Featured Books
શ્રેણી
શેયર કરો

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ-૮ )

વહેલી સવારે બધા મીઠી નીંદરનો આનંદ માણી રહ્યા હતા . કદાચ આખા વીતેલા દિવસનો સૌથી આનંદમય સમય હતો આ . બાબુકાકા પોતાના રોજિંદા સમયે વહેલા ૪:૦૦-૪:૩૦ ની આજુબાજુ ઉઠી ગયા હતા . આજની પરોઢ પ્રમાણમાં વધુ ઠંડી જણાઈ તેથી ઠંડીના લીધે જ કદાચ કુતરાઓ ભસતા હતા . દાંતણ વગેરે પતાવી સ્નાન કરવા જતા હતા ત્યારે કુતરાઓનો અવાજ ખૂબ તીવ્ર અને નજીકથી આવવા લાગ્યો . ઘણીવાર અજાણ્યા માણસો કે જંગલી પશુને જોઈને કુતરાઓ ભસતા , તેથી બહાર શુ બની રહ્યું છે એ જોવા બાબુકાકા બહાર નીકળ્યા અને બલ્બ ચાલુ કર્યો . ગોળાના પીળા પ્રકાશમાં જીપની આજુબાજુ કૈક હિલચાલ દેખાઈ . એમને કૈક ગડબડ દેખાતા હાથમાં ધોકો લઈને આગળ વધવા લાગ્યા .
" કોણ છે ત્યાં ... !?? હું પૂછું છુ કોણ છે ત્યાં ...બહાર નીકળો ...કોણ છે ત્યાં જીપ પાછળ ...!!?" બાબુકાકા ઝડપથી જીપ તરફ આગળ વધી રહ્યા હતા .
હવે બાબુકાકા જીપને એકદમ અડીને ઉભા હતા અને જીપની પાછળ કોઈ ઉભું હતું ..કદાચ માણસ કે કોઈ પશુ . બાબુકાકા હળવેક થી બીજી તરફ જોવા આગળ વધે છે ત્યાં ' સટાક.... ' અવાજ સાથે કોઈ ભારે વસ્તુ એમના માથે અથડાય છે અને ' હે..રામ....' ચીસ પાડીને નીચે પટકાય છે .આંખ આગળ અંધારા આવી જાય છે . આંખ બંધ થતા પહેલા બે કાળા બુકાનીધારી ચહેરા દિવાલ કૂદીને ભાગતા દેખાય છે . બાબુકાકા બેહોશ થઈને ત્યાંજ ઢળી જાય છે .
બાબુકાકાની ચીસ સાંભળી લગભગ ઘરના બધા જાગી ગયા હતા. બાબુકાકાનો અવાજ સાંભળી સૌ કોઈ એમને અહીં ત્યાં ગોતવા લાગ્યા . બગીચાની લાઈટ ચાલુ જોઈને સ્વાતિ બગીચામાં બાબુકાકાને ગોતવા લાગી . " બાબુકાકા....ઓ બાબુકાકા ...ક્યાં છો ... તમે ઠીક તો છો ...!!?" પણ બેહોશ થયેલા બાબુકાકા શુ જવાબ આપવાના હતા ...!
સ્વાતિ દૂરથી જીપ તરફ જોઈ રહી ..ત્યાં જીપ આગળ કાળી રેતીના ઢગલા જેમ કૈક પડેલું દેખાયું . નજીક જતા જણાયું કે એ તો પોતાના બાબુકાકા ... લાલ રંગે ભીંજાયેલા પડ્યા હતા . એમના માથા પર હમણાં જ વાગેલા ઘાનું રક્ત વહી રહ્યું હતું . ઘણુંખરું લોહી જમીન પર વહી ગયું હતું . આ જોઈને સ્વાતિએ પોતાના પિતાજી ને બૂમ પાડી ..
" પિતાજી...આ બાજુ ... ગાર્ડનમાં .... પાર્કિંગ પાસે ... જલ્દી આવો ..જલ્દી આવો .."
