મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે ઝંખના બાળકને એડોપ્ટ કરવાનો વિચાર છોડી દે છે. પણ એ થોડા દિવસથી એની આજુબાજુ અલગ અલગ રીતે મા અને બાળકના અતૂટ પ્રેમની લાગણીઓ જોવા મળે છે. અને એના મનમાં માં બનવાની ઈચ્છા જાગૃત થાય છે. એવુ નથી કે ઝંખનાને અચાનક આવી ઈચ્છા થાય છે. માતૃત્વ એ દરેક સ્ત્રીમાં બાળપણથી જોવા મળે છે. દરેક સ્ત્રીમાં એક માતા છૂપાયેલી હોય છે. બાળપણમાં જ્યારે એ એની ઢીંગલીને એના બાળકની જેમ રમાડે છે. ત્યારથી જ એનામાં માતૃત્વના બીજ રોપાય ગયા હોય છે. પછી સમજદારી આવતા જે એ એના નાના ભાઈ બહેનની કાળજી લે છે. એને જે રીતે સંભાળે છે. એ પણ એક માતાની જ નિશાની હોય છે. મારા વિચારથી તો ફક્ત પોતાના દ્વારા બાળકને જન્મ આપવો એ જ માતા નથી. પરંતુ બાળકને સાચા ખોટાનુ શિક્ષણ આપવુ. એનામા સારા સંસ્કાર સીંચવા, એને દુનિયાદારી વિશે અવગત કરાવવુ.એ પણ એક માતૃત્વની જ નિશાની છે. પછી એ બહેન, કાકી, મારી, માસી, ફોઈ કોઈ પણ હોય એ પણ એક મા સમાન જ છે. પણ દરેક સ્ત્રીની એવી ઈચ્છા હોય કે પોતાના શરીરમાં એક નવા જીવને ઉછેરે એને એની અંદર મેહસુસ કરે. એના થકી એક નવુ સર્જન કરે. ઝંખના પણ એ જ એહસાસને મેહસુસ કરવા માંગે છે. એના મનમાં ઘરબાયેલી એ ઇચ્છા એની ફોઈના કહેવાથી અને આજુબાજુની પરિસ્થિતિથી બળવતર બને છે. અને એ એક ખૂબ જ આશ્ચર્યજનક નિર્ણય લે છે. હા એ IVF પધ્ધતિથી બાળકને જન્મ આપવાનો નિર્ણય લે છે. એ એના આ નિર્ણયને સૌથી પહેલા અરમાનને કહે છે. હવે જોઈશુ આગળ શુ થાય છે.
** ** **
ઝંખના જ્યારે અરમાનને કહે છે કે એ IVF પધ્ધતિથી માં બનવા માંગે છે. ત્યારે અરમાન એકદમ શોક્ડ થઈ જાય છે. થોડીવાર પછી સ્વસ્થ થતા એ ઝંખના ને કહે છે.
અરમાન : તુ જાણે છે તુ શુ કહે છે !!
ઝંખના : હા અરમાન હું જાણું છું હું શું કહું છું. અને હું એ પણ જાણું છું કે આ ખૂબ જ પડકાર જનક નિર્ણય છે.
અરમાન : ઝંખના હુ સમજુ છું તારી વાત. પણ આ ખૂબ જ મોટુ ડીસીઝન છે. આનાથી તારી જીંદગી ઉથલ પાથલ થઈ શકે છે. તને ખબર પણ છે એના વિશે. કેમ કે મને આના વિશે વધારે કંઈ ખબર નથી. પણ એટલુ ખબર છે કે જે કપલને બાળક થવામાં પ્રોબ્લેમ હોય એ આ ટેકનિકથી બાળક મેળવી શકે છે.
ઝંખના : હું જાણુ છું આ. અને મે ગુગલ પર આના વિશે બધી માહિતી પણ મેળવી છે. Infact મને એ પણ જાણવા મળ્યુ છે કે વિદેશોમાં કેટલીક કુંવારી યુવતીઓએ પણ આજ રીતે બેબી મેળવ્યુ છે.
અરમાન : હમ્મ..
ઝંખના : શું હમ્મ.. કંઈક તો બોલ.
અરમાન : શુ બોલુ યાર.. તે તો મને 440નો ઝટકો આપ્યો છે. તો એને પચાવતા થોડી વાર તો લાગે ને.
ઝંખના : તો શું મારો આ નિર્ણય ખોટો છે ?
અરમાન : હું ક્યાં એવુ કહું છું કે તુ ખોટી છે. બસ મારા માટે આ નવુ છે એટલે હું કંઈ વિચારી નથી શકતો.
ઝંખના : હા તો હું તો જાણે ઘણીવાર આવુ કરતી આવી છું. મારે માટે પણ આ બધુ નવું જ છે.
અરમાન : અરે અરે.. હું એવુ નથી કેહતો બાબા.. સારુ ચલ પહેલા એ કહે મમ્મીને કેવી રીતે કેહશે.
