પ્રેમના પત્રો - ભાગ - ૧ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમના પત્રો - ભાગ - ૧

પ્રેમના પત્રો... ભાગ -૧

"ઓય સાંભળને..
ચાલને આપણે પ્રેમ પત્રો લખીએ ?" નિખિલથી રહેવાયું નહિ એને તરત જ જાહ્નવીને મેસેજ કરીને પૂછી જ લીધું. દર વખતની જેમ જાહ્નવીએ પણ 2 કલાક બાદ નિખિલના મેસેજનો જવાબ આપ્યો.
"R u crazy ? આજના આ મોબાઈલના આધુનિક યુગમાં પ્રેમપત્રો કોણ લખે ? અને બીજી વાત હું તને હજુ પ્રેમ નથી કરતી, મેં તને કમિટમેન્ટ હજુ સુધી નથી આપ્યું, સમજ્યો ?"
જાહ્નવીનો મેસેજ આવતાની સાથે જ રાહ જોઇને બેઠેલા નિખિલે તરત જવાબ આપ્યો.
"જાહ્નવી તને લાગે છે કે આપણે કોઈ કમિટમેન્ટની જરૂર છે ? 4 વર્ષ વીતી ગયા છે, આપણે આટલા સમયમાં એકબીજાની ઘણા નજીક પણ આવ્યા છીએ અને દૂર પણ થયા છીએ, અને છતાં આજે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, પણ જવા દે એ બધી વાત, બધું જ તું જાણે છે, પરંતુ આ પ્રેમપત્રો એટલા માટે લખવા છે કે કાલે કદાચ આપણે સાથે હોઈએ કે ના હોઈએ, કદાચ તું આગળ વધી જાય કે પછી હું આગળ વધી જાઉં.. કદાચ હું પણ કાલે ના હોઉં.. તો આ પ્રેમપત્રો આપણી યાદગીરી બની રહેશે, જો તું લખવાની હા પાડીશ તો મને ગમશે. બાકી તારી ઈચ્છા."
નિખિલે મેસેજ મોકલ્યાના ૧૦ મિનિટ પછી પાછો જાહ્નવીનો મેસેજ આવ્યો. નિખિલ તેની ચેટ ઉપર જ તેના મેસેજની રાહ જોઈને બેસી રહ્યો હતો.
"ઓકે.. બટ મારે કરવાનું છે શું ? મતલબ કે કેવી રીતે પ્રેમપત્ર લખવાનો. મને એવું બધું આમ તો નથી આવડતું."
"તારે કઈ ખાસ નથી કરવાનું, બસ હું તને એક પત્ર લખીશ તારે એનો માત્ર જવાબ આપવાનો છે, અને આ પત્ર આપણે સાથે વિતાવેલા આ ચાર વર્ષોની જ કેટલીક વાતો હશે, જે તે મને નહિ કહી હોય, કેટલીક હું તને નહિ કહી શક્યો હોય" નિખિલે તરત જ જવાબ આપી દીધો.
જાહ્નવીએ પણ આ વખતે તરત જવાબ આપ્યો "ઓકે, હું ટ્રાય કરીશ, પણ જો મને નહિ ફાવે તું હું પછી આગળ નહિ લખું, અને હા, આ માત્ર લખવા માટે જ છે, એને લઈને પછી કોઈ ચર્ચા આપણે નથી કરવાની, અને ખાસ કે હું જે પણ કઈ લખું એને મારી હા પણ નથી સમજી લેવાની ઓકે ?"
નિખિલના ચેહરા ઉપર બ્લશ આવી ગયું, એ તો જાહ્નવીની દરેક વાત માનવા માટે તૈયાર જ બેઠો હતો.. એને ક્ષણવારનો પણ વિલંબ કર્યા વગર "ઓકે વાંધો નહિ અને Thank you so much"અને કેટલાક ખુશીઓ વાળા ઈમોજી સાથે જવાબ આપી દીધો.
જાહ્નવીએ પણ એક બ્લશ કરતું ઈમોજી પોસ્ટ કરી "Good night" કહી દીધું.
નિખિલને તો હવે જાહ્નવીનો જવાબ મળી ગયો હતો જેના કારણે તે જાણે એટલો ખુશ હતો કે જાહ્નવીએ તેના પ્રપોઝલને સ્વીકારી લીધું હોય, રાત્રીના ૧૧:૩૦ થયા હતાં, છતાં પણ નિખિલે લખવાનું શરૂ કર્યું. પહેલા દિવસનો પહેલો પ્રેમ પત્ર