સ્વાતિએ તેમની નજીક બેસી ઘા તપાસ્યો .જેના પર કશુક ચોંટેલું હતું . ઘા સાફ કરીને વહેતા લોહીને રોકવા દુપટ્ટાથી માથા પર હળવું દબાણ આપ્યું . એટલી વારમાં ડૉ.રોય , મહેન્દ્રરાય અને બળવંતરાય પણ આવી ગયા . એમને ઉપાડીને ઘરમાં લઇ ગયા . ૧૦-૧૫ મિનિટ સુધી ઘા પર હળવું દબાણ આપી લોહી ધીમું થતા એના પર પાટા-પિંડી કરવામાં આવી . ખભેથી ધીમે-ધીમે હલાવીને એમને ભાનમાં લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો . લગભગ અડધી કલાકે બાબુકાકા ભાનમાં આવ્યા . કશુંક અસ્પષ્ટ બોલી રહ્યા હતા
" પેલા....પેલા ..કાળા .....પેલા કાળા કપડાં ...વાળા ..."
" હા બાબુકાકા ...પહેલા થોડો આરામ કરો ... પછી બીજું બધું ......." ,
" અને સ્વાતિ જલ્દી એક પેઇનકિલર લઇ આવ ..બાબુકાકાને આપી દે " ડૉ.રોયે કહ્યું
સ્વાતિ પેઇનકિલર લેવા જાય છે , બંને બાપા-દીકરો હળવેકથી બાબુકાકાને બેઠા કરે છે. સ્વાતિ પેઇનકિલર બાબુકાકાને આપી પૂછે છે
" વધારે દર્દ થતું હોય તો હોસ્પિટલ...."
"ના ..ના દિકરી ...હું ઠીક છુ . પણ પેલા બે કાળા કપડાં વાળા માણસો.... "
" ક્યાં માણસો ...?!" મહેન્દ્રરાયને અંદાજો આવતા પૂછ્યું
" અરે હુ જાગ્યો ત્યારે કૂતરા ભસતા હતા . અચાનક આપણા ઘરની બહાર તીવ્ર અવાજે ભસવા મંડ્યા . મને લાગ્યું કોઈ પ્રાણી કે ચોર હશે . બહાર નીકળીને જોયું તો જીપ પાસે કોઈક હતું . હું જોવા ગયો ...પાછળથી કોઈકે માર્યું ... આહહ...." અચાનક વાગ્યું છે એ યાદ આવતા બૂમ પડાઈ ગઈ
" પછી ..?"
" હું જમીન પર પડ્યો ..બેહોશ થયો એ પહેલા કાળા બુકાની બાંધેલા અને કાળા કપડાં વાળા બે માણસો દિવાલ કૂદીને ભાગ્યા " બાબુકકાએ વાત પુરી કરતા કહ્યું .
હવે વાતની ગંભીરતા જોઈને મહેન્દ્રરાયે પોતાની વાત કહી દીધી .કેવીરીતે પોતાને પેલો જ્યોતિષ મળ્યો . એજ જ્યોતિષ ફરી પોતાના સાગરીત સાથે ઉપરથી નીચે એકદમ કાળા બાબુકાકાએ કહ્યા એવાજ કાળા કપડામાં પીછો કરતા જોયા અને હવે તેઓ ઘર સુધી પહોંચી ગયા હતા .
વાત ગંભીર હતી . કદાચ કોઈક ખૂબ મોટું ષડયંત્ર રચાયેલું હોવું જોઈએ . એમાં સીધી કે આડકચરી રીતે ડૉક્ટર અને મુખીના પરિવારની સંડોવણી થયેલી હતી . આજે જે ટોળકીએ પીછો કરી ઘર સુધી આવવાની હિમ્મત કરી હતી. સમય થયે એ ટોળકી પોતાનો હેતુ સિદ્ધ કરવા શસ્ત્રો વડે હુમલો કરતા પણ ખચકાશે નહીં એ વાત સોના જેવી શુદ્ધ હતી .અને ડૉક્ટરનું ઘર સલામત નથી તો કદાચ મુખીનું ઘર પણ સલામત ના હોય એવું બને . આજની ઘટના પછી બે વાત નક્કી કરાઈ હતી .
