"પ્રહલાદ અને હોલિકાની વાર્તા સાંભળીને ખુશ થયો? હવે તો દાદીનો પીછો છોડ!"
આઠ વર્ષનો પ્રહલાદ હંસી પડ્યો અને ઉલ્લાસથી બોલ્યો,
"દાદી તમને ખબર છેને કે મને હોળીની વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે."
પ્રેમીલાબેન નાનકડા પ્રહલાદને ખોળામાં લેતા વ્હાલ કર્યો અને સ્મિત કરતા બોલ્યા,
"હાં હાં, કેમ નહીં! તારો જન્મદિવસ અને હોળી એક જ છેને."
"અને એટલે મારુ નામ પ્રહલાદ છે."
"હાં મારા ચતુર રાજકુમાર! અને પ્રહલાદનો અર્થ શું છે?"
"આનંદકારક!" પ્રહલાદે ગર્વની સાથે જવાબ આપ્યો.
પૌત્ર અને દાદીની આ વાતચીત દર હોળીમાં થતી અને બન્ને એનો આનંદ લેતા. પણ હવે પ્રહલાદ મોટો થઈ રહ્યો હતો અને એના મનમાં ઘણા પ્રશ્ન ઉમળવા લાગ્યા હતા.
"દાદી, તમે હંમેશા કહો છોને, કે હોળીમાં આપણે બધાને માફ કરી દેવા જોઈએ."
"હાં, તો તેનું શું?"
"તો આ વખ્તે હોળી અને મારા જન્મદિવસની પાર્ટીમાં, તમે પ્રાજક્તા ફઈને આવવાની રજા આપશો?"
પ્રેમીલાબેન ચુપ થઈ ગયા. પ્રહલાદને ખોળામાંથી, નીચે ઉતારીને અંદર જતા રહ્યા. પ્રહલાદના પપ્પા, પ્રકાશ, આ બધુ જોઈ રહ્યા હતા. આજે નાની બહેન પ્રાજક્તાના લગ્નને બે વર્ષ થઈ ગયા હતા, પણ બાના પ્રાજક્તા સાથે આજ દિવસ સુધી અબોલા હતા. એણે કોઈ અપરાધ નહોતો કર્યો, ફક્ત લવ મેરેજ કર્યા હતા, પણ છોકરો બીજી જાતિનો હોવાથી, પ્રેમીલાબેને પ્રાજક્તાથી મોઢું ફેરવી લીધુ હતું.
આજે દાદી-પૌત્રની વાતો સાંભળીને પ્રકાશને એક વિચાર આવ્યો. એ હતાશ પ્રહલાદ પાસે ગયો અને એના માથે હાથ ફેરવતા કહ્યું,
"જો તું મારી મદદ કરીશ, તો આ વખ્તે તારો જન્મદિવસ ઉજવવા પ્રાજક્તા ફઈ આપણી સાથે હશે."
પ્રહલાદ ખીલી ઉઠ્યો. "ખરેખર પપ્પા?"
"હાં. પણ આ આપણું સિક્રેટ છે. દાદીને ન ખબર પડે, સમજ્યો?" પ્રહલાદે ખુશી ખુશી હામી ભરી.
પત્ની સરિતા સાથે ચર્ચા કર્યા પછી, નાની બહેન પ્રાજક્તાને ફોન કર્યો. થોડી ગપસપ કર્યા પછી, પ્રકાશ મુદ્દાની વાત ઉપર આવ્યો.
"પ્રાજક્તા, જો તને અને માયુરને વાંધો ન હોય, તો આ વખ્તે પ્રહલાદની ઈચ્છા છે કે હોળી અને તેનો જન્મદિવસ તારા ઘરે ઉજવીએ."
"એમાં વાંધો શેનો ભાઈ, ભત્રીજાની ઈચ્છા આંખ માથા પર. પણ બા મારે ત્યાં આવશે?"
"એ હું નથી જાણતો. પણ મને મારા દીકરાને એની ફઈના પ્રેમથી વંચિત નથી રાખવો."
પ્રાજક્તાએ ભાવુક થતા કહ્યું,
"મને પણ મારો ભત્રીજો ખૂબ વ્હાલો છે. તમે ચિંતા નહીં કરતા, હું બધી તૈયારી કરી રાખીશ."
પ્રકાશે એનો વિરોધ કરતા કહ્યું,
"તું ફક્ત કેકનો પ્રબંધ કરજે, બાકી બધુ હું અને સરિતા જોઈ લઈશું."
* * * * * * * * *
હોળીના એક દિવસ પહેલા પ્રહલાદ એક કાર્ડ ઉપર ચિત્ર બનાવી રહ્યો હતો. પ્રેમીલાબેને તેમાં ડોકિયું કરતા પૂછ્યું,
"પ્રહલાદ, આ શું કરી રહ્યો છે?"