ઝંખના : એ જ તો ટેન્શન છે. મમ્મીને કેવી રીતે કહીશ.
અરમાન : મારી માને તો પહેલા તુ બધી રીતે આની તપાસ કર બધુ સમજાય પછી જ તારી મમ્મીને કેહજે.
ઝંખના : હમ્મ.. હું પણ એવુ જ વિચારુ છું.
અરમાન : સારુ તું ટેન્શન ના લે. બધુ બરાબર થઈ જશે. હવે ઘણુ મોડુ થઈ ગયુ છે. તુ સૂઈ જા.
ઝંખના : હા.. સોરી મે તને પાછો હેરાન કર્યો. હવે તુ પણ સૂઈ જા..
અરમાન : ઓહઓઓ.. sorry !! તો પછી thank u પણ કહી દે. તને આટલી સહન જો કરી.
ઝંખના : કેમ આવુ કહે છે !!
અરમાન : તો શું હું તારી સાથે એક ફ્રેન્ડ તરીકે વાત કરુ છું. અને તુ હજી પણ મને અજનબી જ માને છે.
ઝંખના : ના હવે એક તુ જ તો છે જેને હું મનથી મારો દોસ્ત માનુ છું. જેની સાથે હું મારા મનની બધી જ વાત કરી શકુ છું.
અરમાન : તો પછી આ sorry & thank you ની formalities કેમ ? હું તને દોસ્ત કહું છું કેમ કે હુ દોસ્ત માનુ છું. બાકી ટાઈમપાસ કે મજા માટે હું કોઈને દોસ્ત બનાવતો નથી.
ઝંખના : ઓફઓઓ બાબા.. સારુ હવે no sorry.. no thank you.. ચાલ હવે સૂઈ જા.. good night..
અરમાન : that's like my friend's.. Good night..
બીજે દિવસે ઝંખના ઓફિસમાં બેઠા બઠા એના નિર્ણય વિશે વિચારે છે. અને થોડો વિચાર કરતા એ થોડી મૂંઝવણ માં આવી જાય છે. પછી વિચારે છે કે રાતે અરમાન સાથે વાત કરી આનુ સોલ્યુશન લાવીશ.અને એ કામ પર લાગે છે.
રાતે જમી પરવારીને એ મમ્મી સાથે બેસીને ટી.વી. જોતી હોય છે. ઘણા સમયથી આ બધી વાતોમાં એ મમ્મી સાથે સારી રીતે વાત નથી કરી શકી હતી. પણ અરમાનના એના જીવનમાં આવવાથી એ થોડી ખૂશ રેહતી હોય છે. એની મમ્મી પણ આ વાત નોટીસ કરે છે. પણ ઘણા સમય પછી એની દિકરીના ચેહરા પર ખુશી અને શુકુન જોવા મળે છે. એટલે એ પણ વધારે કંઈ પૂછતી નથી. આજે પણ બંને મા દિકરી ખૂબ વાતો કરે છે. લતાબેન એના નાનપણના કિસ્સા કહે છે. ટી. વી. પર આવતા કૉમેડી શો જોઈને બંને હસી હસીને લોટપોટ થઈ જાય છે.
આ બાજુ ઝંખનાને આટલા મેસેજ કરવા છતા પણ એના તરફથી કોઈ મેસેજ ના આવતા એ બેચેન બની જાય છે. આટલા દિવસથી એની સાથે રોજ વાતો કરતો હોય છે એટલે જાણે એની આદત પડી જાય છે. જ્યાં સુધી ઝંખના સાથે વાત ના થાય ત્યા સુધી એને ચેન નથી પડતો. છેલ્લે એનાથી રેહવાતુ નથી અને એ ઝંખનાને ફોન કરે છે.
રીંગ વાગતા ઝંખનાનુ ધ્યાન એના ફોન પર જાય છે. ડિસ્પ્લે પર અરમાનનુ નામ દેખાતા ઝંખના વિચારે છે કે અરે આજે અરમાનને મેસેજ જ ના થયો. અને એ ફોન લઈને એના રૂમમાં જાય છે.
ઝંખના : hello Armaan.. h r u.. ?
અરમાન : hello.. i'm fine.. તુ કેમ છે ? ક્યારનો મેસેજ કરુ છું પણ તારો કોઈ રિપ્લાય જ ના આવ્યો. એટલે પછી મારે કોલ જ કરવો પડ્યો.
ઝંખના : અરે.. અરે.. બસ બસ.. હું એકદમ મજામાં છું. બસ મમ્મી સાથે બેસેલી હતી તો ફોન પર ધ્યાન જ ના ગયુ.
અરમાન : ઓહ.. આ વાત છે !! આ તો ખાલી તારી ફીકર થતી હતી એટલે ફોન કર્યો. સારુ તુ તારી મમ્મી સાથે ટાઈમ સ્પેન્ડ કર. આપણે પછી વાત કરીશું.