પહેલી વાત કે સવાર પડ્યે પહેલું કામ પોલીસ સ્ટેશન જઈને સમગ્ર ઘટનાથી માહિતગાર કરવા .અને બીજું , મુખીના ઘરમાં કોઈ પુરુષ ના હોય અને તેઓ ગામના ધણી કહેવાય તો એમને અહીંનું કામ દિકરાને સોંપી ઘરે ચાલ્યા જવું .
હવે આ ઘટના પછી સુવાની વાત તો શુ કરવી ...!!? બધા તૈયાર થઈને બેઠા હતા . ત્યાં બાબુકાકા બોલ્યા
" હુ હવે ઠીક છુ ....ચાલો તમારા માટે કૈક નાસ્તો અને ચા બનાવી આપું "
મહામહેનતે એમને આરામ કરવા માટે મનાવ્યાં . સવારના ચા-નાસ્તાની સ્વૈચ્છિક જવાબદારી સ્વાતિએ સ્વીકારી . સ્વાતિના હાથના ગરમાંગરમ થેપલા અને ચાનું શિરામણ કરી ચારે જણા પોલીસ સ્ટેશન ચાલ્યા . ડૉ.રોય નો ડ્રાઈવર મુખી બળવંતરાયને મુકવા ઘરે જઈ રહ્યો હતો અને મહેન્દ્રરાય, સ્વાતિ અને ડૉ.રોય પોલીસ સ્ટેશન ગયા .
બળવંતરાયને લઈને ડૉ.રોયનો ડ્રાઈવર ગલીઓ ઓળંગતો આગળ વધી રહ્યો હતો . ત્યાં બળવંતરાય ટપાલપેટી જોઈને અચાનક બોલી ઉઠ્યા .
" ત્યાં આગળ રાખજેને એક ટપાલ નાખવી હતી .."
" મુખી સાહેબ , આટલી ટેકનોલોજીના જમાનામાં ટપાલ...!!?"
" હા , એ વાત સાચી ....પણ આપડે...આપડે આપણી જૂની પરંપરા ના ભૂલવી જોઈને ...એટલે ...!!"
" હા મુખી સાહેબ , એ વાત સાચી ..." મુખીએ પોતાનો ખુલાસો આપ્યો અને ડ્રાઈવરે એ માની પોતાનું ગાડી ચાલવાનું કામ ચાલુ રાખ્યું .
બીજી બાજુ ડૉ.રોય ,સ્વાતિ અને મહેન્દ્રરાય પોલીસ સ્ટેશન પહોંચ્યા . ત્રણ દાયકા પછી આજે ડૉ.રોયે ફરી પોલીસ સ્ટેશનમાં પગ મુક્યો હતો .લગભગ ત્રણ દાયકા પહેલા બનેલી ઘટના યાદ આવી રહી હતી .જ્યારે ડૉ.રોય આ પગથિયાં ચડીને આવતા ..રોજે આવતા....પોતાની મોનીના ભાળ મેળવવા ..કદાચ આજે કોઈ સમાચાર મળી જાય..લગભગ એક વર્ષે સુધી ચાલ્યો હશે આ ઘટનાક્રમ .... ધીમેધીમે આશાઓ ઓગળતી ગઈ પરંતુ પ્રેમ આજ સુધી નિરંતર વહે છે ....જાણે પવિત્ર ગંગા ....!
ત્રીસ વર્ષ પછી ઘણું બધું બદલાઈ ગયું હતું . હવે ધીમેધીમે ઘરમાં રેડિયોનું સ્થાન ટેલિવિઝન(ટીવી) અને ક્યાંય ક્યાંયતો કલર ટેલિવિઝન અને ચપટા ટીવી શોધાઇ ચુક્યા હતા . કમ્પ્યુટર જેવા વિશાળ રાક્ષસી યંત્રો શોધાઈ ચુક્યા હતા . પરંતુ પોલીસ સ્ટેશન એજ ખખડધંજ હાલતમાં અડીખમ ઉભું હતું . બસ ક્યાંક ક્યાંક સિમેન્ટના પોપડા ઉખડી ગયા હતા ...!! એજ ટેબલ અને એજ ખુરશીઓ હજી પણ પોતાની સેવા આપી રહી હતી . આખો સ્ટાફ બદલાઈ ગયો હતો .
મહેન્દ્રરાય આગળ અને પાછળ સ્વાતિ અને ડૉ.રોય આવી રહ્યા હતા . એક કોન્સ્ટેબલ આગળ જઈને મહેન્દ્રરાયે વાતની શરૂવાત કરી

" સાહેબને મળવું હોય તો ...!!?"
" સાહેબ નથી ..બહાર ગયા છે , તમે બોલો શુ કામ હતું ..?!" પોતાની રૂઢિગત તોછડાઈ ભરેલી ભાષામાં કહ્યું
"FIR લખાવવી હતી અને મદદ જોઈતી હતી "
" FIR ...?!!"એ કોન્સ્ટેબલે બીજા કોન્સ્ટેબલ સામે જોઈને થોડા મજાકના મુડમાં આવીને કહ્યું
" હા .."
" પણ થયું છે શુ ....!?? તમારા નાના-નાના પારિવારિક મુદ્દા માટે અમે નવરા નથી બેઠા " ડૉ.રૉય અને સ્વાતિ સામે જોતા કહ્યું વાતચીત સાંભળી PSI રાઘવકુમાર પટેલ પોતાના કેબીન માંથી બહાર નીકળ્યા . બધા કોન્સ્ટેબલ ઉભા થઈને સલામ આપી .
" શુ ચાલે છે આ બધું ...!?? એમને અંદર મોકલો ..!!" રાઘવકુમારે પોતાની કડક ભાષામાં આદેશ કર્યો .
ત્રણેય અંદર પ્રવેશ્યા
" બેસો..." પેલા સૌને બેસાડ્યા અને પછી ડૉ.રોયને પગે લાગતા રાઘવકુમાર બોલ્યા " કેમ છો ડૉ.કૃષ્ણકાંત રોય ...ઓળખ્યો કે...!!?" બધાના મોઢા પર પારાવાર આશ્ચર્ય આવી ગયુ . જે વ્યક્તિને મળવા થોડી વાર પહેલા આજીજી કરી રહ્યા હતા એ વ્યક્તિ ખુદ ડૉ.રોયને પગે લાગ્યા ...કેવી રીતે શક્ય હતું આ...!!?
" માફ કરજો સાહેબ તમને ઓળખ્યા નહીં ..." ડૉ.રોયે કહ્યું હજી એમનું મગજ ટેબલ પરનું નામ " રાઘવકુમાર કે પટેલ- પી.એસ.આઇ" ને ઓળખવા પ્રયત્નશીલ હતું .
" સાહેબ , હુ કોન્સ્ટેબલ રઘુ ...તમે મારા દિકરાની મફત સારવાર કરી હતી અને તે બચી ગયેલો ... યાદ આવ્યું ..!!? આજે એ પણ ડોક્ટર છે અને અમદાવાદમાં મફત સારવાર કરે છે ...!!"
" ઓહ ...રઘુ તું ...!!!! કોન્સ્ટેબલ રઘુ માંથી PSI રાઘવકુમાર ...!! ક્યાંથી ઓળખાય ...!?" ડૉ.રોયે આશ્ચર્યથી કહ્યું .
પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ બદલાઈ ગયો હતો , પરંતુ આ રાઘવે પોતાની મહેનત અને ઈમાનદારીથી કોન્સ્ટેબલ થી પી.એસ.આઇ સુધીની મુસાફરી કરી હતી . ત્રીસ દાયકા પહેલા એ વખતનો નિષ્ઠુર પી.એસ.આઇ લગભગ હજારો વખત ડૉ.રોયને પાછા કાઢતો , ગાળો ભાંડતો . આખો સ્ટાફ હસતો એમના પર , બસ માત્ર એ નફ્ફતને ખુસ રાખવા એની ખુશામત કરતો . બસ આ રઘુ ઉર્ફ પી.એસ.આઇ રાઘવકુમાર બહાર નીકળી સમજાવતા .
