઈ તું ઉદયપુર શું ખબર છે ત્યાંના..

સંધ્યા:- જી હા સર હું ઉદયપુર પહોંચી ગઈ છું. પરંતુ અહીંયા પ્રવીણનો પરિવાર ગાયબ છે સર. આજુ બાજુ માં પૂછતાછ કરતાં જાણવા મળ્યું કે પરવીન નો પરિવાર એક અઠવાડિયાથી કોઈ લગ્ન પ્રસંગમાં અમદાવાદ ગયું છે. ને સર જાણવા મળ્યું છે કે તેના પરિવારમાં તેનાં માતા-પિતા તેની પત્ની અને એનો એક દીકરો પણ છે...

અભયસિંહ:- શું એટલે કે પ્રવીણ પહેલેથી જ પરણેલો હતો?

સંધ્યા:- જી હા સર! પરંતુ પ્રવીણ એ લગ્ન પ્રસંગમાં હાજર રેહવાનો ન હતો. એ એના કોઈ કામ થી અહીંયા જ હતો પણ આજુબાજુ માં પૂછતાછ કરતા ખબર પડી એ ૩ દિવસ થી દેખાયો જ નથી...

અભયસિંહ:- ક્યાંથી દેખાય સંધ્યા એ સાહેબ તો અહીંયા આબુમાં રોશનીનું ખૂન કરવામાં વ્યસ્ત જો હતા. અને રોશની પણ પોતાના પરિવાર ને જૂઠું બોલી ને પોતાની ખાસ સહેલી નીતા સાથે ટ્રેકિંગ કેમ્પ જાય છે એવું કહી ને આવી હતી. આ કેસ તો કઈક અલગ જ મોડ લઈ રહ્યો છે. જ્યારે પ્રવીણ પહેલેથી જ પરણેલો હતો તો પછી રોશની પ્રવીણ ની કોણ છે? અને રોશની અહીંયા પ્રવીણ સાથે કેમ આવી હતી? અને પ્રવીણ એ રોશની નું ખૂન કયા કારણથી કર્યું હશે? ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે આ કેસમાં. ક્યાંક એવું તો નહીં હોયને કે પ્રવીણ અને રોશનીનું એક્સટ્રા મેરિટલ અફેર ચાલતું હોય.સંધ્યા એક કામ કર તમે લોકો હમણાં ત્યાં જ ઉદયપુરમાં જ રહો પ્રવીણના ઘરની આસપાસ રહીને નજર રાખો ક્યારેક તો પ્રવીણ ઘરે પાછો આવશે જ. હું હમણાં જ ઉદયપુરના પોલીસ હેડ કવાર્ટર ઉપર ફોન કરીને ત્યાં ના બે પોલીસ કોન્સ્ટેબલને તારી હેલ્પ માટે મોકલી દેવાનું કહું છું....

સંધ્યા:- જી ઓકે સર....

ક્રમશ...