પાર્ટ 6
અભયસિંહ એ સંધ્યાને ફોન પર પ્રવીણ ના ઘરનું તાળુ તોડી ને તપાસ કરવાનો આદેશ આપ્યા બાદ ફરી નીતાની પૂછતાછ શરૂ કરતાં કહે છે કે " હા તો હવે કહે રોશની અને પ્રવીણ પહેલી વાર ક્યાં મળ્યા હતા?
નીતા ગભરાતા અવાજે અભય સિંહને જણાવે છે કે" સર રોશની અને પ્રવીણ સૌપ્રથમ મારી દિદીના લગ્નમાં મળ્યા હતા. પ્રવીણ મારા જીજાજીના મિત્ર તરીકે લગ્નમાં હાજર રહ્યા હતા. રોશની મારી ખાસ દોસ્ત છે એટલે લગ્નની દરેક વિધિમાં હું ને રોશની સાથે જ રહેતા. મારા પિતાએ મારી બહેનના લગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું. મારા પિતાને અમે બંને બહેનો બહુ જ વહાલી એટલે મારા પિતાએ મારી બહેનના લગ્નમાં વર પક્ષ ના લોકોને કાઈ પણ કહેવાનો મોકો જ નહોતો આપ્યો. અમે લોકોએ લગ્નમાં ઉપસ્થિત રહેલા મહેમાનોના મનોરંજન માટે ડાન્સ નો પ્રોગ્રામ રાખ્યો હતો. જેમાં હું અને રોશની એકસાથે ડાન્સ પર્ફોમન્સ કરવાના હતા. રોશની અમારા કોલેજની ડાન્સર નંબર વન હતી. રોશનીને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ હતો. કોઈપણ સોંગ ને જોઈને ડાન્સ કોઈપણ ની મદદ લીધા વગર પોતે શીખતી હતી. એ દિવસે પણ ડાન્સની બધી તૈયારી રોશનીએ પોતે જ કરી હતી. ડાન્સ માટેના સ્ટેજનું ડેકોરેશન પણ રોશનીએ પોતાની પસંદ મુજબ જ કરાવ્યું હતું. મારા પિતા પણ રોશનીને પોતાની દીકરી જ માનતા એટલે રોશની અમારા ઘરના દરેક સારા કે ખરાબ પ્રસંગમાં ઘરના સભ્યોની જેમ જ ભાગ લેતી.
એ દિવસે મે અને રોશનીએ બાજીરાવ મસ્તાની ના સોંગ પર ડાન્સ પરફોર્મન્સ કર્યો. અમે બંને સહેલીઓ એ સોંગની અદાકારો એ જે રીતે પેહરવેશ કર્યો હતો હૂબહૂ એ જ રીતે હું ને રોશનીએ નવવારી સાડી પહેરીને સુંદર તૈયાર થઈને સ્ટેજ પર આવ્યા. રોશની એ દિવસ નવવારી સાડી માં ખુબ જ સુંદર લાગતી હતી. રોશની દેખાવમાં થોડીક શ્યામ હતી પરંતુ તે ખૂબ જ આકર્ષક બાંધો ધરાવતી. સ્ટેજ પર અમારા બંનેની હાજરી હોવા છતાં પણ લોકો રોશની ને જ જોઈ રહ્યા હતા. એક બાજુ મારી દીદી ના લગ્નની વિધી ચાલતી હતી ને બીજી બાજુ મહેમાનોના મનોરંજન હેતુ અમે બંને સહેલીઓ એ ડાન્સ પર્ફોર્મન્સ શરૂ કર્યો. મને ડાન્સ નો શોખ નથી પરંતુ રોશનીએ મને ખૂબ સારી રીતે ડાન્સ શીખવાડી દીધો હતો. ખૂબ જ સુંદર રીતે અમે બંને એ ડાન્સ રજૂ કર્યો. ડાન્સ પર્ફોમન્સ પુરા થયા પછી લગ્નમાં આવેલા દરેક મહેમાનોએ અમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.