"સાહેબ , આવુ જ ચાલે છે અહીંયા તો ...! તમે ઘરે જાવ અને આરામ કરો , જેવા કોઈ સમાચાર મળશે તુરંત હુ પોતે તમને જણાવવા આવીશ ...!"
આજે એ વાત યાદ કરી બંનેને આંખોમાં અશ્રુ આવી ગયા .ડૉ.રોય અને મહેન્દ્રરાયની આખી વાત શબ્દસહ સાંભળી . નાનામાં નાની વાતની માહિતી મેળવી . અને જણાવ્યું
" આના માટે તમારા ઘર આગળ ચાર કોન્સ્ટેબલ ૨૪ કલાક રહે એવી વ્યવસ્થા કરાવી આપુ છુ , ગમે ત્યાં જવું હોય એ સાથે રહેશે "
" ખૂબ ખૂબ આભાર સાહેબ ..."
" ડૉ.રોય મહેરબાની કરીને રઘુ કહેશો તો વધુ ગમશે ..!"
" ઠીક છે રઘુ ..!!" ડૉ.રોયે ખચકાતા કહ્યું .
" પરંતુ જો એને ૪..૫ દિવસ કોઈ હિલચાલ નહીં દેખાય તો કોન્સ્ટેબલને ત્યાં વધુ નહી રોકી શકાય ..! "
" પછી ફરી હુમલો થયો તો ....!?" સ્વાતિથી અનાયાશે બોલાઈ જવાયું
" તો આપડે બીજું કૈક વિચારવું પડશે...!!" રાઘવકુમારે કહ્યું અને ઉમેર્યું " સાહેબ ઘણા સમય પછી મળ્યા .. આજનું રાત્રીનું ભોજન સાથે લઈએ એવો મારો ખાસ આગ્રહ છે ... ના નહીં કહો એવી આશા રાખું છુ .."
" ઠીક છે રઘુ રાત્રે મળીએ ..." કહીને ત્રણે ચાલ્યા ગયા .રાઘવકુમારે જતી વખતે પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું " કોઈ પણ કામ હોય બેજીજક ફોન કરજો "
સ્વાતિને ઘરે છોડીને ડૉ.રોય અને મહેન્દ્રરાય મેન્ટલ હોસ્પિટલ પહોંચ્યા . ત્યાં ડૉ.હેમાંજલી પેલા પાગલની સારવાર કરી રહ્યા હતા. એને ૨ હળવા શૉક આપી દેવાયા હતા , જેની કોઈજ અશર જણાઈ નહોતી . આથી ડૉ.હેમાંજલી પરેશાન હતા . ડૉ.રોય દવાખાને પહોંચ્યા ત્યારે જોયું કે ડૉ.હેમાંજલી પોતાની જ રાહ જોઈ રહ્યા હતા એમ લાગ્યું. આજે છેલ્લો શૉક આપવાનો હતો .. આજે એક છેલ્લી આશા હતી..એક છેલ્લી અપેક્ષા હતી પેલા પાગલને સાજો કરવાની ..પેલી ઘટના વિશે જાણવાની ...જેમ મૃગલાને આભાસી જળ મળી જવાની આશા હોય છે તેવી જ આશા મહેન્દ્રરાય અને ડૉ.રોયને હતી...જો આજે એને સારું ના થયું , તો પછી એને સાજો કરવો અશક્ય જેવું હતું પછી કોઈ દૈવી શક્તિ કે ચમત્કાર જ એને બચાવી શકે ...!!