ઝંખના : ના ના એવુ નથી. અમે તો બસ ટી.વી. જોતા હતા. અને હવે તો મમ્મીનો સૂવાનો પણ સમય થઈ ગયો છે તો એ સૂવા પણ ચાલ્યા ગયા. તુ બોલ શું કેહતો હતો.
અરમાન : બસ આમ જ ફોન કર્યો છે. તુ બોલ શું ચાલે છે. પછી શું વિચાર્યુ.
ઝંખના : હું તને ફોન કરવાની જ હતી. મે એના વિશે ઘણુ વિચાર્યુ અને હું sure છું મારા આ નિર્ણયથી. બસ થોડી મૂંઝવણ છે.
અરમાન : શું મૂંઝવણ છે ?
ઝંખના : એમા એવુ છે કે હું અહી IVF ની ક્લીનીક પર તપાસ કરવા જવાનુ વિચારતી હતી. પણ અહી અમને બધા ઓળખે છે. અહી અમારા બધા સગા રહે છે. એટલે એક વાતનો ડર છે કે હું આવી કોઈ ક્લીનીક પર જાઉ અને કોઈ મને જુએ અને ખોટી ધારણા બાંધે એવુ હું નથી ઈચ્છતી.
અરમાન : પણ તુ તારા નિર્ણય પર અડગ છે પછી શા માટે ડરે છે ?
ઝંખના : ના એવુ નથી. પણ હું નથી ચાહતી કે જ્યા સુધી કોઈ ચોક્કસ રિઝલ્ટના આવે ત્યાં સુધી મમ્મીને કોઈ ખબર પડે. આમ આધી અધૂરી વાતો મમ્મીના કાને પડે અને અમારી વચ્ચે કોઈ ગેરસમજ ઊભી થાય જેનાથી અમારા સંબંધ માં કોઈ ખટાશ આવે. બસ બાકી મને કોઈ ફીકર નથી.
અરમાન : હા એ તો છે. જો મારી વાત યોગ્ય લાગે તો એક આઈડીયા આપુ ?
ઝંખના : હા બોલ ને.
અરમાન : હું કહું છું કે તુ અહી મુંબઈ આવી જા. અહી સારી ફેસીલીટી મળશે અને અહી તને કોઈ ઓળખતુ નથી તો કોઈ પ્રોબ્લેમ પણ નહી આવે.
ઝંખના : હા પણ..
અરમાન : જો તને મારા પર વિશ્વાસ હોય તો.
ઝંખના : તારી પર વિશ્વાસ છે જ નહી તો હું મારી પ્રોબ્લેમ તારી સાથે સેર કરુ !! પણ મને સવાલ એ થાય છે કે મારી મમ્મીને શું કહીશ. કે મુંબઈ શા માટે જાઉ છું.
અરમાન : સિમ્પલ.. કેહજે કે એક જરૂરી કામ માટે જાઉ છું. અને આ પણ તો તારા માટે જરૂરી જ છે ને.
ઝંખના : હા વાત તો તારી સાચી છે. સારુ હું મમ્મી સાથે વાત કરીને તને કહુ પછી.
અરમાન : હા.. તુ અહી આવ હું તારી સાથે આવીશ. ત્યા તપાસ કરવા માટે. ચાલ હવે bye good night..
ઝંખના : bye.. good night..
સવારે ઝંખના એની મમ્મી સાથે વાત કરે છે. એની મમ્મી પણ વધારે પૂછપરછ નથી કરતી. અને ઝંખના રિલેક્સ થઈ ને ઓફિસ જાય છે. ત્યા જઈ એ અરમાનને મેસેજ કરીને એની મમ્મી સાથે વાત થઈ ગઈ છે એ જણાવે છે. અને બંનેને ફાવે એ રીતે ડેટ નક્કી કરીને બોસ પાસેથી લીવ પણ લઈ લે છે.
આ સમય દરમિયાન એ બંને વચ્ચે વાતો તો થયા જ કરે છે. અને એ સમય પણ આવી જાય છે જ્યારે બંને ફરીથી એકબીજાની સામે આવવાના છે. કાલે ઝંખના મુંબઈ જવાની હોય છે. ઝંખનાને એકદમ શાંતિ થાય છે.એને એવુ જ લાગે છે કે એકવાર મુંબઈ જશે પછી એની બધી પ્રોબ્લેમ દૂર થઈ જશે. પણ આપણાં નસીબમાં શું લખેલું હોય છે એ આપણે નથી જાણતાં. નિયતીએ આપણા વિશે શુ વિચાર્યુ હોય છે એ કોઈ નથી જાણી શકતુ..
** ** ** ** **
વધુ આગળના ભાગમાં..
મિત્રો આ ભાગ પસંદ આવ્યો હોય તો રીવ્યુ જરૂર આપજો..
✍Tinu Rathod - તમન્ના