જીવથી પણ વ્હાલી જાહ્નવી...
આ સંબોધન થોડું ચવાઈ ગયેલું લાગે, છતાં પણ મારા માટે તું આજ છે એટલે હું તને આ રીતે જ સંબોધીશ. પત્રની શરૂઆત ક્યાંથી કરું તેના વિશે છેલ્લા અડધા કલાકથી વિચારી રહ્યો છું, અને કંઈ ના સૂઝતા શરૂઆતથી જ શરૂઆત કરવાનું નક્કી કરી લીધું.
આપણી વાત થયાનો પહેલો દિવસ, તું કદાચ ભૂલી ગઈ હોઈશ પરંતુ મને બરાબર યાદ છે, તારી ક્રેન્ડ રિકવેસ્ટ સ્વીકાર્યાના કેટલાય દિવસ સુધી તો આપણે વાત જ નહોતી કરી, કારણ કે હું ત્યારે કોઈ બીજી વ્યક્તિની સાથે કમિટેડ હતો અને સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ, અઢળક મેસેજ, પોસ્ટ ઉપર હજારો કૉમેન્ટના જવાબ આપવામાં જ હું એટલો વ્યસ્ત રહેતો હતો કે તારા તરફ મારુ ધ્યાન જ ના ગયું, તું મને જાણવા માટે મને મેસેજ કરતી ત્યારે પણ હું બસ સામાન્ય જવાબ આપી અને વાત પૂર્ણ કરી દેતો. પછી એક એવો સમય આવ્યો કે મને પણ તારા વિશે જાણવાની ઈચ્છા થઈ, અને એ ઈચ્છા મને આજે અહીંયા સુધી લઈ આવી. છેલ્લા ચાર વર્ષમાં મારામાં ઘણાં બધાં બદલાવ આવી ગયા, સ્વાર્થના સંબંધો છૂટી ગયા, કોઈ વ્યક્તિ માટેનો મોહ જ મને ના રહ્યો, સોશિયલ મીડિયા તો હવે માત્ર કામ પૂરતું જ રહી ગયું. હવે બસ એક તારા માટે જીવવાનું ગમે છે, તારી સાથે જેટલી પણ વાત થઈ છે એ બધી જ ક્ષણો મને આજે પણ યાદ છે.
તને તો સરખું ફેસબુક પણ વાપરતા નહોતું આવડતું. તારા નાના નાના સવાલ અને જાણવાની ઈચ્છા, અધીરાઈ અને કઈ ના થાય ત્યારે તારા ચહેરા ઉપર આવેલી નિરાશા અને ગુસ્સો મને બહુ ગમતો. છતાં પણ હું તને શીખવવામાં જરા પણ હાર ના માનતો અને તારાથી એ ના થતું જ્યારે થઈ જતું ત્યારે તારા ચહેરા ઉપરની ખુશી મારો બધો જ થાક ઉતારી દેતી.
ધીમે ધીમે હું તારામાં ઢળતો ગયો, ખબર જ ના રહી મારી જૂની દુનિયા મારાથી કેવી રીતે છૂટી ગઈ, આજે મારી પાસે એક તારા સિવાય કંઈ જ નથી, દૂર દૂર સુધી બસ તું જ છું. છેલ્લા 4 વર્ષથી મારો આંખ ખુલવાની સાથે પહેલો મેસેજ તને અને આંખ બંધ થતાં પહેલાનો છેલ્લો મેસેજ પણ તને જ સેન્ડ થાય છે. એક સમયે મારા સોશિયલ મિડિયા ઉપર આવતી ઢગલા બંધ નોટિફિકેશન આજે એક તારા મેસેજ સિવાય બીજા કોઈની નથી હોતી.
જાહ્નવી આજે મને એમ લાગે છે કે તું મારી જગ્યાએ આવીને ઊભી રહી ગઈ છે. એક સમયે હું જેમ ઓનલાઈન લોકોના ટોળા વચ્ચે ઘેરાયેલો હતો, એમ આજે તું ઘેરાયેલી છે, આજે તારું એક આગવું નામ છે, હજારો લોકો તને પસંદ કરે છે, અને હું એ હજારો લોકોના ટોળાની બહાર દૂરથી તને જોતો એક માત્ર પ્રેક્ષક જેવો રહી ગયો છું. પરંતુ મને આ બધાની ખુશી છે. હું તને આજ જગ્યાએ જોવા માંગતો હતો. મને આજે તારા ઉપર ગર્વ થાય છે, ભલે હું તારાથી દૂર દેખાતો હોય, પરંતુ તું જ્યારે કોઈ મૂંઝવણમાં હોય છે ત્યારે તારી સૌથી નજીક પણ હું જ હોઉં છું. આજે પણ તારી પાસે એટલો હક છે કે તું ગમે ત્યારે કોઈ કારણથી કે કોઈ કારણ વગર પણ મને મેસેજ કે કોલ કરી શકે છે, જ્યારે તને એકલું વર્તાય ત્યારે તું મને મળી શકે છે અને હું એમાં પણ ખુશ છું.
આ સ્વાર્થી ઓનલાઈન દુનિયા કરતા તારા નિઃસ્વાર્થ પ્રેમની દુનિયામાં મને એકલા પણ રહેવું ગમે છે. પરંતુ જાહ્નવી શું હવે તને નથી લાગતું કે આપણે એક થઈ જવું જોઈએ ? હવે સમય સાથે રહેવાનો આવી ગયો છે. મને નથી ખબર તારા મનમાં શું ચાલી રહ્યું છે ? પરંતુ એટલું ચોક્કસ જાણું છું કે તું પણ મને પ્રેમ કરે છે, અઢળક, અનંત, નિઃસ્વાર્થ, અતૂટ. બસ તું કહી શકતી નથી. કેમ ? જવાબ તારી અંદર જ છુપાયેલો છે. થઈ શકે તો પત્ર દ્વારા તેને બહાર લાવજે.
લી. બસ તારો અને તારો.... નિખિલ

આખો પત્ર લખ્યા પછી નિખિલે પાંચ વખત તેને વાંચી લીધો. જાહ્નવીને સેન્ડ કરતા પહેલા પણ એક બે વાર ઉપરછલ્લી નજર નાખી લીધી. અને રાત્રે 3:30 વાગે પણ જાહ્નવીને સેન્ડ કરી દીધો. તેને ખબર હતી કે જાહ્નવી તો સુઈ ગઈ હશે, છતાં પણ તે વારંવાર જોતો રહ્યો કે મેસેજ રીડ થયો છે કે નહીં.
આંખોમાં ઊંઘ નહોતી છતાં સુવાનો પ્રયત્ન કરી અને નિખિલે બેડ ઉપર લંબાવ્યું.

(વધુ આવતા અંકે....)