સ્વાતિ જ આજે બપોરે જમવાનું બનાવવાની હતી. સ્વાતિ બગીચામાં ઉગેલી લીંબૂડી પાસે ગઈ જે બગીચો શરૂ થાય ત્યાંજ પાર્કિંગની બાજુમાં હતી . એની નજર કોઈ અજાણી વસ્તુ પર પડી . તે કોઈ પાકીટ હતું , કોઈ આદમી નું પાકીટ . એ લઈને અંદર આવી ગઈ . ઘરની બહાર બે કોન્સ્ટેબલ હાજર હતા , જેને સ્વાતિ એ આ પાકીટ સોંપી દીધુ અને પોતે પોતાના રસોઈ કામે વળગી .
કોન્સ્ટેબલે અંદર તપાસયું . થોડા કાગળિયા , થોડી રોકડ , ડ્રાઇવિંગ લાયસન્સ , આધારકાર્ડ વગેરે હતું . ડ્રાઇવિંગ લાયસન્સ પર જગતાપ રાઠોડ લખેલું હતું અને આધારકાર્ડ પર રઘુવીર સિંધિયા લખેલું હતું .
"કાલે દિવાલ કૂદીને ભાગતી વખતે અહીંયા પડી ગયેલું હોવું જોઈએ અને આ બેમાંથી કોઈ એક તો હાજર હોવો જ જોઈએ..." કોન્સ્ટેબલ ગપસપ ચલાવી રહ્યા હતા
આ વાતની જાણ રાઘવકુમારને કરવામાં આવી . તાત્કાલિક ધોરણે બધા પોલીસ સ્ટેશનમાં એ બંને શંકાસ્પદ માણસોની તસ્વીર મોકલવામાં આવી અને પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી . રાઘવકુમાર માટે એક સારા સમાચાર હતા . એક કડી તો મળી હતી જેનાથી તપાસ આગળ વધી શકે એમ હતું .
રાત્રે પી.એસ.આઈ રાઘવકુમાર જલ્દી ઘરે આવી ગયા હતા . પોતાની પત્નિને પકવાન રાંધવા કહી દેવાયું હતું અને પુત્રને રાત સુધીમાં જેમ બને એમ જલ્દી ઘરે આવી જવાના સમાચાર મોકલાવ્યા હતા . રાત થયે ડૉ.રોય , સ્વાતિ , મહેન્દ્રરાય સૌ કોઈ ત્રણ કોન્સ્ટેબલ સાથે આવી ગયા હતા . એક કોન્સ્ટેબલને ઘેર બાબુકાકા સાથે રખાયો હતો . ડૉ.રોય આવતા રાઘવકુમારની પત્નિ પણ એમને પગે લાગી , સ્વાતિ રાઘવકુમારની પત્નિ નિશાને રસોઈમાં મદદ કરવા લાગી . બહાર રાઘવકુમાર બંને મહેમાનો સાથે વાત કરી રહ્યા હતા .પેલી રાત્રીની આખી ઘટના મહેન્દ્રરાયે કહી સંભળાવી .
રાઘવકુમારે સલાહ આપી કે " સરકારી ખાતાના કામ પર વિશ્વાસ કરી શકાય નહીં , ગુનો થયા પછી ગુનેગારોને , હત્યા થયા પછી હત્યારાને અને ચોરી થયા પછી ચોરને ગોતે છે . પહેલા આના વિશે આશંકા હોવા છતાં પોલીસખાતામાં કામગીરી અકસ્માત પછી જ ચાલુ કરે છે ...તમે સમજો છો હું શુ કહી રહ્યો છુ ...!!??"
" હા , પરંતુ આનો ઉકેલ શુ ...?!" ડૉ.રોયે ચિંતા વ્યક્ત કરી .
" ઉકેલ છે ... જો મારુ માનો તો મારો એક મિત્ર છે , જેની પાસે સારું નેટવર્ક છે . વ્યવસાયથી એક પ્રાઇવેટ ડિટેક્ટર છે . મારુ માન રાખવા એ ગમે તે કરશે . જો તમે ઇચ્છતાં હોવ તો હુ એને આ શોધખોળ માં સમાવેશ કરવા ઇચ્છુ છુ ..." .
