Featured Books
શ્રેણી
શેયર કરો

કેરાલા પ્રવાસ 1997 - ભાગ 6 - છેલ્લો ભાગ

ભાગ 6

દિવસ 11

વહેલી સવારે ઠેક્કાડી પેરિયાર સેંકચ્યુઅરી માં હાથીઓ જોવા એસટી ડીપો પરથી 7.15ની સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ પકડી. ગામડાંઓ વટાવી એ અભયારણ્યથી  દૂર બસ ઉભે ત્યાંથી શેરિંગ ટેક્ષી કરી ત્યાં બપોરે 12 આસપાસ પહોંચ્યાં. ખૂબ ભીડ. ટિકિટ લઈ ફટાફટ એ રિસોર્ટ જેવું હતું તેના ક્વોલિટી વગરનાં અને મોંઘાં રેસ્ટોરાંમાં જમી બોટ રાઈડ પકડી. એક ડુંગર પર દૂર બે ચાર હાથીઓ ઉભા હતા તે દૂરથી દેખાયા.  એકાદ ઝાડની ડાળીઓ જેવાં શીંગડાંવાળું હરણ. બાકી ખાલી રાઈડ ગઈ. અભયારણ્યો માં આ જ જોખમ. નસીબ હોય તો જ જોવા મળે.

વળતાં રાત પડી ગઈ. કોટ્ટાયમ ની બસ અને ત્યાંથી એર્નાકુલમ ડેપોની બસમાં રાત્રે પરત.

દિવસ 12

આ ટિકિટ બીજા દિવસની કન્ફર્મ થતાં બોનસ દિવસ હતો. પેલી ખાડીની ધારે ધારે ફરવા નીકળ્યાં. હાવરા બ્રિજ જેવો કે એલિસબ્રિજ ના મોટાભાઈ જેવો બ્રિજ આવ્યો જ્યાં મલયાલી ફિલ્મનું શૂટિંગ થતું હતું. દર એક દોઢ મિનિટે  શૂટિંગ અટકાવી હિરોઇનનો મેકઅપ ઠીકઠાક કરાતો હતો. ડાયરેક્ટર મારી સામે હસ્યો. સફેદ મોટા પડદાથી સામેથી આવતી એક્સટ્રા લાઈટ દૂર કરી એને જ પરાવર્તિત કરી શૂટિંગ થતું હતું એ કોર્ડન કરેલા એરિયા પાર ફેંકાતી હતી. એકાદ મારામારીનો સીન હતો. મને મારા પુત્ર સાથે એ જોતાં ટોળાંમાં ઉભવા કહ્યું. અમારી પર પણ કેમેરો તો ફર્યો. એ ફિલ્મનું નામ યાદ રહે તેવું ન હતું. દેખાયો હોઈશ.

ત્યાંની બજારમાંથી કેટલીક વણજોઈતી ખરીદી કરી. તાજ હોટેલનાં શોપિંગ માંથી ડાયલ પર કૃષ્ણ અર્જુનના રથનાં ચિત્ર વાળી ષટકોણ ઘડિયાળ લીધી જે વર્ષો સુધી વાપરેલી. નજીકમાં એક બાગમાં મીની સિગ્નલોઅને મીની કાર જીપ જેવામાં બાળકોને ફેરવ્યાં.

સાંજે એર્નાકુલમ મહાલક્ષ્મી મંદિર જોયું. દેવદિવાળી હોઈ આખું મંદિર મોટી લટકતી પિત્તળની દીવીઓ, મોટા દંડ વાળાં અનેક વાટના દીવાઓ અને દરેક ગોખલે તેમ જ આખી કમાનો દિવાઓથી પ્રકાશિત હતી. ફુલના મોટા હાર મંદિરમાં લગાવેલા. માતાજીનો શણગાર મોટા હાર અને અલંકારોથી શોભતો હતો. અહીં પણ દર્શન કરવા પુરુષોએ ઉપરનું વસ્ત્ર કાઢી નાખી નીચે ધોતી પહેરીને જવું પડે છે. સ્ત્રીએ સાડી પહેરવી પડે અને સલવાર કુરતામાં હોય તો  કમર ઉપર વસ્ત્ર લપેટવું પડે છે.

દિવસ 13.

કોચીન રાજકોટ ટ્રેઇન એર્નાકુલમ આવી. ફર્સ્ટક્લાસ તો નહીં પણ 3 એસી માં ટિકિટ હતી. ચાર કલાકે પાલઘાટ કે પલક્કડ આવ્યું. પછી કોઈમ્બતુર, સાલેમ, પુના થઈ આ મુંબઈ વીટીની ટિકિટ હતી ત્યાં ઉતરી સેન્ટ્રલથી ગુજરાત મેઈલ પકડી. જ્યાં કેરાલામાં થોડો બફારો અને હૂંફ સાથે શિયાળુ ચોમાસું હતું  ત્યાં અમદાવાદ ઊતર્યાં તો ઠંડીનો ચમકારો. ઠુંઠવાતાં રીક્ષા પકડી અને LFC પૂરું. બેંકમાં લાબું લચ મુસાફરીનાં સ્ટેશનોનું લિસ્ટ બિલ પાસ કરાવવા મુક્યું અને હતા એ ના એ.

એ વખતની યાદોની મુસાફરી તમને કોઈને જવું હોય તો ઉપયોગી થશે અને વાંચીને આનંદ આવશે એમ ઇચ્છું.

-સુનીલ અંજારીયા