પ્રેમના પત્રો - ભાગ - 2 Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમના પત્રો - ભાગ - 2

પ્રેમના પત્રો ભાગ-૨

નિખિલનો મસેજે સવારે રીડ થયો. જાહ્નવીએ મેસેજ જોઈ અંગૂઠાનું નિશાન મોકલ્યું હતું. નિખિલે વિચાર્યું હજુ તેને એ પત્ર વાંચ્યો નથી, એકાદ કલાક પછી જાહ્નવીએ મેસેજ કર્યો.
"હમણાં લેટર વાંચ્યો, તે સારું લખ્યું છે, પરંતુ હું તારી જેમ નહિ લખી શકું અને મને એમ લાગે છે આ થોડું વધારે થઇ રહ્યું છે. શું કામ જાણી જોઈને અંદરથી બધું ઉલેચવું છે ? પડી રહેવા દેને દિલની લાગણીઓને અંદર જ !!"
રાહ જોઇને બેઠેલા નિખિલે તરત જ જવાબ આપ્યો : "જાહ્નવી, જો મેં તને પહેલા જ કહ્યું હતું કે આ પ્રેમ પત્રોને આપણે આપણા પૂરતા જ સીમિત રાખવાના છે, એટલે તું કંઈપણ લખીશ મને ગમશે. અને તું જે કહું છું એ બધું જ મને માન્ય છે. આ આપણાં એક સંભારણા બનશે. જીવનભરના. જો એક વાત સમજી લે, મારી પાસે આજે તારા સિવાય બીજું કંઈજ નથી, જો તું આ પ્રેમપત્રો દ્વારા તારી વાતો લખીશ તો મારી પાસે આ એક અમૂલ્ય ખજાનો થઈ જશે. જેને હું હંમેશા વાંચતો રહીશ અને તને યાદ કરતો રહીશ."
જાહ્નવીએ પણ વિચાર્યું કે નિખિલ આટલો ઉત્સાહિત છે તો એને નિરાશ નથી કરવો અને એમ પણ નિખિલ ક્યારેય તેની પાસે કઈ માંગતો નહોતો. આજે પહેલીવાર તેને પ્રેમપત્રો લખવાનું કહ્યું છે તો એના માટે થઈને લખીશ.
નિખિલને જવાબ આપતાં કહ્યું "ઓકે નિખિલ, મને ટાઈમ મળે એટલે હું લખીશ."
જાહ્નવીનો જવાબ આવતાની સાથે જ નિખિલ ખુશીથી ઝૂમવા લાગ્યો. બસ હવે તેના પ્રેમ પત્રની રાહ જોઈને બેસી રહ્યો. જવાબમાં બ્લશ કરતા ઈમોજી મોકલી દીધા ને જાહ્નવીએ બાયનો જવાબ આપ્યો.
સતત બે દિવસ સુધી નિખિલ જાહ્નવીના લેટરની રાહ જોઇને બેઠો હતો. બંને વચ્ચે સામાન્ય વાતો તો થતી પરંતુ હજુ સુધી જાહ્નવીએ લેટર લખ્યો નહોતો, ના નિખિલે તેને પૂછ્યું કે ક્યારે લખીશ ? કારણ કે તે જાહ્નવીના સ્વભાવને પણ જાણતો હતો. ગુસ્સો તેના નાક ઉપર બેઠેલો રહેતો.
ત્રણ દિવસ બાદ નિખિલના ઇંતજારનો અંત આવ્યો. રાત્રે લગભગ 11.30ની આસપાસ જાહ્નવીએ લેટર મોકલ્યો. પહેલા તો લેટર વાંચ્યા વગર જ નિખિલે બ્લશનું ઈમોજી મોકલી આપ્યું. પછી બીજા મેસેજમાં જણાવ્યું કે વાંચીને જવાબ આપું.
નિખિલે પત્ર વાંચવાની શરૂઆત કરી....
ડિયર નિખિલ,
તું બહુ સારું લખે છે, તારા જેવું મને લખતા તો નહીં આવડે છતાં મેં તારા પત્રનો જવાબ આપવનો પૂરતો પ્રયત્ન કર્યો છે.
પહેલા તો તારા આ ચાર વર્ષના સાથ માટે તારો આભાર માનવો પણ મુશ્કેલ છે. ખોટું નહિ કહું. આજે હું જે પણ કઈ છું ફક્ત તારા કારણે. તું જેમ ચાર વર્ષ પહેલાં ઓનલાઈનની દુનિયામાં વીંટળાયેલો હતો એમ ત્યારે હું પણ ઓફલાઈન એકલતાના અંધકારમાં વ્યાપેલી હતી. મેં ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે એ અંધકારમાંથી બહાર લાવવા માટે કોઈ હાથ આવશે, અને એ હાથ તારો હતો અને આજે મારુ બદલાયેલું રૂપ તારી સામે છે. ઘણીવાર હું મારી જાતને જ પૂછી બેસું છું કે દુનિયામાં કોઈ વ્યક્તિ ખરેખર તારા જેવી હોય ખરી ? નિઃસ્વાર્થ ચાહનારી, કોઈપણ જાતની આશા રાખ્યા વગર પોતાનું સર્વસ્વ મારી પાછળ લૂંટાવી દેનારી ? પણ આંખો બંધ કરીને વિચારું છું ત્યારે મને એક તારો ચહેરો નજર આવે છે અને મારા સવાલોનો જવાબ મને તારામાં જ મળી આવે છે. તારા મને પામી લેવાના સપના જોઈને મને પણ ક્યારેક થઈ જાય છે કે હું બસ તારી અને તારી જ બની જાઉં. પરંતુ મજબૂરીએ મને બાંધી દીધી છે. હું ચાહવા છતાં પણ તને કઈ આપી શકું એમ નથી. જીવનમાં કદાચ એવો સમય ક્યારે આવશે એ પણ મને ખબર નથી અને એટલે જ મેં તને હંમેશા આગળ વધવાનું કહ્યું છે તે છતાં પણ તું રોકાઈ રહ્યો, ફક્ત મારા માટે. શું કામ કરે છે આવું ? નિખિલ હું તને કંઈજ આપી શકવાની નથી, ના પ્રેમ, ના સાથ ના બીજું કંઈ. તું બહુ જ સારો છે, સાચું કહું તો મને જેવા વ્યક્તિની જરૂર હતી તું સાવ એવો જ છે છતાં પણ હું તારી ક્યારેય નહીં બની શકું. તું તારા જીવનમાં આગળ વધીશ તો મને ગમશે, અને આ મિત્રતાનો સંબંધ તો કાયમ અકબંધ જ રહેવાનો છે.
હું જ્યારે જ્યારે તને મળું છું ત્યારે મને એક શાંતિનો અનુભવ થાય છે, એવું થાય છે જાણે હંમેશા તારી પાસે જ રોકાઈ જાઉં, પરંતુ એ શક્ય નથી બનતું અને સમય થતા મારે તારાથી ના ઇચ્છવા છતાં પણ છુટા પડવું પડે છે.
જ્યારે તું મને પહેલીવાર મળ્યો ત્યારે જ મેં તારી આંખોમાં મારા માટેનો પ્રેમ જોયો હતો અને આ પ્રેમ આજે 4 વર્ષ પછીની પણ દરેક મુલાકાતમાં નિહાળું છું. તારી સાથે જ્યારે પહેલીવાર વાત થઈ ત્યારે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ સાથ આટલો લાંબો ચાલશે, કારણ કે મેં પણ મારા જીવનમાં ઘણું બધું જોયું છે, ઘણા લોકો જોયા છે જે સાથ આપવાના વાયદાઓ તો કરે છે પરંતુ સાથ આપવાના સમયે જ દૂર ભાગતા હોય છે. પરંતુ તું એ બધાથી અલગ છે, તે જે કહ્યું હતું એ કરીને બતાવ્યું છે, અને જે નથી કહ્યું એ પણ તે કર્યું છે. છતાં પણ આપણે ક્યારેય એક નથી જ થઈ શકવાના.
બસ નિખિલ વધારે નહિ લખી શકું. પણ તને એટલું ચોક્કસ કહીશ કે મારી રાહ ના જોઈશ અને તારા જીવનમાં આગળ વધી જા. જિંદગીમાં કોઈના સહારાની જરૂર પડે જ છે. એક સ્ત્રી એકલી રહી શકે છે, પરંતુ એક પુરુષ માટે એકલા રહેવું ખૂબ જ મુશ્કેલ છે.
બસ એજ....
જાહ્નવી !!
નિખિલ ખૂબ જ આતુરતાથી પત્ર વાંચવા લાગ્યો. વાંચતા વાંચતા નિખિલના ચેહરા ઉપર બ્લશ પણ આવતું અને આંખોમાં પાણી પણ. પત્ર વાંચ્યા બાદ બેડમાં સુતા સુતા જ મોબાઈલ તેને પોતાની છાતી ઉપર જાહ્નવીની ખુલ્લી ચેટ સાથે જ મૂકી દીધો. જાણે જાહ્નવીને જ ગળે લાગવાતો હોય. પાંચેક મિનિટ પછી જાહ્નવીને થેંક્યું અને બ્લશ વાળું ઈમોજી સેન્ડ કર્યું. રાત્રીના 12 વાગ્યા હતા. જાહ્નવી સુઈ ગઈ હશે તેમ માની લીધું
નિખિલ હવે તેના પત્રનો જવાબ આપવા માટે વિચારી રહ્યો હતો. જાહ્નવીએ તો ખૂબ જ ટૂંકા પત્રની અંદર ઘણી મોટી વાત કહી દીધી અને તેને જીવનમાં આગળ વધવાનું પણ જણાવી દીધું. હવે તે કેવી રીતે જાહ્નવીને પોતાના પ્રેમ વિશે સમજાવે ? કેવી રીતે તેને જણાવે કે હું તારા વિના નહિ રહી શકું ? આ બધી જ મથામણ નિખિલના દિમાગમાં ચાલતી હતી અને અંતે તેને નક્કી કર્યું કે જાહ્નવીને જવાબ શું આપવો. આજે ઊંઘને પણ પરાસ્ત કરી અને નિખિલ શબ્દો સાથે રમવા બેસી ગયો !

(વધુ આવતા અંકે....)