હું અને રોશની ડાન્સ કરીને સ્ટેજ પરથી જઇ રહ્યા હતા કે ત્યાં જ વર પક્ષમાંથી જીજાજીના મિત્રોની ટોળકીએ જોર જોર થી તાળીઓ પાડીને વન્સમોર વન્સમોર કહેવા લાગ્યા. પરંતુ સમયના અભાવના લીધે અમે ફરી ડાન્સ પર્ફોમન્સ કરવાની ના પાડી કારણકે ત્યારે મારા બીજા ભાઈ બહેન ને પણ રોશનીએ ડાન્સ શીખવાડ્યો હતો. એ લોકો પણ અમારા પછી પોતાનો ડાન્સ પ્રસ્તુત કરવાના હતા. પરંતુ એ જ વખતે પ્રવીણ સ્ટેજ પાસે આવીને રોશની સાથે ડાન્સ કરવાની માગણી કરતાં કહ્યું કે તે પોતે ઉદયપુરમાં ડાન્સ ક્લાસ ચલાવે છે. અને રોશનીનો ડાન્સ તેને ખૂબ જ ગમ્યો હોવાથી તે પોતે રોશની સાથે એક સોંગ પર ડાન્સ પ્રસ્તુત કરવા માંગે છે. એ જ વખતે રોશની અને પ્રવીણ ની પહેલી વાર નજર મળી.
પ્રવીણ રોશની કરતાં ઘણો મોટો હતો પણ તે દેખાવમાં રૂપાળો અને ખૂબ જ હેન્ડસમ હતો. તેની બોલવાની કળા એટલી અદ્ભુત હતી કે કોઈપણ વ્યક્તિ તેના તરફ આકર્ષિત થઇ જાય. રોશની ને પણ પ્રવીણને પહેલી નજરમાં જોઈને જ તેનું દિલ ધડકી ઊઠ્યું હતું. રોશનીનું મન હોવા છતાં મારા પિતાની વાતનું માન રાખી તેને ડાન્સ કરવાની ના પાડી દીધી. પરંતુ જીજાજીની મિત્ર ટોળકીમાં થી બીજો એક મિત્ર મજાકના અંદાજમાં કહેવા લાગ્યો " અરે અમે લોકો વર પક્ષ તરફથી છીએ તમારે અમારી વાત માનવી જ જોઈએ. વર પક્ષ ને નારાજ કરશો એ કેમ ચાલે. બીજી બાજુ દીદીના લગ્નના ફેરા ચાલુ થઈ ગયા હતા. તેમના મિત્રે મજાકમાં એવું કહ્યું કે જો આમારી માંગણી પુરી નહિ થાય તો અમે ફેરા આગળ વધવા નહીં દઈએ. જીજાજીના મિત્ર ની વાત સાંભળીને લગ્નનું વાતાવરણ ખૂબ જ ગંભીર થઈ ગયું. પરંતુ વર પક્ષ ના એક વડીલે વાતનો દોર હાથમાં લેતાં કહ્યું કે લગ્ન તો જેમ ચાલે છે તેમ ચાલશે પરંતુ અમારા બધાની ઈચ્છા છે કે રોશની ફરી ડાન્સ કરે. એટલે બધાની ઈચ્છાને માન આપતા રોશની અને પ્રવીણ નો ભવ્ય ડાન્સ પર્ફોર્મન્સ યોજાયો. બંને એ એટલી સુંદર રીતે ડાન્સ રજૂ કર્યો કે લગ્નમાં આવેલા દરેક મહેમાનો ખુશ ખુશ થઈ ગયા હતા. રોશનીને પણ પ્રવીણ સાથે ડાન્સ કરવાની ખૂબ મજા આવી. રોશની પ્રવીણ નો ડાન્સ જોઈને તેના પર મોહિત થઈ ગઈ હતી. જાનૈયાની વિદાય થઇ ત્યાં સુધી રોશની અને પ્રવીણની નજર એકબીજા ઉપર થી હટતી જ ન હતી. બંને એકબીજા પ્રત્યે આકર્ષાયા હતા. બંનેના હોઠતો મોન હતા પરંતુ આંખો ઘણું બધું કહી રહી હતી એકબીજાને જોઇને બંનેનાં દિલમાં એક અલગ જ તોફાન મચ્યું હતું. જાનની વિદાય થઈ પછી પણ રોશની પ્રવીણ ના જ ખયાલોમાં ખોવાયેલી રહેતી.