" અમને કશી તકલીફ નથી , પરંતુ આ પગલાંને લીધે અમારા પરિવારને કશું થવું ના જોઈએ " ડૉ.રોયે શંકા સાથે કહ્યું
" એના માટેની વ્યવસ્થા થઈ જશે ... ફરી એકવાર તમારા ઘરમાં તોડફોડ થશે જે આપડી યોજનાનો જ ભાગ હશે ...જેથી કોન્સ્ટેબલને વધુ સમય તમારા માટે તૈનાત રાખી શકાશે " રાઘવકુમારે પોતાનો અનુભવ લગાવ્યા .
" અને ખાસ વાત , આ આખી યોજના કે મિશનને હું સત્તાવાર રીતે કે જાહેરમાં સાથ આપીશ નહીં . જરૂર પડ્યે ઉપર દેખાડવા માટે તમારા માંથી કોઈને કદાચ એરેસ્ટ પણ કરવા પડે ..." રાઘવકુમારે ચેતવણી આપતા કહ્યું . હાલના તબક્કે પેલી ઘટના અને રહસ્યનો પર્દાફાશ જ સૌથી અગત્યના હોવાથી બધા યોજના માટે રાજી થયા .
આટલી વારમાં રાઘવકુમારનો પુત્ર જયેશ આવી ગયો . જે ખૂબ ચિંતિત દેખાયો . અચાનક પોતાના પિતાએ આટલી જલ્દી કેમ બોલાવ્યો હશે ...!?
" બેટા ... આમને પગે લાગ ... આજ છે ડૉ.રોય ..."
જયેશ ને ઘણીવાર એના પપ્પા દ્વારા આ નામ સાંભળવા મળ્યું હતું , પરંતુ આજે પ્રથમ વાર પ્રત્યેક્ષ મુલાકાત થઈ હતી . પોતાના પપ્પા એ કહેલું કે ડૉ.રોય જ ભગવાન રૂપે આવીને પોતાને બચાવી ગયા હતા . આજે જયેશને પ્રત્યેક ભગવાનની મુલાકાતનો અવસર મળ્યો હતો . આભાર વ્યક્ત કરીને ગમે ત્યારે ગમે તેવા કામ માટે તૈયારી બતાવી .
રાત્રે ભરપેટ જમીને વાતો કરીને ૧૦:૦૦ ની આજુબાજુ ડૉ.રોયે રજા માંગી . રાઘવકુમાર એમને દરવાજા સુધી વળાવવા ગયા . એક વિઝીટિંગ કાર્ડ હાથમાં આપીને કહ્યું
" કાલે સવારે ૯:૧૫ વાગ્યે ..."
મહેન્દ્રરાય જીપ હંકારી રહ્યો હતો , સ્વાતિ એની બાજુમાં બેઠી હતી . ડૉ.રોય પાછળ ત્રણ કોન્સ્ટેબલની બાજુમાં બેઠા બેઠા બંનેને નિહાળી રહ્યા હતા .એમનો હાથ રાઘવકુમારે આપેલા કાર્ડ પર પડી . એને વાંચવાનો પ્રયત્ન કર્યો
" મહેંદી સાડીનો શૉરૂમ ... પાનેતર ના સ્પેશિયાલિસ્ટ ...."
આ સાંભળી મહેન્દ્રરાયે બ્રેક પર એકદમ પગ દાબ્યો અને પૂછ્યું " સાડીના શૉરૂમ નું કાર્ડ કેમ આપ્યું હશે રાઘવકુમારે ..?"

(ક્રમશ )

તો કેવી ચાલી રહી છે તમારી સફર ...!?? સ્કેલેટન લેક એટલે કે હાડકાના તળાવ તરફની ...!!?? તમને લાગશે અહીંયા તો એવી કંઈ વાત જ નથી ... બરાબરને ...!?? તો દિલ થામ કે બેઢિયે એ સફર બહુત મજેદાર હોને વાલા હૈ . તમારી અત્યાર સુધીની સફર વિશે કોમેન્ટ માં અથવા મારા વોટ્સએપ પર 9601164756 પર આપી મને પ્રોત્સાહન આપી શકો છો . તમારો ખૂબ ખૂબ આભારી છું