પોતાનું કામ અટકાવ્યા વગર અને માથું ઊંચું કર્યા વગર, પ્રહલાદે જવાબ આપ્યો,
"ફઈ માટે કોંગ્રેચ્યુલેશન કાર્ડ બનાવી રહ્યો છું?"
"કોણ ફઈ?"
"પ્રાજક્તા ફઈ."
પ્રેમીલાબેનની જિજ્ઞાસા વધી અને એણે બીજો પશ્ન પૂછ્યો,
"શેનું કોંગ્રેચ્યુલેશન?"
"પ્રાજક્તા ફઈના ઘરે બેબી આવવાનું છે અને હવે હું મોટો ભાઈ બનવાનો છું."
પ્રકાશ સોફા પર બેઠા બેઠા મનમાં એના દીકરાને શાબાશી આપી રહ્યો હતો. આજે એનો દીકરો તૂટેલા સંબંધોને જોડવવામાં એક મોટો ભાગ ભજવી રહ્યો હતો.
પ્રેમીલાબેન પ્રકાશ સામે જોઇને ફરિયાદના સ્વરે પૂછ્યું,
"પ્રકાશ, આ પ્રહલાદ શું બોલી રહ્યો છે? મને કેમ કોઈએ જાણ ન કરી?"
પ્રકાશે છાપું બંધ કર્યું અને ઉભા થતા આકસ્મિક રીતે જવાબ આપ્યો,
"હાં, કદાચ તમને કહેવાનું ભુલાઈ ગયું."
પ્રકાશ અંદર જવા લાગ્યો, પણ એક મિનિટ માટે ફર્યો અને પ્રેમીલાબેનની સામે જોઈ ને કહ્યું,
"અરે હાં બા, સારું યાદ આવ્યું. આ વખ્તે, હોળી અને પ્રહલાદનો જન્મદિવસ પ્રાજક્તાને ઘરે ઉજવવાનું રાખ્યું છે. પ્રાજક્તાની એવી ઈચ્છા હતી. એ બહાને અમે પ્રાજક્તાને શુભેચ્છાઓ પણ આપી દઈશું. સોરી, કાલે તમે ઘરે એકલા હશો. ફિકર નહીં કરો, તમારા માટે રસોઈ કરીને જઈશું."
મનમાં હંસી ફૂટી રહી હતી, પણ પ્રકાશ ગંભીર હોવાનો મુખોટો ચહેરા પર રાખીને અંદર જતો રહ્યો.
સિદ્ધાંત અને દીકરીના પ્રેમ વચ્ચે ફસાયેલા પ્રેમીલાબેને આખી રાત પડખા ફેરવ્યા કર્યા. વ્હેલી સવારે છ વાગે તૈયાર થઈને હોલમાં બેસી ગયા, કે ક્યાંય કોઈ એમને મૂકીને ન જતું રહે.
જ્યારે પ્રકાશ બેડરૂમમાંથી બહાર આવ્યો, તો એને જરા પણ આશ્ચર્ય ન થયું. બધું એની અપેક્ષા અને યોજના મુજબ થઈ રહ્યું હતું. પણ પ્રેમીલાબેનને તૈયાર જોઈને ઢોંગ કર્યો અન અચંબીત સ્વરે પૂછ્યું,
"અરે બા, સવાર સવારમાં તમે ક્યાં ચાલ્યા?"
પ્રેમીલાબેન તાવમાં બેઠા હતા અને તીખા સ્વરે બોલ્યા,
"તને શરમ ન આવી, માને મૂકીને હાલ્યો દીકરાનો જન્મદિવસ ઉજવવા! હું પણ સાથે આવું છું. તને ખબર છેને, કે પ્રહલાદ મારા વગર કેક નથી કાપતો."
પ્રકાશ હંસી દબાવતા બોલ્યો,
"પણ પાર્ટી પ્રાજક્તાના ઘરે છે. અને તમે પ્રાજક્તા સાથે વાત નથી...."
"મને નહીં શીખવાળ! મને ખબર છે હું શું કરી રહી છું."
પ્રકાશના મોઢા પર સ્મિત છવાઈ ગયું. પાસે આવીને માના ખભા પર હાથ મુક્યો અને ચુપચાપ એમની સામે જોતો રહ્યો. પ્રેમીલાબેન નરમ પડી ગયા અને આંખમાંથી આંસુ જવા લાગ્યા.
"બેટા, હવે હું કેટલું જીવીશ? જેટલું જીવી લીધું, એટલું તો નહીં જીવુંને?"
"બા! તમને મારી ઉંમર લાગી જાય."
"એ પ્રહલાદ માટે રહેવા દે."
પ્રેમીલાબેન ફર્યા અને પ્રકાશ સામે જોઇને સ્મિત કર્યું,
"પ્રકાશ, અસલ કરતા સુદ વધારે વ્હાલું હોય છે. તમે બધા પ્રાજક્તાને શુભેચ્છાઓ આપજો અને હું એને સરપ્રાઈઝ આપીશ."
શમીમ મર્ચન્ટ, મુંબઈ
______________________________________