લગ્ન બાદ બહારગામથી આવેલા મહેમાનોની ઉપસ્થિતિમાં ઘરમાં ચહેલપહેલ હતી. રોશની પણ મને મદદ કરવા મારા ઘરે જ રોકાઈ ગઈ હતી. લગ્નના બીજા દિવસે રાતે અમે બંને દિદિના લગ્નની યાદો વાગોળતા હતા ત્યાં જ રોશનીના મોબાઈલ પર એક નોટિફિકેશન આવી. પ્રવીણે સોશિયલ મીડિયા ઉપર રોશની ને રિક્વેસ્ટ મોકલી હતી. અને સાથે hi નો મેસેજ પણ આવ્યો હતો. રોશની પ્રવીણ નો મેસેજ જોઈને એકદમ જ મલકાય ગઈ. તેરા ચહેરા ના હાવભાવ જોઈને મે રોશનીને મસ્તીના અંદાજ માં કહ્યું " શું વાત છે રોશની તારો ચહેરો જોઈને તો એવું લાગી રહ્યું છે કે હવે દીદી ના લગ્ન પછી હવે જલ્દીથી તારા લગ્નની તૈયારી કરવી પડશે. રોશનીએ વળતા જવાબમાં કહું કે " ના રે ના.. મારે તો હજુ લગ્નની ઘણી વાર છે તને તો ખબર જ છે કે હું મારા માતાપિતાની એક ની એક દીકરી છું. હજીતો એમબીએ કમ્પ્લીટ કરી ને કોઈ સારી જોબ કરવાની છે. મારે મારા પિતાનો દીકરો બનીને બતાવવાનું છે. એમ આટલી જલ્દી હું લગ્નની પળોજણમાં નહીં પડું.
નીતા:- અચ્છા! પણ તારી આ મુસ્કાન તો કંઈક અલગ જ રાઝ ખોલી રહી છે. શું વાત છે ક્યાંક કોઈ સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને?
રોશની :- શું યાર તું પણ એવું કાઈ નથી( શરમાઈને) કહ્યું તો ખરી કે હજી વાર છે..
નીતા :- મે ક્યાં લગ્નનું કહ્યું લગ્નને વાર છે પણ પ્રેમની ખરી ઉંમર તો આ જ છે ને. પ્રેમ તો કરી જ શકાય ને શું વાત છે તું મને નહિ કહે એમ પણ હું જોઉં છું કે તું દિદીની વિદાય પછી બહુ ચૂપ ચૂપ રહેવા લાગી છે. કઈક તો છે તારા મનમાં જે તું મારાથી છૂપાવી રહી છે.
રોશનીએ ક્યારે પણ મારાથી કોઈ વાત છુપાવી નહોતી. ત્યારે પણ રોશનીએ મને પ્રવીણની આવેલી રિક્વેસ્ટને મેસેજ ની વાત કહી અને કહ્યું કે તેના દિલમાં પણ પ્રવીણ પ્રત્યે લાગણી છે. તેને પણ પ્રવીણ પહેલી નજરમાં ગમી ગયો હતો. એટલે તેને ઉત્સાહમાં રિક્વેસ્ટ પણ એક્સેપ્ટ કરી લીધી. અને તેના મેસેજ ના વળતા જવાબમાં hi પણ લખીને મોકલી દીધું.
નીતા:- અરે! આટલી ઉતાવળ કેમ કરે છે પેલા જાણવા તો દે કે આ પ્રવીણ કેવો માણસ છે.
રોશની:- હા પણ એ જાણવા માટે જ મેં એની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી છે. પ્રેમની શરૂઆત જ એક સારી મિત્રતા થી થાય છે. એક મિત્ર બનીને હું એને પેહલા ઓળખવા માંગુ છું પછી જ યોગ્ય હશે તો જ પ્રેમમાં આગળ વધીશ..
ક્રમશ...